Thursday, 22 November 2018

Sardar Patel invites RSS to join Congress

Dr.Hari Desai writes weekly column in Gujarat Guardian Daily of Surat 21 November 2018
સંઘના રાષ્ટ્રભક્ત સ્વયંસેવકોને કૉંગ્રેસમાં જોડાવા સરદાર પટેલનું નિમંત્રણ : ડૉ.હરિ દેસાઈ
  • વલ્લભભાઈ વિરોધીઓને પણ રાષ્ટ્રનિર્માણમાં જોતરવામાં ભાગ્યે જ સંકોચ રાખતા હતા
  • ગુરુજીએ સરદારને લખ્યું છે કે રાજકીય ક્ષેત્રમાં કાર્યક્ષમ અને વર્તમાનકાળમાં શાસનારૂઢ સંસ્થા કૉંગ્રેસ અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં અસામાન્ય બંધુભાવ, દૃઢ રાષ્ટ્રપ્રેમ તથા સ્વાર્થશૂન્યતાને નિર્માણ કરવામાં સફળતા પામનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વચ્ચે વૈમનસ્ય ન થાય, એ બંને પરસ્પર પૂરક થાય, અને તેમનું ક્યાંક પવિત્ર મિલન થાય એ માટે મેં મારી પૂરી શક્તિથી પ્રયત્ન કર્યો. સહકારનો હાથ આગળ ધર્યો. મારે અત્યંત દુઃખ સાથે કહેવું પડે કે મારી સદ્‌ભાવનાઓની આપના તરફથી ઉપેક્ષા થઇ. બંને પ્રવાહોના સંયોગની મારા મનની ઇચ્છા અતૃપ્ત બની રહી
ભારતમાં આજે સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ(બીજેપી)ની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ) અને કૉંગ્રેસના સર્વસત્તાધીશ નેતા રહેલા સરદાર વલ્લભભાઇ પટેલ વચ્ચેના સંબંધો હંમેશાં ચર્ચાસ્પદ રહ્યા છે. ૩૧ ઑક્ટોબર, ૧૮૭૫ના રોજ નડિયાદના દેસાઇવગોમાં જન્મેલા વલ્લભભાઇની સાચી જન્મતારીખ તો ૩૦ ઍપ્રિલ, ૧૮૭૬ અથવા ૭ મે, ૧૮૭૬ હોવા છતાં સરદારે મેટ્રિકનું ફોર્મ ભરતી વખતેજે યાદ આવી એ ઠોકી દીધેલી જન્મતારીખ૩૧ ઑક્ટોબર સમગ્ર ભારત સત્તાવાર રીતે મનાવે છે. મેટ્રિક બે ટ્રાયલે પાસ થયેલા વલ્લભભાઇની વિરાટ પ્રતિભાનાં દર્શન બેરિસ્ટર થવા એ લંડન આવ્યા અને એ પછી ભારતની સ્વાતંત્ર્‌ય ચળવળમાં પણ થયાં. મહાત્મા ગાંધી માટે અનિવાર્ય બનેલા એવા સરદાર પટેલ અખંડ ભારતના શિલ્પી બન્યા અને સામ, દામ, દંડ અને ભેદની ચાણક્યનીતિને આત્મસાત કરીને એમણે આખું આયખું ભારતમાતાને ચરણે સમર્પિત કર્યું હતું.હિંદુરાષ્ટ્રના કટ્ટર વિરોધી અને કૉમ્યૂનિસ્ટોના પણ બળૂકા દુશ્મન એવા સરદાર પટેલ વિરોધીઓને પણ રાષ્ટ્રનિર્માણમાં જોતરવામાં ભાગ્યે જ સંકોચ રાખતા હતા. હિંદુ-મુસ્લિમ એકતાના આગ્રહી અને ગાંધીજીની અહિંસાના આજીવન સમર્થક રહેલા વલ્લભભાઇએહિંદુરાષ્ટ્રના સમર્થક એવા રા.સ્વ.સંઘના રાષ્ટ્રભક્ત સ્વયંસેવકોને કૉંગ્રેસ સાથે જોડવાનો પ્રયાસ પણ કર્યો હતો. કૉંગ્રેસના કટ્ટર વિરોધી અને ભવિષ્યમાં પણ કટ્ટર વિરોધી થનારા ડૉ.બાબાસાહેબ આંબેડકર અને ડૉ.શ્યામાપ્રસાદ મુખરજીને સ્વતંત્ર ભારતની પ્રથમ રાષ્ટ્રીય સરકાર સાથે જોડવાનો યશ પણ સરદાર સાહેબને જ આપવો પડે.
૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ અખિલ ભારતીય હિંદુ મહાસભાના સાવરકરવાદીઅગ્રણીનથુરામ ગોડસેની ગોળીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વીંધાયા પછી હિંદુ મહાસભા અને રા.સ્વ.સંઘ પર પ્રતિબંધ લાદ્યો. એ  પછી પણ સરદારે ૧૧ સપ્ટેમ્બર, ૧૯૪૮ના રોજ સંઘના સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકરને જણાવ્યું કે હું એવા દૃઢનિશ્ચય પર આવ્યો છું કે આરએસએસના લોકો તેમના રાષ્ટ્રપ્રેરિત કાર્યને કૉંગ્રેસમાં જોડાઇને જ પરિપૂર્ણ કરી શકે છે, અલગ અસ્તિત્વ જાળવીને કે એનો વિરોધ કરીને નહીં. મને આનંદ છે કે આપ જેલમુક્ત થયા છો. આશા રાખું છું કે આપ મારો ઉપરોક્ત બાબત અંગે વિચારવિમર્શ કરીને યોગ્ય તે નિર્ણય પર આવશો. ગુરુજીએ સરદાર પટેલને લખેલા પત્રોના ઉત્તરમાં માત્ર બે પત્રો જ એમણે ગુરુજીને લખ્યા છે, પણ એ પત્રોમાં એમનો ગોળવળકર માટેનો આદરભાવ ઝળકવાની સાથે જ સંઘ બંધારણ તૈયાર કરીને એ મુજબ કાર્યરત રહે એ માટેનો દઢ આગ્રહ પણ સ્પષ્ટ થાય છે. બીજો પત્ર સરદારે ૨૬ સપ્ટેમ્બર, ૧૯૪૮ના રોજ ગુરુજીને લખ્યો છે. એ પછી ગુરુજીએ સરદારને ઉદ્દેશીને પત્રો લખ્યા છે જરૂર, પણ સરદારને બદલે ગૃહ વિભાગના સચિવ અને આઇસીએસ અધિકારી એચ.વી.આર.આયંગારે જ એના ઉત્તર વાળ્યા છે. છેલ્લે ૧ જૂન ૧૯૪૯નો પત્ર ગુરુજીએ જેલમાંથી લખીનેપત્ર લખવાનો કોઇ અર્થ નથી એટલે લખવાનું માંડી વાળું છું,’ એવી નારાજીની નોંધ સાથે લખ્યો છે.એના ઉત્તરમાં સિમલાથી આયંગારે પણપત્રવ્યવહાર ચાલુ રાખવાનું સરકારને પણ અર્થસભર લાગતું નથીએવું જણાવતો પત્ર પાઠવ્યો છે.
વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંઘના પ્રચારક તરીકે અમદાવાદસ્થિત ડૉ.હેડગેવારભવનથી સપ્ટેમ્બર ૫, ૧૯૮૪ના  રોજ પ્રકાશિત થયેલા પુસ્તક ‘‘પત્રરૂપ શ્રીગુરુજી’’માં નોંધ્યું છેઃ ‘‘જીવનની કોઇપણ ક્ષણે આવેશમાં ખેંચાઇ ન જતાં સ્થિતપ્રજ્ઞ રહેવું તે માટેનો સતત જાગૃત પરિશ્રમ’’ પત્રોમાં અનુભવાતો હતો. નરેન્દ્રભાઇ દ્વારા અનુદિત ગુરુજીના આવા પત્રો પ્રકરણ-૯માંઅન્યાયને પડકારશીર્ષક હેઠળ મૂકાયા છે. એમાં વડાપ્રધાન પં. જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઇને ગુરુજીએ લખેલા પત્રો છે, પણ એ પત્રોના ઉત્તરમાં આવેલા પત્રો નથી. એ માટે પી.એન.ચોપડા અને પ્રભા ચોપડા સંપાદિત ‘‘ધ કલેક્ટેડ વર્ક્સ ઑફ સરદાર વલ્લભભાઇ પટેલ’’નો ગ્રંથ-૧૪ જોવો અનિવાર્ય બની જાય છે.
મોદીઅનુદિત પત્રોમાં ‘‘સત્યને લાંબો સમય છુપાવી શકાય નહીં’’ એ શીર્ષક હેઠળના ગુરુજીલિખિતમાન્યવર સરદારજીને સંબોધીને લખાયેલો ૫ નવેમ્બર ૧૯૪૮નો પત્ર વર્તમાન સંજોગોમાં પણ સવિશેષ પ્રસ્તુત બની જાય છે. ‘‘રાજકીય ક્ષેત્રમાં કાર્યક્ષમ અને વર્તમાનકાળમાં શાસનારૂઢ સંસ્થા કૉંગ્રેસ અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં અસામાન્ય બંધુભાવ, દૃઢ રાષ્ટ્રપ્રેમ તથા સ્વાર્થશૂન્યતાને નિર્માણ કરવામાં સફળતા પામનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વચ્ચે વૈમનસ્ય ન થાય, એ બંને પરસ્પર પૂરક થાય, અને તેમનું ક્યાંક પવિત્ર મિલન થાય એ માટે મેં મારી પૂરી શક્તિથી પ્રયત્ન કર્યો. સહકારનો હાથ આગળ ધર્યો. મારે અત્યંત દુઃખ સાથે કહેવું પડે કે મારી સદ્‌ભાવનાઓની આપના તરફથી ઉપેક્ષા થઇ. બંને પ્રવાહોના સંયોગની મારા મનની ઇચ્છા અતૃપ્ત બની રહી. શક્ય છે કે પરમ કરુણામય પરમાત્મા મારા માટે કોઇ અન્ય માર્ગની તરફ સંકેત કરી  રહ્યો હોય અને સંભવતઃ તેમાંજ આ દેવભૂમિ ભારતવર્ષના ભાગ્યોદયનાં બીજ હોય.’’
