Wednesday, 27 June 2018

History Repeats : The Ghost of Khalistan in Punjab


Dr.Hari Desai’s weekly column in Gujarat Samachar (London), Gujarat Guardian (Surat), Sardar Gurjari (Anand), Gandhinagar Samachar (Gandhinagar), Hamlog (Patan) and Sanj Samachar (Rajkot). You may read the full text and comment.
ઇતિહાસનું પુનરાવર્તન : પંજાબમાં ફરી ખાલિસ્તાનનું ભૂત ઘૂણવા માંડ્યું: ડૉ. હરિ દેસાઈ

·         વિધાનસભામાં વિપક્ષના નેતા સુખપાલ સિંહ ખૈહરાનું વર્ષ ૨૦૨૦માં શીખ રૅફરન્ડમ કરાવવાનું  ઉંબાડિયું 
·         કેજરીવાલને કૉંગ્રેસ-ભાજપે ભીંસમાં લીધા કે “આપ”  દેશને તોડવાના ખૈહરાના એજન્ડાને ટેકો આપે છે કે?
·         કેપ્ટન અમરિંદર ઉગ્રવાદી જૂથના શીખોના નિમંત્રણથી કૅનેડા જઈ  એમના સમારંભમાં હાજર  રહ્યા હતા !
·         લોકસભાની આગામી ચૂંટણી પહેલાં તો ઘણા બધા નિવેદન-ખેલ અને પક્ષપલટાની કવાયતો જોવા મળશે
પંજાબ રાજ્યનો ઇતિહાસ નિરાળો છેઃ જ્યારે જ્યારે શિરોમણિ અકાલી દળ સત્તા ગુમાવે છે, ત્યારે અલગ શીખીસ્તાન કે ખાલિસ્તાનનું ભૂત ધૂણવા માંડે છે. અકાલી દળભાજપની સરકારને વિધાનસભાની ચૂંટણીમાં પછડાટ આપીને કૉંગ્રેસના કેપ્ટન અમરિન્દર સિંહની સરકારને હજુ એકાદ વર્ષ પૂરું પણ થયું નથી ત્યાં વર્ષ ૨૦૨૦ શીખો માટેના અલગ દેશ ખાલિસ્તાન માટે જનમત (રૅફરન્ડમ) યોજવાની દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના આમ આદમી પક્ષના પંજાબના નેતા અને વિધાનસભામાં વિપક્ષ નેતા સુખપાલ સિંહ ખૈહરાએ કરેલી માગણીએ ભડકો કર્યો છે. નવાઈ એ વાતની છે કે કેજરીવાલના પક્ષના પંજાબ એકમમાં બધું સખળડખળ છે. પંજાબનો આપએકમ કેજરીવાલના કહ્યામાં નથી, છતાં વિધાનસભામાં અકાલી-ભાજપને ત્રીજા સ્થાને હડસેલીને એ મુખ્ય વિપક્ષ બની શક્યો છે. રાજ્યમાં કૉંગ્રેસ સત્તામાં આવી એ પહેલાંનો દાયકો અકાલી દળ અને ભાજપએ સાથે મળીને રાજ કર્યું. મુખ્ય પ્રધાન તરીકે પ્રકાશ સિંહ બાદલ અને નાયબ મુખ્ય પ્રધાન તરીકે એમના પુત્ર સુખબીર સિંહ બાદલ હતા. અત્યારે સુખબીરનાં પત્ની હરસિમરત કૌર કેન્દ્રમાં પ્રધાન છે.

