આસ્તિક-નાસ્તિકનો રામાયણ-પિતૃતર્પણનો મહિનો: “કરકીડકમ”
ડૉ.હરિ દેસાઈ
·
ધર્મને અફીણ
ગણાવનારા માર્ક્સવાદી શાસકો કેરળમાં શાસન
કરવાની સાથે જ પ્રજાના તહેવારો મનાવે છે
·
“ક્યારેક રામાયણને
બાળનારા” સીપીએમવાળાઓનો રામાયણ-ઉત્સવ તો બેવડાં ધોરણનો જ નમૂનો: ભાજપ
·
હિંદુ મહાસભાના સુપ્રીમો
વિ.દા.સાવરકરની જેમ કેરળના નાસ્તિક કમ્યૂનિસ્ટો થકી જ “ગોડ્સ ઓન કન્ટ્રી” સૂત્ર
·
માર્ક્સ-હેગેલે ચોરેલા
વેદાન્તના ભારતીય તત્વજ્ઞાન થકી જ વિચારધારા બક્ષી: સામ્યવાદી નેતા દેશપાંડે-
ડાંગે
કેરળમાં અત્યારે રામાયણનો મહિનો ચાલી રહ્યો છે. સામ્યવાદી –માર્ક્સવાદી,
કોંગ્રેસ અને ભાજપ સહિતના રાજકીય પક્ષો પોતાના પ્રભાવને જાળવવા કે વિસ્તારવા માટે
“અધ્યાત્મ રામાયણ”ના પાઠ અને સ્તવન સહિતના વિવિધ કાર્યક્રમો યોજે છે. મલયાલી
કેલેન્ડરમાં છેલ્લો મહિનો કરકીડકમ આવે છે. આ મહિનો પિતૃઓના તર્પણનો મહિનો પણ ગણાય
છે. નવાઈ એ વાતની છે કે કેરળમાં માત્ર હિંદુ જ નહીં, મુસ્લિમો પણ રામાયણનું પઠન અને
શ્રવણ કરે છે. અત્યારે દેશભરમાં જે પ્રકારનો માહોલ સર્જાયો છે એની અસર કેરળમાં પણ થઇ
રહી છે. કોઈ મુસ્લિમ વિદ્વાન પ્રાધ્યાપક
રામાયણ પર નિયમિત કટાર લખતા હોય તો એને બંધ કરાવવા માટે હનુમાન સેના ધમકીઓ આપે છે.
પ્રતિષ્ઠિત અખબાર તેમજ કટારલેખકને એ કટાર બંધ કરવા માટે વિવશ કરે છે. જોકે
ડૉ.એમ.એમ.બશીરની આવી કટાર બંધ કરવાની ફરજ પડયા પછી સંઘ પરિવારના આગેવાનોએ તેમણે
મળીને કે ફોન કરીને માફી પણ માગી હતી. સામાન્ય રીતે કેરળમાં માર્ક્સવાદીઓ અને સંઘ
પરિવાર વચ્ચે દાયકાઓથી લોહિયાળ સંઘર્ષ ચાલે છે. બંને પક્ષે વેરની વસુલાત એકમેકની
હત્યાઓથી કરે છે.બંને બાજુના હત્યારાઓને જનમટીપ કે ડબલ જનમટીપ જેવી સજા થયા પછી પણ
આવી હત્યાઓ બંધ નથી થતી.રાજકારણે એમાં સતત તેલ રેડવાનું કામ કર્યું છે.આદિ
શંકરાચાર્યની જન્મભૂમિ કાલડી કેરળમાં છે.દેશમાં સૌથી પહેલીવાર ખ્રિસ્તી મિશનરી
સેન્ટ થોમસ ઈ.સ. ૫૧માં કેરળમાં આવ્યા હતા. સૌથી પહેલાં ઉચ્ચ વર્ણીય મનાતા પાંચ
નામ્બુદિરી બ્રાહ્મણ પરિવારોએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. દેશની સૌથી પહેલી
મસ્જિદ પણ અહીં કેરળમાં બંધાઈ હતી. કેરળના મહારાજાએ મહંમદ પયગંબર સાહેબની હયાતીમાં
જ ઇસ્લામ કબુલ્યો હતો. એમના આદેશથી બંધાયેલી દેશની પ્રથમ મસ્જિદની પ્રતિકૃતિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સાઉદી અરેબિયાના રાજવીને ભેટ આપવામાં ગર્વ અનુભવે છે.
