Dr. Hari Desai writes in Gujarat Times of USA 23 February 2018
ગુજરાતમાં ઉનાળામાં જળસંકટમાં આશીર્વાદરૂપ બોગદું
ડૉ.હરિ દેસાઈ
ગુજરાતના
મુખ્યમંત્રી તરીકે કેશુભાઈ પટેલ અને કેન્દ્રના જળસંસાધન સચિવ બી.એન.નવલાવાલાએ
મળીને જે સદ્કાર્ય વર્ષ ૨૦૦૧માં કર્યું હતું, એના પ્રતાપે આવતા ધોમધખતા અને જળસંકટના ઉનાળામાં
ગુજરાતની તરસ છીપાશે. સામાન્ય રીતે કોઈપણ કામનો યશ લેવા માટેની રીતસર સ્પર્ધાનો આ યુગ છે, પણ અમે જયારે આ લખી રહ્યા છીએ ત્યારે
સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ એવા કેશુભાઈ સોમનાથની મુલાકાતે છે. એ યશનો દાવો ભલે ના
કરે, પણ કહેવું જ પડે કે નર્મદા ડેમના
કામને આગળ વધારતાં અમુક પાણી ડેડ સ્ટોકમાં સંગ્રહાયેલું રહેતાં એને સંકટ વખતે
ઉપયોગમાં લેવાનું આયોજન એમનું હતું. એટલા માટે કેશુભાઈના યુગમાં કેવડિયા ખાતેના
ડેમના બોગદાનું આયોજન અમલી થયું હતું.આ વખતે ગુજરાતમાં પાણીનું સંકટ ઘેરું બની
રહ્યું છે.નર્મદાના આવરાનું પ્રમાણ ઘટ્યું છે.ડેમની ઊંચાઈ ભલે વધી,દરવાજા ભલે
બેસાડાયા હોય,પણ જ્યાં ડેમમાં જળસપાટી જ ઘટી હોય અને રાજ્યના બીજા ડેમ પણ સૂકાવા
માંડ્યા હોય ત્યારે ઉનાળુ ખેતીને પાણી ના આપવામાં આવે તો પણ પીવાના પાણીનું સંકટ
ભારે ડોકું ફાડીને ઊભું છે.
મુખ્યમંત્રી વિજય
રૂપાણીએ ગત દિવસોમાં નર્મદા કંટ્રોલ ઓથોરિટી સમક્ષ કરેલી રજૂઆતને પગલે આ બોગદા,
ઈરિગેશન બાયપાસ ટનેલ, મારફત માણસ અને પશુ માટે પીવાના પાણી માટે વધારાના પાણીનો
પુરવઠો ગુજરાત લઇ શકે, એને મંજૂરી મળી છે.આને શુભ સમાચાર લેખાવા પડે.જોકે ગુજરાતના ખેડૂતોના
અત્યારે ઊભા પાકને પણ પાણી અપાતું નથી, એ વાતે રાજ્યભરમાં ભારે અજંપાની સ્થિતિ
છે.પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પણ માથે વિધાનસભાની ચૂંટણી ઊભી છે.ભાજપ
સત્તારૂઢ સરકારોને ફરી જીતાડવાની મુશ્કેલી અનુભવી રહી છે ત્યારે ગુજરાતને પાણી
વાપરવા દેવાની મંજૂરી આપવામાં જોખમ રહ્યા છતાં હાલપૂરતું તો ગુજરાતમાં જળસંકટ
હળવું થવાના સંજોગો જોવા મળે છે.જોકે વર્ષ ૨૦૧૫માં મુખ્યમંત્રીના જળસંસાધન સલાહકાર
નવલાવાલાએ વલ્લભ વિદ્યાનગરમાં આપેલા ચાવીરૂપ વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે પાણીના
સંયમિત વપરાશની આદત ગુજરાત રાજ્ય સહિત સમગ્ર ભારતની પ્રજા નહીં કેળવે તો જળસંકટ જ
નહીં, જળના મુદ્દે લડાઈઓ થશે.મહાત્મા ગાંધી થકી અપાયેલો બોધ આચરણમાં લાવીને જરૂરિયાત મુજબની વપરાશ
સિવાય પાણી કે અન્ય સંસાધનોનો બગાડ ટાળવાનું અનિવાર્ય લેખાશે.મહાત્મા હંમેશ કહેતા
હતા કે વિશ્વમાં માણસોની જરૂરિયાત (નીડ )
માટેનાં પૂરતાં સંસાધનો છે,પણ વ્યક્તિના લોભ(ગ્રીડ)ને પહોંચી વળવાનું મુશ્કેલ છે.
