યેન કેન પ્રકારેણ સત્તા પુનઃ પ્રાપ્ત કરવાના ઉધામા
ડૉ. હરિ દેસાઈ
·
અત્યાર લગી સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ ૫૦ ટકા અનામતથી વધારે આપી ના
શકવાની માળા જપતા રહ્યા હતા
·
સંઘનિષ્ઠો ગડકરીને નાયબ વડાપ્રધાન અને રાજનાથસિંહને ઉ.પ્ર.ના મુખ્યમંત્રી
બનાવવાની ખુલ્લેઆમ માંગણી કરે છે
·
પક્ષના અધ્યક્ષપદેથી અમિત શાહને
હટાવીને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહને અધ્યક્ષ બનાવવા આગ્રહ
- · કોંગ્રેસી નેતાઓ કે ધારાસભ્યોને તોડી લાવવા સામે હવે ભાજપમાં અસંતોષના ભડાકા અને કોંગ્રેસ ભણી ગમન શરૂ
લોકસભાની
ચૂંટણીની માર્ચ મહિનામાં જાહેરાત થાય અને આચારસંહિતા લાગુ પડે એ પહેલાં પ્રત્યેક
રાજ્યમાં ચૂંટણીલક્ષી જનસભાઓ યોજીને, હજારો કરોડ રૂપિયાની યોજનાઓની જાહેરાતો કરીને, વિરોધી છાવણીના ધારાસભ્યો-સાંસદોને તોડીને, નવા નવા વર્ગ કે જ્ઞાતિઓ માટે અનામતના
ગળચટ્યા લાભની ઘોષણાઓ કરીને તેમ જ છેલ્લે કોંગ્રેસ અમને આમજનતાના હિતનાં કામ
કરવામાં અવરોધો આણી રહી હોવાનો આલાપ
આરંભીને પ્રજામાં ફરીને ભારતીય જનતા પક્ષની તરફેણમાં મોજું ઊભું કરવાની કોશિશમાં
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને એમની કેન્દ્ર તથા રાજ્ય સરકાર છે. દેશનાં ૧૫ કરોડ
જેટલા યુવાઓને આકર્ષવા માટે સોશિયલ મીડિયા પર વિશેષ ઝુંબેશો આદરી દેવી છે.પ્રભારીઓ
નિયુક્ત થઇ ગયા છે. પક્ષનાં અધિવેશનો આરંભાઈ ચુક્યાં છે.ખાટલા બેઠકોના
હાકલા-દેકારા શરૂ થઇ ગયા છે. રાફેલ યુદ્ધ વિમાન ખરીદી કાંડ શમવાનું નામ લેતું નથી
અને સુપ્રીમે સીબીઆઇના વડા તરીકે આલોક વર્માને બહાલ કર્યા પછી એમને આ હોદ્દેથી દૂર
કરી દેવાયા છે. વિરોધ પક્ષોનાં મહાગઠબંધન થાય એ પહેલાં ફાચર મારવા માટે જે તે
પક્ષના નેતાઓ પાછળ સીબીઆઈ કે કેન્દ્રની અન્ય એજન્સીઓ છોડી મૂકવામાં આવી રહ્યાનું
ખુદ વિપક્ષી નેતાઓ જાહેરમાં કહેવા માંડ્યા છે. મોદી ખૂબ દબાણ અનુભવી રહ્યા છે.સવર્ણ
અનામત માટે બંધારણીય સુધારો છેલ્લી ઘડીએ લાવીને કોંગ્રેસને એને ટેકો આપવા માટે
વિવશ કરી છે.જોકે સંસદનાં બંને ગૃહોની ચર્ચામાં મોટાભાગના સાથી પક્ષો અને વિપક્ષોએ
ઉતાવળે લવાયેલી ૧૦ ટકા અનામત સુપ્રીમ કોર્ટમાં ટકશે કે માત્ર અગત્સ્યના વાયદા બની
રહેશે,એવી આશંકા જરૂર વ્યક્ત કરી છે.અત્યાર લગી સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ
૫૦ ટકા અનામતથી વધારે આપી ના શકવાની માળા જાહેરસભાઓમાં પણ જપી રહ્યા હતા. ગુજરાતના
મુખ્યમંત્રીપદેથી આનંદીબહેન પટેલે પણ પાટીદાર અનામત આંદોલન દરમિયાન એ જ આલાપ
