Dr.Hari Desai writes weekly column in Gujarat Samachar (London),
Sanj Samachar (Rajkot), Gujarat Guardian (Surat), Sardar Gurjari (Anand),
Hamlog (Patan) and Gandhinagar Samachar (Gandhinagar). You may read full
article and comment
લોકસભાની ચૂંટણી પૂર્વે રામમંદિર-આલાપના દૂરગામી સૂચિતાર્થો
ડૉ.હરિ દેસાઈ
·
ભાજપ લોકસભે બહુમતી
આવતાં જ અયોધ્યામાં રામમંદિર બાંધવા માટે કાયદો કરવાનું વચન આપી બેઠો હતો
·
કેન્દ્રની જીદથી
નાગરિકતા અંગેના સુધારા કરવાના પ્રતાપે ઇશાન ભારતનાં રાજ્યોમાં અગનજ્વાળા જેવી
સ્થિતિ
·
મોદી નાગપુરી નર્તન
કરવાનું પસંદ કરતા નથી એટલે લાગલગાટ બોલીને ગડકરી નવા વાઘા ચડાવવા ઉત્સુક
·
“અયોધ્યા મેં રામ, કિસાનોં
કો દામ,યુવાઓં કો કામ, વ્યાપારિયોં કો સન્માન” એ ડૉ.તોગડિયાના પક્ષના ચાર મુદ્દા
માથે લોકસભાની ચૂંટણી હોય અને ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના વડપણવાળી, એકલેહાથે
લોક્સભે બહુમતી ધરાવતી, સરકારની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના
સઘળા પરિવારમાંથી સાડા ચાર વર્ષના શાસન પછી એકાએક અયોધ્યામાં રામમંદિરનું કોરસગાન
શરૂ થાય એનો અર્થ સમજી શકાય છે. દાયકાઓથી રામને નામે મતનાં તરભાણાં ભરવા કાજે સોમનાથથી અયોધ્યા સહિતની રથયાત્રાઓ કાઢનાર ભાજપ
તો લોકસભે બહુમતી આવતાં જ અયોધ્યામાં રામમંદિર બાંધવા માટે કાયદો કરવાના વચનોની લહાણી કરી બેઠો હતો.મે ૨૦૧૪માં યોજાયેલી
લોકસભાની ચૂંટણીમાં ભલે માત્ર ૩૧ ટકા મત મળ્યા હોય પણ લોકપ્રિયતાના શૃંગ પર બેઠેલા
વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ૫૪૩માંથી ૨૮૨ બેઠકો સાથે કેન્દ્રમાં સત્તા
સંભાળી હતી. આજે સાથી પક્ષો વિખેરાવા માંડ્યા છે,પેટાચૂંટણીઓમાં ઉત્તર પ્રદેશના
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યમંત્રી ડૉ.દિનેશ શર્માની લોકસભા બેઠક પર
પણ પરાજય વહોરવો પડ્યો છે,પંજાબ, રાજસ્થાન,મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવાં રાજ્યોમાં કૉંગ્રેસ
સત્તારૂઢ બની છે. લોકસભામાં ભાજપની સભ્ય સંખ્યા ૨૮૨ને બદલે ઘટીને ૨૬૮થી ય નીચે
જતાં ગૃહમાં સાથીપક્ષોના ટેકે બહુમતી ટકી રહી છે.આવા સંજોગોમાં ચૂંટણીની વૈતરણી
તરવા માટે નવાં વચનોની લહાણી સાથે જ રામમંદિર અને પાકિસ્તાનના મુદ્દાની ધાર કાઢવાની શરૂઆત થઇ છે. ઈશુના નવા
વર્ષના પ્રારંભે જ વડાપ્રધાને અયોધ્યામાં રામમંદિર બાંધવા ઉતાવળ કરવા આગ્રહી
માતૃસંસ્થાને સુણાવતા હોય તેમ સુપ્રીમ કોર્ટમાં મામલો પડ્યો છે એટલે એના ચુકાદાની
રાહ જોઈશું,એવું કહેવાની સાથે જ ચુકાદા પછી વિચારીને અધ્યાદેશના સંકેત આપી સંઘને
રાજીનો રેડ કરી દીધો હતો.સંઘના “અધિકારીઓ” પોતાનો હરખ વ્યક્ત કરતાં નિવેદન
સત્તાવાર વેબસાઈટે મઢાવતા હતા!
છોરું કછોરું થાય પણ માવતર?