અમરિન્દરનો કેજરીવાલને પડકાર

પતિયાળાના મહારાજાકેપ્ટન અમરિન્દર સિંહ અને વિપક્ષના નેતા સુખપાલ સિંહ ખૈહરા વચ્ચે વર્ષ ૨૦૨૦માં શીખોના જનમત અંગે વાકયુદ્ધ શરૂ થયું છે. બંને જણા ટ્વિટર પર એકમેકને ભાંડવામાં વ્યસ્ત છે અને અકાલી નેતાગીરી એની મજા લઈ રહી છે. જોકે આ સમગ્ર મામલો માત્ર પંજાબ અને ભારતમાં જ વસતા શીખોને સ્પર્શતો નહીં રહેતાં દુનિયાભરના શીખોની ભાવના સાથે સંબંધ ધરાવતો બની રહ્યો છે. અત્યારે કૉંગ્રેસના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દરે આપના સુપ્રીમો એવા કેજરીવાલને સ્પષ્ટતા કરવાનું કહ્યું છે કે એમનો પક્ષ ભારતને તોડવાના આ ખૈહરાના એજન્ડાને ટેકો આપે છે કે? ખૈહરા દિલ્હી દોડી ગયા તો કેજરીવાલે મળવાનો નન્નો ભણ્યો.નાયબ મુખ્યમત્રી મનીષ સિસોદિયાએ તો એમણે મળવાનું કબૂલ્યું પણ પક્ષને મૂંઝવણમાં મૂકે એવા ૨૦૨૦ના શીખ જનમત અનેખાલિસ્તાન અંગે જાહેરમાં સ્પષ્ટતા કરવા કહ્યું.
કેજરીવાલ દિલ્હીના રાજ નિવાસમાં પોતાના નાયબ મુખ્ય પ્રધાન અને બીજા પ્રધાનો સાથે નવ દિવસ ધરણાં કરીને માંડ આઈએએસ અધિકારીઓ સાથે સમાધાનને મારગ છે. આવા સમયે વિપક્ષના ચાર મુખ્ય પ્રધાન મમતા બેનરજી (પશ્રિમ બંગાળ), પીનરાઈ વિજ્યન્ (કેરળ), નર ચંદ્રબાબુ નાયડુ (આંધ્ર પ્રદેશ) અને એચ. ડી. કુમારસ્વામી (કર્ણાટક) કેજરીવાલને રાજનિવાસમાં મળવાની નાયબ રાજ્યપાલની મંજૂરી નહીં મળતાં દિલ્હીના મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને જઈને શ્રીમતી કેજરીવાલને મળીને એમના ધરણાને નૈતિક ટેકો આપી આવ્યા. ચારેય મુખ્યમંત્રીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હીના મુખ્ય પ્રધાન અને તેમના નાયબ રાજ્યપાલ તથા આઈએએસ અધિકારીઓ વચ્ચેની મડાગાંઠ ઉકેલવા પગલાં લેવા વિનંતી પણ કરી.
નીતિ આયોગની વડા પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં હાજરી આપવા દિલ્હી આવેલા ઉપરોક્ત ચારેય મુખ્ય પ્રધાનોએ બેઠકમાં હાજરી આપી, પણ દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલે હાજરી આપી નહોતી. જોકે નીતિ આયોગની બેઠકમાં મુખ્ય પ્રધાનોની હાજરી અપેક્ષિત હોય છે. જ્યારે કેજરીવાલ રાજનિવાસમાં ધરણાં કરી રહ્યા હતા ત્યારે નાયબ રાજ્યપાલ અનિલ બૈજલ નીતિ આયોગની બેઠકમાં હાજરી આપતા હતા. કેજરીવાલે સવાલ પણ કર્યો કે મેં એમને હાજરી આપવા નિયુક્ત કર્યા નહોતા. છતાં કેમ ગયા? જોકે નીતિ આયોગ બાજી સંભાળી લે છે. દિલ્હી વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસનાં સૂપડાં સાફ કરવામાં સફળ રહેલા કેજરીવાલ અને એમના પક્ષના નેતાઓમાં આંતરકલહ જગજાહેર છે. સાથે જ વડા પ્રધાન મોદી એમને સુખે પ્રજાની સેવા કરવા દેતા નહીં હોવાનો આક્ષેપ પણ એ કરતા રહ્યા છે.

પંજાબ આપના નેતા આક્રમક

પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દરે આપના નેતા ખૈહરા સામે ભાગલાવાદી પ્રવૃત્તિ આદરવાના આક્ષેપ કર્યા છે. તેમની સામે ફોજદારી ખટલો દાખલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ખૈહરા શીખ રેફરન્ડમ ૨૦૨૦ની પોતાની વાતને ખાલિસ્તાન સાથે સંબંધ નહીં હોવાનું જણાવે છે. ઉલટાનું એમણે કેપ્ટન અમરિન્દર સામે આક્ષેપ કર્યો છે કે તેઓ ઉગ્રવાદી જૂથના શીખોના નિમંત્રણથી કેનેડા ગયા હતા અને એમના સમારંભમાં હાજર પણ રહ્યા હતા. એમણે કેપ્ટનની તસવીરો પણ પ્રસારિત કરવાની સાથે જ ૧૯૮૪માં ઇંદિરા ગાંધીની હત્યા પગલે હજારો શીખોની હત્યા કૉંગ્રેસ પક્ષ થકી આચરવામાં આવ્યાની વાતને પણ આગળ કરી છે.
જોકે ખૈહરા થકી બહાર પાડવામાં આવેલાં મનાતાં પ્લેકાર્ડની ડિઝાઈનમાં પંજાબ રૅફરન્ડમ ૨૦૨૦ ફૉર ખાલિસ્તાનસ્પષ્ટ વંચાય છે. જોકે પંજાબમાં આપના સંયુક્ત સંયોજક ડૉ. બલવીર સિંહે પોતાનો પક્ષ દેશની એકતા અને અખંડિતતા માટે કાર્યરત છે અને આવા કોઈ રૅફરન્ડમને ટેકો આપતો નહીં હોવાનું સ્પષ્ટ કર્યું છે. તેમનું કહેવું હતું કે ખૈહરાએ રૅફરન્ડમ અંગે કહેલી વાત એમનો અંગત મત હોઈ શકે, પક્ષનો નહીં. ખૈહરા પોતાને ખાલિસ્તાનના સમર્થનમાં કોઈ ઝુંબેશના સમર્થક ગણાવતા નથી, પરંતુ રેફરન્ડમ ૨૦૨૦ ભારતના ભાગલા પછી શીખો સાથે તમામ સરકારોએ આચરેલા ભેદભાવ અને અત્યાચારનું પરિણામ બની રહેશે, એવું એ ઉમેરે છે.