સર્વધર્મીઓને મલયાલમ સંસ્કૃતપ્રચુર
દેશમાં સૌથી વધુ શિક્ષિત (૯૪%) એવા ૩.૩૪ કરોડની કુલ વસ્તીમાં ૫૪.૭૩%
હિંદુ,૨૬.૫૬% મુસ્લિમ અને ૧૮.૩૮% ખ્રિસ્તી વસ્તી ધરાવતા બટુક રાજ્ય કેરળમાં
અત્યારે મલયાલી કેલેન્ડરનો છેલ્લો મહિનો એટલે “કરકીડકમ” અર્થાત રામાયણનો મહિનો
ચાલી રહ્યો છે. માન્યતા એવી છે કે વાલ્મીકિએ આ મહિનામાં રામાયણનું લેખન પૂરું
કર્યું એટલે કેરળમાં ૧૭ જુલાઈથી ૧૬ ઓગસ્ટ દરમિયાન ઘરઘરમાં કે જાહેર સમારંભોમાં
રામાયણના મહિમાના પાઠ(કીર્તનમ્) થાય છે. આપણી ગુજરાતી ભાષામાં ૬૦થી ૭૦ % શબ્દો
અરબી-ફારસીના છે. એનાથી વિપરીત કેરળની
રાજભાષા મલયાલમ ભરપટ્ટે (૬૦% કરતાં વધુ) સંસ્કૃત શબ્દો ધરાવે છે. પશ્ચિમ ઘાટ અને
અરબી સમુદ્ર વચ્ચે આવેલા મલા + આલમ એટલે કે પહાડી અને સમુંદરના સ્થળ વિશે દેશ અને
દુનિયા ગૌરવ લઇ શકે છે. સામાન્ય રીતે કોમી સૌહાર્દ માટે જાણીતી શંકરાચાર્યની આ
ભોમકા પરાપૂર્વથી ગ્રીક, રોમન, આરબ, ચીના, પોર્ટુગીઝ, ડચ, ફ્રેંચ, બ્રિટિશ સાથે
વેપાર અને સાંસ્કૃતિક સંબંધોથી જોડાયેલી રહી હોવાથી “આનો ભદ્રા ક્રતવો યન્તુ
વિશ્વતઃ”(દશેય અથવા દરેક દિશાઓમાંથી અમને
સારા વિચારો પ્રાપ્ત થાઓ)નો લાભ એને મળ્યો છે. અત્યારે રાજકીય દ્રષ્ટિએ આ બટુક
રાજ્યમાં રામાયણને લઈને રમખાણ મચ્યું છે : ધર્મને અફીણ ગણાવનારા માર્ક્સવાદીઓ
કેરળમાં શાસન કરવાની સાથે જ પ્રજાના તહેવારો મનાવે અને રામાયણના કીર્તન કાર્યક્રમો
કે પરિસંવાદો યોજે ત્યારે એને હિંદુ
ધર્મની પોતાની ઈજારાશાહી લેખાતા અને દાયકાઓથી અહીંની રાજકીય ભૂમિ પર પગદંડો
જમાવવામાં નિષ્ફળ નીવડેલાઓ “બેવડાં ધોરણ”ની ગાજવીજ કરે છે.
