Dr. Hari Desai’s Weekly Column in Gujarat
Samachar (London), Sanj Samachar (Rajkot), Gandhinagar Samachar (Gandhinagar), Sardar
Gurjari (Anand), Gujarat Guardian (Surat), Hamlog (Patan) and other Dailies. You
may read the full text here and comment.
સાંસદો અને ધારાસભ્યો દલા તરવાડીનો ન્યાય તોળે છે : ડૉ. હરિ
દેસાઈ
·
જનસેવા
કરવા માટે પણ પગાર-ભથ્થાં લેવાની પરંપરા ગાંધીજી - સરદાર પટેલનું નામ લેનારાઓને
પસંદ
·
નેહરુ-સરદારનો
પગાર મહિને ૩૦૦૦ હતો; ૩૫૦નો સ્વૈચ્છિકકાપ સ્વીકારતા, મોદી ૧.૬ લાખનો પગાર લે છે
·
ગુજરાતના ધારાસભ્યોને
લગભગ મહિને ૬૮ હજાર રૂપિયાનો પગાર તથા ભથ્થાં મળે છે,સવા લાખ ખપે છે
·
અમેરિકી
રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ વર્ષે ૪ લાખ ડોલરનો પગાર લઇ શકે પણ લે છે માત્ર એક ડોલર માનધન
ગુજરાત
વિધાનસભાના ધારાસભ્યોને સેવા સાટે મેવાની જોગવાઈમાં વધારો કરવા માટેનું વિધેયક સર્વાનુમતે
મંજૂર કરાવીને સરકારી અધિકારીઓની તુલનામાં મોટાં પે-પેકેજ માન્ય કરવાની તૈયારી
ચાલી રહી છે. ધારાસભ્ય થવા માટે શૈક્ષણિક લાયકાતની કોઈ જરૂર નથી. અભણ કે અંગૂઠા
છાપ વ્યક્તિને પણ રાજકીય પક્ષ ટિકિટ આપે કે અપક્ષ ચૂંટણી લડે અને એ વિધાનસભાની ચૂંટણી જીતી જાય તો એને કોઈ
આઈએએસ કે આઈપીએસ સમકક્ષ પગાર મળે. પોતાના મતવિસ્તારના વિકાસ માટે દર વર્ષે દોઢ
કરોડ રૂપિયાનો નિધિ એને ફાળવાય અને અબજોનાં બજેટ મંજૂર કરવાની સત્તા મળે. પાડોશી
દેશ પાકિસ્તાનમાં ધારાસભ્ય કે સાંસદ થવા માટે ઓછામાં ઓછું સ્નાતક (ગ્રેજ્યુએટ)
હોવું અનિવાર્ય છે,
પણ ભારતમાં આવો નિયમ નથી.
ગુનાખોરીના બેસુમાર ખટલા ચાલતા હોય છતાં ધારાસભ્ય અને સાંસદ જ નહીં, પ્રધાનમંડળના સભ્ય થઈ શકે છે.ભારતીય સંસદમાં બેસતા
મોટાભાગના સભ્યો કરોડપતિ હોવા છતાં પગાર અને ભથ્થાં પેટે પ્રજાના પરસેવાના સેંકડો
કરોડ રૂપિયા મેળવીને ય પ્રજાની સેવા કરવાની તેઓ મહેરબાની કરે છે !
અત્યારે
ગુજરાત વિધાનસભા વિવિધ કારણોસર ચર્ચામાં છે. મારામારીનાં દૃશ્યો, ગાળાગાળી, વિધાનસભ્યોના
ત્રણ-ત્રણ વર્ષ માટે સસ્પેન્શન તથા વિધાનસભાના અધ્યક્ષ વિરુદ્ધ વિપક્ષ તરફથી
અવિશ્વાસની દરખાસ્ત સહિતના મુદ્દા બજેટ સત્રમાં ખૂબ ગાજતા રહ્યા. વિધાનસભામાં ઠરેલ
અને પરિપક્વ રાજનેતાઓ સાથે બેસીને
સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ટકરાવને ઠારવાનું કામ કરવાને બદલે હવેનો માહોલ જરા
અશોભનીય બનવા માંડ્યો છે. બે હાથે જ તાળી પડે એવા સંજોગોમાં ગૃહની ગરિમા અને
સંસદીય લોકશાહી લજવાય એવા સંજોગો અને દૃશ્યો સતત જોવા મળે છે.જોકે ગૃહના સત્રના
છેલ્લા દિવસ પહેલાં ઘીના ઠામમાં ઘી પડ્યું રહ્યું અને રાજ્યની પ્રજા મૂરખ બની
હોવાનો અનુભવ થયો.વિપક્ષ અને સત્તા પક્ષ હોહા અને હાકલાદેકારા કરીને પ્રજાને માટે પોતે કંઈક કર્યું હોવાનો દેખાડો જરૂર કરે છે.