સાથે રાજીનામું આપવાની ફરજ પડી હતી. હવે ચૂંટણી જીતવાના દબાણ હેઠળ પલટી મારી તો
છે,પણ અગાઉ ચૂંટણી જીતવા માટે અનામતનું કાર્ડ ખેલનારા વડાપ્રધાન વી.પી.સિંહ અન્ય
પછાતોને ૨૭ ટકા કે બિહારના મુખ્યમંત્રી
કર્પૂરી ઠાકુર થકી પછાતોને લાભની લહાણી
ઉપરાંત મહારાષ્ટ્રમાં ૨૦૧૪માં વિધાનસભા ચૂંટણી પહેલાં મરાઠાઓને ૧૬ ટકા અને
મુસ્લિમોને ૫ ટકા અનામત આપ્યાં છતાં ચૂંટણી હાર્યા હોવાના ઇતિહાસથી ભાજપમાં જીતવાના
દાવા છતાં ભયનો માહોલ જરૂર છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે અગાઉ ૫૦ વર્ષ સુધી હવે
દેશ પર ભાજપ રાજ કરશે એવા કરેલા દાવા પછી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ ૩૫૦
બેઠકો મેળવશે એવી કરેલી ઘોષણાઓને ૩૦૦ પર
સીમિત કરવા માંડી છે. બહુસંખ્યકોના આકલન
મુજબ ભાજપની ૫૪૩માંથી ૧૮૦ બેઠકો મળશે.
વર્ષ ૨૦૧૪માં
લોકસભાની ચૂંટણી વેળા મોદી મોજું ઊભી કરી શક્યા હતા, છતાં માત્ર ૩૧ ટકા મત સાથે ૫૪૩ બેઠકોમાંથી
૨૮૨ બેઠકો મેળવીને ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર બનાવી શક્યા હતા. માગો એ વચન
આપવાનું સૂત્ર એમણે એ વેળા સ્વીકાર્યું હતું, પણ આજે સાડા ચાર વર્ષ વીતી ગયા પછી એમનાં
વચનોનો અમલ અગસ્ત્યના વાયદા સાબિત થયાનું માત્ર વિપક્ષો જ નહીં, પ્રજા પણ અનુભવી રહી છે. ખેડૂતો, યુવાવર્ગ અને મધ્યમ વર્ગની નારાજગી દૂર કરવા
માટે એમણે નવાં વચનોના “સાન્તાક્લોસ”ને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે.
ચૂંટણી જુગાર છે અને એ ખેલી લેવામાં હાર-જીતની શક્યતા કાયમ હોય જ છે.
અનામત પ્રથાનું વિસ્તરણ
છેલ્લાં ચાર
વર્ષ કરતાં પણ વધુ સમયથી વડા પ્રધાન મોદી અને એમના પક્ષના અન્ય શાસકો - નેતા -
મુખ્ય પ્રધાનો દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને અને નેહરુ-ગાંધી
પરિવારને ભાંડતા રહ્યા છે. આની વિપરીત અસરરૂપે
તેમણે છેલ્લે પાંચ રાજ્યોની વિધાનસભાની
ચૂંટણીઓમાં પરાજય વહોરવો પડ્યો અને ત્રણ મુખ્ય રાજ્યો રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢમાં તો કોંગ્રેસની
સરકારો સત્તારૂઢ થઈ ગઈ છે. આવા સંજોગોમાં સંસદની મે ૨૦૧૯ની ચૂંટણી જીતવા માટે
મરાઠાઓને મહારાષ્ટ્રમાં અનામત, પણ પટેલોને ગુજરાતમાં અનામત નહીં. અન્ય રાજ્યોમાં અનામત - અનામતના ખેલ પણ
આરંભાયા છે. બાકી હતું તે હવે છેલ્લે છેલ્લે બંધારણ બદલીને સવર્ણોને ૧૦ ટકા અનામત
આપવાનો નિર્ણય સંસદનું સત્ર પૂરું થવા આવ્યાના આગલા દિવસે કરે છે.
