Dr. Hari Desai's column in Divya Bhaskar Daily 13 July 2018
You may read the full text here and comment.
બ્યુરોક્રસીને માથે લટકતી તલવાર
ડૉ.હરિ દેસાઈ
અરાજકતા ખાળવા રાજકીય શાસકો અને સનદી અધિકારીઓ સરદાર પટેલના
શબ્દો ગૂંજે બાંધે
“પ્રશંસા પ્રભુને ય ગમે”
એ ઉક્તિ આપણે ત્યાં પ્રચલિત ખરી,પણ સાથે જ “બહોત નમે નાદાન’ શબ્દપ્રયોગ પણ મશહૂર
છે જ. સત્તાધીશોના કાન સારું જ સંભાળવા ટેવાયેલા હોય છે.એટલે દરબારીઓ લળીલળીને
સલામો ભરે કે પછી માત્ર મીઠી વાતો કરે ત્યારે તેમણે અંગ્રેજીમાં પ્રચલિત “સ્વૉર્ડ
ઑફ ડૅમોક્લિસ”ની પેલી ગ્રીક દંતકથાનું પણ
સ્મરણ કરાવવાની જરૂર ખરી. એ દંતકથા મુજબ, રાજા ડિયોનિસસે ખુશામતખોર દરબારી ડૅમોક્લિસને જ્ઞાન આપવા માટે
ભોજન માટે તેડાવ્યો.ભોજન વેળા ડૅમોક્લિસે ઊંચે જોયું અને માથે એક વાળના તાંતણે લટકતી તલવાર નિહાળી.શરીરમાંથી
ભયનું જાણે લખલખું પસાર થઇ ગયું. ગમે ત્યારે એ જોખમી તલવાર એના માથે પડી એનું મોત
આવી પહોંચે એવી અનુભૂતિ રાજાએ એને કરાવી હતી. આમ તો ગ્રીક દંતકથા સુધી લાંબા ના
થવું હોય તો ઘરઆંગણાના શબ્દોનું પણ સ્મરણ થઇ શકે : “કડવાં કારેલાંના ગુણ ના હોય
કડવા, કડવાં વચન ના હોય કડવાં રેલોલ “. ભાજપના વરિષ્ઠ નેતા અને વડા પ્રધાન રહેલા
અટલ બિહારી વાજપેયીએ સંસદમાં કહેલા શબ્દોને શાસકો-પ્રશાસકો અને પ્રજાએ કાયમ યાદ
રાખવા જેવા ખરા. વાજપેયીએ મરાઠી કહેવત “નીંદકાચે ઘર અસાવે સેજારી (હિંદીમાં નિંદક
નિયરે રાખીએ)” ટાંકી હતી. ટીકાકાર વ્યક્તિ અથવા નેતાને જાગતો રાખે છે.એને દુશ્મન
ગણનારા મૂર્ખ હોય છે.
મુશ્કેલી એ થઇ છે કે
ભારતીય સનદી સેવા(આઇએએસ)ના સંસ્થાપક સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહારથી હવે રહ્યા
નથી. એ પોતાના સચિવ સહિતના સનદી સેવકોને
કહેતા કે તમારો મત મારાથી જુદો હોય તો પણ કોઈ જાતનો ડર રાખ્યા
વિના સરકારી ફાઈલ પર નોંધીને મારી સમક્ષ મૂકવો. સરદારે ઘણા પ્રસંગોએ પોતાનાથી જુદો
મત રાષ્ટ્રના હિતમાં સ્વીકાર્યાના દાખલા છે. વડા પ્રધાન જવાહરલાલ નેહરુના વિરોધ
વચ્ચે પણ નાયબ વડા પ્રધાન પટેલ ભારતીય
બંધારણમાં સનદી અધિકારીઓને સુરક્ષાકવચ બક્ષતી જોગવાઈઓ કરાવવાની સાથે કામમાં આળસ
કરનાર કે ભ્રષ્ટાચારી સનદી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાના આગ્રહી હતા.સરદારના
મતે, સનદી અધિકારીઓ તો “કસ્ટોડિયન્સ ઑફ સ્ટેટ ઇન્ટરેસ્ટ્સ” હતા. રાજકીય શાસકો
લોકપ્રિય પગલાં લેતાં દેશનાં હિતને જોખમમાં મૂકી શકે ત્યારે સનદી સેવકો અડીખમ
રહીને દેશહિતના સંરક્ષક બની રહે એ એમને અપેક્ષિત હતું.
