Dr.Hari Desai writes
weekly column in Gujarat Guardian (Surat), Sardar Gurjari (Anand), Sanja Samachar
(Rajkot), Gandhinagar Samachar (Gandhinagar) and other Dailies. You may read the
full text on and comment.
મરાઠી વડાપ્રધાનના ટંકાર સાથે “ઠાકરે”નો પડકાર : ડૉ.હરિ દેસાઈ
·
“મરાઠી માણૂસ પંતપ્રધાન ઝાલાચ પાહીજેત” સંવાદમાં શરદ પવાર કે નીતિન ગડકરીનો સ્પષ્ટ
સંકેત
·
દક્ષિણ ભારતીય સદાનંદના “ફ્રી પ્રેસ જર્નલ”માં કાર્ટૂનિસ્ટથી
કારકિર્દી શરૂ કરનાર બાળાસાહેબે રાજકીય ઈતિહાસ સર્જ્યો
·
મુંબઈના મેયરપદે શિવસૈનિકને બેસાડવા માટે ભાજપ અને હાજી
મસ્તાનની પાર્ટીનો ટેકો લેવામાં જરાય છોછ નહોતો
·
ઠાકરે અને ઇન્દિરાજીના નિકટના રાજકીય સંબંધો રહ્યા અને મોરારજીના ઘૃણાભાવને કારણે મૃત્યુ પછીય ખૂબ
ભાંડ્યા
શિવસેના પ્રમુખ બાળ ઠાકરે
મુંબઈના વાંદરાસ્થિત “માતોશ્રી”માંથી ગર્જના કરે અને મુંબઈ ધ્રુજે એવા “હિંદુહૃદયસમ્રાટ”ને
દિવંગત થયાનાં સાત વર્ષ પછી લોકસભાની ચૂંટણીનાં પડઘમ વાગતાં હોય ત્યારે જ
શિવસેનાના સાંસદ સંજય રાઉત “ઠાકરે” ફિલ્મ લઈને આવે એનું વિશેષ મહત્વ છે.મરાઠી અને
હિંદીમાં આ ચિત્રપટનું ટ્રેલર અત્યારે ધૂમ મચાવે છે.જોકે એની શરૂઆતના પહેલા કથનનો અવાજ
બાળ ઠાકરે જેવો પ્રભાવી લાગતો નથી, પરંતુ વર્ષ ૧૯૭૭થી લઈને ૧૯૯૯ લગી જે
બાળાસાહેબને નિકટથી જોવાનો અને પરખવાનો અવસર મળ્યો એને આધારે એટલું તો કહી શકાય કે
“સામનાકર” સંજયે એમના વ્યક્તિત્વને ફિલ્મમાં સુપેરે નિખાર આપ્યો છે. “માણસાચી
કિંમત છાતી કિતી ઇંચાચી આહે યાવર ઠરવત નસતાત...તાકદ મેંદૂત અસતે”( માણસની છાતી
કેટલા ઈંચની છે એના પર માણસની કિંમત થતી નથી, એના દિમાગ પર એનો આધાર રહે છે); આ
સંવાદ સીધો જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવવાનો સંકેત છે. વળી, “મરાઠી
માણૂસ પંતપ્રધાન ઝાલાચ પાહીજેત” એ સંવાદ પણ શરદ પવાર (વિપક્ષી ઉમેદવાર) અને નીતિન
ગડકરી (સંઘનિષ્ઠ ભાજપી ઉમેદવાર) પર વડાપ્રધાનપદનો કળશ ઢોળવાનો સંકેત કેન્દ્ર અને
મહારાષ્ટ્રમાં સત્તામાં સહશયન કરનાર શિવસેના સાથી પક્ષ ભાજપથી કાયમ રૂસણે રહીને
હવે આપવા ઈચ્છે છે. બાળાસાહેબ અને પવારના
સંબંધો કાયમ નિકટના રહ્યા છે. એ જ રીતે ગડકરીને કેન્દ્રમાં મંત્રી રહીને આજકાલ
પ્રથમ વડાપ્રધાન પંડિત નેહરુની યાદ ખૂબ સતાવે
છે. વચ્ચે લાગલગાટ પાંચ દિવસ ગડકરી પોતાના પક્ષના મોવડીમંડળને સાંકડે લેતાં
નિવેદનો કરતા રહ્યા છે. જોકે બહુ ઓછી વ્યક્તિ “હું જ વડાપ્રધાનનો ઉમેદવાર છું”
એવાં ઢોલ પીટવામાં સ્વાવલંબી રહે.