હકીકતમાં
બંધારણના મૂળભૂત સ્વરૂપમાં સંસદ પણ ફેરફાર કરી શકે નહીં એવા સુપ્રીમ કોર્ટના
સ્પષ્ટ ચુકાદાઓ છતાં કાંઈક અંશે - ઘાંઘા
જણાતા વડા પ્રધાન મોદી કેબિનેટમાં આ અનામતનો નિર્ણય કરાવીને બંધારણ સુધારો કરી
લેવાની ઉતાવળમાં દેખાયા. ઉજળિયાતોને રાજીના રેડ કરી દેવાની વેતરણમાં છે. આગલા
દિવસે ભાજપીઓ દિલ્હીમાં સમરસતા ખીચડી થકી દલિતોને ખુશ કરવાની વેતરણમાં હતા.જીએસટીમાં
મોટી રાહતો આપીને વેપારી વર્ગને રાજી કરવાના પ્રયાસ થઇ રહ્યાં છે.ખેડૂતોને પણ
રાજીના રેડ કરવાની વેતરણો ચાલે છે.કોઈપણ ભોગે જીતવું છે અને સત્તા સાચવવી
છે.રાહુલબાબા હવે પપ્પુ રહ્યાં નહીં હોવાનો ભય લાગવા માંડ્યો છે.સોનિયા ગાંધી અને
રાહુલ કે રોબર્ટ વાડરાને છેલ્લાં સાડા ચાર વર્ષમાં કંઇ નહીં કરી શક્યાનાં મહેણાં
હવે ભારે પડે છે.કોંગ્રેસી નેતાઓને તોડી લાવવા સામે હવે ભાજપમાંથી પણ કોંગ્રેસ ભણી
ગમન શરૂ થયું છે.
સત્તાધારી મોરચામાં ભંગાણ
લોકસભાની
ચૂંટણી માથે છે ત્યારે એક બાજુ પૂર્ણ બજેટને બદલે વોટ ઓન એકાઉન્ટની વાતો થાય છે.
વળી, સત્તારૂઢ
એનડીએ મોરચામાંથી ઘણા પક્ષો અલગ થતા જાય છે. શિવ સેના પક્ષ રૂસણે બેઠેલો છે અને
છેડો ફાડવાની વેતરણમાં છે. ઉત્તર પ્રદેશમાં ૮૦માંથી એનડીએ ૭૩ બેઠકો જીત્યા પછીની
પેટા-ચૂંટણીમાં ત્રણેય બેઠકો ભાજપ હાર્યો છે. ઉત્તર પ્રદેશમાં એક બાજુ વિપક્ષી
મોરચો મજબૂત થાય છે અને ભાજપ મિત્ર અપના દળ નારાજ ચાલે છે.