હકીકતમાં ઉનાળુ ખેતી
માટે નર્મદાનું પાણી ખેડૂતોને મળવાનું નથી એ તો વિધાનસભાની ચૂંટણી પહેલાં નક્કી જ
હતું, એની સત્તાવાર જાહેરાત તાજેતરમાં કરાઈ.માત્ર નર્મદા ડેમ જ નહીં, રાજ્યના તમામ
ડેમ ઉનાળા સુધીમાં વરવી જળસપાટીએ આવતાં ગુજરાતમાં જળસંકટ ભયાનક સ્થિતિ સર્જવાનું
છે. જયારે દેશ સામે જળસંકટ અને
બેરોજગારી સહિતની સમસ્યાઓ ડોકું ફાડીને
ઘુરકિયાં કરી રહી હોય ત્યારે ભજીયાં અને પકોડાંની આડવાતોથી દેશનું ધ્યાન
વિકેન્દ્રિત કરવાના રાજકીય ખેલમાં સત્તાપક્ષ
અને વિપક્ષ બેઉ રમમાણ હોય એને લોકશાહીનાં વરવાં સ્વરૂપનાં દર્શન જ લેખવાં
પડે. માથે ડિસેમ્બર ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે ૧૭ સપ્ટેમ્બરે કેવડિયા ડેમના દરવાજા બેસાડીને રાજ્યની
પ્રજાને સ્વઘોષિત ઉપકારથી પલાળી દેવાના મહાઉત્સવોમાં ઘોષણાઓ કરાતી હતી. એ વેળા ડેમ
ભરાવાનો નહોતો અને ઉનાળુ ખેતી માટે રાજ્યના
ખેડૂતોને પાણી નહીં જ મળે, એના આંકડા તો સત્તાધીશો કને પહોંચી જ ગયેલા હતા.માત્ર
ચૂંટણીને કારણે એ બાબતમાં પ્રજાને અંધારામાં રાખવામાં આવી.
ચોમાસા પછી એટલે કે
૧ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ નર્મદાના પાણીનો આવરો માત્ર ૬૧૦૩ કયુસેક હતો, જે અગાઉના
વર્ષે આ તારીખે ૬૪,૪૯૩ ક્યુસેકનો હતો.સત્તાવાર રીતે નર્મદા કંટ્રોલ ઓથોરિટી તરફથી
તમામ લાભાન્વિત રાજ્યોને જળફાળવણી અડધી કરી દેવાઈ હતી. છેલ્લાં ૯૦ વર્ષની વરસાદ
અને જળપ્રાપ્તિની માહિતીને આધારે એકદમ વૈજ્ઞાનિક અભ્યાસ કરીને, વર્ષ ૧૯૭૯માં એ.એન.ખોસલા એવોર્ડ જાહેર કરાયો
હતો.એ મુજબ,નર્મદા યોજનાનું ૨૮ મિલિયન એકર ફીટ પાણી ચાર રાજ્યોને ફાળવી શકાય એવો
અંદાજ મૂકાયો હતો. મધ્ય પ્રદેશને ૧૮.૨૫ મિ.એ.ફીટ, ગુજરાતને ૯ મિ.એ.ફીટ, રાજસ્થાનને
૦.૫૨ મિ.એ.ફીટ અને મહારાષ્ટ્રને ૦.૨૫ મિ.એ.ફીટ પાણી ફાળવવાની જોગવાઈ કરાઈ હતી.આ
વર્ષે જળઉપલબ્ધતા અડધી થતાં મધ્ય પ્રદેશને
માત્ર ૯.૫૫ મિ.એ.ફીટ, ગુજરાતને માત્ર ૪.૯ મિ.એ.ફીટ, રાજસ્થાનને માત્ર ૦.૨૬
મિ.એ.ફીટ અને મહારાષ્ટ્રને માત્ર ૦.૧૩ મિ.એ.ફીટ પાણી મળે એ નિર્ણય ઓથોરિટી થકી
થયો. વિપક્ષના પ્રચારથી વિપરીત, નર્મદાનું જે પાણી ગુજરાતને ઉપલબ્ધ થાય એમાંથી માત્ર
