Wednesday, 30 May 2018

The New Allotment system for the IAS Cadres opens Pandora’s Box


Dr.Hari Desai’s weekly column in Gujarat Samachar (London), Gujarat Guardian (Surat), Sardar Gurjari (Anand), Sanj Samachar (Rajkot), Hamlog (Patan) and Gandhinagar Samachar (Gandhinagar).You may read the full text here  and comment.

ભારતીય સનદી સેવામાં કૅડર ફાળવણીમાં વીંછીનો દાબડો ખોલાયો : ડૉ.હરિ દેસાઈ
·         સત્તર વર્ષ પહેલાંના અલઘ સમિતિના અહેવાલની ભલામણોને અમલમાં લાવવા પીએમઓની ઉતાવળ
·         પ્રત્યેક સુધારાનો વિરોધ થતો હોય છે એટલે વિરોધ સામે ઝૂકી જવાને બદલે યોગ્ય સુધારા કરવા જોઈએ
·         ભારતીય સનદી સેવાના સંસ્થાપક સરદાર પટેલને અભિપ્રેત બ્યૂરોક્રસી ખરા અર્થમાં દેશની કસ્ટોડિયન હતી 
·         આઝાદીનાં પ્રારંભિક વર્ષોમાં ૩,૦૦૦ જેટલા  આઇએએસ સેવામાં હતા, હવે ૬,૦૦૦થી વધુ સંખ્યા થઇ  છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કંઈક નવું કરવાની ધગશ કાયમ રહે છે : કેન્દ્રના મંત્રી અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી(જેએનયુ)ના કુલપતિ રહેલા પ્રાધ્યાપક યોગીન્દર કે.અલઘના વડપણ હેઠળ બે દાયકા પહેલાં એક  સમિતિ ભારતીય સનદી સેવા(આઇએએસ) માટેની પરીક્ષાઓની સમીક્ષા કરવા માટે નિયુક્ત કરાઈ  હતી.  છેક  ઑક્ટોબર ૨૦૦૧માં જેનો અહેવાલ સુપરત કર્યો હતો, એ અલઘ સમિતિના  અહેવાલ પરથી ધૂળ ઉડાડવાનું કામ વડા પ્રધાન કાર્યાલયે હમણાં કર્યું. ૧૭ મે ૨૦૧૮ના રોજ  ભારતીય ઉચ્ચ અધિકારીઓ વિષયક જવાબદારી સંભાળતા મંત્રાલય (ડીઓપીટી)ના સંયુક્ત સચિવ વિજય કુમાર સિંહે  વિવિધ મંત્રાલયોને લખ્યું કે અત્યારે જે રીતે સનદી સેવામાં  કૅડરની ફાળવણી કરવામાં આવે છે,એની પદ્ધતિ બદલીને આઇએએસમાં પસંદ થયેલા ઉમેદવારોને તાલીમી અભ્યાસક્રમ(ફાઉન્ડેશન કોર્સ) પૂરો કરે અને એમાં તેમની આવડતને આધારે અખિલ ભારતીય સેવાઓમાં સંબંધિત અધિકારીઓની ફાળવણી આ વર્ષથી જ કરવાની ઈચ્છાને ચકાસી જોવી.અત્યારે અખિલ ભારતીય સનદી સેવાઓમાં ક્રમ અનુસાર કૅડરની ફાળવણી કરવાની પરંપરા છે. છેક ૧૯૪૬માં સરદાર વલ્લભભાઈ પટેલે સ્વતંત્ર ભારત માટે અંગ્રેજ શાસનકાળ દરમિયાનની આઈસીએસ અને આઈપી જેવી આઇએએસ(ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ)  અને આઈપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ) સહિતની દેશી સનદી સેવાઓ શરૂ કરવાનું બીડું ઝડપ્યું ત્યારથી કૅડરની ફાળવણી અને રાજ્યોની ફાળવણીની પ્રથા રેન્ક અનુસારની રહી છે.