આ બધામાં
અપવાદરૂપ કહી શકાય એવી સર્વાનુમતિ દર વખત પગાર અને ભથ્થાંમાં વધારો કરવાની દરખાસ્ત
સાથેના વિધેયક સુધારાને મંજૂરી આપવામાં જોવા મળે છે. અત્યારે ધારાસભ્યોને મહિને
લગભગ ૬૮ હજાર રૂપિયાનો પગાર તથા ભથ્થાં મળે છે. સેવાકાર્ય માટે અધિકારી સમકક્ષ
પગાર અને ભથ્થાં માંગવામાં ધારાસભ્યોને શરમ કે સંકોચ નથી અનુભવાતી એ ગાંધીજી અને
સરદારના ગુજરાતની વિશેષતા છે. અગાઉ બે ધારાસભ્યો પગાર કે ભથ્થાં લેતા નહોતા. આ
વખતે એ બંને ગૃહમાં નથી. જૂનાગઢના ભાજપી ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ અને સિદ્ધપુરના
કોંગ્રેસી (હવે ભાજપી વાઘા ચડાવનારા) ધારાસભ્ય રહેલા બળવંતસિંહ રાજપૂત પગાર અને
ભથ્થાં લેતા નહોતા. એમાં વધારાની દરખાસ્તનો ય મશરૂ તો વિરોધ પણ કરતા હતા.
બળવંતસિંહ
તો અબજોપતિ છે અને ભારતીય લશ્કરને ખાદ્યતેલ પૂરું પાડવાનો મસમોટો કરાર એમને મળતો
રહ્યો છે. જૂનાગઢના મશરૂ જિલ્લા પંચાયતના કર્મચારી તરીકે પગાર લેતા રહ્યા હોવાથી
ધારાસભ્ય તરીકેનો પગાર નહોતા લેતા, પણ અન્ય ધારાસભ્યોની સાહ્યબીથી વિપરીત એ બસમાં મુસાફરી કરતા
હતા. લોકસભામાં પણ સાંસદોના પગાર અને ભથ્થાંમાં વધારાની દરખાસ્તો સર્વાનુમતે મંજૂર
થાય છે એટલું જ નહીં,
નિવૃત્ત સાંસદોને પેન્શન પણ
મળે છે.સમગ્ર દેશમાં ધારાસભ્યોને નિવૃત્ત થયા પછી પેન્શન મળે છે, પણ ગુજરાતમાં કેશુભાઈ પટેલની ભાજપી સરકાર વખતે એ માટેની દરખાસ્ત
આવી ત્યારે સર્વોદયી આગેવાન ચુનીભાઈ વૈદ્ય અને બીજા ઉપવાસ ઉપર બેઠા એટલે એ બાબત
લટકી ગઈ. જોકે,
કાલ ઊઠીને એ નહીં આવે એવું
નથી..
હમણાં
ભારતમાં ત્રીજા મોરચાની રચના માટે મેદાને પડેલા નવરચિત તેલંગણ રાજ્યના મુખ્ય
પ્રધાન કે. ચંદ્રશેખર રાવે તો ૨૦૧૪માં રાજ્ય સરકારનાં સૂત્રો સંભાળતાની સાથે જ
ધારાસભ્યોને ન્યાલ કરી દેવા મહિને અઢી લાખ રૂપિયાનો પગાર અને ભથ્થાં ચુકવવાનું
નક્કી કરાવી લીધું હતું. એવું જ કાંઈક દિલ્હીના આમ આદમી મુખ્ય પ્રધાન અરવિંદ
કેજરીવાલે પણ કર્યું અને મહિને ૨.૧૦ લાખ રૂપિયાનો પગાર ધારાસભ્યો માટે કરાવી દીધો.
જનસેવા કરવા માટે પણ પગાર અને ભથ્થાં લેવાની પરંપરા ગાંધીજી અને સરદાર પટેલનું નામ
લેનારા રાજનેતાઓ પસંદ કરે છે. ભારતમાં ૨૦૧૧ સુધી સૌથી ઓછો પગાર અને ભથ્થાં લેવાતાં
હોય એવા ધારાસભ્યો ઓડિશામાં હતા.ઓડિશામાં મહિને ૨૧૯૫૦ રૂપિયાનો પગાર અને ભથ્થાં હતાં,પણ
સપ્ટેમ્બર ૨૦૧૭માં એમનો પગાર અને ભથ્થાં વધીને ૧ લાખ રૂપિયાના આંકડાને આંબી ગયાં
છે.અન્ય રાજ્યોમાં ૪૦ હજાર રૂપિયાથી લઈને ૧.૮૭ લાખ રૂપિયાનો પગાર અને ભથ્થાં
ઉપરાંત તબીબી સેવા તથા પ્રવાસ માટેની સુવિધાઓ તો છોગામાં. ગુજરાતમાં ધારાસભ્યોએ
મહિને ૧.૨૫ લાખ રૂપિયા જેટલી પગાર અને ભથ્થાંની રકમ કરવાની દરખાસ્ત મુખ્ય પ્રધાન
વિજય રૂપાણીને આપી છે. દલા તરવાડીના ન્યાયે ‘લઉં રીંગણાં બે ચાર’ જેવો પ્રશ્ન પૂછીને ‘લે ને દસ-બાર’નો ઉત્તર વાળવા માટે ધારાસભ્યો સજ્જ બેઠા છે. ઉપરાંત એમના
વિસ્તારના વિકાસ માટે દર વર્ષે દોઢ કરોડ રૂ. જેટલી રકમ ફાળવાય છે.દેશના મુખ્ય
મંત્રીઓના પગારમાંય તેલંગણનો વિક્રમ છે.તેમને મહિને ૪.૧૦ લાખ રૂપિયાનો પગાર મળે છે,જયારે ગુજરાતના મુખ્ય
મંત્રીનો રૂપિયા ૩ લાખ ૨૧ હજાર છે.દિલ્હીના મુખ્ય મંત્રી મહિને રૂપિયા ૩.૯૦ લાખનો
પગાર લઇ પ્રજાની સેવા કરે છે.
અમેરિકાના
રાષ્ટ્રપ્રમુખ ૪ લાખ ડોલરનો પગાર લઇ શકે પણ તે માત્ર ૧ ડોલર પગાર લે છે
છે.કેનેડાના વડા પ્રધાન ૧.૭૦ લાખ ડોલરનો વાર્ષિક પગાર લે છે.એની તુલનામાં તો
ભારતીય વડા પ્રધાન માંડ ૨૦ થી ૨૨ લાખ રૂપિયાનો વર્ષે પગાર લેતા હોવાનો અંદાજ છે.વડા
પ્રધાન નરેન્દ્ર મોદીનો પગાર મહિને રૂપિયા ૧.૬૫ લાખ વત્તા ભથ્થાં છે. રાષ્ટ્રપતિને
મહિને રૂપિયા ૫ લાખ વત્તા ભથ્થાં, ઉપરાષ્ટ્રપતિને મહિને ૪ લાખ વત્તા
ભથ્થાં,રાજ્યપાલોને ૩.૫ લાખ તથા મુખ્ય ન્યાયાધીશને ૨.૫ લાખ રૂપિયા વત્તા ભથ્થાં
મળે છે. પ્રત્યેક સાંસદને મહિને દોઢ લાખ રૂપિયા કરતાં વધુ ,પગાર મળે છે,પણ તેમની
પાછળ ખર્ચાતી કુલ રકમ મહિને ૨.૭ લાખ રૂપિયા અંદાજાય છે. પ્રત્યેક સાંસદને દર વર્ષે
પોતાના મતવિસ્તારના વિકાસ માટે પાંચ-પાંચ કરોડ રૂપિયા ફાળવાય છે. નિવૃત્ત સાંસદોને
મહિને ૨૦ હજાર રૂપિયાનું પેન્શન મળે. જેટલી વધુ મુદ્દત માટે એ સાંસદ રહ્યા હોય એ મુદત
