Friday, 1 June 2018

Spy Chronicles: RAW, ISI and the Illusion of Peace



Dr.Hari Desai’s column in Divya Bhaskar Daily 1 June 2018. You may read the full text here  and comment.
ભારત-પાક ગુપ્તચરોની ગોઠડીના ભડકા : ડૉ.હરિ દેસાઈ

પાકિસ્તાનની રાષ્ટ્રીય અને પ્રાંતિક ધારાસભાઓની ૨૫ જુલાઈએ ચૂંટણીમાં નવાં ઇંધણ
ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ સુધારાના પ્રયાસોથી ગાડી  પાટા પર આવવામાં હોય ત્યાં કાયમ કોઈને કોઈ નવાં ઉંબાડિયાં આવી જ પડે છે.કાશ્મીરનું કોકડું ઉકેલાય તો સાત દાયકાની  દુશ્મનાવટ ખતમ થવાની આશા બંધાયા કરે છે. જોકે  એ આશા ઠગારી નીવડે છે.હમણાં ભારતની વિદેશી બાબતોમાં નજર રાખનારી ગુપ્તચર સંસ્થા “રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ-રો”(સ્થાપના:૧૯૬૮) અને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા “ઇન્ટર-સ્ટેટ ઇન્ટેલિજન્સ- આઇએસઆઇ” (સ્થાપના: ૧૯૪૮)ના ભૂતપૂર્વ વડાઓ અનુક્રમે અમરજિત સિંહ દુલાત અને જનરલ અસદ દુર્રાનીએ આદિત્ય સિંહાના સહયોગમાં એકદમ રસપ્રદ પુસ્તક “સ્પાય ક્રોનિકલ : રો, આઇએસઆઇ એન્ડ ઈલ્યુસન ઓફ પીસ“ પ્રકાશિત કરાવ્યું અને પાકિસ્તાનમાં તો જાણે ધરતી રસાતાળ થઇ ગઈ હોય એવો માહોલ સર્જાયો.ભારતમાં એ વિશેની પ્રતિક્રિયા હજુ એટલી આક્રમક જોવા મળી નથી,પરંતુ મોદી-ડોભાલ જોડી અને કુલભૂષણ જાધવ વિશેનાં દુલાતનાં નિરીક્ષણો વિલંબથી પણ ભડાકા સર્જે એ વાતને નકારી શકાય નહીં.
રાજકારણ અને રાજદ્વારી સંબંધો વચ્ચેનો ભેદ સમજે તેવા લોકો “એક થા ટાઇગર” અને “ટાઇગર જિંદા હૈ” જેવી હિંદી ફિલ્મમાં જોવા મળતા રોના  એજન્ટ સલમાન ખાન અને આઇએસઆઇની એજન્ટ કટરીના કૈફ વચ્ચેની દુશ્મનીમાંથી પ્રગટતા પ્રેમ જેવી કહાણી તાજી કરી શકે. બંને દેશની ગુપ્તચર સેવાઓના નિવૃત્ત વડાઓના મિલનની  આ ગોઠડી શાંતિ સ્થાપવા ભણી લઇ જશે કે દુશ્મનીને વધુ આક્રમક બનાવશે, એ કહેવું મુશ્કેલ છે. ૩૨૦ પાનાંનું આ નવપ્રકાશિત પુસ્તક બંને સ્પાય-માસ્ટરો સાથે સંયુક્ત પ્રશ્નોત્તરી રૂપે લખાયું હોવાથી એ રસપ્રદ તો બને જ છે,પણ સાથે જ ઘણી વિસ્ફોટક બાબતોને પ્રકાશમાં આણે છે.જોકે, બંને દેશની ગુપ્તચર સંસ્થાઓના વડાઓ રહેલા આ મહાનુભાવો પોતે  કેટલી વાત કહેવી અને પોતાના દેશના હિતમાં કેટલી બાબતોને પ્રકાશમાં ના  આણવી, એ સુપરે સમજતા હોય છે.આમ છતાં, પાકિસ્તાનમાં તો ભૂતપૂર્વ વડા પ્રધાન મિયાં નવાઝ શરીફથી લઈને જનરલ આસીફ ગફૂર સુધીનાએ એવો હોબાળો મચાવ્યો કે જાણે જનરલ દુર્રાની ભારતને પોતાનાં બધાં સિક્રેટ આપી આવ્યા હોય.ફરમાન પણ છૂટ્યું કે જનરલ દુર્રાનીએ લશ્કરી વડા મથકે હાજર થઈ સ્પષ્ટતા કરવી. પોતાના પુસ્તકમાં વિશ્વનો સૌથી ખૂનખાર આતંકી  ઓસામા બિન લાદેન આઇએસઆઇના કબજામાં હતો અને પાકિસ્તાનના અંદરના જ કોઈ “સીઆઈએ મોલ” એવા  નિવૃત્ત અધિકારીએ એ અંગે અમેરિકાને બાતમી પહોંચાડ્યા સહિતના ઘટનાક્રમની વાતો જનરલ દુર્રાનીએ બહાર પાડી, એ બદલ એમની પર તવાઈ આવે એવો માહોલ રચાયો છે. ભારતમાં આવો ઉહાપોહ મચ્યો નહીં હોવાના સંદર્ભમાં એટલું જરૂર કહી શકાય કે આપણી લોકશાહી ખાસ્સી પરિપક્વ છે.
વર્ષ ૧૯૪૦માં જન્મેલા અને  ૧૯૬૫ની આઈપીએસની રાજસ્થાન કેડરના દુલાત મહદઅંશે ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઈબી)માં કાર્યરત રહ્યા અને તેના સંયુક્ત નિયામક પણ હતા.વર્ષ ૧૯૯૯-૨૦૦૦ દરમિયાન એ “રો”ના વડા હતા અને ડિસેમ્બર ૨૦૦૦માં નિવૃત્તિ પછી ૨૦૦૪ સુધી તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના કાશ્મીર બાબતોના સલાહકાર પણ રહ્યા. વર્ષ ૧૯૪૪માં લાહોરમાં જન્મેલા જનરલ અસદ દુર્રાની જન્મે પોતાને ભારતીય ગણાવવાનું પસંદ કરે છે.એમણે ૧૯૬૫ અને ૧૯૭૧માં ભારત સાથેના યુદ્ધમાં ભાગ લીધો હતો. ૧૯૯૦થી ’૯૨ દરમિયાન એ આઇએસઆઇના મહાનિયામક રહ્યા.અગાઉ મિલિટરી ઇન્ટેલિજન્સ(એમઆઈ)માં પણ કાર્યરત રહ્યા છે.તેઓ જર્મનીમાં પાકિસ્તાનના રાજદૂત પણ હતા.બંને દેશની  ગુપ્તચર સંસ્થાઓના વડાઓ “ટ્રેક–ટુ” ગણાતી બંને દેશો વચ્ચેની મડાગાંઠ ઉકેલવા માટેની મંત્રણાઓ માટે મળતા રહ્યા છે.અત્યારે બંને માને છે કે કોઈપણ ભોગે ભારત અને પાકિસ્તાન વચ્ચે મંત્રણાઓ થકી વિવાદાસ્પદ મુદ્દાઓને ઉકેલીને શાંતિ સ્થપાય એ દિશામાં પ્રયાસો આગળ ધપાવવા જોઈએ.
દુલાત માને છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની જોડી “મેઈડ ફોર ઈચ અધર” છે.ડોભાલ અગાઉ દુલાતની સાથે કામ કરી ચૂક્યા છે,એટલે એમને એ સુપેરે જાણે છે.દુલાત કહે છે કે જેમ મોદી પોતાના પક્ષના અધ્યક્ષ અમિત શાહનો પણ ભરોસો કરતા નથી,એમ ડોભાલનો સ્વભાવ પણ કોઈનો ભરોસો કરવાનો નથી. દુલાત સુરક્ષા સલાહકાર પરિષદમાં પણ છે.એમણે પાકિસ્તાનને સલાહ આપી હતી કે તેમણે  ડોભાલને નોતરીને બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારાનું વાતાવરણ તૈયાર કરવું ઘટે.જોકે ઈસ્લામાબાદની એ માટેની હિંમત જોવા ના મળતાં દિલ્હીને એમણે સલાહ આપી છે કે પાકિસ્તાનના લશ્કરી વડા જનરલ કમર જાવેદ  બાજવાને નિમંત્રીને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે તેમની મંત્રણાનો માહોલ રચવાની જરૂર છે.પાકિસ્તાનમાં લશ્કરનું ચલણ છે એને નકારી શકાય તેમ નથી. ભારતીય વડા પ્રધાન મોદી મહદઅંશે રાષ્ટ્રીય  સુરક્ષા સલાહકાર ડોભાલ પર અવલંબિત રહે છે.આવા સંજોગોમાં મંત્રણાઓ મારફત જ બંને દેશો વચ્ચેની મડાગાંઠ ઉકેલવાના પ્રયાસોની દુલાત તરફેણ કરી રહ્યા છે.કાશ્મીર સમસ્યાને ઉકેલવાની બાબતમાં તેઓ છેલ્લાં ત્રીસ વર્ષનો જમ્મૂ-કાશ્મીર સાથે સંબંધ ધરાવે છે.ત્યાંની તાજી મુલાકાતોને આધારે અત્યારે આ રાજ્યમાં પાકિસ્તાનની દખલ વધી હોવાથી અજંપાની સ્થિતિ સર્જાયાનું એ કહે છે.દુલાત માને છે કે ડિસેમ્બર ૨૦૨૦માં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણીમાં કાશ્મીર ખીણ પ્રદેશમાં વર્તમાન મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીના પક્ષ પીડીપીનો સફાયો થશે અને એવું જ જમ્મૂ પ્રદેશમાં ભાજપનું થશે.
વર્તમાનમાં દિલ્હી માત્ર પાકિસ્તાને ગપચાવેલા જમ્મૂ-કાશ્મીરના પ્રદેશને ખાલી કરાવવાની હાકલો કરે છે,પણ ઇસ્લામાબાદ એને કાને ધરતું નથી.સંયુક્ત રાષ્ટ્રમાં વિવાદિત પ્રશ્નોનો ઉકેલ દાયકાઓ સુધી ના આવે ત્યારે અન્ય માર્ગો અપનાવવાની તૈયારી રાખવી પડે.કમનસીબે પાકિસ્તાન હજુ ભારત સરકારના ચોપડે “મોસ્ટ ફેવર્ડ નેશન”(એમએફએન) રહ્યું છે. પાકિસ્તાન ભારતને એમએફએન શ્રેણીમાં મૂકતું નથી ! ઘરઆંગણે ખાંડના ભંડારો પડ્યા હોવા છતાં પાકિસ્તાનથી કરોડો રૂપિયાની ખાંડ આયાત કરવામાં આવે છે.ક્યારેક દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચે “ઇલુ ઇલુ” જોવા મળે છે અને ક્યારેક મંત્રણાઓ નહીં કરવાની ઘોષણાઓ કરીને સાર્ક પરિષદોનો બહિષ્કાર કરાય છે.વાસ્તવમાં ભારતે પાકિસ્તાન અંગેની નીતિ ઘડવાની અને એને અનુસરવાની તાતી જરૂર છે. દુલાતના મતે, પાકિસ્તાનમાં જુલાઈની ચૂંટણી પછી “ડાર્ક હોર્સ” તરીકે ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઇમરાન ખાન ઉપસી આવે અને એ વડા પ્રધાન થાય એવી શક્યતા વધુ છે. પાકિસ્તાન તેહરિક–એ-ઇન્સાફ (પીટીઆઈ)ના વડા ઇમરાન ખાન નિયાઝીએ  જનઆંદોલનો થકી પોતાના વાયવ્ય પ્રાંત (હવે જે ખૈબર પખ્તૂનખ્વા તરીકે ઓળખાય છે)માં જ નહીં,સમગ્ર પાકિસ્તાનમાં જનસમર્થન મેળવવા અને ભ્રષ્ટ રાજનેતાઓને ફગાવીને પોતાને તક આપવાનો માહોલ સર્જ્યો છે.તેમણે લશ્કરી સત્તાવાળાઓ સાથે સુમેળ સાધીને સત્તામાં આવતાં ૧૦૦ દિવસમાં શું કરશે,એનો એજન્ડા પણ જાહેર કરી દીધો છે.સામે પક્ષે મિયાં નવાઝ શરીફની સત્તારૂઢ  મુસ્લિમ લીગ-એનની છબિ ખાસ્સી ખરડાયેલી છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના બિલાવલ ભુટ્ટો અને એમના પિતા આસિફ અલી ઝરદારી કેટલું ગજું કરી શકે એ વિશે શંકા છે.રાષ્ટ્રપતિ રહેલા ઝરદારી ચૂંટણી પછી ત્રિશંકુ રાષ્ટ્રીય ધારાસભા અપેક્ષિત માને છે. જોકે પાકિસ્તાનમાં ક્યારે શું થાય અને લશ્કરી શાસન ક્યારે આવી પડે,એ કહેવું મુશ્કેલ છે.અત્યારે તો સૌની મીટ જુલાઈની ચૂંટણી તરફ મંડાયેલી છે.

E-mail : haridesai@gmail.com
(HD-DB-Indo-Pak 28-5-2018)

No comments:

Post a Comment