Wednesday, 5 December 2018

Season of OBC Reservation to fetch Votes in the Election


Dr.Hari Desai writes weekly column in Gujarat Samachar (London), Sanj Samachar (Rajkot), Gujarat Guardian (Surat), Sadar Gurjari (Anand), Hamlog (Patan) and Gandhinagar Samachar (Gandhinagar). You may read the full text and comment.
ચૂંટણીનો મોલ લણવા કાજે ઓબીસી અનામતની મોસમ છલકે :ડૉ.હરિ દેસાઈ
·         બંધારણવિદો કહે છે કે મહારાષ્ટ્રમાં મરાઠાઓને આપેલી ૧૬ % અનામત અદાલતી સમીક્ષામાં ટકવાની નથી
·         ગુજરાતમાં હરખપદૂડા પાટીદારો, ક્ષત્રિયો અને બ્રાહ્મણોના નેતાઓનાં અનામત માટે ઓબીસી પંચનાં ચક્કર
·         લોકસભાની ચૂંટણી લગી પ્રજા માંગે તે મંજૂર કરવાનાં ગાજર લટકાવીને દોષનો ટોપલો તો અદાલતોને શિરે
·         તમિળનાડુની ૬૯ % અનામતની ટકાવારી જોઈ રાજકીય લાભ ખાટવા બંધારણ કે અદાલતોની ઐસી કી તૈસી

કોઈપણ ભોગે ચૂંટણી જીતીને સત્તા હસ્તગત કરવાના એકમાત્ર હેતુને બર લાવવા મેદાને પડેલા રાજકીય નેતાઓએ હવે અદાલતો ભણી આદર  કે રાજકીય ગરિમાને કોરાણે મૂકીને આગળ વધવાનું જ નક્કી કરી લીધું છે.લોકપ્રિય પગલાં લેવા માટે વચનોની લહાણી કરીને એકવાર જીતી ગયા એટલે સત્તા તંત્ર પર કબજો મેળવીને ધાર્યું કરવાના મદ અને મસ્તીમાં જ વર્તમાન રાજકીય માહોલ મદમસ્ત છે.મહારાષ્ટ્રમાં છેલ્લાં બે વર્ષમાં ૫૮ મોરચા,જેલ ભરો આંદોલન અને ૪૨ મરાઠા બંધુઓના જાન ગયા પછી મહારાષ્ટ્રની ભારતીય જનતા પક્ષ અને શિવસેનાની સંયુક્ત સરકારે માથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી ઝળુંબતી હોય એવા વખતે “મેચ ફિક્સિંગ” જેવું કર્યું. રાજ્યમાં નિવૃત્ત મરાઠા ન્યાયમૂર્તિ ગાયકવાડની અધ્યક્ષતામાં દસ સભ્યોના માગાસવર્ગીય આયોગની રચના કરી.. એની મારફત સંઘ પરિવારની રામભાઉ મ્હાલગી પ્રબોધિની જેવી સંસ્થાઓની મારફત ઉતાવળે મરાઠાઓને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણાવતો સર્વેક્ષણ કરાવ્યો. એના અહેવાલોને  આધારે એની ભલામણોને સ્વીકારીને પ્રવર્તમાન ૫૨ (બાવન) ટકા અનામતને કોઈપણ રીતે છંછેડ્યા વિના વિધાનસભા અને વિધાનપરિષદ બંને ગૃહોમાં, અહેવાલ રજૂ કર્યા વિના માત્ર અહેવાલ પર પગલાં લેવાનો અહેવાલ રજૂ કરી, મરાઠા અનામત વિધેયક ગુરુવાર, ૨૯ નવેમ્બરે સર્વાનુમતે મંજૂર કરાવી લીધું. ૩૦ નવેમ્બરે તો રાજ્યપાલે એને મંજૂરીની મહોર પણ મારી દીધી. હવે રાજ્યમાં સરકારી નોકરીઓ અને શિક્ષણમાં આ અનામત લાગુ પડતાં અનામતની કુલ ટકાવારી ૬૮ % થવા પામી છે. સુપ્રીમ કોર્ટના નવ ન્યાયાધીશોના ઈન્દ્રા સાહની ચુકાદાએ નિર્ધારિત કર્યા મુજબ, અનામતની કુલ ટકાવારી ૫૦ % થી વધારી શકાય નહીં. મહારાષ્ટ્રે તમિળનાડુની અનામતની ટકાવારી ૬૯ % હોવાનું ઉદાહરણ આદર્શ લેખીને અનામત ટકાવારી ૫૨ (બાવન) % થી વધારીને ૬૮ % કરવાનું પસંદ કર્યું છે. હકીકતમાં તમિળનાડુ સહિતનાં કેટલાંક રાજ્યોમાં અનામતની ટકાવારી ૫૦ % ને ટપી જાય છે અને એ સઘળાં પ્રકરણ સર્વોચ્ચ અદાલતમાં લંબિત પડ્યાં છે.કેન્દ્ર સરકાર બંધારણીય સુધારો કર્યા વિના ૫૦%થી વધુ અનામત અદાલતી સમીક્ષામાં ટકી શકે એ રીતે આપી શકે નહીં,એવું બંધારણ નિષ્ણાતોનું માનવું છે.સત્તાધીશોને આ વાતની સુપેરે જાણ હોવા છતાં ચૂંટણીલક્ષી ગાજર લટકાવવાનું એ ટાળી શકે એમ નથી.

