Wednesday, 25 July 2018

CMs on Dharanas, Fasts and shading (Crocodile) Tears


Dr. Hari Desai’s weekly column in Gujarat Samachar (London), Sanj Samachar (Rajkot), Gujarat Guardian (Surat), Sardar Gurjari (Anand), Hamlog (Patan) and Gandhinagar Samachar (Gandhinagar). You may read the full text here and comment.

મુખ્ય પ્રધાનોનાં ધરણાં-અનશનથી જાહેર રૂદન લગી : ડૉ. હરિ દેસાઈ
·         કર્ણાટકના જેડી(યુ) નેતા કુમારસ્વામીએ વ્યથા ઠાલવીને ફેરવી તોળવામાં જ સ્વનું શ્રેય લેખ્યું
·         નાયબ મુખ્યમંત્રી પરમેશ્વરે “હરખનાં આંસુ” કહી સરકારનાં પાંચ વર્ષની ભવિષ્યવાણી કરી
·         મુખ્યમંત્રી મોદીએ ઉપવાસ થકી  કેન્દ્રને  કરેલી માંગણીઓ વડાપ્રધાન મોદી કને ઊભી જ છે
·         હાર્દિક પટેલની તુક્કાવાણી છતાં રૂપાણી પોતાને સૌથી સુરક્ષિત મુખ્યપ્રધાન ગણાવી શકે છે
કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામી જાહેર સમારંભમાં ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા. ભારતીય રાજનીતિક મંચ હવે નાટ્યમંચમાં પરિવર્તિત થઈ રહ્યાની અનુભૂતિ થઈ રહી છેઃ હમણાં સર્વોચ્ચ અદાલતે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને બંધારણેલી બક્ષેલી સત્તાનો ઉપયોગ કરવા દેવામાં કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત નાયબ રાજ્યપાલ (લૅફ્ટનન્ટ ગવર્નર) અવરોધ સર્જે નહીં એવો ચુકાદો આપ્યો એટલે હાશકારો અનુભવાયો હતો.જોકે, દેશની સૌથી ઊંચી અદાલતની બંધારણીય ખંડપીઠના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા સહિતના પાંચ ન્યાયાધીશોના ચુકાદાને પણ માનવાનો જાણે કે ઈનકાર કરી દેવાયો. છાસવારે ધરણાં અને અનશન પર બેસતા કેજરીવાલે ફરી આ જ માર્ગે ચાલવું પડે એવા સંજોગો છે. કુમારસ્વામીને મુખ્ય પ્રધાન રહેવામાં આનંદ નથી તો રાજીનામું આપી દેતાં કોણ આડા હાથ દે છે? જોકે એમણે પાછળથી ફેરવી તોળીને મિત્રપક્ષ કૉંગ્રેસને દોષમુક્ત જાહેર કર્યો. કૉંગ્રેસી નેતા અને નાયબ મુખ્યમંત્રી જી.પરમેશ્વરે તો કુમારસ્વામીનાં આંસુને હરખનાં આંસુ લેખાવીને કહ્યું કે અમે બંને પક્ષો ગમે તે ભોગે પાંચ વર્ષ સંયુક્ત સરકાર ચલાવીશું,કારણ એ અમારી જવાબદારી છે. કેજરીવાલ તો એકલવીર બનીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સામે જંગે ચડેલા છે. કુમારસ્વામીને બબ્બેવાર કોણે ફરજ પાડી હતી કે કૉંગ્રેસના ટેકે મુખ્ય પ્રધાન બનો? વડા પ્રધાન રહેલા પિતા એચ. ડી. દેવેગોવડાના રાજકીય વારસનાં આંસુ મગરનાં આંસુથી અલગ લાગતાં નથી.