સત્તારૂઢ સીપીએમ અને સંસ્કૃત સંઘમ
કેરળ વિધાનસભામાં પહેલીવાર ચૂંટાઈ આવનાર માર્કસવાદી સામ્યવાદી પક્ષ
(સીપીઆઇ-એમ)ની યુવા ધારાસભ્ય યુ. પ્રતિભા હરિનો નીલવિલક્કુ (પરંપરાગત દીપ) સામે
બેસીને “અધ્યાત્મ રામાયણ”ના પાઠનું કીર્તન કરતો વીડિયો ૧૮ જુલાઈ ૨૦૧૮ના રોજ ફેસબુક
પર મૂકાયો અને અનેકોએ એને શેર કર્યો કે ધમાલ મચી. હજુ થોડા દિવસ પહેલાં જ કેરળના
દેવસ્થાનમ્ બાબતોના મંત્રી કડકમ્પલ્લી સુરેન્દ્રને પ્રસિદ્ધ ગુરુવાયુર (કૃષ્ણ)
મંદિરમાં પૂજા કરાવી એ વિશે પક્ષ તરફથી એમનો ખુલાસો માંગવામાં આવ્યા હતો. પક્ષ
સાથે સંકળાયેલા સંસ્કૃત સંઘમના ઉપક્રમે રાજ્યભરમાં રામાયણ પરના કાર્યક્રમો યોજાય
અને સીપીએમની યુવા ધારાસભ્ય રામાયણનો પાઠ કરે તો વિવાદ જાગવો સ્વાભાવિક છે. જોકે
રાજ્યના સીપીએમના મંત્રી કોડિયારી બાલકૃષ્ણને સ્પષ્ટ કર્યું કે સંસ્કૃત સંઘમ સ્વતંત્ર સંસ્થા છે અને એનું સીપીએમ સાથે જોડાણ
નથી. કેટલાક માર્ક્સવાદી મંત્રીઓ પણ એના કાર્યક્રમોમાં હાજરી આપી વિવાદને વકરાવે
નહીં એટલે સત્તારૂઢ પક્ષે આ સ્પષ્ટતા કરી. થોડા વખત પહેલાં કૃષ્ણ જયંતીના
તહેવારનાં આયોજન પણ માર્ક્સવાદી પક્ષ પરિવારની મનાતી સંસ્થાઓ થકી થયાં હતાં.એટલે
કેરળ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ પી.એસ.શ્રીધરન પિલ્લાઈએ પોતાના પક્ષની હિંદુ
આસ્થાની દુહાઈ દેતાં “ક્યારેક રામાયણને બાળનારા” સીપીએમવાળા રામાયણના મહિનાનો
ઉત્સવ મનાવે એને તેમનાં બેવડાં ધોરણ ગણાવ્યાં.
કોંગ્રેસના શશી થરુર મેદાનમાં
કેરળના રામાયણના મહિનાની ઉજવણી થતી હોય અને કોંગ્રેસ પાછળ રહી જાય એવું તો બને
નહીં. હવે તો ચૂંટણીઓમાં એના સોફ્ટ હિંદુત્વની ગાજવીજ પણ છે. ભાજપ જીતે તો ભારત
“હિંદુ પાકિસ્તાન” થવાની આગાહી કરનાર કોંગ્રેસના તિરુઅનંતપુરમના સાંસદ અને સંયુક્ત
રાષ્ટસંઘમાં ઊંચા હોદ્દે રહેલા શશી થરુર રામાયણ પરના સમારંભોમાં મુખ્ય વક્તા નક્કી
થયા. કેરળ કોંગ્રેસના વિચાર વિભાગના ઉપક્રમે વિધાનસભામાં વિપક્ષના નેતા રમેશ
ચેન્નીથલાનું નામ કોંગ્રેસના રામાયણ
કાર્યક્રમોના ઉદઘાટક તરીકે પ્રગટ્યું.
