Wednesday, 10 October 2018

Maldives : Democratic Dictatorship Ends with Election Result


ખોબલા જેવડા દેશ માલદીવમાં સત્તાપરિવર્તનનું લોકતાંત્રિક મહત્વ
ડૉ.હરિ દેસાઈ
·         ચીનના આંગળિયાત વર્તમાન રાષ્ટ્રપતિ યામીન સામે ભારતતરફી વિપક્ષી ઉમેદવાર સોલીહ (ઇબુ)નો વિજય થયો
·         ત્રણ-ત્રણ દાયકા સુધી લોખંડી પંજાથી શાસન કરનાર ઓરમાન ભાઈ ગયૂમને પણ યામીને જેલમાં નાંખ્યા હતા
·         ૧૯૮૮માં ગયૂમ સરકારને ઉથલાવવા માટે બળવાને વડાપ્રધાન રાજીવ ગાંધીને પાઠવેલા સૈનિકોએ નિષ્ફળ બનાવ્યો
·         શ્રીલંકાના રાષ્ટ્રપતિ વિક્રમસિંઘેને માલદીવના તાનાશાહી શાસન માટે જાણીતા રાષ્ટ્રપતિ યામીનને રાજ્યાશ્રય ઓફર કર્યો

દુનિયાભરમાં આજકાલ ચર્ચાસ્પદ બનેલા માત્ર ૩૫૦,૦૦૦ની વસ્તી ધરાવતા અને માંડ ૨૯૮ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતા ભારતને દક્ષિણ છેડે અરબી સમુદ્રમાં આવેલા શ્રીલંકન સિંહાલી ગોત્રની મુસ્લિમ વસ્તી ધરાવતા બટુક દેશ માલદીવ ભણી દુનિયાની નજરો મંડાયેલી છે. અહીં  લોકશાહી જીવતી રાખવા માટે રાષ્ટ્રપતિપદના ભારતતરફી વિપક્ષી ઉમેદવાર ઈબ્રાહીમ મોહમદ સોલીહ (ઇબુ)નો વિજય થયો, એમ કહેવા કરતાં પ્રોગ્રેસિવ પાર્ટીના ઉમેદવાર અને ચીનના આંગળિયાત એવા ભારતવિરોધી વર્તમાન રાષ્ટ્રપતિ અબદુલ્લા યામીનનો પરાજય થયો; એનું સવિશેષ મહત્વ છે. આર્થિક મદદની આડશે ભારતફરતે આવેલા દેશો નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા, માલદીવ, બાંગલાદેશ અને મ્યાનમાર પર ચીને પોતાનો પ્રભાવ સ્થાપવામાં સફળતા મેળવી છે. આવા સમયે માલદીવ ફરી ભારત તરફી વલણ ધરાવે તો એ દિલ્હી માટે તો હરખ કરવા જેવું લેખાશે. બારસો ટાપુઓનો દેશ સમુદ્રની જળસપાટીથી માત્ર ૬ ફીટની ઉંચાઈવાળો છે. દુનિયાભરના પર્યટકો માટે સ્વર્ગ સમાન રમણીય દેશની પ્રજા શાંતિપ્રિય હોવા છતાં એને લોકશાહી સદતી હોય એવું લાગતું નથી.રાજધાની માલેમાં વારંવાર બળવા થાય છે. તાનાશાહી શાસન હેઠળ વિરોધી અવાજને જેલમાં ઠાંસી દેવાની પરંપરા સામાન્ય છે. એટલી હદ સુધી કે ગયા ફેબ્રુઆરીમાં દેશની સુપ્રીમ કોર્ટે વિપક્ષી નેતાઓને છોડી મૂકવાનો આદેશ કર્યો તો મુખ્ય ન્યાયાધીશને જ જેલભેગા કરી દેવાયા.પૂર્વ રાષ્ટ્રપતિઓના જેલવાસ કે અન્ય દેશોમાં રાજ્યાશ્રય એ કાંઈ નવીનવાઈની વાત નથી. ગમે ત્યારે ઇમર્જન્સી હેઠળ મૂકાઈ જતા આ દેશના ભારત  સાથેના સંબંધો વર્ષ ૨૦૧૩ લગી સુમધુર રહ્યા હતા,પણ વર્ષ ૨૦૦૮ના નવા લોકશાહી બંધારણ હેઠળ યોજાયેલી વર્ષ ૨૦૧૩ની ચૂંટણીમાં અબદુલ્લા યામીન ચૂંટાયા પછી એમણે ચીનનું પડખું સેવવા માંડ્યું. છેલ્લે છેલ્લે તો એ ભારતને આંખો કાઢતા થઇ ગયા હતા.પરાજિત રાષ્ટ્રપતિ યામીનની મુદત નવેમ્બર મહિના સુધી છે એટલે ગ્રહણ ટાણે સાપ નીકળે નહીં તો નવા રાષ્ટ્રપતિ સોલીહ નવેમ્બર ૨૦૧૮માં  હોદ્દો ગ્રહણ કરશે.