આગામી ૨૫ જાન્યુઆરીથી
રિલીઝ થનારી “ઠાકરે” ફિલ્મનું આજના તબક્કે અનેરું રાજકીય મહાત્મ્ય છે. કેન્દ્ર
સરકારહસ્તકના સેન્સર બોર્ડે એમાં કેટલાક કટ સૂચવ્યા હોવા છતાં નિર્માતા રાઉતે એના
માટે સાફ નન્નો ભણી મિત્ર પક્ષને મૂંઝવવાની વધુ એક સોગઠી મારી છે. કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીનું રાફેલ કાંડ
વિશેનું બહુચર્ચિત સૂત્ર “ચોકીદાર ચોર”ને શિવસેનાના
વડા ઉદ્ધવ ઠાકરેએ પણ જાહેર ભાષણોમાં જ નહીં, પોતાના અખબારમાં પણ ચલણી બનાવ્યું છે.
એમના આશીર્વાદ સાથે આ ફિલ્મ મહારાષ્ટ્રની “વાઘાચી ઔલાદ”ને ૮૦ ટકા નોકરીઓ મળવી જ જોઈએ અને “ભીખ નહીં,
અધિકાર” તરીકે મરાઠી માણૂસને ન્યાય અપાવવાની બાબતમાં પ્રસ્તુત થવાની છે. ઠાકરેની
ઠાકરી ભાષામાં (જેનો ઉલ્લેખ તેમણે શિવાજી પાર્ક ખાતે પોતાના દૈનિક અખબારના
લોકાર્પણ વખતે કર્યો હતો) ભલભલા ચમરબંધીઓને પણ સુણાવી દેવાની કે ગર્ભિત કે પ્રકટ
ધમકી આપવાની શૈલી પણ આ ટ્રેલરમાં ઝીલી છે. હમણાં મધ્યપ્રદેશના કોંગ્રેસી
મુખ્યમંત્રી કમલ નાથે રાજ્યના લોકો માટે એટલેકે સ્થાનિકો માટે ૭૦ % નોકરીઓ અનામત
રાખવા સંદર્ભે નિર્ણય કર્યો ત્યારે શિવસેનાએ એને વધાવી લીધો હતો, જયારે તેના
મિત્રપક્ષ ભાજપના નેતાઓ કમલ નાથને ભાંડી રહ્યા હતા. શિવસેના ગુજરાતમાં ઉદ્યોગોમાં
ય ૮૫ % સ્થાનિકોને માટે નોકરીઓ અનામત
રાખવાના માધવસિંહ-અમરસિંહ યુગના કાયદાનું સમર્થન કરે છે. હવે વર્તમાન મુખ્યમંત્રી
વિજય રૂપાણી પણ ગુજરાતના ઉદ્યોગોમાં ૮૦ % નોકરીઓ સ્થાનિકોને આપવા કાયદો કરવાનો આલાપ જપવા માંડ્યા છે.
દક્ષિણ ભારતીય સદાનંદના “ફ્રી
પ્રેસ જર્નલ”માં કાર્ટૂનિસ્ટ તરીકે કારકિર્દી શરૂ કરનાર ઈતિહાસસર્જક બાળાસાહેબ ૨૩
જાન્યુઆરી ૧૯૨૬ના રોજ પુણેમાં જન્મ્યા અને ૧૭ નવેમ્બર ૨૦૧૨ના રોજ મુંબઈમાં એમણે
અંતિમ શ્વાસ લીધા. કરમશી સોમૈયા નામક ગુજરાતી ઉદ્યોગપતિ સજ્જન થકી ઠાકરે પરિવારને
માઠા દિવસોમાં હૂંફ મળી હતી, એ વાત પ્રબોધનકાર ઠાકરેનાં સંસ્મરણોમાં જેમ વિસરાતી
નથી,એમ મુંબઈ રાજ્યના શાસક મોરારજી દેસાઈએ ત્રણ દિવસ માટે બાળાસાહેબને જેલમાં
નાંખ્યા હતા એ વાત પણ સદગત વડાપ્રધાન મોરારજીભાઈના ૧૯૯૫માં મૃત્યુ લગી ભૂલ્યા નહોતા.