સુપ્રસિદ્ધ લેખક થરુરનું તાજેતરમાં જ પ્રકાશિત પુસ્તકનું શીર્ષક છે “વ્હાય આઈ એમ
હિંદુ”.જોકે એ પોતાને ઉદારવાદી હિંદુ ગણાવવાની સાથે જ સંઘ-ભાજપના હિંદુત્વને
કટ્ટરવાદી અને દેશ માટે ઘાતક લેખાવે છે.કેરળમાં આરએસએસની સૌથી વધુ શાખાઓ લાગતી
હોવા છતાં ૧૯૫૬માં કેરળ રાજ્યની સ્થાપના થઇ ત્યારથી અહીંની ધારાસભા કે લોકસભામાં
જનસંઘ-ભાજપનો કોઈ સભ્ય ક્યારેય ચૂંટાયો નહોતો. ગત વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન
નરેન્દ્ર મોદીના આક્રમક પ્રચાર અને
દેશભરના ભાજપી મુખ્યમંત્રી-નેતાઓને અહીં ખડકવામાં આવ્યા ત્યારે ૧૪૦ +૧ (નામનિયુક્ત
એંગ્લો-ઇન્ડિયન) સભ્યોની ધારાસભામાં રોકડી એક બેઠક ભાજપને મળી છે. રાજ્યમાં
માર્ક્સવાદી પક્ષના વડપણવાળા ડાબેરી લોકશાહી મોરચો (એલડીએફ) અને કોંગ્રેસના
વડપણવાળો સંયુક્ત લોકશાહી મોરચો (યુડીએફ) વારાફરતાં સત્તામાં આવતા રહે છે.
ડાબેરીઓનું સૂત્ર : ‘ગોડ્સ ઓન કન્ટ્રી’
આપણે ત્યાં ઘણું બધું લોલેલોલ ચલાવવામાં આવે છે. અધૂરા સંદર્ભો સાથે વાતને રજૂ
કરીને શેક્સપીયરના નામે “નામમાં તો શું બાળ્યું છે” એવાં ઉભડક કથનોને પ્રચલિત
કરવામાં આવે છે. હકીકતમાં માર્ક્સવાદીઓને સાવ જ ધર્મ વિમુખ કે ભગવાનના વિચારની
વિરુદ્ધના નાસ્તિક ગણાવાય છે.સાવ એવું હોતું નથી. હિંદુ મહાસભાના સર્વોચ્ચ નેતા
સ્વાતંત્ર્યવીર વિ.દા.સાવરકર નાસ્તિક હતા, એ વાત કોઈ ધ્યાને મૂકે ત્યારે આપણે મોં
વકાસીને જોઈ રહીએ છીએ. કેરળ અને એના ડાબેરી શાસકોના સંદર્ભમાં પણ આવું જ થયું છે.
દુનિયાભરમાં મશહૂર હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તી આસ્થાસ્થાનો અને ૪૪ નદીઓ અને
સમુદ્ર કિનારાના આ રમણીય પ્રદેશ કેરળને “ગોડ્સ ઓન કન્ટ્રી” તરીકેની ઓળખ જો કોઈએ
આપી હોય તો એ અહીંના ડાબેરી શાસકોએ જ !
કેરળના જાણીતા કવિ અને વરિષ્ઠ આઇએએસ અધિકારી કે.જયકુમારે સ્પષ્ટ કર્યું હતું કે
રાજ્યમાં ડાબેરી મોરચાની સરકારમાં સામ્યવાદી પક્ષના નેતા પી.એસ.શ્રીનિવાસન જયારે
પર્યટન મંત્રી હતા ત્યારે અમે પર્યટન વિકસાવવા એક વ્યાપક ઝુંબેશ હાથ ધરવાનું
વિચાર્યું હતું. કોપીરાઇટરે “કેરેલા : વ્હેર ગોડ્સ રિસાઇડ” “ગોડ્સ લેન્ડ”, “ગોડ્સ કિંગડમ” “ગોડ્સ કન્ટ્રી” જેવા શબ્દપ્રયોગ રજૂ
કર્યા. એમાંથી અમને સ્ફૂર્યું:”ગોડ્સ ઓન કન્ટ્રી” અને મંત્રી શ્રીનિવાસને એને
મંજૂરી આપી હતી ! એમનો વ્યક્તિગત મત ભલે ઈશ્વરના અસ્તિત્વને નકારતો હોય,પણ રાજ્યના
શાસક તરીકે એના વિશાળ હિતમાં આ કેચલાઈન એમણે મંજૂર કરી અને આજે દુનિયાભરમાં એ
પ્રચલિત છે. કેરળ જેવી મંદિરો, મસ્જીદો અને ચર્ચોની ભૂમિ પર એ બધાની સારસંભાળમાં
પણ માર્ક્સવાદી શાસકોને અને કોંગ્રેસી શાસકોને ક્યારેય વાંધો પડ્યો નથી.
સેંકડો રામાયણમાં મોપલા રામાયણ
દુનિયાભરમાં સેંકડો નહીં,પણ હજારોની સંખ્યામાં રામ-સીતાની કથા રજૂ કરનાર
રામાયણો પ્રચલિત છે. દિલ્હી યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં વિવિધ ૩૦૦ રામાયણો વિશેના
એ.કે.રામાનુજનના નિબંધ અંગે ભારે હોબાળો
મચાવીને સંઘ પરિવારના વિચારકોએ એને કઢાવી નાંખ્યો ત્યારે નવ સભ્યોની સમિતિમાંથી
માત્ર એક રાકેશ કુમાર જ આ નિબંધને અભ્યાસક્રમમાંથી દૂર કરવાના મતના નહોતા.
સત્તાધીશો કે હોહા કરનારાઓને અનુકૂળ બાબતો જ કોલેજો કે યુનિવર્સિટીઓમાં ભણાવાય એવો
દુરાગ્રહ વિચાર અને ચિંતનને રૂંધે છે એટલુંજ નહીં આને લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ પણ લેખી શકાય.
ડાબેરીઓના વિચારો કે જમણેરીઓના વિચારો ભિન્ન હોઈ શકે અને એ બંનેના વિચારને
મોકળાશથી સ્થાન મળવું ઘટે.માર્ક્સવાદી શાસકો ભારતીય શાળા-કોલેજોમાં ભારતીય
સંસ્કૃતિ અને પરંપરાને બદલે માત્ર માર્ક્સ અને
હેગેલને જ ભણાવવાનો આગ્રહ રાખે તો એ પણ ખોટું છે. કેરળમાં તો “અધ્યાત્મ
રામાયણ” પ્રચલિત છે.એ વાલ્મીકિને બદલે વેદ વ્યાસે રચેલું ગણાય છે. એ અદ્વૈત જ્ઞાન
અને ભક્તિના અનુસરણનો માર્ગ પ્રબોધે છે.કેરળના મોપલા એટલેકે સ્થાનિક અને આરબના
સંબંધથી પેદા થયેલી મુસ્લિમ કોમ માટે “મોપલા રામાયણ” પણ છે અને એમાં અરબી શબ્દો પણ
આવે છે.
વાલ્મીકિના રામ માનવ-નાયક
આપણે ત્યાં બહુ પ્રચલિત રામાયણના ગ્રંથમાં વાલ્મીકિકૃત રામાયણ અને તુલસીદાસકૃત
રામાયણ કે રામચરિત માનસ પ્રચલિત છે.બંને વચ્ચેના ફરકને આ લેખક સમક્ષ સંસ્કૃતના
વિદ્વાન પ્રાધ્યાપક ડૉ.ગૌતમ પટેલ સુપેરે વ્યાખ્યાયિત કરે છે : “વાલ્મીકિના
રામાયણમાં રામ એ માનવ-નાયક (હ્યુમન-હીરો) છે.એ ઇતિહાસનો ઘટનાક્રમ છે.આનાથી વિપરીત
તુલસીના રામાયણમાં પાને પાને રામને ભગવાન તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે.એ પૌરાણિક
કથા (માયથોલોજી) બની જાય છે.આપણે કૃષ્ણ અને ગાંધીજીને પણ ભગવાન બનાવીએ છીએ એટલે
લોકમાનસની પ્રક્રિયામાં એ ચમત્કાર કરતા ભગવાન બને છે.” ભારતમાં અને અન્ય દેશોમાં
રામાયણની કથામાં રામ અને સીતા વચ્ચેના સંબંધ અને વ્યક્તિત્વોમાં પણ ફરક આવે છે.