દીઠ પંદરસો રૂપિયા વધુ પેન્શન મળે.અત્યારે
લોકસભા તથા રાજ્યસભાના સાંસદો પાછળ હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરનાર ભારત દેશના
મહાન નેતાઓ મહાત્મા ગાંધી,
જવાહરલાલ નેહરુ અને સરદાર
પટેલનું નામ લેવામાં આવે છે, પણ એમની
સાદગીને સાવ જ કોરાણે મૂકવામાં આવી છે. કરાંચીમાં કૉંગ્રેસનું અધિવેશન મળ્યું
ત્યારે કૉંગ્રેસની સરકારના પ્રધાનોએ ૫૦૦ રૂપિયા જેટલી રકમમાં મહિનો સુધી ચલાવવું
એવી સાદગીનો આગ્રહ મહાત્મા ગાંધીનો હતો. જોકે, સરદાર આ રકમ થોડીક વધારવાના આગ્રહી હતા.
એ વેળા તો
આઝાદીની ચળવળમાં સહભાગી મોટા ભાગના આગેવાનો બેરિસ્ટર હતા અને દેશને સમર્પિત હતા.
સરદાર પટેલ જ્યારે ગૃહ પ્રધાન અને નાયબ વડા પ્રધાન હતા ત્યારે પ્રધાનો સહિતના ઉચ્ચ
પગાર લેનારાઓ સ્વૈચ્છિક પગારકાપ સ્વીકારે એના આગ્રહી હતા. ભારત સરકારના અભિલેખાગાર
(નેશનલ આર્કાઈવ્ઝ ઓફ ઈન્ડિયા)ની ફાઈલોમાંથી અમને આ માહિતી સોંપડી હતી. ‘સ્વૈચ્છિક પગાર કાપ’નો સરદારનો આગ્રહ એમના અનુગામી સી. રાજગોપાલાચારીના સમયમાં એટલે કે ૪ જાન્યુઆરી ૧૯૫૧થી અમલી બન્યો. એ વેળા
રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદનો માસિક પગાર હતો રૂપિયા ૧૦,૦૦૦,
વડા પ્રધાન જવાહર લાલ
નેહરુનો ૩૦૦૦ રૂપિયા,
ડૉ.બાબાસાહેબ આંબેડકર, ક.મા. મુનશી, રાજાજી સહિતના પ્રધાનોનો મહિને ૩૦૦૦ રૂપિયા હતો. રાજ્યોના
રાજ્યપાલોના પગાર રૂપિયા ૫૫૦૦ અને મુખ્ય પ્રધાનોનો રૂ. ૧૫૦૦ હતો. દેશના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ એમ. જે. કણિયાનો રૂપિયા ૭૦૦૦
હતો.સ્વૈચ્છિક પગારકાપમાં સહભાગી થયેલા રાષ્ટ્રપતિ, રાજ્યપાલો, વડા
પ્રધાન,
પ્રધાન, મુખ્ય પ્રધાન તથા ન્યાયાધીશોમાં કેટલાક એવા પણ હતા કે જેમણે
સ્વૈચ્છિક કાપ માટે સંમતિ નહોતી આપી. એકંદરે ૧૦ ટકા જેટલો પગારકાપ સ્વેચ્છાએ
સ્વીકારનારાઓના પ્રતાપે રૂપિયા ૫,૦૫,૦૦૦ જેટલી રકમની વર્ષમાં બચત થયાનું ૮ જાન્યુઆરી ૧૯૫૨ની એ
વેળાના ગૃહ સચિવ એચ. વી. આર. આયંગારની નોંધમાં સ્પષ્ટ કરાયું હતું. જોકે, વર્તમાન સંજોગોમાં આવા સ્વૈચ્છિક પગાર કાપની તો કલ્પનાય
મુશ્કેલ છે.