બ્રિટિશ શાસન અને સ્વશાસનમાં સનદી સેવા
બ્રિટિશયુગની સનદી સેવાની તુલનામાં સ્વતંત્રતા પછીની ભારતની સનદી સેવાઓ અગાઉના લાટ સાહેબોના વ્યવહારને બદલે પ્રજાની સુખાકારીના રાષ્ટ્રીય ખ્યાલને કેન્દ્રમાં રાખીને કામ કરે, એવું ભારતીય સનદી સેવાના જનક સરદાર પટેલને અભિપ્રેત હતું.અનુભવ જરા નોખો રહ્યો.ગોરા સાહેબો ગયા અને બ્રાઉન સાહેબો આવ્યા,એવી અનુભૂતિ સાથે જ રાજનેતાઓના ઈશારે દેશ હિતના આ કસ્ટોડિયન સ્વની સેવામાં વધુ રમમાણ રહેવા માંડ્યા એટલે વિવિધ તબક્કે ભારત સરકાર અને સંઘ લોકસેવા આયોગ (યુપીએસસી) થકી વિવિધ હેતુ માટે કોઠારી સમિતિ,સતીશ ચંદ્ર સમિતિ,વાય.કે.અલઘ સમિતિ,આનંદકૃષ્ણન સમિતિ,ભટ્ટાચાર્ય સમિતિ,એસ.કે.ખન્ના સમિતિ,નિગવેકર સમિતિ,પુરુષોત્તમ અગ્રવાલ સમિતિ અને બસ્વાન સમિતિની નિમણૂકો કરવામાં આવી હતી.જોકે આ સમિતિઓના અહેવાલોની ભલામણોને અમલમાં લાવવાની બાબતમાં કેન્દ્ર સરકાર કાયમ ગોકળગાયની ગતિએ આગળ વધતી રહી છે. સમયાંતરે તમામ સરકારો થકી દુનિયાભરમાં આવેલાં પરિવર્તનોને અનુરૂપ સનદી સેવામાં જોડાયેલા અધિકારીઓને તાલીમ આપવા અને તાજા ઘટનાક્રમથી વાકેફ રાખવા માટે સતત પ્રયત્નો થતા રહ્યા છે.ભારતીય સનદી સેવાના અધિકારીઓને મસૂરી કે હૈદરાબાદ જ નહીં,દેશની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ્સ ઑફ મૅનેજમેન્ટ(આઇઆઇએમ) તથા વિદેશોની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ અને તાલીમ માટે મોકલાતા રહ્યા છે. હવે જમાનો સ્પેશિયલાઈઝેશનનો હોવાથી તથા કેટલાક કિસ્સાઓમાં સનદી અધિકારીઓએ આત્મહત્યાઓ કરી હોવાના કિસ્સા ધ્યાને આવતાં અલઘ સમિતિએ આ બંને બાબતોને ધ્યાને લઈને ઑગસ્ટ ૨૦૦૦થી સપ્ટેમ્બર ૨૦૦૧ સુધી ભારે જહેમત ઊઠાવીને ઑક્ટોબર ૨૦૦૧માં રજૂ કરેલા ૨૬૭ પાનાંના અહેવાલમાં કેટલીક ભલામણો કરીને કૅડર ફાળવણી બાબત નવી પદ્ધતિ સૂચવી હતી.એમાં ફાઉન્ડેશન કોર્સ દરમિયાન સંબંધિત અધિકારીના રસ અને  વલણ અંગે એની સમીક્ષા કરીને એની યોગ્યતા મુજબની કૅડર તેમને ફાળવવામાં આવવાની બાબત સૂચવાઈ હતી.
જૂના- નવા સનદી અધિકારીઓના મિશ્ર પ્રતિભાવ
હજુ તો વડા પ્રધાન કાર્યાલયના રાજ્ય પ્રધાન ડૉ.જીતેન્દ્ર સિંહના વિભાગે સંબંધિત ભલામણને ચકાસી જોવાનો પત્ર બધા મંત્રાલયોને પાઠવ્યાને સપ્તાહ પણ નહોતું થયું,ત્યાં કાગારોળ મચી કે આ તો કમિટેડ બ્યૂરોક્રસી તૈયાર કરવાની મોદી સરકારની મંશા દર્શાવે છે.ઘણા નિવૃત્ત સનદી અધિકારીઓએ તો ખુલ્લો વિરોધ કર્યો,કેટલાકે દબાયેલા સ્વરે. કેન્દ્ર સરકારની જરૂરિયાત મુજબની જગ્યાઓ માટે, કટ-ઑફ માર્કની ઉપર આવનારા લિખિત મેઈન્સ પરીક્ષા અને મૌખિક ઇન્ટર્વ્યૂમાં સફળ રહેલાઓમાંથી,અનામત શ્રેણીની ગણતરી કરીને, સામાન્ય રીતે રેન્કમાં સૌથી ઉપલા ક્રમે આવે એ સફળ ઉમેદવારોને આઇએએસમાં સામેલ કરાય છે અને રાજ્યની ફાળવણી કરવામાં આવે છે. કેટલાકને જે રાજ્યમાં એ સેવામાં ના જવું હોય તો એ પછીના ક્રમે આવતા આઈપીએસમાં જે તે રાજ્યમાં જવાની તક મળે છે. ૧૯૯૦ સુધી ટોચના સ્પર્ધકોને  વિદેશ સેવા (ઇન્ડિયન ફોરેન સર્વિસ)માં જવાની તકનું આકર્ષણ રહેતું. હવે આઇએએસ ટોચના ક્રમે છે.એ મળે, એ પછીના ક્રમે આવનારાઓને આઈપીએસ તથા કેન્દ્રીય સેવાઓમાં રેવન્યૂ સેવામાં કે ડિફેન્સ સેવામાં કે પછી વન સેવામાં તક મળે. નવી વ્યવસ્થામાં નીચલી રેન્કના અનુકૂળ કે અપનેવાલે ગણાતા અધિકારીઓને સારી કૅડર અપાવાની ધાસ્તી સેવાઈ રહી છે.કેટલાકે તો મોદી સરકારના આ પગલાને કહ્યાગરી બ્યૂરોક્રસી તૈયાર કરવા ભણીનું પગલું પણ ગણાવી દીધું.હજુ તો છાસ છાગોળે, ભેંસ ભાગોળે અને ઘરમાં ધમાધમ થઇ રહી છે.