પરિણામને ભારત-ચીનનો પ્રતિસાદ
ચીનના કહ્યાગરા અને પાકિસ્તાનના માનીતા રાષ્ટ્રપતિ યામીનનો પરાજય અનેકોને માટે આશ્ચર્ય ઉપજાવે એવી ઘટના હતી. ઇબુએ વર્તમાન રાષ્ટ્રપતિ અબદુલ્લાને ૩૮,૦૦૦ મતથી હરાવ્યા ત્યારે સૌથી પહેલાં ભારતે એમને અભિનંદન આપ્યા હતા.માલદીવ ડેમોક્રેટિક પાર્ટીના વિજેતા ઉમેદવારને ૧૩૪,૬૧૬ (૫૮.૬%) મત અને પરાજિત રાષ્ટ્રપતિને ૯૬,૧૨૩ (૪૧.૬%) મત મળ્યા. અગાઉ ૨૦૦૮માં મોહમ્મદ નશીદે રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયૂમને ૧૫,૦૦૦ મતથી હરાવ્યા હતા.એ પછી વર્ષ ૨૦૧૩ની ચૂંટણીમાં વર્તમાન રાષ્ટ્રપતિ યામીને અગાઉના રાષ્ટ્રપતિ નશીદને  ૬,૦૦૦ મતથી હરાવ્યા હતા. હમણાં  જે  ચૂંટણી થઇ  એમાં વિજેતા રાષ્ટ્રપતિને અભિનંદન આપવામાં ચૂંટણી પંચની સત્તાવાર જાહેરાત થાય એની ચીને પ્રતીક્ષા કરી. એ પછી ચીને માલદીવમાં અબજો ડોલરનું રોકાણ કર્યાનું યાદ દેવડાવીને નવા રાષ્ટ્રપતિ “ભારતનાં હિતને બદલે માલદીવનાં હિતનો વિચાર કરીને શાસન કરશે” એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. નવનિર્વાચિત રાષ્ટ્રપતિ સોલીહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના શપથગ્રહણ સમારંભમાં પધારવા માટે નિમંત્રણ આપી જ દીધું છે.સ્વાભાવિક રીતે ચીનને આ સઘળા ઘટનાક્રમથી નારાજ થવાનો મુદ્દો મળે છે,પણ એ રાજદ્વારી સંબંધોને વધુ મજબૂત રાખવા માટે પ્રતિબદ્ધ છે.ચીનની આંખોમાં એશિયાના દેશો જ નહીં, સમગ્ર વિશ્વમાં પોતાના પ્રભાવ પાથરવાનાં સાપોલિયાં રમે છે. શ્રીલંકા એની સાથે છે.સ્વાભાવિક રીતે કોલંબોના આર્થિક સંકટમાં ચીન એની પડખે રહ્યું છે.એનો ફાયદો બીજિંગ ઉઠાવે એ પણ એટલું જ સહજ છે.
રાષ્ટ્રપતિઓનો જેલવાસ કે રાજ્યાશ્રય
વર્ષ ૨૦૦૮માં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ નશીદનું વર્ષ ૨૦૧૨માં બંદૂકની અણીએ રાજીનામું લખાવી લેવાયું હતું અને એમના જ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ વાહીદ હસન વિવાદાસ્પદ સંજોગોમાં રાષ્ટ્રપતિના હોદ્દે ચડી બેઠા હતા.એ પછી વર્તમાન રાષ્ટ્રપતિ અબદુલ્લા યામીન ચૂંટાઈને  ૨૦૧૩માં સત્તારૂઢ થયા. જોકે માલદીવ પર ત્રણ-ત્રણ દાયકા સુધી તાનાશાહના લોખંડી પંજાથી શાસન કરનાર પોતાના ઓરમાન ભાઈ મૌમૂન અબ્દુલ ગયૂમને પણ અબ્દુલ્લાએ જેલમાં નાંખેલા હતા. હમણાં યામીન પરાજિત જાહેર થયા પછી વડી અદાલતે ગયૂમને જમીન પર છોડ્યા છે. બીજા રાષ્ટ્રપતિ રહેલા મોહમ્મદ નશીદ તો માલે ખાતેના ભારતીય દૂતાવાસમાં શરણ લઈને મે ૨૦૧૬માં બ્રિટનમાં રાજ્યાશ્રય મેળવવામાં સફળ થયા હતા. ઉપરાષ્ટ્રપતિ રહેલા એહમદ આદીબ રાષ્ટ્રપતિ યામીનની હત્યાની સાજીશના ખટલામાં ૧૫ વર્ષની સજા ભોગવી રહ્યા છે. ફેબ્રુઆરી ૨૦૧૬માં ઇસ્લામી વિપક્ષી પક્ષ અદાલત પાર્ટીના નેતા શેખ ઇમરાન અબ્દુલ્લાને સરકાર વિરુદ્ધ આતંકી કાર્યવાહીના ખટલામાં૧૨ વર્ષ માટે જેલમાં ઠૂંસી દેવાયા છે. વિરોધી અવાજને કચડી નાખવાની માલદીવની પરંપરા ૨૦૦૮ના લોકશાહી બંધારણ હેઠળ પણ તેમાં વિકૃતિઓ આણીને અમલમાં રહી છે.ચીનના ખડપામાં ઘૂસીને તો રાષ્ટ્રપતિ અબદુલ્લાએ ૭૯ મિલિયન અમેરિકી ડોલરના મહાકૌભાંડ સહિતનાં કૌભાંડોની શ્રેણીનાં દર્શન કરાવ્યાનું અલ-જઝીરા ટીવીએ બેનકાબ કર્યું હતું.
સુલતાન,ડચ,અંગ્રેજ અને સ્વદેશી શાસકો
માલદીવમાં ઇસ્લામનું આગમન બારમી સદીમાં થયું.એની ૯૮.૪ % વસ્તી મુસ્લિમ છે.૯૯ % કરતાં વધુ શિક્ષિત છે.એનું ચલણ “રૂફિયો” છે.  બંધારણ માથાદીઠ વાર્ષિક  આવક ૧૦,૦૦૦ અમેરિકી ડોલરની છે. બટુક દેશમાં અગાઉ સુલતાનનું સામ્રાજ્ય હતું, પછી ૧૫૫૮-૭૩ દરમિયાન પોર્ટુગીઝ શાસકો રહ્યા. એ પછી પણ સુલતાનનું શાસન આવ્યું. ૧૭મી સદીમાં શ્રીલંકાના ડચ શાસન હેઠળ રહ્યા પછી ૧૮૮૭માં આ દેશ અંગ્રેજોના અધિકાર ક્ષેત્ર હેઠળ આવ્યો. ૨૬ જુલાઈ ૧૯૬૫ના રોજ આઝાદ થયો.કોમનવેલ્થમાંથી નીકળી ગયો. ત્રણ વર્ષ સુધી સુલતાનના શાસન તળે રહ્યો. જનમતમાં સુલતાનને ઉથલાવીને ઇબ્રાહીમ નાસર ૧૯૬૮માં રાષ્ટ્રપતિ બન્યા. દેશ પ્રજાસત્તાક બન્યો.વર્ષ ૧૯૭૮માં નાસર નિવૃત્ત થયા અને મૌમૂન અબ્દુલ ગયૂમ રાષ્ટ્રપતિ બન્યા. વર્ષ ૧૯૮૨માં ફરી દેશ  કોમનવેલ્થમાં જોડાયો. અત્યારે એ ફારેગ છે. જોકે ફરી ફરીને એ જોડાય છે.વર્ષ ૨૦૦૫માં સંસદે બહુપક્ષીય લોકતંત્ર સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો અને બંધારણની રચના થતાં એની પહેલી ચૂંટણી ૨૦૦૮માં થઇ. ૧૯૭૮થી ૨૦૦૮ સુધી ગયૂમનું જડબેસલાક શાસન રહ્યું. જોકે અનેકવાર નવાં નવાં બંધારણ અમલમાં લાવતા આ દેશમાં હજુ લોકશાહી પરિપક્વ થઇ નથી.એની સરકારોને ઉથલાવવાના નવા નવા નુસખાઓ અજમાવાતા રહ્યા છે.