નાયબ વડા
પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે ૨૭ નવેમ્બર ૧૯૪૯ના એક ગોપનીય પરિપત્રથી મહિને રૂપિયા
૩૦૦૦ કે તેથી વધુ પગાર મેળવનારાઓ માટે ૧ જાન્યુઆરી ૧૯૪૯થી ૧ માર્ચ ૧૯૫૨ દરમિયાન સ્વૈચ્છિક
પગારકાપ માટે સમગ્ર દેશનાં રાજ્યોને સૂચિત કર્યું હતું. જમ્મૂ-કાશ્મીરના તમામ
પ્રધાનોએ ૧૦ થી ૨૦ ટકાનો સ્વૈચ્છિક પગારકાપ સ્વીકાર્યો હતો. સરદાર અને એમના અનુગામી
રાજાજીના આગ્રહના અનુસંધાને દાખલારૂપ કેટલાક હોદ્દેદારોએ આ મુજબ સ્વૈચ્છિક પગારકાપ સ્વીકાર્યો
હતો:
ક્રમ
|
વ્યક્તિ
|
હોદ્દો
|
માસિક પગાર રૂ.
|
સ્વૈચ્છિક પગારકાપ રૂ.
(મહિને)
|
૧
|
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
|
રાષ્ટ્રપતિ
|
૧૦,૦૦૦
|
૧,૫૦૦
|
૨
|
જવાહરલાલ નેહરુ
|
વડા પ્રધાન
|
૩,૦૦૦
|
૪૫૦
|
૩
|
સરદાર પટેલ
|
નાયબ વડા પ્રધાન
|
૩,૦૦૦
|
૪૫૦
|
૪
|
ક.મા.મુનશી
|
કેન્દ્રીય પ્રધાન
|
૩,૦૦૦
|
૪૫૦
|
૫
|
ગોવિંદ વલ્લભ પંત
|
મુખ્યમંત્રી :ઉ.પ્ર.
|
૧,૫૦૦
|
૧૮૭.૮
|
૬
|
રામલખન
|
એમ એલ સી :ઉ.પ્ર.
|
૨૦૦
|
૩૦
|
૭
|
મહારાજા કૃષ્ણકુમાર સિંહ
|
રાજ્યપાલ :મદ્રાસ
|
૫૫૦૦
|
૮૨૫
|
૮
|
રાજા સર મહારાજ સિંહ
|
રાજ્યપાલ :મુંબઈ
|
૫૫૦૦
|
૧૧૦૦
|
૯
|
જામસાહેબ દિગ્વિજયસિંહ
|
રાજપ્રમુખ :સૌરાષ્ટ્ર
|
૬,૧૬,૦૦૦ (વર્ષે)
|
૭૭૦
|
૧૦
|
મહારાજા મયૂરધ્વજ સિંહ
|
કા. રાજપ્રમુખ : સૌરાષ્ટ્ર
|
૫૫૦૦
|
૭૭૦
|
૧૧
|
હોમી પી.મોદી
|
રાજ્યપાલ :ઉ.પ્ર.
|
૫૫૦૦
|
૮૨૫
|
૧૨
|
કે.એન.કાત્જૂ
|
રાજ્યપાલ :પ.બંગાળ
|
૫૫૦૦
|
૮૨૫
|
૧૩
|
એમ.સી.ચાગલા
|
મુખ્ય ન્યાયાધીશ:મુંબઈ
|
૫૦૦૦
|
૭૫૦
|
૧૪
|
ડી.જે.વ્યાસ,આઈસીએસ
|
ન્યાયાધીશ
|
૩૫૦૦
|
-
|
૧૫
|
પી.વી.રાજા મન્નાર
|
મુખ્ય ન્યાયાધીશ:મદ્રાસ
|
૫૦૦૦
|
૭૫૦
|
માહિતી
સ્રોત : ગૃહ મંત્રાલય ફાઈલ : ૧૦૫/૫૧ રાષ્ટ્રીય અભિલેખાગાર, નવી દિલ્હી.
No comments:
Post a Comment