ઑક્ટોબરમાં ભાજપની સરકાર

કુમારસ્વામીની પાર્ટીના ધારાસભ્યો અને ટેકેદાર કૉંગ્રેસના ધારાસભ્યો ભાજપની સરકાર રચવાની વેતરણમાં છે. જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના દેશભરના ઝંઝાવાતી પ્રવાસો વિપક્ષોનાં ગાત્રો ધ્રુજાવે છે. વિપક્ષી એકતા થકી મોદીના સ્ટીમરોલરને ખાળવાની વાત તો દૂર રહી, મુખ્ય પ્રધાન જાહેરમાં રડે છે અને કહે છે કે પોતે મુખ્ય પ્રધાન તરીકે ખુશ નથી. પોતાને શિવજી સાથે સરખાવીને હળાહળ પીવાની સ્થિતિએ પહોંચ્યાનું નિવેદન કરે ત્યારે એ સહાનુભૂતિ મેળવવાનો પ્રપંચ કરતા વધુ લાગે છે. એમને સમજાઈ ગયું છે કે આવતા ઑક્ટોબર સુધીમાં બૅંગલૂરુમાં ભાજપના વડપણવાળી સરકાર રચાશે એટલે ત્રાગાં શરૂ કર્યાં છે. લોકસભામાં અવિશ્વાસની દરખાસ્તનો રકાસ કરીને મોકળા થયેલા મોદી-શાહની જોડી હવે રાજકીય શિકારે નીકળશે અને સૌથી પહેલો શિકાર કર્ણાટક સરકારનો કરીને વેરની વસુલાત કરવા એ આતુર છે.કુમારસ્વામી અગાઉ ભાજપ સાથે ઘર માંડી ચુકેલા છે. ખટરાગ વહોરી ચૂક્યા છે. વિધાનસભાની છેલ્લી ચૂંટણીનાં પરિણામો ત્રિશંકુ વિધાનસભા રચવા જેવાં આવતાં સૌથી મોટા પક્ષને સરકાર રચવા નિમંત્રણ આપીને રાજ્યપાલ વજુભાઈ વાળાએ મોસાળમાં મા પીરસનારીની ઉક્તિને સાર્થક તો કરી, પણ ભાજપના વરરાજા યેડિયુરપ્પાએ માયરામાંથી જ જાન પાછી વાળવી પડે એમ વિશ્વાસનો મત મેળવ્યો નહીં, અને કુમારસ્વામી હરખભેર મુખ્ય પ્રધાન બન્યા, વિશ્વાસનો મત જીત્યા.
રાહુલમાં વડાપ્રધાનનાં દર્શન
કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીને અત્યારે તો કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીમાં વડાપ્રધાનના પ્રથમ ક્રમના ઉમેદવારનાં દર્શન થાય છે.સાથે છે ત્યાં લગી તો રૂડું રૂપાળું અનુભવાય એ સ્વાભાવિક છે.આવતીકાલોમાં કેવાં ચિત્ર ઉપસે એને આધારે જ કાલની વાત થાય.અગાઉ ભાજપ અને કૉંગ્રેસ બંને સાથે જોડાણ કરવાના કટુ-મધુ અનુભવમાંથી પસાર થઇ ચૂકેલા કુમારસ્વામી પોતાના ૯૨ વર્ષીય પિતા દેવેગોવડા ફરીને વડાપ્રધાન થવા ઉત્સુક નહીં હોવાનું સ્પષ્ટ કરે છે.મલયેશિયામાં ૯૨ના મહમ્મદ મહાતીર ૯૨ વર્ષે ફરી વડાપ્રધાન થઇ શકતા હોય તો અત્યારે સ્વસ્થ જણાતા લોકસભાના સાંસદ દેવેગોવડા ભવિષ્યમાં વડાપ્રધાનપદ માટેની સ્પર્ધામાં ઊતરી પણ શકે.કર્ણાટકની લોકસભાની કુલ ૨૮ બેઠકોમાંથી ૨૦ થી ૨૫ બેઠકો જેડી(એસ)-કૉંગ્રેસ યુતિને મળે એવી રાજ્યના મુખ્યમંત્રીની ગણતરી છે.ગઈ લોકસભાની ચૂંટણીમાં તો ભાજપને ૧૭ બેઠકો મળી હતી અને આ વખતે એ પણ ખૂબ આક્રમકતા સાથે ચૂંટણીમાં ઝૂકાવશે. 

મુખ્ય પ્રધાન મોદીના ઉપવાસ

વર્તમાન વડા પ્રધાન મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના જાહેર કરવાની માગણી સાથે જીએમડીસી ગ્રાઉન્ડ પર પંચતારક ઉપવાસ પર બેઠા હતા. કેન્દ્રમાં એ વેળા કોંગ્રેસના વડપણવાળી ડૉ. મનમોહન સિંહની સરકાર હતી. આજે સ્વયં મોદીના વડપણવાળી કેન્દ્ર સરકારને ચાર વર્ષ વીત્યા છતાં ના તો નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના જાહેર કરાઈ છે કે ના એમણે મુખ્ય પ્રધાન તરીકે કેન્દ્ર સમક્ષ કરેલી પશ્ચિમ રેલવેનું વડું મથક મુંબઈથી અમદાવાદ લાવવા, સોલ્ટ કમિશનરની કચેરી જયપુરથી ગુજરાત ખસેડવાની કે અમદાવાદને કર્ણાવતી નામ આપવાની માગણી પોતે સંતોષી શક્યા છે. પ્રત્યેક જિલ્લે જિલ્લે નરેન્દ્રભાઈએ સદભાવના  ઉપવાસ કરીને હજારો કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓ જાહેર કરી હતી. એમનો અમલ પણ રખડી પડ્યો છે.

સૌથી રાજી મુખ્યપ્રધાન રૂપાણી

ભલે પાટીદાર અનામત આંદોલનના યુવાનેતા હાર્દિક પટેલે દસ દિવસમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના રાજીનામાની વાત કરી હોય, એ મુદ્દત વીતી ગયા પછી પણ વિજયભાઈ પોતાના હોદ્દે અકબંધ છે. ગૉડફાધર દિલ્હીમાં હોય પછી ગાદી પરથી ઉથલાવવા કે બદલવાની હિંમત કોણ કરી શકે, એ વિજયભાઈને બરાબર સમજાય છે. જોકે, ગૉડફાધર મોદી વડા પ્રધાન હોવા છતાં આનંદીબહેન મુખ્ય પ્રધાન મટી ગયાનું ઉદાહરણ સામે છે જ. હવે ભાજપના અધ્યક્ષ અમિત શાહની છાવણીના રૂપાણીને કોઈ હલાવી શકે એમ નથી લાગતું એટલે જ્યારે કર્ણાટકના જનતા દળ (સૅક્યુલર)ના મુખ્યપ્રધાન કુમારસ્વામી રડવા બેઠા છે ત્યારે રૂપાણી પડકાર ફેંકે છેઃ હું સીએમ હતો અને ભવિષ્યમાં પણ હું જ રહીશ.રૂપાણી અમરપટ્ટો લખાવીને આવ્યા લાગે છે. જોકે અણીચૂક્યો સો વર્ષ જીવે એ કહેવતે હાલપૂરતું તો રૂપાણીને હરખપદુડા બનાવી દીધા છે.

લોકસભાની ચૂંટણીના મોરચા

માથે લોકસભાની ચૂંટણી છે એટલે ઘણીબધી આસમાની-સુલતાની થવાનાં એંધાણ મળી જ રહ્યાં છે. વાત પછી ગુજરાતની હોય કે કર્ણાટકની કે પછી પશ્ચિમ બંગાળની હોય. જ્યારે મોદી-શાહની જાદુઈ જોડી થકી વિવિધ રાજ્યોમાં કોંગ્રેસના અધ્યક્ષોને પણ ભાજપમાં ભેળવીને પ્રધાનપદાં ભેગા કરાયા હોય, પછી આવતી લોકસભાની ચૂંટણી પહેલાં સત્તામોરચા અને વિપક્ષી મોરચાના ઘાટ કેવા ઘડાશે એ કહેવું જરા કઠિન છે. ફરીને મોદી સરકાર રચાય એવી ગણતરીએ રૂઠેલા સાથીપક્ષો પણ શાહની મુલાકાતો થકી ટાઢા પડવા માંડ્યા છે. હજુ શરદ પવારના વડપણ હેઠળ સંયુક્ત વિપક્ષી મોરચો બને તો મોદી સામે પડકાર ઊભો થાય, પણ પેલી વિપક્ષી નેતાઓની કૌભાંડલીલાની ફાઈલો વચ્ચે કળા કરીને ચિત્ર બદલી શકે.

નાટકવેડા છોડો, શાસનવેડા આદરો

છેલ્લા ચાર વર્ષથી સતત ચૂંટણીલક્ષી કવાયતોની જ જાણે દેશભરમાં બોલબાલા છે. આક્રમક રીતે પ્રચારમાં વડા પ્રધાન મોદી વિરોધીઓને મહાત આપી રહ્યા છે. મોટા ભાગનાં રાજ્યોમાં ભાજપ તથા મિત્ર પક્ષોની સરકાર બની ચુકી છે. બાકી રહેલાં રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાવવા માટે ઍસ્કોર્ટ તરીકે શાહની મુલાકાતોને પગલે વડા પ્રધાન મોદીની મુલાકાતો જનમાનસને બદલી રહી છે. શાસનની નક્કરતા કેટલી અને નાટકીય માહોલ કેટલો એ સમજવાનું અઘરું પડે છે. આવા સંજોગોમાં એકસાથે ચૂંટણીઓ યોજવાની ફૉર્મ્યુલા લઈને મોદી-સેના આગળ વધી રહી છે.વડા પ્રધાન મોદી અંતે તો શ્રીમતી ઈંદિરા ગાંધીના માર્ગે આગળ વધીને વડા પ્રધાનની શાસન વ્યવસ્થાને અમેરિકાની જેમ રાષ્ટ્રપતિને સર્વસત્તા બક્ષતી વહીવટી વ્યવસ્થા લાવવા ઉત્સુક છે. જોકે, એ માટે તેમણે બે-તૃતીયાંશ બેઠકો જીતીને બંધારણમાં સુધારો કરવો અનિવાર્ય છે.આગામી લોકસભાની ચૂંટણી જીતવા પૂર્વે એમણે રાજસ્થાન,મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ફરીને જીતવાની વૈતરણી પાર કરવાની છે. એ મિશનમાં સફળ રહ્યા તો ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી કરવા અને સૌને મકાન ફાળવવાની કરેલી જાહેરાતો અમલી બને એની અપેક્ષા કરીએ.રખેને કોઈ નવી મુદત સાથે આગામી ચૂંટણી આવી પડે.
ઈ-મેઈલ : haridesai@gmail.com



No comments:

Post a Comment