Wednesday 14 March 2018

Camel Milk and its extra ordinary Medicinal Value




Dr. Hari Desai’s Weekly Column in Gujarat Samachar (London), Sanj Samachar (Rajkot), Sardar Gurjari (Anand),  Gujarat Guardian (Surat), Gandhinagar Samachar (Gandhinagar) and other Dailies. To read the full text, visit the blog haridesai.blogspot.com and do comment.
કચ્છથી પંજાબ લગી ઊંટણીના દૂધના ઔષધ ભણી દોટ
ડૉ. હરિ દેસાઈ

·         કચ્છના રાજવીઓની તંદુરસ્તી અને દીર્ઘાયુનું રહસ્ય તેમના થકી કરાતું કૅમલ-મિલ્કનું સેવન
·         આવતા દિવસોમાં ઊંટણીના દૂધનાં ઉત્પાદનો જેવાં કે આઈસ્ક્રીમ અને ચૉકલેટ ભણી લોકોની દોટ
·         સરહદ ડેરી અમૂલના કચ્છ પ્લાન્ટ થકી ૫૦૦ મિ.લી.ની બૉટલમાં ઊંટણીનું દૂધ વેચાણમાં મૂકશે   
·         ગાય-ભેંસના દૂધના લીટરના ૩૫-૪૦ રૂપિયા મળે છે, જયારે ઊંટણીના દૂધના બાવન રૂપિયા

પંજાબની વિધાનસભાની ચૂંટણી પૂર્વે ઊડતા પંજાબની બોલબાલા હતી. ઊડતા પંજાબફિલ્મમાં પંજાબી યુવકોમાં નશાખોરીનું પ્રમાણ વધ્યાની વાત પર ભાર મૂકાયો હતો. હવે પંજાબનાં બાળકોમાં વિવિધ કારણોસર ઑટિઝમની બીમારી ચિંતાજનક સ્થિતિએ પહોંચ્યાની ચર્ચા મીડિયા અને વૈજ્ઞાનિકોમાં થઈ રહી છે. પંજાબના માળવા વિસ્તારમાં રેડિયેશન અને ભારે મૅટલની આડઅસર થતાં બાળકોમાં ઑટિઝમનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યાના અહેવાલો મળી રહ્યા છે. બાળકોમાં આવી અસર થકી એમના માનસિક સંતુલનને બગાડવામાં આવી રહ્યું છે. આવાં બાળકો માટે ઊંટણીનું દૂધ અકસીર ઈલાજ તરીકે કામ કરતું હોવાનું બિકાનેર ખાતેના ઊંટ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકો તથા બાબા ફરીદ સૅન્ટર ફૉર સ્પેશિયલ ચિલ્ડ્રનના નિષ્ણાતો જણાવે છે.

વાત ઊંટણીના દૂધની નીકળે એટલે સ્વાભાવિક રીતે કચ્છનું સ્મરણ થાય. કચ્છમાં હમણાં ઊંટણીના દૂધની માંગ અને એની આવકમાં વધારો જોવા મળતાં સામાન્ય રીતે ઊંટની માવજતના ધંધામાં જે પરિવારો છે એમની જીવનપદ્ધતિમાં પરિવર્તન આવ્યાનું કચ્છની બાબતોના નિષ્ણાત કીર્તિ ખત્રી કહે છે. કિર્તીભાઈએ બે બાબતો ભણી અમારું ધ્યાન ખેંચ્યું. કેટલાક યુવકો અન્યત્ર પટાવાળાની નોકરી કરવા જતા હતા. હવે તેઓ ઊંટની માવજત કરવા ભણી વળ્યા છે. વળી, ભચાઉમાં ઊંટના માલધારીઓ થકી તાજેતરમાં જ ચેરિયા (મૅનગ્રોવ્ઝ) બચાવવા માટે આંદોલન કરવામાં આવ્યું.’  સાથે જ કચ્છના જાણકાર અને મા ન્યૂઝના સંચાલક જયમલસિંહ જાડેજાએ તો નવી વાત પર પ્રકાશ ફેંક્યોઃ કચ્છના રાજવીઓ ઊંટણીના દૂધનું ઔષધ તરીકે સેવન કરતા રહ્યા હોવાથી તંદુરસ્ત રહ્યા અને દીર્ઘાયુ પણ સાબિત થયા હતા.કચ્છના ધોરડોના સફેદ રણના હોડકોમાં ઊંટની બજાર ભરાય છે. કચ્છમાં ઊંટના દૂધમાંથી વિવિધ ઉત્પાદનો તૈયાર કરી વેચાણમાં મૂકવા માર્ગદર્શક બનવા ભણી “સહજીવન” જેવી  કેટલીક સ્વયંસેવી સંસ્થાઓ પણ સક્રિય બની છે. આવતા દિવસોમાં ઊંટણીના દૂધનાં ઉત્પાદનો જેવાં કે આઈસ્ક્રીમ અને ચૉકલેટ ભણી લોકો દોટ મૂકશે. 