અપેક્ષિત હતું એ જ થયું.પ્રયાગમાં અર્ધકુંભમાં સંઘના સરકાર્યવાહ (મહામંત્રી)
ભૈયાજી જોશીએ વર્ષ ૨૦૨૫ સુધીમાં રામમંદિર
બાંધવાનું પૂરું કરવાનું કહ્યું એટલે કેન્દ્રની સંઘનિષ્ઠ સરકારને હાશકારો
થયો. અગાઉ તો વિશ્વ હિંદુ પરિષદ અને સંઘ પરિવારની સઘળી સંસ્થાઓએ જાણે એકાએક
રામમંદિરનો આલાપ આરંભ્યો એટલે એવું લાગતું હતું કે મોદી સરકાર ભીંસમાં છે. હકીકતમાં
આ બધું વ્યૂહના ભાગ રૂપે જ શરૂ થયું અને ટાઢું પડ્યું. જોકે સંઘ પરિવારને અંતરિયાળ
દ્રષ્ટિએ જાણનારા આ લેખક સહિતના સૌ કોઈને સુપેરે જાણ હતી કે ચૂંટણી પહેલાં મંદિર
નિર્માણની ઈંટ નહીં મૂકાય તો વિરોધ ઊઠવાની વાતો ઠાલીઠમ હતી.છોરું કછોરું થાય પણ
માવતર કમાવતર ના જ થાય.આમપણ, મોદી સરકાર સંઘના એજન્ડાને જ અનુકૂળતાએ લાગુ કરે છે.નાગપુર
મુખ્યાલય પણ સુપેરે જાણે છે કે એનો દબદબો કેન્દ્રમાં સરકાર હોવાને કારણે વધ્યો
છે.સત્તા વિનાના દિવસો અને સત્તાવાળા દિવસોમાં ઘણું અંતર છે.ઘણાબધા સ્વયંસેવકોને
નરેન્દ્રભાઈએ વિવિધ હોદ્દે નિયુક્ત કર્યા છે.રાજ્યે રાજ્યે સંઘનાં કાર્યાલયો અને
એનાં વિવિધ સંગઠનો માટેનાં કાર્યાલયો સત્તામાં સહભાગી હોવાની સ્વાભાવિક અનુભૂતિ
કરે છે.જોકે સત્તા આવે ત્યારે આપસી ખેંચતાણ પણ વધે.લાભાન્વિતોની સાથે જ અસંતુષ્ટો
પણ વધે.ફરીને સત્તામાં આવવા માટે સમગ્રપણે સંઘ પરિવારે મહેનત કરવી પડશે.કારણ હમણાં
ત્રણ મહત્વનાં રાજ્યોમાં સત્તા ગુમાવ્યા પછી ભાજપનો લોકપ્રિયતાનો ગ્રાફ અસ્તાચળે
હોવાનું અનુભવાઈ રહ્યું છે. આગામી ચૂંટણી પહેલાં વડાપ્રધાન નવી નવી યોજનાઓ અને
સવર્ણ આર્થિક અનામત સહિતનાં પગલાંનાં ઢોલ પીટવા માંડ્યા છે.સંઘ માતૃસંસ્થા છે એટલે
ભલે અમુક બાબતોમાં નારાજગી હોય,ભાજપને ફરી સત્તામાં લાવવા માટે બધું કરી છૂટશે.
બંધારણીય સંસ્થાઓની બદનક્ષી
યોજનાબદ્ધ રીતે બંધારણીય સંસ્થાઓના ગરિમાલોપની રીતસરની ઝુંબેશો ચલાવાઈ રહી છે.