ઠાકરેએ મોરારજીને ખૂબ ભાંડ્યા હતા. ફિલ્મમાં
“મોરારજી ગો બેક”નાં ફલક દર્શાવીને તેમને માટે બાળાસાહેબને જે ઘૃણા હતી એ પ્રગટ
કરેલી છે. મૂળે બાળાસાહેબ મુંબઈમાં આરએસએસની
શિવ તીર્થ (શિવાજી પાર્ક)ના બાળ સ્વયંસેવક,પણ સમયાંતરે એ કોંગ્રેસની નિકટ
સરક્યા હતા અને ૧૯૬૬માં કોંગ્રેસની રાજ્ય સરકારના મંત્રી બાળાસાહેબ દેસાઈના ઈશારે તેમણે
કેટલાક મિત્રો સાથે મળીને “મરાઠી માણૂસના હક્ક માટે લડવા” શિવસેનાની સ્થાપના કરી
હતી.
મુંબઈમાં શિવસેનાએ એવી ધાક બેસાડી હતી કે ઇન્દિરા ગાંધી વડાંપ્રધાન
હતાં ત્યારે પણ ઠાકરેના નિવાસસ્થાને તેમની મુલાકાત લેવાનું પસંદ કરતાં હતાં. ફિલ્મમાં
ઠાકરે અને ઇન્દિરાજીના નિકટના રાજકીય સંબંધો દર્શાવાયા છે. મોરારજીના ત્રણ દિવસના
તાપ સમા અનુભવને પગલે ઠાકરેને જેલવાસનો ખૂબ ડર રહેતો. ઈમર્જન્સીમાં પણ કોંગ્રેસના
નિષ્ઠાવાન મિત્ર તરીકે તેમણે વડાંપ્રધાન શ્રીમતી ગાંધીને ટેકો આપ્યો હતો. મુંબઈ
મહાનગરપાલિકા પર ભગવો ઝંડો ફરકાવવામાં તેમને વર્ષ ૧૯૮૪ પછી ભાજપ અને દાણચોર તરીકે કુખ્યાત મનાતા હાજી
મસ્તાનની પાર્ટીનો ટેકો લેવામાં જરાય છોછ નહોતો. બાળાસાહેબની શૈલી “ટિટ ફોર ટેટ”ની
રહેતી હતી. ફિલ્મમાં એ વ્યક્તિત્વ મુંબઈમાં પાકિસ્તાન સામે ક્રિકેટ રમવાથી લઈને
બાબરી ધ્વંશ સુધીની જવાબદારી લેવામાં ઉપસે છે. એ સર્વવિદિત છે કે ભાજપની ટોચની
નેતાગીરીએ અદાલતોમાં બાબરી ધ્વંશની જવાબદારી લેવાનું ટાળતાં કાને હાથ દીધા ત્યારે
ઠાકરેએ ગૌરવભેર પોતાના શિવસૈનિકોએ એ કામ કર્યાનું જાહેર કર્યું હતું ! ઓક્ટોબર
૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ, રાષ્ટ્રવાદી
કોંગ્રેસ, ભાજપ અને શિવસેના અલગ અલગ રીતે લડ્યા હતા. ૨૮૮ સભ્યોની મહારાષ્ટ્ર
વિધાનસભામાં ભાજપ આપબળે બહુમતી ધરાવતો
નથી. ભાજપને બહુમતી કરીને સરકાર રચવામાં શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસનો ટેકો
મળ્યો હતો. શિવસેના તો પાછળથી જૂના મિત્ર પક્ષના નેતૃત્વવાળી સરકારમાં જોડાઈ.બાળાસાહેબ જીવતા હતા ત્યાં લગી
કેન્દ્રમાં ભાજપ “બિગ બ્રધર”ની ભૂમિકામાં અને રાજ્યમાં શિવસેના “બિગ બ્રધર”ની
ભૂમિકામાં રહેતી હતી. જોકે મોદીયુગમાં એ સમીકરણ બદલાતાં રૂસણે બેઠેલી શિવસેના અલગ
થઈને લોકસભા ચૂંટણી લડવાનો સંકલ્પ કરી
ભાજપ પર દબાણ લાવે છે. બિહારમાં મિત્રપક્ષો સામે ઝૂકવાનું પસંદ કરનાર ભાજપ આગામી
વિધાનસભા ચૂંટણી માટે શિવસેનાની રાજ્યમાં મુખ્યમંત્રીપદની માંગણી સામે ઝૂકે છે કે
કેમ એ આવતા દિવસોમાં રસપ્રદ થઇ પડશે.
ઈ-મેઈલ :
haridesai@gmail.com
No comments:
Post a Comment