Dr.Hari Desai's Column in Divya Bhaskar Daily 15 June 2018
You may read the full text here and comment.
Web Link:
http://epaper.divyabhaskar.co.in/…/…/2018-06-15/12/10/image/
You may read the full text here and comment.
Web Link:
http://epaper.divyabhaskar.co.in/…/…/2018-06-15/12/10/image/
લોકસભાની ચૂંટણીનાં મિશન : ૩૫૦ વિ.૪૦૦
ડૉ.હરિ દેસાઈ
બિના કૃષ્ણ કે આજ મહાભારત
હોના હૈ, કોઈ રાજા બને, રંક કો તો રોના હૈ
શું દિવસો આવ્યા છે કે
સામાન્ય નાગરિકે પણ જાણે રોજે રોજ સામાન્ય જ્ઞાનની કસોટીમાંથી પસાર થવું પડે છે ! શાળામાં
ભણતા ત્યારે મુઘલો ક્યારે આવ્યા અને
ઔરંગઝેબનું મૃત્યુ ક્યારે થયું, એ ઇતિહાસની સાલવારી ગોખવાનો કંટાળો આવતો
હતો.મુઘલોનું શાસન ગયા પછી તો અંગ્રેજો પણ આવીને ગયાને સાત સાત દાયકા વીતી ગયા
છતાં બાબર,અકબર,ઔરંગઝેબ અને ઓલ્યો મુહંમદ ગઝની રોજેરોજ સોશિયલ મીડિયામાં ડોકાયા
કરે છે. મે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી જીતીને ગરવા ગુજરાતી વડાપ્રધાન થયા અને એમણે આપેલાં
વચન કેટલાં પરિપૂર્ણ થયાં એની ચર્ચા થવી ઘટે. વર્તમાનથી ભવિષ્ય ભણીની ગતિમાં
ભાજપની ૩૬૫ દિવસ કાર્યરત કૅડર સામે પરાજયોમાંથી કળ વળ્યા પછી ઘર સરખું કરનારી કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની સેના કેટલું ગજું કરશે,
એનાં નીરક્ષીર થાય એની પ્રજાને હોંશ છે.દેશની પ્રજા હળીમળીને સુખે રહે. આજકાલ તો
બંને મુખ્ય પક્ષોની ઇફ્તાર પાર્ટીઓની બોલબાલા છે ત્યાં સર્વધર્મ સમભાવની આ
ભોમકામાં હિંદુઓ કરતાં મુસ્લિમોની વસ્તી વધી જવાના આભાસી આંકડાઓ રજૂ કરતી સહેતુક
પોસ્ટ પણ પ્રજાના જી.કે.ને ચકાસવા જ જાણે કે સોશિયલ મીડિયામાં ફાટફાટ થાય છે. નીતિ
આયોગ દર્શાવે છે કે ભારતનો સાક્ષરતા દર વર્ષ ૨૦૧૧માં ૭૪.૦૪ ટકા હતો.એમાં કેરળનો ૯૩.૯૧ ટકા અને
બિહારનો ૬૩.૮૨ ટકા નોંધાયો છે.જોકે સાક્ષરતા દર અને રાજકીય સમજણનો સીધો સંબંધ હોય
જ એવું નથી,કારણ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીની બ્લૅક ઇમર્જન્સી પછી ૧૯૭૭ની લોકસભાની
ચૂંટણીમાં ગ્રામીણ અને અભણ પ્રજાએ જ લોકશાહીને બચાવી લીધી હતી,જયારે શિક્ષિત અને
શહેરી પ્રજા પોતાનાં હિતની ખેવનામાં સત્તા સાથે રહેવાની પેરવીમાં હતી.