હવે જમાનો સરદારનો રહ્યો
નથી. દરબારી સંસ્કૃતિ એટલી બેપાંદડે ફૂલીફાલી છે કે સાહેબને શું ગમશે,એવી જ નોંધ ફાઈલે મૂકાય છે.વળી,સાહેબો અને મેડમો
જેવા શબ્દપ્રયોગો તો અંગ્રેજોના જવા સાથે
વિદાય થવા જોઈતા હતા,પણ અહીં રૂઢ થઇ ગયા.ગોરા સાહેબો ગયા અને બ્રાઉન સાહેબો આવ્યા.
પેલા ડૅમોક્લિસ જેવા ખુશામતિયા હવે ફાટફાટ થાય છે. એના રાજા ડિયોનિસસ જેવા ખુશામતખોરોની પરીક્ષા કરનાર
રાજવી પણ હવે રહ્યા નથી. રાજકીય શાસકો અને સનદી અધિકારીઓ સાથે મળીને પ્રજાના
કલ્યાણને નામે સહિયારા ધંધા ચલાવવા માંડ્યા છે. પ્રજાની સેવા કરવા સાટે રાજકીય
નેતાઓને સનદી અધિકારીઓ જેટલા પગાર અને ભથ્થાં ઉપરાંત અન્ય સાહ્યબીની સુવિધાઓની ટેવ
પણ પાડી દેવામાં આવી છે. એટલું પણ ઓછું હોય તેમ કટ-કમિશનો થકી રાજકીય શાસકો અને
પ્રશાસકોનાં પોતીકાં તરભાણાં ભરાવા માંડ્યાં છે.રાજનેતાઓ સાથે મેળાપીપણાથી ઘર
ભરવાનો હરખ કરનારા પ્રશાસકોને માથે હવે સંકટ તોળાવા માંડ્યું છે. રાજકીય શાસકોના
દુરાગ્રહો અંગે તેમના મૌખિક આદેશો કાયદામાં નહીં બેસતા હોવાથી તેમનો અમલ કરવાની ના
કહેવાની હિંમત બાબુઓ ગુમાવી બેઠા
છે.સાહેબોનાં પીળાં પતાકડાં પરની નોંધોને ફાઈલો પર ઉતારીને સાહેબ-કૃપા અંકે કરી ખુશામતિયા
દરબારી બનેલા આઇએએસ અને આઇપીએસ અધિકારીઓને માથે હવે ડૅમોક્લિસની તલવાર લટકતી
હોવાના દિવસો આવી ગયાનાં એંધાણ મળવા માંડ્યાં
છે. રાજકીય લક્ષાંકને પહોંચી વળવામાં નિષ્ફળતા માટે હવે દોષનો ટોપલો સનદી
અધિકારીઓને માથે સેરવી દેવાની વેતરણ ચાલે છે. એમાં કંઈક કેટલા વધેરાઈ જશે, એ
કહેવું મુશ્કેલ છે.
સત્તારૂઢ પક્ષમાં
પ્રધાનપદા કે અન્ય રાજકીય હોદ્દાઓના અસંતુષ્ટો હવે દોષારોપણ બ્યુરોક્રસી પર કરે
એવા વ્યૂહ ઘડાઈ ચૂક્યા હોય ત્યારે રાજકીય શાસકોની નિષ્ફળતા માટે બાબુઓને દોષિત કેમ
ઠરાવી શકાય, એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. સહકારમહર્ષિ વસંતદાદા પાટીલ મહારાષ્ટ્રમાં
મુખ્યમંત્રી હતા ત્યારે એમના રાજ્ય પ્રધાન ગણેશ દૂધગાંવકર દાદા પાસે ફરિયાદ કરવા
ગયા કે સનદી અધિકારીઓ અમને ગાંઠતા નથી.વસંતદાદાનો ઉત્તર સૂચક હતો : “ઘોડેસવારી
આવડતી ના હોય તો ઘોડા પર બેસવું નહીં.” પેલા મહાશયે ફરી ક્યારેય ફરિયાદ કરવાની હિંમત કર્યાનું
જાણમાં નથી. હમણાં ગુજરાતમાં પણ પ્રધાનપદાની
આકાંક્ષા ધરાવનારી સત્તારૂઢ પક્ષની ધારાસભ્ય-ત્રિપુટીને યોગ્ય સ્થળેથી
જ્ઞાન મળ્યા પછી એણે બ્યુરોક્રસી ભણી તીર તાક્યું તો ખરું,પણ એમાં વધુ ફસાય એવા
સંજોગો નિર્માણ થતાં મંદિરે જઈને મંજીરા વગાડવાની વાત કરીને સબસે બડી ચૂપનો મારગ
અપનાવવામાં જ શ્રેય લેખ્યું. જોકે
લોકસભાની છેલ્લી ચૂંટણીનાં વચનોનું પાલન નહીં થવા વિશે પ્રશ્ન ઊઠે ત્યારે
સોશિયલ મીડિયામાં સમર્થકો માટે ફરતો થયેલો સંદેશ બાબુઓના માઠા દિવસ આવતા હોવાનો
સંકેત જરૂર આપે છે : “કોંગ્રેસ શાસનમાં રુશ્વતખોરી કરીને ભરતી કરાયેલા અધિકારીઓની
સાન ઠેકાણે લાવવાની જરૂર છે.” આ નવો તર્ક અપાઈ રહ્યો છે. પ્રશ્ન થવો સ્વાભાવિક છે
કે સનદી સેવકોને માથે દોષનો ટોપલો નાંખીને રાજકીય નેતાગીરી જવાબદારીમાંથી છટકી શકે
કે?
રાજકીય શાસકોએ ઘોડેસવારી
કરવાની હોય છે.વસંતદાદાના શબ્દોનું સ્મરણ રહે. નિરંકુશ ઘોડાઓને સરખા કરવા કે દંડિત
કરવાની બંધારણીય જોગવાઈ સરદાર પટેલ કરતા ગયા છે,પણ ચાલતા બળદને આર ના ભોંકાય એ પણ
અપેક્ષિત છે. બ્યુરોક્રસીને કોંગ્રેસી કે ભાજપી કે કમ્યૂનિસ્ટમાં વિભાજીત કરવાનાં
જોખમ વિસ્ફોટક છે. કહ્યાગરી બ્યુરોક્રસી અને કહ્યાગરી જ્યુડિસિયરીનાં આગ્રહી
રહેલાં શ્રીમતી ઇન્દિરા ગાંધીના ઇતિહાસનું સ્મરણ રહે.બ્યુરોક્રસીને કામ કરવાની
મોકળાશ મળે. સાથે જ એ વાતનું પણ સ્મરણ રહે કે એને નિરંકુશ થતી અટકાવવા માટેની લગામ
રાજકીય નેતાગીરી પાસે આપીને જ સરદાર પટેલ જન્નતનશીન થયા છે.જોકે બળદિયાની લગામ વધુ
ખેંચવા જતાં તો એ વિફરી શકે અને અરાજકતા (ઍનાર્કી) પ્રસરાવી શકે. આવા સંજોગો
લોકશાહી વ્યવસ્થા માટે જોખમી છે.રાજકીય નેતાગીરી અને વહીવટી તંત્રની નેતાગીરી
વચ્ચે સૌહાર્દ જળવાય તો જ દેશ અપેક્ષિત વિકાસની ગતિ સાકાર કરી શકે.રાજકીય
નેતાગીરીએ સમજી લેવાની જરૂર ખરી કે બંધારણના ઘડવૈયાઓ થકી આ સમતુલા અપેક્ષિત મનાઈ છે. રાજનેતા અને સનદી
અધિકારીના મેળાપીપણાથી આઝાદી પછીના દાયકાઓમાં આચરવામાં આવેલાં કૌભાંડોમાં ભાગ્યેજ
ઝાઝા લોકોને દોષિત સાબિત કરાયા છે.શાસકો પ્રશાસકોનાં કાળાં કરતૂતોની ફાઈલો કે
ડોઝિયર ભલે રાખતા હોય, એ રખે ભૂલે કે બ્યુરોક્રસી પણ કાંઈ ગાંજી જાય એમ
નથી.વાતોનાં વડાં લાંબા સમય માટે પ્રજાનું પેટ નહીં ભરે. ઉમાશંકર જોશીની
કાવ્યપંક્તિના શબ્દોમાં કહી તો “ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે” ત્યારે ઘણુંબધું
ભસ્મીભૂત કરી દેશે. શાસકો અને પ્રશાસકો બંનેએ આ શબ્દો મઢાવીને રાખવાની જરૂર છે.
(HD-DB-
Bureaucracy11072018) (લખ્યા તારીખ : ૧૧ જુલાઈ ૨૦૧૮ )
No comments:
Post a Comment