૦.૨ મિ.એ.ફીટ પાણી જ ઉદ્યોગોને ફાળવવાનું હોય છે,જયારે ૦.૮૬ મિ.એ.ફીટ પાણી પીવા માટે અપાય
છે.બાકીનું સિંચાઈ માટે છે.જોકે વર્ષ ૨૦૧૩-૧૪માં નર્મદા નદીમાંથી વાપરવા લાયક
પાણીનો કુલ જથ્થો છેલ્લા દોઢ દાયકામાં સૌથી વધુ એટલેકે ૬૦.૧૬ મિ.એ.ફીટ હતો, તે
વર્ષ ૨૦૧૭-૧૮માં ઘટીને માત્ર ૧૪.૬૬ મિ.એ.ફીટ થયો.અગાઉનાં વર્ષોમાં નર્મદાનાં નીર
ખૂબ વેડફાયાં.હવે તો નર્મદા ડેમ પર પેલા દરવાજા મૂકાયા પછી સતત ઘટતી રહેલી જળસપાટી૧૩
ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ સત્તાવાર રીતે ઘટીને ૧૧૧.૩૫ મીટર થઇ ગઈ છે. એ સપાટી ૧૧૦.૭
મીટર થાય એટલે પાણી છોડવાનું બંધ કરી દેવાય
અને ભૂગર્ભ ટનલવાળા પાણીનો વિચાર કરવો પડે.અહીં માત્ર પાણીની જ વાત નથી.બહુ
ગજવાયેલા વિદ્યુત ઊર્જાના ઉત્પાદનના નર્મદા ડેમ ખાતેના પાવરસ્ટેશનની કામગીરીને પણ
પ્રતિકૂળ અસર થશે. ઢોલ પીટવામાં આવે છે કે નર્મદા યોજનાની કેનાલોનું મોટાભાગનું
કામ પૂરું થઇ ગયું,પણ ૬ ફેબ્રુઆરીએ સરદાર
સરોવર નર્મદા નિગમના સત્તાવાર આંકડાઓ જ ચાડી ખાય છે કે હજુ ૨૦,૬૦૬ કિ.મી. જેટલી
કેનાલનું બાંધકામ થયું જ નથી.એવું નથી કે
માત્ર ખેતર સુધી પાણી પહોંચાડવા માટેની લઘુ અને અતિ-લઘુ કેનાલોનું જ કામ અધૂરું
છે. ૪૩૮ કિ.મી.ની મુખ્ય કેનાલનું કામ પૂરું થયું છે,પણ બાકીની તમામ કેનાલોનાં કામ
અપૂર્ણ છે.બ્રાંચ કેનાલ ૨૭૩૧ કિ.મી.બંધાવાની છે, પણ એ માત્ર ૨૬૦૩ કિ.મી. બંધાઈ
હોવાનું સત્તાવાર આંકડા કહે છે.અત્રે એ યાદ રહે કે આ કેનાલોનાં કામ પૂરાં કરવા
માટે વર્તમાન સત્તાપક્ષ પાસે ૨૨ વર્ષ હતાં અને એ માટે કેન્દ્ર સરકાર કે નર્મદા
ઓથોરિટીની કોઈ મંજૂરીની જરૂર નહોતી!
.હવે કુદરત
રૂઠ્યાનાં કોરસગાન ચાલશે.દર વર્ષે ઓક્ટોબર પહેલાં ઇન્દોરમાં મુખ્યાલય ધરાવતી
નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ આગામી વર્ષના નર્મદા જળ વિતરણના આંકડા તૈયાર કરી જ દેવા
પડે.નર્મદા કંટ્રોલ ઓથોરિટીના અધ્યક્ષસ્થાને કેન્દ્રના સિંચાઈ સચિવ હોય અને
પર્યાવરણ તથા સમાજ કલ્યાણ ખાતાના સચિવની સાથે જ ચારેય રાજ્યોના મુખ્ય સચિવનો
સમાવેશ હોય છે. સામાન્ય રીતે સર્વાનુમતે જ નિર્ણય લેવાય છે.ક્યારેક બહુમતીથી.