વર્ષ ૨૦૧૯ના મે મહિનામાં
સત્તરમી લોકસભાની ચૂંટણી આવવી અપેક્ષિત છે ત્યારે અત્યારથી એના માટેના જંગની
વ્યૂહરચનાઓ ઘડાઈ રહી છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ અને બૅંગલૂરુમાં
ભજવાયેલાં રાજકીય નાટકો “કવિ કૈદીરાય’ અટલ બિહારી વાજપેયીની “કૌરવ કૌન, કૌન પાંડવ”
કવિતાની પંક્તિઓનું સ્મરણ કરાવે છે : “ બિના કૃષ્ણ કે આજ મહાભારત હોના હૈ, કોઈ રાજા બને, રંક કો તો
રોના હૈ.” એકમેકને કૌરવ-પાંડવ કહેતા રાજનેતાઓની મુખ્ય બે છાવણીઓ સજ્જ થઇ રહી છે. મે ૨૦૧૯ આડે હજુ ડિસેમ્બર
૨૦૧૮માં રાજસ્થાન, મધ્યપ્રદેશ,છત્તીસગઢ અને મિઝોરમ વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી
છે.કર્ણાટકનાં ચૂંટણી પરિણામોએ પરાજય પછી પણ વિજયી કોંગ્રેસના મનોબળને મજબૂત
કર્યું છે.જનતા દળ(સેક્યુલર)ને મુખ્યમંત્રીપદ આપ્યા પછી ભાજપને સત્તાવિમુખ રાખવાનો
હરખ કરીને રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં એ પોતાના અશ્વમેધ માટે આગળ વધે છે.સામે
પક્ષે કર્ણાટકમાં અપમાનિત થયાનો બદલો લેવા બમણા જોરથી ભાજપ ચારેય રાજ્યોને ફતેહ કરવા માટે અત્યારથી લોકસભામાં “મિશન ૩૫૦
પ્લસ”ની ઘોષણા કરીને કામે વળવાનું પસંદ
કરે છે.કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ “મિશન ૪૦૦” ઠરાવવામાં ગાંજ્યા જાય એમ
ક્યાં છે? લક્ષ નક્કી કરવામાં મણા કાં રાખવી ! અગાઉ કોંગ્રેસ તો ૪૦૪ બેઠકો મેળવી
ચૂકી છે. રાહુલ સતત પરાજય પછી હારની બાજીને જીતમાં બદલી નાંખવા માટે, વડાપ્રધાન
પદનો દાવો છોડીને પણ, ભાજપના નેતૃત્વવાળા એનડીએને પરાસ્ત કરવાનાં શમણાં જુએ
છે.સામે પક્ષે ભાજપી નેતા અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાડ ઠેકી જનારા
કેટલાક સાથી પક્ષોને સ્થાને એનડીએમાં આવવા બારણે ટકોરા મારી રહેલા કેટલાક
પ્રાદેશિક પક્ષોનો સાથ લઈને, મે ૨૦૧૪ કરતાં ઓછી બહુમતી સાથે પણ, મે ૨૦૧૯માં ફરી
સત્તારૂઢ થવાના વેતમાં છે.
કર્ણાટકના તાજા અનુભવ પછી વિપક્ષો પોતાના અસ્તિત્વને
ટકાવવા માટે સમાધાનો કરીને, મતભેદ ભૂલીને, ગઈ ગુજરી વિસારે પાડીને એક મહાગઠબંધન રચવા ચિંતન-મનન કરી રહ્યા છે.તાજા ભૂતકાળના
અનુભવો દર્શાવે છે કે ભાજપના વડપણવાળી વાજપેયીના નેતૃત્વમાં ચાલતી એનડીએ સરકારમાં
જે પક્ષો હતા એમાંના ઘણા એ પછીની કોંગ્રેસના નેતૃત્વવાળી ડૉ.મનમોહન સિંહની
સરકારમાં હતા. ભાજપના આસ્થાપુરુષ ડૉ.શ્યામા પ્રસાદ મુકરજીની હત્યા પછી જે
જનસંઘ-ભાજપ “શેર હમારા મારા હૈ, અબદુલ્લાને મારા હૈ”નો આલાપ કરતા હતા, એમણે જ
વાજપેયી સરકારમાં શેખ અબદુલ્લાના પૌત્ર ઓમરને વિદેશ રાજ્ય મંત્રી અને પુત્ર
ડૉ.ફારુક અબદુલ્લાને જમ્મૂ-કાશ્મીરમાં મુખ્યમંત્રી બનાવ્યા હતા. રામવિલાસ પાસવાનનો
લોક જનશક્તિ પક્ષ, નીતીશ કુમારનો જેડી(યુ), કરુણાનિધિનો દ્રમુક પક્ષ, જયલલિતાનો
અન્નાદ્રમુક પક્ષ, મમતા બેનરજીનો તૃણમૂલ કોંગ્રેસ પક્ષ,નવીન પટનાયકનો બિજુ જનતા
દળ, નર ચંદ્રબાબુ નાયડુનો તેલુગુ દેશમ પક્ષ અગાઉ વાજપેયીના વડપણ હેઠળના એનડીએમાં
હતા જ. એ જ રીતે આમાંના મોટાભાગના પક્ષો સોનિયા ગાંધીના વડપણ હેઠળના યુપીએમાં પણ હતા.સત્તાનું બંધન સિદ્ધાંતોને કોરાણે મૂકે
છે.મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેનાના ટેકાથી રાજ કરે છે,પણ નારાજ ઉદ્ધવ ઠાકરે
સત્તામોરચામાંથી ખસી જતા નથી, કારણ એમને ડર છે કે સેના ટેકો પાછો ખેંચે તો એનો
ખાલીપો શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ ભરી દેશે. આવું અન્ય રાજ્યોમાં પણ
સ્વાભાવિક છે.
લોકસભાની ગત ચૂંટણીમાં
ભાજપને ૫૪૩ બેઠકોમાંથી ૨૮૨ બેઠકો મળી હતી,પણ ભાજપની બેઠકો ઘટતી ગઈ હોવાથી આજે
એકલેહાથે બહુમતી નથી.બહુમતી માટે ૨૭૨ બેઠકો જોઈએ..જોકે સત્તારૂઢ મોરચામાં અત્યારે
ભાજપ (૨૭૧), શિવસેના (૧૮), લોક જનશક્તિ (૬), અકાલી દળ (૪), રાષ્ટ્રીય લોક સમતા
પાર્ટી (૩),અપના દલ (૨),જનતા દળ-યુ (૨), પીડીપી (૧), એઆઈએનઆરસી (૧), એનડીડીપી(૧), એનપીપી
(૧),પીએમકે (૧), એસડીએફ (૧), અધ્યક્ષ,ભાજપ (૧), નામનિયુક્ત-ભાજપ (૨).આનો અર્થ એ થયો કે ભાજપ પૂંછડિયા
ખેલાડીઓના ટેકે શાસન કરે છે.આગામી ચૂંટણીમાં એના જે જૂના સાથીઓ વાડ ઠેકી ગયા છે
અથવા ઠેકી જવાની વેતરણમાં છે; એ નડવાના. છેલ્લી લોકસભા ચૂંટણી વખતે કોંગ્રેસની સભ્યસંખ્યા
માત્ર ૪૪ હતી તે વધીને ૪૮ થઇ છે. પેટાચૂંટણીઓ મહદઅંશે ભાજપને ફળી નથી.લોકસભામાં
પ્રતિનિધિત્વ કરનારા કુલ ૩૩ પક્ષોમાંથી ભાજપ સાથે શિવસેના સહિતના માત્ર ૧૨ જ પક્ષો
છે.એમાંથી શિવસેના તો એકલેહાથે આગામી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂકી છે. રાજસ્થાન
અને મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થશે કે કેમ એ વિશે પક્ષમાં પણ
શંકાકુશંકા છે.આવા સંજોગોમાં વિપક્ષો બધા સંગઠિત થાય તો ભાજપ સામે લોકસભાની આગામી ચૂંટણીમાં
મોટો પડકાર જરૂર છે. પાકિસ્તાનના અટકચાળા સતત ચાલુ રહ્યા પછી હવે એને પાઠ ભણાવવાનો
વ્યૂહ જો યુદ્ધ નોતરે તો સત્તારૂઢ પક્ષને રાજકીય લાભ થાય,પણ જયારે પાકિસ્તાન હવે
ચીનનો જ વધુ એક પ્રાંત લેખાવા માંડ્યું છે ત્યારે એની સાથે યુદ્ધ કરવાનું
રાજદ્વારી દ્રષ્ટિએ કેટલું યોગ્ય લેખાય એ પણ મહાપ્રશ્ન છે. ભાજપના ભિષ્મપિતામહ
વાજપેયીની એક રચના “જંગ ન હોને દેંગે”નું આ તબક્કે પણ સ્મરણ થઇ આવે છે:
કફન બેચને વાલોં સે કહ દો ચિલ્લાકર,
દુનિયા જાન ગઈ હૈ ઉનકા અસલી ચેહરા.
જંગ ન હોને દેંગે.
ભારત-પાકિસ્તાન પડોસી,સાથ-સાથ રહના હૈ,
પ્યાર કરેં યા
વાર કરેં, દોનોં કો સહના હૈ.
જંગ ન હોને દેંગે.
ઈ-મેઈલ :haridesai@gmail.com
(HD-DB-Mission2019: 14-6-2018)
No comments:
Post a Comment