લોકસભામાં
ભાજપનો ૨૮૨નો આંકડો આજે ૨૬૮ની સભ્ય સંખ્યાએ આવીને ઊભો છે. એનો અર્થ એ થયો કે
બહુમતી ગુમાવી દીધી છે. બહુમતી માટે ૨૭૨ સભ્યોનો ખપ પડે, પણ એનડીએના કુલ સભ્યોની હજુ બહુમતી છે એટલે
વાંધો નથી. સામે પક્ષે વિપક્ષી મોરચા વિરુદ્ધ અને ગાંધી-નેહરુ પરિવાર વિરુદ્ધની
ઝુંબેશ ચાલુ છે. ઓગસ્ટા વેસ્ટલેન્ડ ખટલામાં વચેટિયા મિશેલને જેલ અને અદાલતના ઘેરામાં
રાખ્યો છે. ખટલો ચાલુ હોય ત્યારે એ અંગે એ મુદ્દે રાજકીય નિવેદનો કરવાનું ટાળવાની
પરંપરા છતાં વડા પ્રધાન જ નહીં તેમની સરકારના પ્રધાનો પણ રોજેરોજ વિપક્ષના નેતાઓને
સાંકળતાં નિવેદન કરતા જાય છે. સંસદીય ગરિમા કે વાણીની મર્યાદાનો લોપ ચોફેર જોવા
મળે છે.
સંઘ-ભાજપમાં ઉકળતો ચરુ
ભાજપના
નેતૃત્વવાળા એનડીએમાંથી અમુક પક્ષો છૂટા પડ્યા અને સમાજવાદી પક્ષ - બહુજન સમાજ
પક્ષનું ગઠબંધન ઉત્તર પ્રદેશમાં થતાં સીબીઆઈના દરોડાનું સત્ર ચાલુ થયું છે.
કોંગ્રેસ સહિતના પક્ષોના મહાગઠબંધનમાં પક્ષો જોડાય નહીં એવી કીમિયાગીરી છતાં
રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને કોંગ્રેસ વચ્ચે મહારાષ્ટ્રમાં બેઠકોની વહેંચણી બાબત
સમજૂતી સધાઈ છે. બીજા પક્ષો પણ કોંગ્રેસ સાથે જોડાણ કરવાના પક્ષે છે. કોંગ્રેસ
અધ્યક્ષ રાહુલ ગાંધી વડા પ્રધાનપદના ઉમેદવાર નહીં હોવાનું સ્પષ્ટ કરી ચૂક્યા છે.
આવા સંજોગોમાં નાગપુરસ્થિત ભાજપની માતૃસંસ્થા આરએસએસના વધુ નિષ્ઠાવંત લેખાતા
કેન્દ્રના પ્રધાન નીતિન ગડકરી જ નહીં, મહારાષ્ટ્રના ભાજપી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર
ફડણવીસે પણ ‘મરાઠી વડા
પ્રધાન’નો આલાપ
આરંભ્યો છે.
ભાજપના
સંસ્થાપક સભ્ય અને વાજપેયી સરકારમાં પ્રધાન રહેલા ૮૮ વર્ષના સંઘપ્રિય ગૌતમે ૧૩
ડિસેમ્બર ૨૦૧૮ના રોજ પત્ર લખીને ભાજપના અધ્યક્ષપદેથી અમિત શાહને હટાવીને મધ્ય
પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણને અધ્યક્ષ બનાવવા, ગડકરીને નાયબ વડા પ્રધાન બનાવવા અને ઉત્તર
પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ભજન કરવા પાઠવીને એમને સ્થાને કેન્દ્રના
ગૃહપ્રધાન રાજનાથ સિંહને મૂકવા ભલામણ કરી છે.
ભાજપમાં ઘણું
બધું સખળડખળ છે. સંઘની નેતાગીરીની નારાજગી રામમંદિર સહિતના મુદ્દે બહાર આવ્યા પછી
સંઘ ભાજપની બાબતોમાં હવે વધુ સક્રિય થવા માંડ્યો છે. મોદી-શાહને હવાલે ભાજપને ના જ
મૂકી શકાય એ નાગપુરે સ્પષ્ટ કર્યું છે. આગામી દિવસોમાં વધુ આસમાની સુલતાનીના દર્શન
થશે.
ઈ-મેઈલ :
haridesai@gmail.com
No comments:
Post a Comment