કુણબી પછી મરાઠાઓને અનામત

ગુજરાતમાં જેમ પટેલો રાજકીય સત્તાકારણમાં પ્રભાવી રહ્યા છે એવું જ મહારાષ્ટ્રમાં મરાઠાઓ પ્રભાવી રહ્યા છે. મોટાભાગના મુખ્યમંત્રી મરાઠા રહ્યા હોવા છતાં વર્તમાન નાગપુરી બ્રાહ્મણ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મરાઠાઓને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત લેખાવીને અનામત આપવી પડે છે.રાજ્યની ૧૨ કરોડની વસ્તીમાં ૪ કરોડ કરતાં પણ વધુ વસ્તી મરાઠાઓની હોવાને કારણે ચૂંટણીનાં પરિણામોને તેઓ પ્રભાવિત કરવા સક્ષમ છે.વર્ષ ૨૦૦૧માં કોંકણ અને વિદર્ભના કુણબીને અન્ય પછાત વર્ગ (ઓબીસી)માં સમાવાયા ત્યારે મરાઠાઓને આ અનામતનો લાભ મળે એ સામે કુણબીનો વિરોધ હતો.મરાઠાઓ પોતાને કુણબી મરાઠાઓ કરતાં ઊંચા ગણતા હોવાને કારણે દીકરિયું દેવામાં પણ નાનમ અનુભવતા રહ્યા છે. કુણબી સમ,અજ તરફથી આ વખતે પણ વિરોધ તો થયો,પણ એને ભાજપની નેતાગીરીએ ખાળ્યો હતો.વર્ષ ૨૦૧૪માં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસની સરકારે ચૂંટણી પહેલાં મરાઠાઓને ૧૬ % અને મુસ્લિમોને ૫ (પાંચ) % અનામત આપી હતી. ચૂંટણી પછી કેન્દ્ર અને રાજ્યમાં ભાજપના વડપણવાળી સરકારો રચાઈ હતી. અદાલતી સમીક્ષામાં એ મરાઠી અનામત ગેરબંધારણીય ઠરી હતી. એ વખતે આયોગ રચીને સર્વે કરાવ્યા વિના જ નારાયલ રાણેના વડપણવાળી કેબિનેટ સબ-કમિટીની ભલામણને આધારે તે અપાઈ હતી.એ પછી અદાલતે સૂચવ્યા મુજબ,માગાસવર્ગીય આયોગની રચના કરાઈ પણ એના અહેવાલ મરાઠાઓને અનામત આપવાની બાબતમાં પ્રતિકૂળ હતા.  જોકે ભાજપની નેતાગીરીએ મરાઠાઓને ૧૬ % અનામત આપવાનું વચન આપ્યું હતું,પણ મુસ્લિમોને ધાર્મિક આધારે અનામત આપવાની બંધારણમાં જોગવાઈ નહીં હોવાનું કહ્યે રાખ્યું હતું. હકીકતમાં અનુકૂળતાએ બંધારણની દુહાઈ દેવી અને અનુકૂળતાએ એની ઐસી કી તૈસી કરવાનું શાસકોને કોઠે પડી ગયું છે. આ વખતે  અપાયેલી અનામત અદાલતો રદ કરે તો દોષનો ટોપલો અદાલતોને શિરે સેરવવાના ઈરાદે અત્યારે અનામત આપવાનો તખતો ગોઠવાયો છે.