અમૂલના એમડી આર.ઍસ.સોઢી સક્રિય

ઊંટણીના દૂધના વેચાણ માટે ગુજરાત રાજ્ય સહકારી દૂધ ઉત્પાદક સંઘોના મહાસંઘ (ફૅડરેશન અમૂલ) થકી સવિશેષ સક્રિયતા દાખવવામાં આવી છે. ફૅડરેશનના મૅનેજિંગ ડિરેકટર આર. ઍસ. સોઢી અમૂલ દૂધની આઉટલેટ્સમાં જ ઊંટણીનું દૂધ ઉપલબ્ધ કરાવવાના પક્ષધર છે.  અત્યારે ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનો સેલ્સ ટર્નઓવર ધરાવતા મિલ્ક માર્કેટિંગ ફૅડરેશન સાથે રાજ્યની કચ્છ સહિત ૧૮ જિલ્લાની ડેરીઓના દૂધ ઉત્પાદક સહકારી સંઘ જોડાયેલા છે. તેનાં ઉત્પાદનો અમૂલકે સાગરના બ્રાન્ડ નેઈમથી વેચાય છે.  કચ્છમાં ઊંટણીના દૂધ માટે પ્લાન્ટ નાંખવામાં થોડો વિલંબ થઈ રહ્યાનું કહેતાં સોઢી ઉમેરે છે કે અત્યારે ઊંટણીનું જેટલું દૂધ ઉપલબ્ધ થાય છે એનો પાઉડર બનાવીને તેની ચૉકલેટ તો બનાવાય છે. જો કે સોઢી સ્વીકારે છે કે ઊંટણીનું દૂધ ઔષધિવર્ધક હોવાથી એ દિશામાં ફૅડરેશન વધુ ધ્યાન આપવા માંગે છે. સરકારે ત્રણ કરોડ રૂપિયાની ફાળવી ઊંટણીના દૂધનો પ્લાન્ટ નાંખવાની દિશામાં સક્રિયતા આણી છે.સરહદ ડેરીના માધ્યમથી અમૂલના કચ્છ પ્લાન્ટ થકી ૫૦૦ મિ.લી.ની બૉટલમાં ઊંટણીનું દૂધ વેચાણ માટે મૂકવામાં આવશે. કચ્છમાં સહકારી ડેરી ઉપરાંત દિલ્હીની ખાનગી ડેરી પણ ઊંટણીના દૂધના એકત્રીકરણ અને ઉત્પાદનો બનાવવામાં સક્રિય બની છે.