અહેવાલના જનક અલઘને કશું ખોટું લાગતું નથી
કોલકાતા ખાતેની આઈઆઈએમમાં પ્રાધ્યાપક રહેલા અને જાણીતા અર્થશાસ્ત્રી તેમજ ગુજરાતના જમાઈ પ્રા.અલઘ સાથે અમે કેન્દ્ર સરકારના સનદી અધિકારીઓને ફાઉન્ડેશન કોર્સ પછી કૅડરની ફાળવણી કરવાના પગલા અંગે પૂછ્યું તો એમણે એને આવકાર આપ્યો.સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ ગુજરાતના ચાન્સેલર પ્રા.અલઘ કહે છે કે યુપીએસસીની પસંદગી યાદીમાં સમાવાયેલા સફળ ઉમેદવારોને એમની આવડત,રસનો વિષય કે પસંદગીના ક્ષેત્રમાં કામ કરવાની તક મળે એ રીતે એમનું પરીક્ષણ થાય તો એનાથી અંતે તો દેશની વહીવટી વ્યવસ્થાનું માળખું મજબૂત થશે.કેટલાક આઇએએસ કે અન્ય સેવાના અધિકારીઓના આત્મહત્યાના દાખલા આપણી સામે આવે છે.પોતાને નહીં ગમતા કે પોતાનાથી નહીં થતા કામને વેંઢારવા જતાં અમુક અધિકારીઓ આપઘાત કરે છે કે માનસિક દબાણ હેઠળ જીવે છે.મસૂરીની લાલબહાદૂર શાસ્ત્રી  નેશનલ ઍકેડૅમી ઓફ ઍડમિનિસ્ટ્રેશન  કે  હૈદ્રાબાદની સરદાર પટેલ નેશન પોલીસ ઍકેડૅમીમાં  ફાઉન્ડેશન કોર્સની ગુણવત્તા અને મનોવૈજ્ઞાનિક ચકાસણીને અંતે સફળ ઉમેદવારોને યોગ્યતાનુસાર કૅડરની ફાળવણી થાય,એ આવકાર્ય પગલું ગણાશે.અલઘ સમિતિના અહેવાલના દસમા પ્રકરણમાં સૂચવાયું છે કે આ સઘળી પ્રક્રિયા,અનામતની ટકાવારીની જાળવણી તથા જે તે વ્યક્તિના રસના વિષયમાં વધુ વિશદ તાલીમ તેમજ સંબંધિત કૅડરમાં રહીને જે તે ક્ષેત્રમાં કામ કરવાની વ્યાવસાયિક સૂઝ માટે યોગ્ય તાલીમ અપાય એવી વ્યવસ્થા રહે.એમનું કહેવું છે કે કોઈપણ સુધારા સામે પ્રારંભિક વિરોધ તો ઊઠવાનો,પણ એનો અર્થ એવો નથી કે સુધારા કરવાનો વિચાર માંડી વાળવામાં આવે.     
સનદી અધિકારીઓ ત્યારે અને અત્યારે
વર્ષ ૧૯૪૭માં ભારતને આઝાદી મળી. બ્રિટિશ શાસકો ઉચાળા ભરીને સ્વદેશ પાછા ફર્યા, એ પૂર્વે બ્રિટિશ ઇન્ડિયા એટલેકે અવિભાજ્ય ભારતનો વહીવટ કરવા માટે જેટલી સંખ્યામાં સનદી અધિકારીઓ હતા એની તુલનામાં આજે અનેકઘણા વધુ સનદી અધિકારીઓ એકલા ભારતમાં કેન્દ્ર અને રાજ્યોનો વહીવટ કરવા માટે છે.૧૯૪૭માં કુલ ૯૮૦ આઈસીએસ અધિકારીઓ સમગ્ર ભારતનો વહીવટ કરતા હતા.તેમાં ૪૬૮ યુરોપિયન, ૩૫૬ હિંદુ,૧૦૧ મુસ્લિમ, માત્ર બે દલિત વર્ગના, પાંચ સ્થાનિક યુરોપિયન અને એંગ્લો-ઇન્ડિયન, ૨૫ ભારતીય ખ્રિસ્તી,૧૩ પારસી, ૧૦ શીખ અને અન્ય સમાજના ચાર સનદી અધિકારી હતા.ડૉ.જીતેન્દ્ર સિંહે લોકસભામાં આપેલા ઉત્તર મુજબ, અત્યારે કુલ માન્ય કરાયેલી ૬,૩૯૬ જેટલી સનદી અધિકારીઓની જગ્યાઓમાંથી ૪,૯૨૬ આઇએએસ કાર્યરત છે.૧,૪૦૦ આઇએએસ અને ૯૦૦ આઈપીએસની તૂટ છે.જોકે સમગ્રદેશમાં આઝાદીથી અત્યાર લગી ડાયરેક્ટ રીક્રુટ અને પ્રમોટી બધા થઈને ૨૦,૦૦૦થી ૨૨,૦૦૦ આઇએએસ થયા હોવાનો અંદાજ ગુજરાતના ડાયરેક્ટ રીક્રુટ એવા રાજ્ય સરકારના  મુખ્ય સચિવ રહેલા પ્રવીણભાઈ લહેરી કહે છે.લહેરીએ અમારી સાથેની વાતમાં જણાવ્યું હતું કે આઝાદીનાં પ્રારંભિક વર્ષોમાં ૩,૦૦૦ થી ૩,૫૦૦ આઇએએસ સેવામાં હતા.આ આંકડો હવે ૬,૦૦૦ને આંબી ગયો છે.અગાઉ માત્ર અંગ્રેજીમાં જ સનદી સેવાની પરીક્ષા લેવાતી હતી,એ સમયાંતરે હવે તમામ રાજ્યોની ભાષામાં લેવાય છે.ડાયરેક્ટ રીક્રુટ અને પ્રમોટીનો રેશિયો ૬૦:૪૦નો હોવા છતાં સમયાંતરે પ્રમોટીનું સંખ્યાબળ વધતું જાય છે.
નિવૃત્ત મુખ્ય સચિવનું કહેવું છે કે ૧૯૯૦ સુધી તો સૌથી ટોચની રેન્ક મેળવનારા વિદેશ સેવામાં જવાનું પસંદ કરતા હતા,પણ હવે એ વલણ બદલાયું છે.સૌથી ટોચની રેન્ક્વાળા આઇએએસમાં જવાનું પસંદ કરે છે,એ પછી આઇપીએસ અને કેન્દ્રીય સેવાઓમાં જવાનું વલણ જોવા મળે છે.હવે લગભગ બધા જ સ્નાતકોને માટે સનદી સેવાનાં દ્વાર ખુલી ગયાં છે.દર વર્ષે ૧૦૦થી ૧૧૫ જણા આઇએએસ માટે, ૫થી ૧૦ જણા આઇએફએસ માટે અને ૬૦થી ૮૦ આઇપીએસ માટે પસંદગી પામે છે.આ સિવાયની કેન્દ્રીય સેવામાં દર વર્ષે ૯૦૦ જણ જોડાય છે.દર વર્ષે ૨૧ એપ્રિલને સનદી સેવા દિવસ તરીકે મનાવવામાં આવે છે.ભારતીય સનદી સેવાના સંસ્થાપક અને ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન રહેલા સરદાર પટેલે સનદી અધિકારીઓને દેશના હિતના સાચા સંરક્ષક કહીને બંધારણીય સુરક્ષાકવચ પ્રદાન કરાવ્યું હતું.સનદી અધિકારીઓએ સરદારને અભિપ્રેત તેમની ભૂમિકા વિશે આત્મનિરીક્ષણ કરવાનો સમય આવી ગયો છે.
ઈ-મેઈલ: haridesai@gmail.com                                   
(sHD-IAS-AlaghReport23-5-2018)

No comments:

Post a Comment