ધનગર, લિંગાયત,મુસ્લિમને ટાળ્યા

ભાજપ થકી ૧ ડિસેમ્બરે ભવ્ય ઉજવણી કરવાના કરાયેલા એલાન પૂર્વે સરકારે તો અનામત આપવાની વ્યવસ્થા તો કરી,પણ એટલા માત્રથી મામલો શાંત થયો નથી. ૧૩ % અનુસૂચિત જાતિ (એસસી) અને ૭ % અનુસૂચિત જનજાતિ (એસટી) ઉપરાંત ઓબીસીના ૩૨ % ઉપરાંત મરાઠાઓના ખાસ પ્રવર્ગમાં ૧૬ % અનામત જોડવામાં આવે તો અનામતની કુલ ટકાવારી ૬૮ % થવા જાય છે.અદાલત નવી મરાઠા અનામતને  રદ કરે એ તલવાર તો લટકે જ છે,પણ એ ઉપરાંત રાજ્યની  એક કરોડ જેટલી  ધનગર (ભરવાડ) વસ્તી પોતાને ઓબીસીમાં અલગ પ્રવર્ગ કરીને મળેલી ૩.૫ % અનામતને બદલે એ સમાજને એસટીમાં સમાવાય અને એની ટકાવારી અલગ પ્રવર્ગ કરીને વધારવામાં આવે એ મામલો ઉકળતા ચરુ જેવો છે. મુખ્યમંત્રીએ ધારાસભાના આવતા સત્રમાં ધનગર સમાજની માંગણી અંગે સાનુકૂળ વ્યવસ્થાની ખાતરી પણ ૨૯ નવેમ્બરે વિધાનપરિષદમાં આપવી પડી છે.રાજ્યમાં લિંગાયત સમાજની, કર્ણાટકની જેમ જ,  ધાર્મિક લઘુમતી અને અનામતની માંગણી હજુ  ઊભી છે.મુસ્લિમોનો આક્રોશ પણ ઓછો નથી.અન્ય પછાત વર્ગોમાં મુસ્લિમોમાંના પછાતોને સમાવાયાનું ગાણું ગવાયા કરે છે.જોકે આ સમાજ પણ પોતાની માંગણી બાબત ખાસ્સો બોલકો છે. ચૂંટણી ટાણે સત્તારૂઢ મોરચાનો વારો કાઢી લેવાની વેતરણમાં અનામત માંગી રહેલા સમાજો છે જ.


ગુજરાતમાં આશાનો નવસંચાર

મહારાષ્ટ્રમાં અનામતનો આ સળવળાટ ગુજરાતમાં પણ અજંપો સર્જે એ સ્વાભાવિક છે. છેલ્લાં ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી અનામત મેળવવા માટે આંદોલન કરી રહેલા પાટીદાર સમાજના નેતાઓ મહારાષ્ટ્રની ભૂમિકા પર અનામત માંગતા થયા છે.એમણે ઓબીસી પંચ સમક્ષ જઈને રજૂઆતો કરવા માંડી હોવા છતાં તેમણે જરૂરી ફોર્મેટમાં અને સમાજના પછાતપણા અંગે અમુક અભ્યાસો તૈયાર કરીને જ અનામત માટે ઓબીસી પંચ સમક્ષ રજૂઆત કરવાની જરૂર હોવાનું હજુ એમને  ગળે ઉતર્યું નથી.જોકે આંદોલન બરકતવાળો ખેલ હોવાને કારણે તેની નેતાગીરી હૈસો હૈસો કર્યે રાખે છે.મરાઠા અનામતનો અહેવાલ આવવાની સાથે ગાંધીનગરમાં કોણ જાણે મોસમ કેવી બદલાઈ કે સુજ્ઞાબહેન ભટ્ટનું  ઓબીસી પંચ એકાએક પટેલોના પ્રતિનિધિમંડળ માટે  જ નહીં, અન્ય ઉજળિયાત સમાજનાં પ્રતિનિધિમંડળને ઓબીસી અનામત મળે તે માટે સર્વેની માંગણી કરવા માટે દરવાજા ખોલી નાંખ્યા. જોકે હજુ અનામત આપવા માટે સર્વેક્ષણ કરવાની બાબતમાં કોઈ નિર્ણય થયો નથી. રાજપૂત અને બ્રાહ્મણ સમાજના પ્રતિનિધિઓ ઓબીસી હેઠળ અનામત માંગી રહ્યા છે. ચૂંટણીના માહોલમાં અનામત અનામતના ખેલ ચાલે છે,પણ વાસ્તવમાં અનામતનો લાભ કોને  મળશે, એ કહેવું મુશ્કેલ છે.

સમીક્ષાની લટકતી તલવાર

કેન્દ્ર સરકારના  સામાજિક ન્યાય રાજ્ય મંત્રી રામદાસ આઠવલે સહિતના પ્રધાનો છાસવારે નિવેદનો કરે છે કે ઉજળિયાતોને આર્થિક રીતે પછાત માટેની અનામતનો લાભ આપવા માટે બંધારણ બદલીને અનામતની ટકાવારી ૭૫% સુધી લઇ જવાશે.વાસ્તવમાં આ વાતોનાં વડાંથી વિશેષ નથી.બંધારણ બદલીને અનામતની ટકાવારી વધારવા માટે જયારે કોંગ્રેસ સહયોગ કરવા તૈયાર હતી ત્યારે તો આવું કશું કરવામાં ભાજપના વડપણવાળી સરકાર આગળ આવી નહીં.હવે ચૂંટણી પહેલાં વચનોની લહાણી કરવામાં મણા રાખશે નહીં.એક વાર ફરીને સરકાર બની એટલે એનો અમલ કરવાની જરૂર નથી અથવા તો અદાલતી સમીક્ષામાં અનામતની વધારેલી ટકાવારી રદ થાય તો દોષ પોતાને શિરે આવે નહીં, એવી ગણતરીથી તંત્ર આગળ વધે છે. પ્રજા આ બધું ના સમજે એટલી ભોળી નથી,પરંતુ એ ચૂંટણી વખતે નવા જ કોઈક ભાવાવેશી મુદ્દાથી દોરવાઈ જાય છે.અહીં, સંભળાવાની જરૂર ખરી.
ઈ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment