Wednesday, 18 July 2018

The Exercise to checkmate each other before the Lok Sabha election


Dr. Hari Desai’s weekly column in Gujarat Samachar (London), Gujarat Guardian (Surat), Sardar Gurjari (Anand), Sanja Samachar ( Rajkot), Hamlog (Patan) and Gandhinagar Samachar (Gandhinagar). You may read the full text here and comment.

લોકસભાચૂંટણીના પતંગ ચગાવવા અને કાપવાની શરૂઆત : ડૉ.હરિ દેસાઈ
·         ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ૨૬ બેઠકો મેળવવા અને વિપક્ષને તોડવાના અખતરા કરશે
·          કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પક્ષના સખળડખળ માળખાને મજબૂત કરવા ગુજરાતના ફેરા મારશે
·         વિધાનસભાની ચૂંટણીની જેમ જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતમુલાકાતો હવે વધતી જ રહેવાની
·         યુવાત્રિપુટી  “રાજકીય સ્ટંટ” તરીકે પણ આંદોલન કરીને ભાજપ માટે નવી મૂંઝવણો ઊભી કરતી રહેશે

ભારતીય જનતા પક્ષમાં જ્યારથી નરેન્દ્ર મોદીના યુગનો ઉદય થયો છે ત્યારથી પ્રત્યેક દિવસ અને પ્રત્યેક સરકારી કાર્યક્રમ ચૂંટણીલક્ષી બની ગયાની અનુભૂતિ થયા કરે છે.લોકસભાની ચૂંટણી આડે હજુ ઘણા મહિના બાકી હોવા છતાં સતત ચૂંટણીનો જ માહોલ રચવામાં આવી રહ્યો છે. હજુ ડિસેમ્બર ૨૦૧૭માં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગઈ હોવા છતાં પૂર્ણ કક્ષાનું પ્રધાનમંડળ રચાયું નથી. આવતા દિવસોમાં ખાલી રહેલી ૬ પ્રધાનોની જગ્યાઓ ભરાશે કે સીધી જ લોકસભાની ચૂંટણી આવી પડશે, એ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જ કહી શકે. રાજકીય જ્યોતિષીઓને ખોટા પાડવા માટેની વ્યૂહરચના સાથે જ મોદી-શાહની જોડી કાર્યરત છે.શાહનો જુલાઈ ૨૦૧૮ના બીજા સપ્તાહનો ગુજરાતનો કાર્યક્રમ “અનુ-બાવળિયા કવાયત” યોજવા ઉપરાંત પક્ષના નારાજ નેતાઓના “રાજીપા” માટે અપેક્ષિત હતો. લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રચારકોની બેઠક સોમનાથમાં યોજવાનું નિમિત્ત પણ ઊભું થયું છે.ગયા વર્ષે એ બેઠક જમ્મૂમાં યોજાઈ હતી.
બાવળિયાનું સાટું વાળવા કલસરિયા  
શાહના  ગુજરાત પ્રવાસ પછી કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી થકી હજુ પણ વાડ કે વંડી  ઠેકી જવા આતુર અસંતુષ્ટોને મનાવવા કે “વિદાયમાન” આપીને ભાજપ કે અન્ય પક્ષમાંથી કેટલાકને પોતાના વાડામાં વાળવાના પરિશ્રમ કાજે ગુજરાત આવવાનું આયોજન થયું. એ થોડું શુકનિયાળ પણ ગણાય.ભાજપના ધારાસભ્ય રહેલા મહુવાના સેવાભાવી આહીર અગ્રણી ડૉ.કનુભાઈ કલસરિયા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પાર્ટી “આપ”માંથી ધારાસભા ચૂંટણી સમયથી કૉંગ્રેસમાં આવું આવું થઇ રહ્યા હતા,પણ એ વેળાના પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ એમણે ટાળ્યા હતા. હવે  પ્રદેશ કૉંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે એમને દિલ્હીમાં રાહુલ ગાંધીની મુલાકાત કરાવીને કૉંગ્રેસમાં ભેળવી જ દીધા.ભાજપે કૉંગ્રેસના કુંવરજી બાવળિયાને પોતીકા સીધા મંત્રી બનાવી દીધા. એનું સાટું વાળવાના ઈરાદે કૉંગ્રેસે ડૉ.કનુભાઈને પોતાની છાવણીમાં સામેલ કરીને અમરેલીથી લોકસભાની ચૂંટણી લડાવવાનો મનસૂબો વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે.બાવળિયા હોય કે કલસરિયા, બંને સરળ વ્યક્તિત્વો છે એટલે આજના આક્રમક રાજકારણના યુગમાં એમનું કેટલું વજન રહેશે, એ કહેવું મુશ્કેલ છે. ડિસેમ્બર ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી ટાણે મંદિર-મંદિર દ્વારેદ્વારે ફરી વળેલા રાહુલ આ વખતે ૧૬ જુલાઇથી ગુજરાતનો પ્રવાસ ખેડે ત્યારે બાપા સીતારામના બગદાણા સ્થાનકે જવા ઉપરાંત મહુવામાં મોરારિબાપુ સાથે મુલાકાત કરે એવું ગોઠવાયું છે.
 વડાપ્રધાન મોદી છવાયેલા રહેશે
રાહુલબાબા આવે એટલે એમની અસર-નાબૂદીના ભાગરૂપે વડા પ્રધાન મોદી તો આવે જ આવે.આગામી ૨૦ જુલાઈએ એક જ દિવસમાં મોદી જૂનાગઢ,વલસાડ અને ગાંધીનગરનો ઝંઝાવાતી પ્રવાસ ખેડીને અમુક પ્રકલ્પોની શરૂઆત અને અમુકનાં લોકાર્પણ કરવાનું પસંદ કરી છવાયેલા રહેશે. હવે તો ચૂંટણીનો માહોલ રચાઈ ચૂક્યો છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમ  વિધાનસભાની ચૂંટણી સાથે જ લોકસભાની ચૂંટણી યોજવાનાં ગણિત મંડાઈ રહ્યાં છે.કારણ બહુ સ્પષ્ટ છે કે મે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં મળેલી બેઠકો ભાજપ આ વખતે અંકે કરી શકવાની સ્થિતિમાં નથી.ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની નાજુક સ્થિતિ હોય ત્યારે લોકસભા ચૂંટણી પર એની પ્રતિકૂળ અસર પડવી સ્વાભાવિક છે.એટલે ચાર રાજ્યોની વિધાનસભાની  ચૂંટણી સાથે જ લોકસભાની ચૂંટણી પણ યોજાઈ શકે છે. ચાર રાજ્યોની વિધાનસભાઓની મુદત લંબાવીને લોકસભાની ચૂંટણી સાથે જ એમની ધારાસભાઓની ચૂંટણી કરવાનો વિકલ્પ પણ સત્તારૂઢ પક્ષે વિચારી જોયો,પણ એ જરા મુશ્કેલ લાગ્યો.અગાઉની પરંપરા જોતાં વહેલી ચૂંટણી કરવાનું વધુ સરળ રહે.
હવે ગુજરાતનું  ચિત્ર બદલાયું છે
ગુજરાતની તાસીર નિરાળી છે : ગઈ લોકસભાની ચૂંટણીમાં તમામ ૨૬ બેઠકો કબજે કરવા પાછળ ભાવનાત્મક કારણ હતું કે એક ગરવા ગુજરાતીને વડા પ્રધાન બનાવવા ગુજરાતીઓ મત આપવાના હતા.ભાજપના વિજેતા ૨૬ સાંસદોમાંથી ૧૧ તો કૉંગ્રેસી ગોત્રના નેતા હતા. ભાજપની ચૂંટણી ઝુંબેશમાં નેહરુ-ઇન્દિરા-સોનિયા-રાહુલને ભાંડવામાં ભાજપની નેતાગીરી સાથે તેઓ પણ જોડાયા હતા. ભાજપ થકી વચનોની લહાણી ય કરાઈ હતી.અચ્છે દિન અને વિદેશથી સ્વિસ બૅંકમાંનું કાળું નાણું લઇ આવવાની ગળચટી વાતો ચગાવાઈ હતી. વર્ષે બે કરોડને રોજગારી આપવા અને બે કરોડ જેટલા ગેરકાયદે બાંગલાદેશી ઘૂસણખોરોને પરત મોકલવા માટે ખળિયાપોટલા તૈયાર રાખવાની ગર્જનાઓ કરાઈ હતી. ભાજપનો સંકલ્પપત્ર કે ચૂંટણી ઢંઢેરો હજુ પક્ષની સત્તાવાર વેબસાઇટ પર ઝગારા મારે છે.ચાર વર્ષ પછી જે ચિત્ર ઉપસ્યું છે એ નોખું છે.ગુજરાતમાં લોકસભા ચૂંટણી પછી જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ થઇ. ૩૧ જિલ્લા પંચાયતોમાંથી ૨૩ કૉંગ્રેસને ફાળે ગઈ.પાછળથી બે જિલ્લા પંચાયતોની ચૂંટણી યોજાઈ. એમાંથી ખેડા ભાજપને ફળી, પણ બનાસકાંઠા તો કૉંગ્રેસને ફાળે જ ગઈ. ડિસેમ્બર ૨૦૧૭માં વિધાનસભા ચૂંટણી પહેલાં કૉંગ્રેસના મહારથી શંકરસિંહ વાઘેલા સહિત ૧૪-૧૫ કૉંગ્રેસી  ધારાસભ્યો ભાજપને રાજ્યસભા ચૂંટણીમાં ટેકો કરવા કામે વળ્યા. એ છતાં કૉંગ્રેસી ઉમેદવાર અહેમદ પટેલને જીતતા રોકી ના શકાયા.વિધાનસભાની ચૂંટણીમાં શંકરસિંહ અને સમર્થકો થકી દગો દેવાયા પછી પણ કૉંગ્રેસની બેઠકો વધવા પામી.હવે લોકસભાની ચૂંટણીમાં ભાજપ તમામ ૨૬ બેઠકો જીતવાનો દાવો ભલે કરે, કૉંગ્રેસ દસેક બેઠકો  લઇ જાય એવી ગુપ્તચર માહિતીએ ભાજપની નેતાગીરીની નીંદર હરામ કરી દીધી છે. કહેવા પૂરતું ભલે એમ કહેવાય કે “પાસ”ના  આગેવાન ૨૪ વર્ષીય હાર્દિક પટેલ, કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને અપક્ષ ધારાસભ્ય  જીજ્ઞેશ મેવાણીની યુવાત્રિપુટી થકી કૉંગ્રેસ આગેકૂચ કરી રહી છે,પણ જેની ન્યૂસંસ વેલ્યુને પણ ગંભીરતાથી લેવાતી નહોતી,એ ત્રિપુટીનો આટલો બધો ખોફ સત્તાપક્ષને શાને? હવે એ ત્રિપુટી ફરી પાછી સક્રિય થઇ છે. બીજી બાજુ, ભાજપ થકી કૉંગ્રેસ હસ્તકની જિલ્લા પંચાયતો તોડવા કે ધારાસભ્યોને પોતાની સાથે જોડવાની પ્રક્રિયા ચલાવાઈ રહી છે.
એકમેકના ગઢમાં ગાબડાં પડાશે
ભાજપના ઇતિહાસમાં અભૂતપૂર્વ એવી ઘટના તો કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કુંવરજી બાવળિયાને સવારે પક્ષમાં પ્રવેશ આપીને સાંજ પહેલાં કેબિનેટ પ્રધાન બનાવી દેવાયા, એને ગણાવી શકાય.ભાજપના નેતાઓ ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કરવા ટીવી ચેનલો પર આવે છે અને મોવડીમંડળ ઠપકો આપે એટલે ફેરવી તોળે છે. પક્ષમાં અસંતોષ ગમે ત્યારે ભડાકા પેદા કરી શકે છે.ભાજપમાં સબ સલામતની આહ્લ્લેક ભલે જગવાય,પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ત્રાગું કરીને નાણા ખાતું મેળવવું પડે કે અસંતોષ વ્યક્ત કરનારા ધારાસભ્યોને શાંત કરવા પડે; એ કાંઇ સારા સંકેત નથી. લોકસભા ચૂંટણી આવે એ પહેલાં બોલકા થયેલા સાંસદો અને ધારાસભ્યોમાંથી કોણ વાડ કે વંડી ઠેકી જાય એ કહેવું મુશ્કેલ છે.કેટલાક તો પક્ષમાં રહીને પણ ચૂંટણીમાં પક્ષના ઉમેદવારોને નુકસાન કરી શકે છે.બધાને રાજી રાખવાનું અશક્ય છે.બાવળિયાની જેમ બીજા પણ કેટલાક કૉંગ્રેસી આગેવાન ભાજપમાં આવી શકે છે,પણ બધા બાવળિયાની જેમ સવારે જોડાઈને સાંજે પ્રધાનપદ મેળવવા જેટલી ફૂલપ્રૂફ સોદાબાજી કરવા જેટલા કામયાબ ના પણ થાય.આમ પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે વધુમાં વધુ માત્ર છ પ્રધાનપદની જગ્યા છે.કોઈને પડતા મૂકે કે આયાતીને પ્રધાનપદ આપવા જતાં ભડકા થવાની શક્યતા વધે. કૉંગ્રેસના અસંતુષ્ટ નેતા જેમ ભાજપના સંપર્કમાં છે તેમ ભાજપના અસંતુષ્ટ નેતા કૉંગ્રેસના સંપર્કમાં પણ છે.ઉત્તરાયણ હજુ દૂર છે,પણ જાણે ગુજરાતના આકાશમાં એકમેકના પતંગ કાપવાની સ્પર્ધા અત્યારથી ચાલી રહી છે.ચૂંટણી વહેલી આવી રહ્યાના સંકેત વચ્ચે ભાજપનું ઘર સંભાળવાની ચિંતા વધુ છે. કૉંગ્રેસે તો ઝાઝું ગુમાવવાનું નથી,એણે તો લાભ જ મેળવવાનો છે.
આંદોલનકારી ત્રિપુટી ફરી મેદાનમાં
ઠાકોર સમાજમાંથી આવતા અલ્પેશ ઠાકોરે દારૂબંધી કડક કરાવવાના આગ્રહ અને દારૂના અડ્ડાઓ પર જનતા રેડથી ચૂંટણી પહેલાં સરકારને ભીંસમાં લીધી હતી. તેમના પ્રયાસો થકી જ  રાજ્ય સરકારે દારૂબંધીના કાયદાને કડક કરવાની ફરજ પડી હતી.પાટીદાર અનામત નેતા હાર્દિક પટેલના ઘણા આંદોલનકારી યુવા સાથીઓને ભાજપમાં લેવામાં આવ્યા પછી પણ આ એકલવીર હજારોની જનમેદનીને આકર્ષે એવો ‘પટેલ આયકન’ બની ગયો છે. મેવાણીએ રાજ્યમાં દલિત ચેતના જગાડી અને ભાજપ-સંઘના લાખ પ્રયાસો છતાં કૉંગ્રેસના ટેકે વડગામ વિધાનસભા બેઠક જીતીને ધારાસભામાં પ્રવેશ પણ મેળવી લીધો.એ ડાબેરી છે,પણ કૉંગ્રેસી ધારાસભ્ય અલ્પેશ અને પટેલ યુવા નેતા હાર્દિક સાથે મળીને ગાંધીનગરના સત્તાધીશોને ટક્કર આપવામાં સક્રિય છે.હમણાં અમદાવાદના લઠ્ઠાકાંડને પગલે આ ત્રિપુટીએ જનતા રેડ કરી. ગાંધીનગરના જિલ્લા પોલીસ વડાના કાર્યાલય સામેથી જ દારૂ પકડ્યો ત્યારે સરકારે આ ત્રિપુટી સામે પોલીસ કેસ કરીને તો સૌને આંચકો આપ્યો.ગાંધીજી દારૂની દુકાનો સામે પિકેટિંગ કરાવતા હતા અને અંગ્રેજ સરકાર પિકેટિંગ કરનાર સામે ગુનો નોંધતી એવું જ કંઈક આ વખતે થયું. યુવા ત્રિપુટીને તો ધરણાં-આંદોલન કરવાની તક મળી.સત્તારૂઢ ભાજપના પ્રવક્તાએ કૉંગ્રેસના શાસનમાં “લઠ્ઠાકાંડની હારમાળા” સર્જાતી હોવાની વાત કરી તો ખરી,પણ આજેય ગાંધીના ગુજરાતમાં બેફામપણે દારૂ વેચાય કે પીવાય છે એ હકીકતને સત્તાધીશો સ્વીકારે છે.હવે તો હાર્દિક પટેલે પટેલોને અનામતનો લાભ મળે એ માટે ઓગસ્ટ મહિનામાં આમરણ ઉપવાસ કરવાની જાહેરાત કરી છે.  એનો સાથ છોડી ગયેલા બીજા સાથીઓ પણ એ કાર્યક્રમમાં જોડાવાના છે.આવતા દિવસો ચૂંટણીના છે અને આ યુવા ત્રિપુટી  “રાજકીય સ્ટંટ” કે “પબ્લિસિટી સ્ટંટ” તરીકે પણ આંદોલન કરીને ભાજપની સરકાર માટે નવી મૂંઝવણો ઊભી કરતી રહેશે.ભાજપની નેતાગીરીની એ કોશિશ પણ હોય કે આ ત્રિપુટીમાંથી બે જણાને પોતાની સાથે જોડવા કોઈપણ હદે જઈ શકે.કારણ હાર્દિક કે અલ્પેશને જેલવાસનો તો ડર જ નથી. શક્ય છે કે એમને પટાવી લેવા “શ્રી કમલમ્“ પ્રયત્નશીલ રહે.
ઈ-મેઈલ : haridesai@gmail.com                            (લખ્યા તારીખ: ૧૨ જુલાઈ ૨૦૧૮)

No comments:

Post a Comment