‘‘માર્ગો જુદા થતી વખતે મારી ઇચ્છા છે કે એકવાર આપનાં દર્શન કરું. યદ્યપિ આપે મને ન મળવાનો વિચાર કર્યો હોય તથાપિ હું આપને પ્રાર્થના કરું છું કે આપ એક અવસર મને આપો તેથી શિષ્ટ સંપ્રદાય અનુસાર હું આપની  વિદાય લઇ શકું. સંઘને કાયદેસર કરાવવાના વિષયમાં આપના અને મારા વચ્ચે યદ્યપિ કોઇ મતભિન્નતા ઉત્પન્ન થઇ ગઇ હોય તો પણ હું વ્યક્તિગત રીતે આપને ખૂબ માનું છું . અને આ જ દૃષ્ટિથી જુદો માર્ગ, અનિચ્છાઓ જ કેમ ન હોય, અપનાવતી વખતે આપને મળીને જવાની ઇચ્છા છે.’’ ગુરુજીને દિલ્હી જિલ્લા અધિકારીએ ૨ નવેમ્બર, ૧૯૪૮ના રોજ પાઠવેલા પ્રતિબંધ-આજ્ઞાપત્રનેઅકારણ અને અન્યાયીસમજીને પરત કરી દીધો હોવાની નોંધ પણ સરદારને લખેલા પત્રમાં કરી છે. બંને મહાનુભાવો વચ્ચે પુનઃ કોઇ મુલાકાત થયાનો સંદર્ભ અમોને મળતો નથી. ૧૩ નવેમ્બર ૧૯૪૮ના રોજસંઘ પરના પ્રતિબંધને નહીં હટાવવાનો આપનો (સરદારનો) નિર્ણય જાણતાં.ગુરુજીએ લખેલા પત્રમાં સંઘ પરના બધા આક્ષેપો નિરાધાર તથા તર્કહીન હોવાને કારણે તેમને પાછા ખેંચી લઇને પ્રતિબંધને હટાવી લેવાનો’’ આગ્રહ કર્યો છે. એ પત્રના અંતમાં સંઘના દ્વિતીય સરસંઘચાલકજીએ નોંધ્યું છેઃ ‘‘મને વિશ્વાસ છે કે જે કંઇ ઉપર લખ્યું છે તેની તરફ આપ ઉચિત ધ્યાન આપશો અને ન્યાયી અને ઉચિત હોય એવું કાર્ય કરશો. આપ તેમ નહીં કરો તો એ કાર્ય સરમુખત્યારીભર્યું અને ગેરકાયદે પુરવાર થશે.’’ આ પત્રના પ્રારંભમાં ગુરુજીએ નોંધેલા શબ્દો પંડિત નેહરુ કરતાં સરદાર ભણી એમનો રોષ વધુ પ્રગટવા અને તેમના પગલાનેસરમુખત્યારીભર્યું’  લેખવા પ્રેરે છે. ‘‘માનનીય સરદારજી, પ્રણામ, આપના તરફથી આયંગારનો પત્ર કાલે સાંજે મને મળ્યો. ધન્યવાદ. ૧૦ નવેમ્બરે માનનીય પ્રધાનમંત્રી (નેહરુ) દ્વારા મને મોકલાવેલા પત્રને આધારે સંઘ પરના પ્રતિબંધને નહીં હટાવવાનો આપનો નિર્ણય મને જાણવા મળ્યો. મને એ જોઇને આશ્ચર્ય થાય છે કે એક તરફ પ્રધાનમંત્રીએ પોતાના પત્રમાં મને એવું સૂચિત કર્યું છે કે ગૃહવિભાગે જ તેના પર નિર્ણય કરવાનો છે અને બીજી તરફ આપનો નિર્ણય પ્રધાનમંત્રી દ્વારા મને મોકલવામાં આવેલા પત્ર પર આધારિત હતો.’’
સંઘ, સરદાર અને નેહરુના ત્રિકોણને સમજવા માટે નેહરુ, સરદાર અને ગુરુજી વચ્ચેના પત્રવ્યવહારને  આધારે નવેસરથી વિચારવાની જરૂર વર્તમાન સંજોગોમાં ઊભી થઇ છે: ખાસ કરીને આજે સંઘ, હિંદુ મહાસભા અને શિવસેના જેવાં હિંદુવાદી સંગઠનો ભારતનેહિંદુરાષ્ટ્રઘોષિત કરવાની ઝુંબેશ ચલાવી રહ્યાં છે અને હિંદુરાષ્ટ્ર નેપાળ જ્યારે સેક્યુલરવાદી રાષ્ટ્ર જાહેર થયું છે ત્યારે તો સવિશેષ; એ પણ પાછું જેમ ડૉ.બાબાસાહેબ આંબેડકરહિંદુ રાષ્ટ્રનો વિરોધ કરતા હતા તેમ સરદાર પટેલ પોતે પણ , “હિંદુ રાષ્ટ્રનેગાંડાઓનો ખ્યાલમાનતા હતા ત્યારે.     ઈ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment