Friday 21 September 2018

PM Indira Gandhi’s committed Judiciary and Present scenario


Dr.Hari Desai’s weekly column in Gujarat Samachar (London), Sanj Samachar (Rajkot), Gujarat Guardian (Surat), Sardar Gurjari (Anand), Hamlog (Patan) and Gandhinagar Samachar (Gandhinagar ). You may read the full text  and comment.
ઇન્દિરા ગાંધીથી શરૂ થયેલી કહ્યાગરા ન્યાયતંત્રની પરંપરા અને આજ  : ડૉ.હરિ દેસાઈ
·         સીનિયોરિટી જાળવીને ઇશાન ભારતના સર્વપ્રથમ મુખ્ય ન્યાયાધીશપદે  રંજન ગોગોઈની નિયુક્તિ
·         રાજકીય શાસકો તો રાષ્ટ્રીય અદાલતી નિમણૂક પંચ દ્વારા ન્યાયાધીશોની નિમણૂકો કરવાના પક્ષધર
·         કેટલાક ન્યાયાધીશો તો વડાપ્રધાનના સચિવને પૂછીને ચુકાદા લખવા માટે નામચીન હોવાનું જણાયું
·         ન્યાયતંત્રની સ્વતંત્રતા અને  સરકારના અધિકારોની લક્ષ્મણરેખા અનુસરાય તો સ્વસ્થ લોકશાહી ટકે

ભારત સરકારે દેશના મુખ્ય ન્યાયાધીશના હોદ્દે સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ રંજન ગોગોઈની નિમણૂક કરીને સંભવિત વિવાદ ટાળવાનું પસંદ કર્યું છે. આગામી ૨ ઓક્ટોબરના રોજ નિવૃત્ત થઇ રહેલા મુખ્ય ન્યાયાધીશ દીપક  મિશ્રા કનેથી જ પોતાના અનુગામીના નામની ભલામણ સરકારે મંગાવી અને એને સ્વીકારી હતી. આગામી ૩ ઓક્ટોબરે દેશના મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળનારા અને બે વર્ષમાં થોડાક ઓછા સમયગાળા માટે મુખ્ય ન્યાયાધીશ રહેનારા ૬૩ વર્ષીય જસ્ટિસ ગોગોઈ આ હોદ્દે આવનારી  ઇશાન ભારતની સર્વપ્રથમ વ્યક્તિ છે. દિબ્રુગઢમાં જન્મેલા અને ૧૯૭૮માં ધારાશાસ્ત્રી તરીકે ગુવાહાટીની વડી અદાલતમાં પ્રેક્ટિસ શરૂ કરનાર ગોગોઈ આસામના બે મહિના માટે કોંગ્રેસી મુખ્યમંત્રી રહેલા કેશવચંદ્ર ગોગોઈના પુત્ર છે.તેઓ અહોમ ગણ પરિષદ (એજીપી)ના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી પ્રફુલ્લકુમાર મહંતીના ધારાશાસ્ત્રી પણ રહ્યા છે. ગુવાહાટીની વડી અદાલતમાં ન્યાયાધીશ નિયુક્ત થયા પછી તેમની પંજાબ અને હરિયાણાની વડી અદાલતમાં  બદલી થઇ અને એ અદાલતના મુખ્ય ન્યાયાધીશ થયા પછી ૨૦૧૨થી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ નિયુક્ત થયા હતા. અદાલતમાં કડક નિયમપાલન માટે જાણીતા જસ્ટિસ ગોગોઈ કોઈપણ ખટલામાં ચુકાદો આપતી વેળા કોઈની સાડાબારી રાખવાને બદલે કાયદાનું અર્થઘટન કરીને યોગ્ય લાગે તે નિર્ણય કરવા માટે મશહૂર છે.એમની બહુચર્ચિત પત્રકાર પરિષદમાં સામેપૂર તરવા જેવા સંજોગો હતા ત્યારે પણ એમણે કહેવાનું પસંદ કર્યું કર્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં બધું બરાબર ચાલતું નથી. હવે એને બરાબર કરવાની જવાબદારી એમના શિરે આવી છે.
પંચને ગેરબંધારણીય જાહેર
સદગત વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ કહ્યાગરા મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવાની શરૂ કરેલી પરંપરાને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનુસર્યા નહીં એ આવકાર્ય પગલું ગણી શકાય. જોકે ઉત્તરાખંડ હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જોસેફ અને કર્ણાટક હાઇકોર્ટના ન્યાયાધીશ જયંત પટેલના પ્રકરણમાં કેન્દ્ર સરકારની ભૂમિકા વિવાદાસ્પદ જરૂર રહી હતી. જોકે ઇન્દિરા ગાંધીના યુગથી શરૂ થયેલી ન્યાયતંત્રની નિમણૂકોની દખલગીરી અત્યારે પણ જોવા મળે છે. મુખ્ય ન્યાયાધીશ સહિતના પાંચ જજના કોલેજિયમ થકી સુપ્રીમના ન્યાયાધીશ કે હાઇકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક માટેની ભલામણો સરકાર પૂરેપૂરી  સ્વીકારતી નથી. અમુકની દરખાસ્તોને ઇન્ટેલિજન્સના ગુપ્ત અહેવાલોને નામે ટાળી દેવાની વૃત્તિ-પ્રવૃત્તિ ચાલતી રહે છે. ભાજપના વડપણવાળી સરકાર પોતાને અનુકૂળ ન્યાયાધીશોની નિમણૂક કરવાનું શક્ય બને એટલા માટે રાષ્ટ્રીય અદાલતી નિમણૂક પંચ મારફત ન્યાયાધીશોની નિમણૂકો કરવાની પક્ષધર છે. કોંગ્રેસને પણ એ અનુકૂળ લાગે છે. મોદીયુગમાં એટલેકે ઓગસ્ટ ૨૦૧૪માં સંસદનાં બંને ગૃહોએ પંચની રચનાના ૯૯મા બંધારણીય સુધારા  વિધેયકને મંજૂર કરવા ઉપરાંત રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ મત્તું મારીને કાયદાનું સ્વરૂપ પણ આપ્યું હતું. જોકે એને સુપ્રીમે ગેરબંધારણીય જાહેર કરીને રદ કરવાનો ચુકાદો આપ્યો છે. એટલે અત્યારે તો ન્યાયાધીશોના કોલેજિયમ મારફત ન્યાયાધીશોનાં નામની ભલામણ કરાય છે. સૂચવાયેલાં બધાં નામ સરકાર સ્વીકારે એવું નથી.

ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન રદ
જસ્ટિસ કે.એમ. જોસેફના નામની કોલેજિયમે ભલામણ કર્યા છતાં એ અંગે પુનઃવિચાર કરવાનો સરકારનો આગ્રહ રહ્યો હતો. કારણ ઉત્તરાખંડમાં કોંગ્રેસની સરકારને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લાદવાના કેન્દ્રના નિર્ણયને ઉત્તરાખંડની હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે તેમણે રદ કરીને કોંગ્રેસની સરકારને બહાલ કરી હતી. સદનસીબે અત્યારના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાના વડપણવાળા  કોલેજિયમે ફરી ફરીને જસ્ટિસ જોસેફના નામની ભલામણ કરી ત્યારે અંતે એમની સીનિયોરિટી ડૂબાડીને પણ તેમને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ  તરીકે નિયુક્ત કરવાનું સરકારે સ્વીકાર્યું હતું. ન્યાયતંત્રની સ્વતંત્રતા જળવાય, સરકાર પણ પોતાના અધિકારો ભોગવે,પરંતુ બંનેમાંથી કોઈ પોતાની લક્ષ્મણરેખાને ઓળંગે નહીં તો જ  દેશની સ્વસ્થ લોકશાહીનું જતન થશે. જસ્ટિસ જોસેફનું નામ સર્વોચ્ચ અદાલતના કોલેજિયમે વારંવાર સરકારને સૂચવ્યું પછી એમની સીનિયોરિટી ડૂબાડીને તેમને સર્વોચ્ચ અદાલતમાં નિયુક્ત કર્યા હતા.જસ્ટિસ પટેલને કર્ણાટક હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નહીં બનાવાયા ત્યારે તેમણે રાજીનામું આપવાનું પસંદ કર્યું હતું. આ બંને ન્યાયાધીશો વર્તમાન શાસકોને પ્રતિકૂળ એવા ચૂકાદા આપવા બદલ આવી સ્થિતિમાં મુકાયા હતા.મહારાષ્ટ્રમાં સીબીઆઇ જજ બ્રિજગોપાલ હરિકૃષ્ણ લોયાની કથિત હત્યા સહિતના મુદ્દે સર્વોચ્ચ અદાલતના ચાર સૌથી વરિષ્ઠ ન્યાયાધીશોએ જાન્યુઆરી ૨૦૧૮માં અભૂતપૂર્વ કહી શકાય એવી પત્રકાર પરિષદ કરીને મુખ્ય ન્યાયાધીશ મિશ્રાની ભૂમિકાને વિવાદમાં આણી ખળભળાટ મચાવ્યો હતો.
રાય નિમાતાં ત્રણનાં રાજીનામાં
 કેન્દ્રમાં સત્તાધીશોને કહ્યાગરા ન્યાયતંત્રની અપેક્ષા રહેવી સ્વાભાવિક છે. ન્યાયતંત્ર અને સનદી સેવાઓમાં પોતાને અનુકૂળ એવી વ્યક્તિઓની નિમણૂક કરવાનો  કોંગ્રેસ અને કોંગ્રેસેતર પક્ષોની સરકારોને છોછ નથી હોતો.વર્ષ ૧૯૭૦ લગી સર્વોચ્ચ અદાલતમાં સૌથી વરિષ્ઠ ન્યાયાધીશને જ મુખ્ય ન્યાયાધીશના હોદ્દે નિયુક્ત કરવાની પરંપરા જળવાઈ હતી,પણ એ પછી ન્યાયાધીશ સરકારને કેટલા અનુકૂળ રહે તેનું આકલન કરીને નિયુક્ત કરવાની શરૂઆત વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના યુગમાં શરૂ થઇ અને એને અન્યોએ પણ અખંડ રાખી હતી. મુખ્ય ન્યાયાધીશ તરીકે એ.એન.રાયને અન્ય ત્રણ ન્યાયાધીશોની સીનિયોરિટીને ડૂબાડીને નિયુક્ત કરાયા ત્યારે એ ત્રણ ન્યાયાધીશો સર્વશ્રી જે.એમ.શેલત, કે.એસ.હેગડે અને એ.એન.ગ્રોવરે રાજીનામાં આપ્યાં હતાં.એવું જ ન્યાયાધીશ એચ.આર.ખન્નાની સીનિયોરિટી ડૂબાડાઈ  ત્યારે તેમણે પણ રાજીનામું આપ્યું હતું. વડાપ્રધાન અને તેમની કિચન કેબિનેટને અનુકૂળ ન્યાયાધીશો નિયુક્ત કરવા અને કહ્યાગરા મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવાની પરંપરા શ્રીમતી ગાંધીના યુગમાં શરૂ થઇ. જોકે પ્રજાએ ૧૯૭૭માં તેમને મરણતોલ ફટકા સમાન પરાજય આપીને જનતા પાર્ટીના હાથમાં દેશનું સુકાન સોંપ્યું ત્યારે મોરારજી દેસાઈની સરકાર થકી દેશને તાનાશાહી ભણી લઇ જતી બંધારણની જોગવાઈઓમાં સુધારો કરીને ઇમર્જન્સી અમલમાં લાવવા માટેનું કઠીન બનાવવામાં આવ્યું. લશ્કરી બળવો કે બાહ્ય આક્રમણ થાય ત્યારે જ ઇમર્જન્સી લાદી શકાય એવી કડક જોગવાઈ કરવામાં આવી.
સંનિષ્ઠ ન્યાયાધીશોનું યોગદાન
૧૨ જૂન ૧૯૭૫ના અલાહાબાદ હાઇકોર્ટના ચુકાદાને પગલે રાયબરેલી બેઠક પરથી ચૂંટણી રદ થતાં વડાપ્રધાનપદેથી રાજીનામું આપવું પડે એવી સ્થિતિમાં મુકાયેલાં શ્રીમતી ગાંધીએ ન્યાયતંત્ર પર ધાંસ વધારવા ઉપરાંત ૧૯૭૫-૭૭ની ઈમર્જન્સીના સંજોગો સર્જ્યા હતા.તેમને વડાપ્રધાનપદે ચાલુ રહેવા માટે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કૃષ્ણ ઐય્યરે અમુક શરતો લાદીને રાહત આપી હતી. તેમાં છતાં તેમણે વર્તમાન અને પૂર્વ વડાપ્રધાન વિરુદ્ધ કોઈ અદાલતી દંડાત્મક કાર્યવાહી ના થઇ શકે તેમજ રાષ્ટ્રપતિની મુદત સીમિત કરવા સહિતના બંધારણીય સુધારા આણીને લોકતંત્રને ખતરામાં મુકવાની કોશિશ કરી ત્યારે ન્યાયતંત્ર એમને  માટે અવરોધક સાબિત થયું હતું. બેફામ સત્તા સરકારના હાથમાં એટલે કે વડાપ્રધાન પાસે કેન્દ્રિત કરવાની એમની કોશિશને અદાલતી ચુકાદા થકી નાકામયાબ કરવામાં આવી. એમના મળતિયા અને એમના સચિવને પૂછીને ચુકાદા લખવા માટે નામચીન સુપ્રીમ કોર્ટના કેટલાક ન્યાયાધીશોને તટસ્થ ન્યાયાધીશોએ ફાવવા દીધા નહીં.
ચુકાદાને ઉલટાવવાનો પ્રયાસ વિફળ
વર્ષ ૧૯૯૬થી ૯૮ દરમિયાન દેશના સોલિસિટર જનરલ રહેલા ટી.આર.અધ્યારુજીનાએ લખેલા દસ્તાવેજી પુસ્તક “ધ કેશવાનંદ ભારતી કેસ : ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સ્ટ્રગલ ફોર સુપ્રીમસી બાય સુપ્રીમ કોર્ટ એન્ડ પાર્લામેન્ટ”માં ઇન્દિરા યુગમાં કહ્યાગરા ન્યાયાધીશોને નિયુક્ત કરવાની મોસમ કેવી રીતે ખીલી એનું વિગતવાર અને અંતરિયાળ માહિતીને આધારે નામ સહિતનું વર્ણન વાંચવા મળે છે. સંસદને બંધારણ બદલવાની કોઈ સત્તા નથી એવા ૬ વિરુદ્ધ ૫ ન્યાયાધીશોના ગોલકનાથ ચુકાદાને બદલાતા કેશવાનંદ ભારતી કેસના ૧૩ ન્યાયાધીશોની ખંડપીઠના ૭ વિરુદ્ધ ૬ના ચુકાદાને ફેરવવા માટે એમના કહ્યાગરા મુખ્ય ન્યાયાધીશ એ.એન.રાયે ૧૩ ન્યાયાધીશોની ખંડપીઠ નિયુક્ત કરી. એ દાવ પણ નાકામયાબ થતાં બંધારણને “તેના મૂળભૂત માળખાનાં તત્વોમાં કોઈ ફેરફાર કર્યા સિવાય” બદલવાનો સંસદને અધિકાર હોવાનો કેશવાનંદ ભારતી કેસનો ચુકાદો ઉલટાવી શકાયો નહીં અને દેશનું લોકતંત્ર બચી ગયું હતું. બંધારણનાં મૂળભૂત માળખાનાં તત્વોમાં (૧) બંધારણને સર્વોચ્ચ (સુપ્રીમ) માનવામાં આવે. (૨) દેશની સરકારના પ્રજાસત્તાક અને લોકતાંત્રિક તેમજ સાર્વભૌમત્વ સ્વરૂપને અકબંધ રખાય. (૩) બંધારણના ધર્મનિરપેક્ષ (સેક્યુલર) અને સંઘીય (ફેડરલ) સ્વરૂપને અકબંધ રાખવામાં આવે. (૪) ન્યાયપાલિકાની સ્વતંત્રતા જળવાય તેમજ ન્યાયપાલિકા, ધારાગૃહો  અને કારોબારી (સરકાર) વચ્ચે સત્તાનું સીમાંકન સ્પષ્ટ કરાય. (૫) બંધારણના ભાગ ત્રણમાં વ્યક્તિની ગરિમાના જતન  અંગે સ્વતંત્રતાના વિવિધ અધિકારો તેમજ મૂળભૂત અધિકારો ઉપરાંત કલ્યાણ રાજ્યના નિર્માણ માટે ભાગ ચારમાં અપાયેલા નિર્દેશનું જતન. (૬) દેશની એકતા અને અખંડિતતા અકબંધ રહે. જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી લોકનાયક જયપ્રકાશ નારાયણે એના કાયદા પ્રધાન શાંતિ ભૂષણને પત્ર લખીને જસ્ટિસ વાય.વી.ચંદ્રચુડ કે  જસ્ટિસ પી.એન ભગવતીને ઇન્દિરા ગાંધીની તરફેણમાં ચુકાદા આપવા બદલ મુખ્ય ન્યાયાધીશપદ પર નિયુક્ત નહીં કરવાનો આગ્રહ કર્યો હતો,પરંતુ મુખ્ય ન્યાયાધીશ એમ.એચ.બેગ નિવૃત્ત થયા પછી જનતા સરકારે જસ્ટિસ ચંદ્રચુડને મુખ્ય ન્યાયાધીશ બનાવ્યા હતા. એ પછી જસ્ટિસ ભગવતી પણ ચિફ બન્યા હતા. જોકે મુખ્ય ન્યાયાધીશો નિવૃત્તિ પછી અધ્યક્ષપદ કે રાજ્યપાલપદ કે પછી સાંસદપદની લાલચમાં સત્તાધીશોને અનુકૂળ રહ્યાના દાખલા ઘણા મળે છે.
ઇન્ટેલિજન્સની આડશે નકાર
જોકે ઇન્દિરા ગાંધીના યુગથી શરૂ થયેલી ન્યાયતંત્રની નિમણૂકોની દખલગીરી અત્યારે પણ જોવા મળે છે. મુખ્ય ન્યાયાધીશ સહિતના પાંચ જજના કોલેજિયમ થકી સુપ્રીમના ન્યાયાધીશ કે હાઇકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક માટેની ભલામણો સરકાર પૂરેપૂરી  સ્વીકારતી નથી. અમુકની દરખાસ્તોને ઇન્ટેલિજન્સના ગુપ્ત અહેવાલોને નામે ટાળી દેવાની વૃત્તિ-પ્રવૃત્તિ ચાલતી રહે છે. ભાજપના વડપણવાળી સરકાર પોતાને અનુકૂળ ન્યાયાધીશોની નિમણૂક કરવાનું શક્ય બને એટલા માટે રાષ્ટ્રીય અદાલતી નિમણૂક પંચ મારફત ન્યાયાધીશોની નિમણૂકો કરવાની પક્ષધર છે. કોંગ્રેસને પણ એ અનુકૂળ લાગે છે. મોદીયુગમાં એટલેકે ઓગસ્ટ ૨૦૧૪માં સંસદનાં બંને ગૃહોએ પંચની રચનાના ૯૯મા બંધારણીય સુધારા  વિધેયકને મંજૂર કરવા ઉપરાંત રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ મત્તું મારીને કાયદાનું સ્વરૂપ પણ આપ્યું હતું. જોકે એને સુપ્રીમે ગેરબંધારણીય જાહેર કરીને રદ કરવાનો ચુકાદો આપ્યો છે. એટલે અત્યારે તો ન્યાયાધીશોના કોલેજિયમ મારફત ન્યાયાધીશોનાં નામની ભલામણ કરાય છે. સૂચવાયેલાં બધાં નામ સરકાર સ્વીકારે એવું નથી.જસ્ટિસ જોસેફના નામની કોલેજિયમે ભલામણ કર્યા છતાં એ અંગે પુનઃવિચાર કરવાનો સરકારનો આગ્રહ રહ્યો હતો. કારણ ઉત્તરાખંડમાં કોંગ્રેસની સરકારને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લાદવાના કેન્દ્રના નિર્ણયને ઉત્તરાખંડની હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે તેમણે રદ કરીને કોંગ્રેસની સરકારને બહાલ કરી હતી. સદનસીબે અત્યારના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાના વડપણવાળા  કોલેજિયમે ફરી ફરીને જસ્ટિસ જોસેફના નામની ભલામણ કરી ત્યારે અંતે એમની સીનિયોરિટી ડૂબાડીને પણ તેમને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ  તરીકે નિયુક્ત કરવાનું સરકારે સ્વીકાર્યું હતું. ન્યાયતંત્રની સ્વતંત્રતા જળવાય, સરકાર પણ પોતાના અધિકારો ભોગવે,પરંતુ બંનેમાંથી કોઈ પોતાની લક્ષ્મણરેખાને ઓળંગે નહીં તો જ  દેશની સ્વસ્થ લોકશાહીનું જતન થશે.
ઈ-મેઈલ : haridesai@gmail.com


No comments:

Post a Comment