બળવાઓની પરંપરામાં ભારત મદદે
અરબી સમુદ્રમાં આવેલા દક્ષિણ ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષ્યદ્વીપને પડખે આવેલા માલદીવમાં સરકારોને ઉથલાવવા માટે બળવાઓની પરંપરા રહી છે. હવે એ સમાપ્ત થશે એવું ખાતરીપૂર્વક કહી શકાય નહીં. ભારતની મૈત્રી એને માટે કાયમ હૂંફ બની રહી છે.વર્ષ ૧૯૮૦ અને ૧૯૮૩માં ગયૂમ સરકાર સામે બળવાની કોશિશો થઇ હતી,પરંતુ એ દબાવી દેવામાં એમને સફળતા મળી હતી.વર્ષ ૧૯૮૮માં ગયૂમ સરકારને ઉથલાવવા માટે શ્રીલંકાના ખૂનખાર તમિળ ત્રાસવાદી જૂથના ૮૦  ભાડૂતી સૈનિકોએ રાજધાની માલેનાં મોટાભાગનાં સરકારી ભવનો અને એરપોર્ટ પર કબજો કરી લીધો હતો. સદનસીબે મદદ માટેના રાષ્ટ્રપતિ ગયૂમનો સંદેશો ભારતીય વડાપ્રધાન રાજીવ ગાંધીને પહોંચાડાયો. ભારત સરકારે ગયૂમને ભાગી છૂટવામાં મદદ કરી અને એ બચી ગયા હતા. ભારતીય લશ્કરના ગુપ્ત “ઓપરેશન કેક્ટસ” હેઠળ વડાપ્રધાનના આદેશથી ૧૬૦૦ ભારતીય સૈનિકોની ટૂકડીને પેરાશૂટથી  માલદીવમાં ઉતારાઈ. બળવામાં સામેલ તમામને ઝબ્બે કરી લેવાયા હતા. શ્રીલંકામાં ફાર્મ ધરાવતા અબદુલ્લા લુથુફીનો આ બળવા પાછળ હાથ હોવાનું મનાયું હતું.એ વેળાના અમેરિકી રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગન અને બ્રિટિશ વડાપ્રધાન માર્ગરેટ થેચરે ભારત સરકારની માલદીવને સંકટ સમયની સહાયનાં વખાણ કર્યાં હતાં. શ્રીલંકામાં અલગ તમિળ દેશ માટે લડી રહેલા આ બળવામાં સહભાગી ભાડૂતી સૈનિકોને ફાંસીની સજા થઇ હતી,પણ વડાપ્રધાન રાજીવની મધ્યસ્થીથી એ સજાને આજીવન કેદમાં ફેરવવા માટે રાષ્ટ્રપતિ ગયૂમને સમજાવી લેવાયા હતા.સંયોગ જુઓ કે રાજીવ ગાંધીની હત્યા શ્રીલંકામાં અલગ તમિળ ઇલમ (દેશ)ની માંગણી કરનારા ત્રાસવાદી તમિળોએ જ વર્ષ ૧૯૯૧માં કરી હતી !
પરાજિત વડાને શ્રીલંકાનું ઇજન
શ્રીલંકા માલદીવના અસંતુષ્ટો કે પરાજિત કે પછી નિષ્કાસિત રાષ્ટ્રપતિઓ સહિતના માટે આશ્રયસ્થાન છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનીલ વિક્રમસિંઘેને માલદીવના પરાજિત રાષ્ટ્રપતિ અને તાનાશાહી શાસન માટે જાણીતા યામીનના નવા શાસન હેઠળ ભૂંડા દિવસોનો અણસાર આવતાં એમને ફોન કરીને “ગમે ત્યારે શ્રીલંકામાં આપનું સ્વાગત છે” એવું ભાવભીનું નિમંત્રણ આપી દીધું છે. સંયોગ તો જુઓ કે શ્રીલંકાના રાષ્ટ્રપતિએ માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નશીદને ભોજન પર આમંત્રણ આપ્યા પછી યામીનને ફોન કર્યો હતો. બ્રિટનમાં રાજ્યાશ્રય મેળવનાર પૂર્વ રાષ્ટ્રપતિ  નશીદને માલદીવમાં યામીનનું શાસન આવતાં ૧૩ વર્ષની જેલની સજા થઇ હતી અને એમણે બ્રિટન ભાગી જવું પડ્યું હતું. આજકાલ એ શ્રીલંકામાં વસે છે. માલદીવના કુલ દેવાનું ૮૦ % દેવું ચીનનું છે. ચીન સાથેના પ્રકલ્પો અને યામીનના ભ્રષ્ટાચાર અંગે નવા રાષ્ટ્રપતિ તપાસ કરવાના છે. શ્રીલંકા પણ ચીનનું ઓશિયાળું છે.આવા સંજોગોમાં આવતા દિવસોમાં માલદીવ અંગે નવાજૂનીના વાવડ કોલંબોથી મળતા રહે એ સ્વાભાવિક છે. ચીન ભારત સાથેના માલદીવના મધુર સંબંધોને લાંબો સમય સહી શકે તેમ નથી. જોકે અત્યારે તો માલદીવમાં લોકશાહીનો સોનેરી સૂરજ ઊગ્યાનું લાગે છે,પણ એ કેટલો ટકશે એ કહેવું મુશ્કેલ છે.
ઈ-મેઈલ : haridesai@gmail.com                                         (HD-Maldives 04102018)

No comments:

Post a Comment