વિવાદ ઊભો થાય તો કેન્દ્રના જળ સંસાધન
પ્રધાનના વડપણ હેઠળની ચારેય રાજ્યોના મુખ્ય મંત્રીના સભ્યપદવાળી સમીક્ષા સમિતિ આગળ અપીલ કરવાની જોગવાઈ
છે.હકીકતમાં નર્મદા મુદ્દે રાજકીય લાભ ખાટવાના જે વિવાદ ચૂંટણી ટાણે સર્જવામાં આવે
છે, એ સંબંધિતો પણ જાણે છે કે નર્મદા
કંટ્રોલ ઓથોરિટી થકી જ બધા નિર્ણયો લેવાય છે.ખેડૂતોને ખરીફ અને રવિ પાક માટે જ
નર્મદાનાં જળ આપવાની સત્તાવાર જોગવાઈ છતાં પાણી વધુ ઉપલબ્ધ હોવાને કારણે ઉનાળુ પાક
માટે પણ પાણી અપાતું રહ્યું છે. જોકે હવે રાજ્યના
મુખ્ય મંત્રીએ “ઉનાળુ ખેતી માટે નર્મદાનાં જળ નહીં આપી શકાય” એવી અલોકપ્રિય જાહેરાત કરવી પડી છે.ચૂંટણી
પહેલાં વિપક્ષ નર્મદા ડેમની જળ સપાટી વિશે ઘોરતો રહ્યો અને સત્તાપક્ષ નર્મદા યોજના
રાસડાથી રાજકીય તરભાણાં ભરવા માહિતી છૂપાવતો રહ્યો. પ્રજા તો સાવ જ ભોળી છે.
સૌરાષ્ટ્રમાં
છાસવારે “સૌની યોજના” થકી પાણી લાવ્યા તાણીના મહોત્સવો યોજાતા હતા, નર્મદા ડેમના
રાષ્ટ્રાર્પણ થકી અધૂરી યોજનાએ પ્રજાને (મતદારોને વાંચવું) રાજીના રેડ કરી દેવાની
કવાયતો સાથે જ ૨૨ વર્ષ પહેલાંના શાસકોને ભાંડવામાં કોઈ કસર રખાતી નહોતી.૨૨ વર્ષના
શાસનમાં ગેટની મંજૂરીનો કકળાટ કરનાર સત્તાધીશ ભાગ્યેજ એ વાતનો ફોડ પાડતા હતા કે જે
કેનાલો બાંધવા માટે કેન્દ્ર સરકાર કે નર્મદા કંટ્રોલ ઓથોરિટીની મંજૂરીની જરૂર
નહોતી,એવી હજારો કિ.મી.ની કેનાલો કેમ બાંધવામાં આવી નહીં? સામે પક્ષે દાયકાઓથી
સત્તા ભોગવતા રહેલા હવેના વિપક્ષી નેતાઓ તથ્યોના અભ્યાસ કરીને પ્રજા સમક્ષ મૂકવાનો
ધર્મ નિભાવે એ જરૂરી છે. હવે માથે ભારે ઉનાળો છે એટલે ટેન્કરમુક્ત મનાતા ગુજરાતમાં વરવાં દ્રશ્યો જોવા વારો અનિવાર્ય
થશે.કુંભકર્ણની નીંદર ખેંચતા વિપક્ષને પણ હવે મુદ્દા મળશે. મુશ્કેલી એ છે કે
રાજ્યની પ્રજાની સુખાકારી માટે સરકાર અને વિપક્ષ બેઉ સાથે મળીને કામે વળે તો જ
ગનીમત.દરેક બાબતમાં ચૂંટણીલક્ષી લાભાલાભનો જ વિચાર ના કરાય.
No comments:
Post a Comment