આદિવાસી રામાયણ, બુદ્ધ રામાયણ,જૈન રામાયણ,તિબેટિયન રામાયણ, ઇન્ડોનેશિયન રામાયણ,
થાઈ રામાયણ વગેરે અલગ અલગ પ્રકારનાં રામાયણ પ્રચલિત છે. ક્યાંક રામ અને સીતા
ભાઈ-બહેન તો ક્યાંક સીતા રાવણનાં પુત્રી તરીકે પ્રસ્તુત થયાં છે.આ બધી રામાયણોના
તુલાનાત્મક અભ્યાસ કરવાને બદલે જે તે રામાયણને પ્રતિબંધિત કરવાનું ઉચિત નથી
લાગતું.
માર્ક્સ અને હેગેલ થકી રજૂ થયેલા સિદ્ધાંતો માર્ક્સવાદ તરીકે દુનિયાભરમાં ખૂબ ગાજ્યા.સત્તા સુધી પહોંચાડવા
માટે લેનિન, સ્ટાલિન, માઓથી લઈને ભારતીય કમ્યૂનિસ્ટ નેતાઓ સુધીનાએ માર્કસવાદનો
સહારો લીધો,પણ ભાગ્યેજ કોઈએ વિચાર્યું હશે કે એના સિદ્ધાંતો મૂળભૂત રીતે ભારતના
તત્વજ્ઞાનમાંથી જ તારવવામાં આવ્યા છે અથવા ઉઠાંતરી પામ્યા છે.ભારતમાં કમ્યૂનિસ્ટ
પક્ષના સુપ્રીમો રહેલા શ્રીપાદ અમૃત (એસએ)
ડાંગે પોતે પણ આ વાતની સાથે સંમત થાય છે. ડાંગેના કમ્યૂનિસ્ટ-જમાઈ બાની દેશપાંડે
અને દીકરી રોઝા દેશપાંડેએ બાનીના મૃત્યુ પહેલાં લખેલા “એસ.એ.ડાંગે : એક ઈતિહાસ”
નામક મરાઠી ગ્રંથમાં બાનીએ નોંધ્યું છે: “આપણું
વેદાન્ત તત્વજ્ઞાન હજારો વર્ષ પહેલાંનું હોવાનું સૌકોઈ માને છે.મેં એવો
સિદ્ધાંત રજૂ કર્યો હતો કે માર્કસનું
દ્વંદ્વવાદ(ડાયલેક્ટિક્સ)નું
શાસ્ત્ર અને એના પર આધારિત વિશ્વને જોવાનો દ્રષ્ટિકોણ એ સંપૂર્ણપણે ભારતીય
છે.એ જ શાસ્ત્ર અદ્વૈત તત્વજ્ઞાનનો મુખ્ય આધાર છે. એટલે વેદાન્ત તત્વજ્ઞાન આપણે
સમજીએ છીએ તેવું પ્રતિગામી(રિએક્શનરી) કે જીર્ણમતવાદી છે નહીં. જર્મનીમાં
સત્તરમી-અઢારમી સદીમાં ભારતીય તત્વજ્ઞાનનો વિષદ અભ્યાસ થયો એ સર્વવિદિત છે. હેગેલ
જર્મન હતો. એણે દ્વંદ્વવાદ(ડાયલેક્ટિક્સ)ની ભારતમાંથી ચોરી કરીને એને પોતાના નામે
ચડાવી દુનિયા સમક્ષ મૂક્યું.ઉપરાંત એણે વેદાન્તી તત્વવેત્તાઓની અસભ્ય ભાષામાં ટીકા
કરી. હેગેલના દ્વંદ્વવાદ(ડાયલેક્ટિક્સ)માં સુધારો કરીને માર્ક્સે એ શાસ્ત્ર કે
ફિલસૂફી સંપૂર્ણપણે અપનાવી. ત્રીજો મુદ્દો એ કે યોગશાસ્ત્ર મારફત પ્રાચીન ભારતે
આધુનિક વિજ્ઞાનમાં અગ્રક્રમ મેળવ્યો હતો.”