ભાજપ સત્તારૂઢ હોવાને કારણે સુપ્રીમ કોર્ટના ચુકાદા વિશે કે ન્યાયાધીશો વિશે અમુક મર્યાદામાં રહીને
નિવેદનો કરે છે.જોકે સંઘ પરિવાર કે રામમંદિર ચળવળ સાથે સંકળાયેલા સંતો કે પ્રચારકોને
આવી કોઈ મર્યાદા નડતી નથી. શબરીમાલા પ્રકરણમાં મહિલાઓને દર્શનનો અધિકાર બક્ષતા
સુપ્રીમના ૪ વિરુદ્ધ ૧ ના ચુકાદાને પહેલાં
સંઘે આવકાર્યો, “યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા:”નો આલાપ કર્યો.એ પછી
કેરળમાં ભાજપને લાભ ખટાવવા માટે સુપ્રીમના ચુકાદાની વિરુદ્ધમાં જઈને જનાંદોલન
આદર્યું. વડાપ્રધાન મોદી પોતે જ જયારે શબરીમાલા ચુકાદાના અમલની વાત કરવાને બદલે
લઘુમતી ચુકાદો લખનાર મહિલા જજના ચુકાદાને વાંચવાની જાહેરમાં સલાહ આપે ત્યારે તો હદ
થાય છે. સીબીઆઇમાં આંતરકલહ અને અદાલતી વિવાદમાં સત્તાધીશોની સંડોવણી વરવાં દ્રશ્ય
સર્જે છે. ભાજપીનેતાઓ યશવંત સિંહા અને અરુણ શોરિ ઉપરાંત વરિષ્ઠ ધારાશાસ્ત્રી
પ્રશાંત ભૂષણ રાફેલ યુદ્ધવિમાન ખરીદી કાંડ અંગે સુપ્રીમે જાય અને સુપ્રીમે આપેલા
ચુકાદાને કેન્દ્ર સરકાર થકી કલીનચીટ ગણાવાય ત્યારે અનેક સુજ્ઞજનોને આશ્ચર્ય થાય
છે.માત્ર કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જ “ચોકીદાર ચોર હૈ”કહે એટલું જ નહીં, પ્રતિષ્ઠિત
અખબાર “ધ હિંદુ”ના સંચાલક અને વિશ્વવિખ્યાત પત્રકાર એન.રામ પણ રાફેલ વિમાન ૪૧ ટકા
મોંઘા દરે ખરીદવામાં આવ્યાની સ્ફોટક વાત પોતાના અખબારમાં પ્રકાશિત કરે છે, સત્તારૂઢ
ભાજપના જ સાંસદ ડૉ.સુબ્રમણિયન સ્વામી જેવા પ્રગટપણે સીબીઆઇમાંથી
રૂખસદ અપાયેલા નિયામક આલોક વર્માને પ્રામાણિક ગણાવે,વર્મા સામે ભ્રષ્ટાચારના
પુરાવા નહીં હોવાનું સુપ્રીમે તપાસમાં નિરીક્ષણ માટે નિયુક્ત કરેલા નિવૃત્ત જજ
પટનાઇક ખુલ્લેઆમ કહે છે, મોદી સરકાર નિયુક્ત ઊર્જિત પટેલે રિઝર્વ બેંકના ગવર્નર
તરીકે રાજીનામું આપ્યું ત્યારે નિયુક્ત કરાયેલા ગવર્નર શશિકાંત દાસને ભ્રષ્ટ
લેખાવે ત્યારે બંધારણીય સંસ્થાઓને કઈ હદે હલકી પાડવાના પ્રયાસો કેન્દ્ર થકી થઇ
રહ્યા છે તે સ્પષ્ટ થાય છે.
રાજ્યોમાં ભાજપ માટે પડકાર
દાયકાઓથી કેરળમાં સંઘના વિસ્તરતા જતા કામ છતાં ભાજપને વિધાનસભામાં કોઈ બેઠક
મળતી નહોતી.છેલ્લી ચૂંટણીમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના
અથાગ પ્રયત્નોના પ્રતાપે રોકડી એક બેઠક મળી.તમિલનાડુમાં પણ ભાજપ પ્રત્યે આભડછેટ
ચાલુ છે.માત્ર કન્યાકુમારી લોકસભા બેઠક મળે છે. કર્ણાટકમાં કૉંગ્રેસ અને જનતાદળ
(સેક્યુલર)ની સરકારને ગબડાવવાના ઉધામા નાકામયાબ નીવડ્યા છે. આંધ્ર પ્રદેશમાં
ટીડીપીના મુખ્યમંત્રી નર ચંદ્રબાબુ નાયડુએ એનડીએ સાથે છેડો ફાડ્યો છે.વિધાનસભામાં
માંડ ૪ સભ્યો ધરાવતા ભાજપે વાયએસઆર કૉંગ્રેસના સુપ્રીમો અને ખ્રિસ્તી સમાજના જગન
રેડ્ડી સાથે જોડાણ કરવાની કશ્મકશ આદરી છે.તેલંગણમાં ભાજપની બી-ટીમના ગણાતા તેલંગણ
રાષ્ટ્ર સમિતિના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ અલાયદો ફેડરલ ફ્રન્ટ રચવાના
પ્રયત્નોમાં રમમાણ છે. નાગરિકતા અંગેના સુધારા વિધેયકને પ્રતાપે ઇશાન ભારતનાં
રાજ્યોમાં અગનજ્વાળા જેવી સ્થિતિ છે.રામમંદિર મુદ્દે બિહારના મિત્રપક્ષ જેડી(યુ)ના
મુખ્યમંત્રી નીતીશ કુમાર અને લોક જન શક્તિ પાર્ટીના સુપ્રીમો અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન વંકાઈ શકે
છે.ઓડિશા કે પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રીઓ અનુક્રમે નવીન પટનાઇક અને મમતા બેનરજી
ભાજપ સામે ટક્કર લે છે. ભાજપની રથયાત્રાઓને સુપ્રીમમાં ગયા પછી પણ હજુ લીલી ઝંડી
મળી નથી અને મમતાની રેલીમાં વિપક્ષી એકતા મજબૂત થાય છે. ઉત્તર પ્રદેશમાં બસપા-સપા
ગઠબંધન થતાં ભાજપ માટે કેકવોક જેવી સ્થિતિ નથી. પંજાબમાં કૉંગ્રેસની સરકાર
છે.રાજસ્થાન,મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ કૉંગ્રેસ સરકાર કામે વળી
છે.જમ્મૂ-કાશ્મીરમાં ભાજપ અને પીડીપીનું જોડાણ ઝેરીલું સાબિત થયા પછી હવે સ્થિતિ
નિયંત્રણમાં નથી.ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભાજપ સામે અનુક્રમે કૉંગ્રેસ અને
શિવસેના પડકાર બનીને ડોકાય છે.ગોવામાં સરકાર ગમે ત્યારે ગબડવાની સ્થિતિમાં છે.