કેન્દ્ર સરકાર સામે દેખાવો

દિલ્હી સરકારના આઈએએસ અધિકારીઓના અસહકાર સામે કેજરીવાલનાં ધરણાં છે. દિલ્હીના નાયબ રાજ્યપાલના નિવાસ પર ધરણાં કરી રહેલા મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને એમના સાથી પ્રધાનોને કારણે સરકારી કામકાજ ઠપ રહ્યું. વળી, રવિવારે વડા પ્રધાનના નિવાસનો ઘેરાવ કરવા માટે આપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં મંડી હાઉસ પર એકઠા થયા હતા. પોલીસે એમને આગળ વધતાં અટકાવ્યા એટલું જ નહીં, પાંચેક મેટ્રો સ્ટેશનો પર રેલવેની અવરજવર પણ બંધ કરાયા છતાં હજારો દેખાવકારો ઉમટ્યા હતા. કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહેલા આ દેખાવકારોના ભેગા થવાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં એની દિલ્હી પોલીસ તકેદારી રાખી રહી છે. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો નથી એટલે દિલ્હી પોલીસ કેન્દ્ર સરકાર હસ્તક જ છે. ભાજપ વિપક્ષમાં હતો ત્યારે પૂર્ણ રાજ્યના દરજ્જાની માગણી કરતો હતો, પણ હવે એ વિશે મૌન છે.

વિપક્ષી એકતા વેરવિખેરના વ્યૂહ

વિપક્ષો બધા મળીને આગામી લોકસભાની વર્ષ ૨૦૧૯ની ચૂંટણી લડીને ભાજપ અને મિત્રપક્ષોને ઘરભેગા કરવાના સંકલ્પ તો કરે છે, પણ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી સ્થિતિ થઈ રહી છે. કેજરીવાલને અર્બન નક્સલવાદીગણાવવાની ઝુંબેશ પછી એમના પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા ખૈહરાના અટકચાળા થકી કેટલાક વિપક્ષો કેજરીવાલથી આઘા રહે એવું બને અથવા જે ચાર મુખ્ય પ્રધાનો કેજરીવાલને ટેકો આપી રહ્યાં છે એમની દેશભક્તિ પર આગામી ચૂંટણી સભાઓમાં સવાલો ખડા કરવામાં આવે.
દિલ્હી કૉંગ્રેસ રાજ્યના મુખ્ય પ્રધાન કેજરીવાલની ટીકા કરે છે એ વિશે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કૉંગ્રેસનાં સુપ્રીમો મમતા બેનરજીએ સવાલ ઊઠાવ્યા છે. સોશિયલ મીડિયાની આર્મી તો અત્યારથી એ બાબતમાં કામે વળી જ ગઈ છે. જોકે ભાજપના નેતૃત્વવાળા રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા (એનડીએ)ની વાડ ઠેકીને કૉંગ્રેસના વડપણવાળા સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સાથે જવા ઇચ્છુક પક્ષોના સાટામાં બીજા કેટલાક પક્ષો એનડીએ પ્રવેશ કરે એવું પણ બને. લોકસભાની આગામી મે ૨૦૧૯માં આવનારી ચૂંટણી પહેલાં તો ઘણા બધા નિવેદન-ખેલ અને પક્ષપલટાની કવાયતો જોવા મળશે.
ઈ-મેઈલ : haridesai@gmail.com                                      
(લખ્યા તારીખ: ૨૨ જૂન ૨૦૧૮)


No comments:

Post a Comment