ડાંગે-દેશપાંડેએ પ્રબોધેલો માર્ગ
અનેક વર્ષ વેદાન્ત અને યોગશાસ્ત્ર પર
સંશોધન કરીને કમ્યૂનિસ્ટ નેતા બાની દેશપાંડેએ નવેમ્બર ૧૯૭૪માં પ્રકાશિત કરાવેલા
પોતાના પુસ્તક “યુનિવર્સ ઓફ વેદાન્ત”ની પ્રસ્તાવના ભારતીય સામ્યવાદી પક્ષના
સર્વોચ્ચ નેતા શ્રીપાદ અમૃત ડાંગે (૧૮૮૯
-૧૯૯૧)એ લખી હતી.એ વેળા તેમના પક્ષમાં રાજેશ્વર રાવ જેવા નેતાઓએ ડાંગે પર ભારે
પસ્તાળ પાડી હતી. જોકે એ વેળા પણ બાનીના પુસ્તકને વાંચીને વડાંપ્રધાન ઇન્દિરા
ગાંધી અને હિંદુ ધર્મના તત્વજ્ઞાનના વિદ્વાન ડૉ.કર્ણ સિંહે બાનીને બિરદાવ્યા હતા.
દુનિયાભરમાંથી માર્ક્સવાદી સત્તાધીશોનો પ્રભાવ ઓસરતો જાય છે ત્યારે રશિયા અને ચીને
પોતપોતાની રીતે માર્ક્સવાદને વ્યાખ્યાયિત કરીને શાસનમાં અને અર્થતંત્રમાં નોખા
માપદંડ અપનાવ્યા છે.કેરળમાં માર્ક્સવાદીઓ વેદાન્ત ભણી વળે તો એમાં ડાંગે થકી
પ્રબોધેલા માર્ગનું જ અનુસરણ હોવાનું સ્પષ્ટ છે. આ તબક્કે સ્વામી વિવેકાનંદે
શિકાગો ધર્મ પરિષદમાં ૧૮ સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ કરેલા ભાષણના કેટલાક અંશ ટાંકવાની
લાલચ ખાળી શકાતી નથી: “વેદાન્ત ફિલસૂફીનાં ઉચ્ચ આધ્યાત્મિક ઉડ્ડયનો, જે છેલ્લામાં
છેલ્લી વૈજ્ઞાનિક શોધખોળો તો જેના પ્રતિધ્વનિ જેવી લાગે, તેને હિંદુ ધર્મમાં સ્થાન
છે. મૂર્તિપૂજાના નીચલી કક્ષાના વિચારોને અને તેમાંથી જન્મ પામતી અનેક પૌરાણિક
કથાઓને હિંદુ ધર્મમાં સ્થાન છે.બૌદ્ધ ધર્મીઓના નિરીશ્વરવાદને હિંદુ ધર્મમાં સ્થાન
છે, અને જૈન ધર્મના નાસ્તિકવાદને પણ હિંદુ ધર્મમાં સ્થાન છે.” જો આપણે શંકરાચાર્ય,
સ્વામી વિવેકાનંદ, માર્ક્સ અને હેગેલ તેમજ અન્ય આસ્તિક-નાસ્તિક કોઈપણ મહામનાઓને
માનતા હોઈએ તો પછી સમજી લઈએ કે સમાજમાં ટકરાવ ક્યાંય આવતો જ નથી. ટકરાવ પેદા
કરવાનું કામ માત્ર રાજકીય લાભ ખાટવા ઇચ્છુકો જ કરે છે.
No comments:
Post a Comment