બિકાનેરના ઊંટ સંશોધન કેન્દ્રનું યોગદાન

ઊંટણીના દૂધની ઈલાજમાં અસરકારકતા સાબિત થતાં બિકાનેરમાં ભારત સરકારના ઊંટ સંશોધન કેન્દ્રના નિયામક ડૉ. એન.વી. પાટીલ તો શહેરોમાં એની ઉપલબ્ધતા રહે એ માટે પ્રયત્નશીલ છે. સાથે જ ઊંટ રાખનાર પશુપાલકોમાં પણ જાગૃતિના કાર્યક્રમો યોજતા રહે છે. ઊંટણીનું દૂધ માત્ર બાળકોમાં જોવા મળતા ઑટિઝમમાં જ નહીં, મધુમેહ (ડાયાબિટિસ) જેવા રોગોના દર્દીઓ માટે પણ અકસીર સાબિત થઈ રહ્યું છે. પંજાબમાં ફરીદકોટ, ભટિંડા અને અંબાલામાં બિકાનેરથી ઊંટણીનું દૂધ મંગાવીને ઑટિસ્ટિક બાળકો પર નિષ્ણાતોના માર્ગદર્શનમાં પરીક્ષણો થઈ રહ્યાં છે. આવાં પરીક્ષણોને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. વળી સાઉદી અરેબિયામાં ઊંટણીના દૂધ પર થયેલા અભ્યાસો અન્ય દેશોમાં ઑટિઝમની અસર હેઠળનાં બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. ડૉ.પાટીલ તો જણાવે છે કે ઊંટણીના દૂધનું સેવન કરનારને કાલા-આઝાર(લેસમેનિયાસીસ), ડ્રોપ્સી, કમળો(જૉન્ડિસ),અસ્થમા,કેન્સર, લોહીના ઊંચા દબાણ (હાઇપર ટૅન્શન), કિડનીના રોગો સહિતનાં દર્દોમાં રાહત મળે છે.

વિવિધ દેશોમાંથી બાળકોની ચિકિત્સા

બાળકોમાં ઑટિઝમનાં લક્ષણો વિશે ખેરાળુના  નિષ્ણાત તબીબ ડૉ. હર્ષદભાઈ વૈદ્ય જણાવે છે કે  આવાં બાળકોને અભિવ્યક્તિમાં શબ્દો ખોવાઈ જતા હોય એવું અનુભવાય. એમનાં વર્તન પર એની અસર થાય છે. વડોદરાનાં ડૉ. હીના ગાલા ઑટિઝમ વિશે વધુ વિગત આપતાં કહે છે કે સામાન્ય રીતે બાળક બે વર્ષનું થાય ત્યારે એની અસર જોવા મળે છે. એ કોઈ સાથે હળેમળે નહીં. પોતાના  આગવા વિશ્વમાં રાચે. કોઈની સાથે આંખ મિલાવે નહીં. બીજાઓનો સ્પર્શ એને પસંદ ના પડે. કોઈ બોલાવે તો પ્રતિભાવ આપે નહીં. બોલવાનું મોડેથી શીખે. બીજા બોલે એનું અનુસરણ કરવાની કોશિશ કરે. ક્યારેક હાઇપર-ઍક્ટિવ હોય. શીખવા બાબત એ મુશ્કેલી અનુભવે. આવાં કેટલાંક બાળકોનાં મા-બાપ બિકાનેરના ઊંટ સંશોધન કેન્દ્રના કાર્યક્રમોમાં ઑટિઝમના ઉપચાર માટે આવેલાં નોંધાય છે. વિદેશથી પણ આવાં બાળકોને તેમનાં મા-બાપ લઈ આવે છે. એમના પર અગાઉ ઉપચાર થયા હોવા છતાં એ સફળ રહ્યા નહીં હોવાથી ઊંટણીના દૂધના ઉપચાર પર રાખવામાં આવતાં એની સકારાત્મક અસરો જોવા મળતી હોવાનો દાવો ભારત સરકારના બિકાનેર કેન્દ્રના નિષ્ણાત વૈઞ્જાનિકો કરે છે. જોકે હજુ માંગના પ્રમાણમાં દૂધની ઉપલબ્ધતા નહીં હોવાથી જનજાગૃતિના પ્રયોગો હાથ ધરાઈ રહ્યા છે. લોકો ઊંટ પાળવા ભણી વળી રહ્યા છે.