ડૉ.તોગડિયાનો રાજકીય ચોકો
વડાપ્રધાન મોદી ભીંસમાં છે.ભાજપના નેતાઓ બોલકા થયા છે.લોકસભાની ચૂંટણીમાં
ભાજપને ૧૫૦થી લઈને ૧૮૦ બેઠકો મળવાના અંદાજ સાથે વિપક્ષી એકતા અંકે કરી શકે તે માટે
નાગપુરી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી નવા વાઘા ચડાવવા સજ્જ થતા લાગે છે. મોદી
નાગપુરી નર્તન કરવાનું પસંદ કરતા નથી એટલે ગડકરી નાગપુરી યોજનાના ભાગ રૂપે લાગલગાટ
બોલીને મોવડીમંડળને મૂંઝવે છે.હવે તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
પણ મરાઠી વડાપ્રધાનની વાત કરવા માંડ્યા છે. ક્યારેક મોદી સાથે ખભે ખભા મિલાવીને
રાજકીય હિંદુત્વને મજબૂત કરનારા ડૉ.પ્રવીણ તોગડિયા છેતરાયાની અનુભૂતિ સાથે આગામી ૯
ફેબ્રુઆરીએ અલગ રાજકીય ચોકો કરવાનો સંકલ્પ કરી ચુક્યા છે.એ દેશભરમાં ઉમેદવારો ઊભા
રાખવાના હોવાનું કહેવાની સાથે જ જોડાણો માટે પણ તૈયારી ધરાવે છે.મોદીના ભાજપને
માત્ર ૧૫૦ બેઠકો મળશે અને એ દિલ્હીથી વડનગર પાછા જશે એવું કહેવામાં ડૉ.તોગડિયા
સંકોચ કરતા નથી. ક્યારેક આરએસએસના મોવડીઓમાં સામેલ રહેલા અને વિશ્વ હિંદુ પરિષદના
આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ રહેલા ડૉ.તોગડિયાને મોદીના કથિત ઈશારે જ સંઘ થકી દૂર થવા વિવશ કર્યા એટલે તેમણે અલગ
આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ સ્થાપી હવે અલગ પક્ષનું પહેલું અધિવેશન દિલ્હીમાં
બોલાવવાનું નક્કી કર્યું છે.ભાજપમાં ભભૂકતા અસંતોષનો લાભ લેવા ઉપરાંત અત્યાર લગી
રામમંદિર અંગે જે કાંઈ કર્યું છે તે કૉંગ્રેસના શાસનમાં જ શક્ય બન્યું હોવાને
કારણે ભવિષ્યમાં કૉંગ્રેસ સાથે જોડાણ કરે એવી શક્યતા નકારી શકાતી નથી.જોકે
ડૉ.તોગડિયા “અયોધ્યા મેં રામ, કિસાનોં કો દામ, યુવાઓં કો કામ, વ્યાપારિયોં કો
સન્માન” એ ચાર મુદ્દા સ્વીકારે તેની સાથે બેસવા તૈયાર છે.એમાંથી એક પણ મુદ્દો ના
સ્વીકારે એ તેમને મંજૂર નથી. છેક ગ્રામીણ કક્ષા સુધી પોતાના સંપર્ક અને
કાર્યકરોનું માળખું હોવાનો દાવો કરનાર ડૉ.તોગડિયા ખરા અર્થમાં મોદીને વડનગર ભેગા
કરવાના પોતાના સંકલ્પમાં સફળ થશે કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને ગૃહ
રાજ્ય મંત્રી રહેલા ગોરધન ઝડફિયાની જેમ અલગ પક્ષ રચીને ગરબો ઘેર આવતાં મોદીનું શરણ
સ્વીકારશે, એ તો આવતા મે મહિનામાં જ નક્કી થઇ જશે.
No comments:
Post a Comment