કચ્છમાં ખારાઈ ઊંટને બચાવી લેવાશે

ઊંટ સહિતનાં જે પ્રાણીઓની જાતિ-પ્રજાતિ લુપ્ત થઇ રહી છે એમને બચાવી લેવામાં સક્રિય એવી ભૂજની “સહજીવન” સંસ્થા સાથે સંકળાયેલા નિષ્ણાત રમેશ ભટ્ટી અમારી સાથેની વાતચીતમાં જણાવે છે કે દેશમાં અંદાજે ૪.૫ લાખ જેટલાં ઊંટ હશે અને એકલા કચ્છમાં ૧૦,૦૦૦ હોવાનો અંદાજ છે. મૂળ આફ્રિકા અને મધ્ય-પૂર્વના દેશોમાંથી ઊંટ આવ્યાનું મનાય છે. કચ્છના ખાડી પ્રદેશ કે દરિયામાં તરી શકે તેવાં ખારાઈ ઊંટની પ્રજાતિને બચાવી લેવાના વિશેષ પ્રયાસો  જરૂરી છે.ફકીરાણી જત સમાજના લોકો આવાં ઊંટને રાખે છે અને એ દરિયાના ખારા પાટમાં થતી વનસ્પતિ પર નિર્ભર રહે છે.દેશમાં કુલ  નવ જાતનાં ઊંટ જોવા મળે છે :  કચ્છી ઊંટ,ખારાઈ ઊંટ,બિકાનેરી ઊંટ,મારવાડી ઊંટ,બે ખૂંધવાળાં ઊંટ વગેરે. સામાન્ય રીતે મહારાષ્ટ્રની ઉત્તરે જ ઊંટ જોવા મળે છે.બે ખૂંધવાળાં તો માત્ર ચીન, માંગોલિયા અને ભારતના લડાખ જેવા ઠંડા પ્રદેશમાં જ મળે છે.

કચ્છમાં સરકાર અને સ્વયંસેવી સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી ઊંટ જાળવણી અને આરોગ્ય વિષયક જાગૃતિ આવી છે. ત્રણ-ચાર વર્ષ પહેલાં માત્ર ૧૦ કે ૧૨ હજાર રૂપિયામાં મળતી ઊંટણી હવે ૩૦ હજાર રૂપિયામાં મળે છે, એવું રમેશભાઈ કહે છે. ઊંટણી ત્રણ-ચાર વર્ષની થાય એટલે એ ગાભણ(ગર્ભ ધારણ કરે) થાય.એનું આયુષ્ય ૨૫ થી ૩૦ વર્ષનું મનાય છે.દર બે વર્ષે એ બોતડાને જન્મ આપે,પણ દૂધ તો સતત આપ્યા કરે.સામાન્ય રીતે વીયાય પછી વરસ સુધી એ રોજના ૬ લીટર દૂધ આપે.વરસ પછી એ ગાભણ થાય પછી ૧૧ મહિના ૧૧ દિવસે એ બોતડાને જન્મ આપે.જીવનકાળમાં એ ૧૨થી ૧૫ બોતડાને જન્મ આપે. છેલ્લા મહિને એ રોજનું દોઢ લીટર દોઢ આપે.એના દૂધનો ફૅટ ૧.૫ થી ૩ સુધી હોય,પણ ક્યારેક ૬ ફૅટ પણ મળે. ગાય-ભેંસ પાછળ સાચવણી અને ચારાનો ખર્ચ વધુ આવે,જયારે ઊંટ ચરાણ પ્રદેશમાં ચરે અને દૂધ આપે છે. એને દિવસમાં બે વાર દોહવામાં આવે છે.ગાય-ભેંસના દૂધના લીટરના ૩૫-૪૦ રૂપિયા મળે છે. ઊંટણીના દૂધના લીટરના ૫૨(બાવન) રૂપિયા મળતા હોવાથી હવે ઊંટ રાખવાની દિશામાં આકર્ષણ વધવા માંડ્યું છે.વળી ઊંટણીના દૂધના ઔષધિગુણોને કારણે આવતા દિવસોમાં ઊંટની જાળવણી માટે લોકોને વધુ રસ પડશે.       ઈ-મેઈલ : haridesai@gmail.com
(HD-Camel Milk 6 March 2018)


No comments:

Post a Comment