Dr.Hari Desai’s Weekly
Column in Gujarat Samachar (London), Sanj Samachar ( Rajkot), Gujarat Guardian (Surat),
Sardar Gurjari (Anand), Gandhinagar Samachar (Gandhinagar ) , Hamlog (Patan) and Jansetu (Palanpur).
You may read the full text here or on the
Blog : haridesai.blogspot.com and do comment on.
કાવેરીના જળમાં આગઃ કર્ણાટક વિધાનસભાની
ચૂંટણીમાં ત્રિપાંખિયોજંગ
ડૉ. હરિ દેસાઈ
·
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે લોકલુભાવન બજેટ સાથે જ જળવિવાદમાં સુપ્રીમ કૉર્ટનો
સાનુકૂળ ચુકાદો
·
વડાપ્રધાન-મુખ્યમંત્રી વચ્ચે વાકયુદ્ધ: ૧૦ % કમિશનવાળી સરકાર જોઈએ છે કે ૧૦૦ %
કમિશનવાળી સરકાર ?
·
પક્ષમાં ઘરવાપસી પામેલા મુખ્યમંત્રીપદના
ભાજપી ઉમેદવાર યેડિયુરપ્પા ભ્રષ્ટાચાર ખટલાઓમાં જેલવાસી હતા
·
નર્મદા નદીનાં જળની જેમ દેશની કાવેરી સહિતની નદીઓનાં જળ ઘટી રહ્યાં છે અને એની
રાજકીય અસરો પડે છે
કર્ણાટક-તમિળનાડુ વચ્ચે આગ બનીને ઝળૂંબતા કાવેરી જળવિવાદનો ચુકાદો આવ્યા પછી
કર્ણાટક વિધાનસભાની ચૂંટણી આવી રહી છે.પૂર્વાંચલનાં રાજ્યોમાં ચૂંટણી પછી હવે
દેશમાં સૌનું ધ્યાન કર્ણાટક ભણી મંડાયેલું છે: કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ
અહીં સત્તારૂઢ કૉંગ્રેસ અને વિપક્ષ ભાજપ થકી ચૂંટણીલક્ષી આયોજનો આરંભાઈ ચૂક્યાં
હતાં.અત્યારે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણના આ પ્રવેશદ્વારને એકલેહાથે કબજે કરવા
માટે જાહેરસભાઓ કરવા માંડી છે. “૧૦ % કમિશનવાળી સરકાર જોઈએ છે કે મિશન સરકાર?”એવી
ગાજવીજ પણ તેમણે કરવા માંડી છે.સામે પક્ષે
કૉંગ્રેસી મુખ્યમંત્રી સિદ્ધરામૈયા પણ કાંઈ ગાંજ્યા જાય તેમ નથી.અગાઉ રામકૃષ્ણ
હેગડેની સરકારમાં મંત્રી રહેલા વર્તમાન કોંગ્રેસી મુખ્યમંત્રીએ પણ જનતા પરિવારમાં
રહીને ઘટઘટનાં પાણી પીધેલાં છે.એમનો પ્રતિપડકાર છે : “અમને નાહક બદનામ કરવાવાળા
મોદી તો વડાપ્રધાન પદ માટે યોગ્ય નથી,એટલુંજ નહીં એમને ખબર હોવી જોઈએ કે રાજ્યમાં
છેલ્લે ભાજપ સરકાર હતી તે ૧૦૦% કમિશનવાળી સરકાર હતી.” કેન્દ્રના પ્રધાન અનંતકુમાર
હેગડે બંધારણ બદલવાની વાત કરે છે અને એનો વિરોધ ઊઠે ત્યારે માફી માંગી લેવામાં જ
હિત નિહાળે છે અથવા ફેરવી તોળે છે.ગુજરાતમાં તો કૉંગ્રેસનું માળખું હતું નહીં છતાં
વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં કૉંગ્રેસે સારો દેખાવ કર્યો.કર્ણાટકમાં તો કૉંગ્રેસનું
માળખું છે,સરકાર આક્રમક છે, દલિતો,મુસ્લિમો અને લિંગાયત સમાજમાં એનો પ્રભાવ સારો
છે.આની સામે ભાજપ કેન્દ્રમાં સત્તા ધરાવે છે,એનું પણ માળખું
છે, સંઘ પરિવાર એના પક્ષે હિંદુ મત મજબૂત કરવાના પ્રયત્નોમાં છે.જોકે રાજ્યની લગભગ
૨૦ ટકા વસ્તી ધરાવતા મૂળ શૈવ એવા લિંગાયત પોતાને અલગ ધર્મના ગણાવવા અને પોતે હિંદુ નહીં હોવાના મુદ્દે, રામકૃષ્ણ
મિશનની જેમ જ, સુપ્રીમ કૉર્ટે ગયા છે,એ મુદ્દો આ વખતે અસરકારક રહેશે. જોકે ભાજપ
ચૂંટણી પછી વોક્કાલિંગા નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવેગૌડાના જનતાદળ
(સેક્યુલર) સાથે જોડાણ કરીને પણ કૉંગ્રેસને સત્તાથી દૂર કરવા પ્રયત્નશીલ છે. કૉંગ્રેસના
અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આવતે મહિને પક્ષનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરીને કોઈપણ ભોગે
સત્તા ટકાવી રાખવા કૃતસંકલ્પ છે.બહુજન સમાજ પક્ષનાં અધ્યક્ષ માયાવતી પણ સક્રિય થઇ
દેવેગૌડાના પક્ષ સાથે જોડાણ કરી ચૂક્યાં છે.સરખાસરખીનાનો અને બાહુબળિયાઓનો આ સામનો
રસપ્રદ બની રહેવાનો. લોકસભાની ૨૦૧૯ની
ચૂંટણી પહેલાં કર્ણાટક બંને મુખ્ય પક્ષો ભાજપ અને કૉંગ્રેસ માટે અગ્નિપરીક્ષાનો
જંગ છે.
કાવેરી જળવિવાદમાં વિજયપતાકા
કર્ણાટકની કૉંગ્રેસ સરકાર માટે શુક્રવાર (જુમ્મા), ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮નો દિવસ સારા સમાચાર લઈને આવ્યોઃ ભારતની સર્વોચ્ચ અદાલતે
દાયકાઓ જૂના કાવેરી જળવિવાદ અંગે ચાર રાજ્યો વચ્ચેની પાણીની વહેંચણી અંગે આપેલા
ચુકાદામાં કર્ણાટકની વિજયપતાકા લહેરાઈ છે. શુક્રવારે જ કર્ણાટક સરકારે વર્ષ
૨૦૧૮-૧૯ માટેના બજેટમાં પ્રજાને રાજીની રેડ કરી નાંખતી જોગવાઈઓ પણ કરી છે. ભારતીય
જનતા પક્ષ કૉંગ્રેસશાસિત કર્ણાટક રાજ્યને કોઈપણ ભોગે છીનવી લેવાના વ્યૂહ ઘડી રહ્યો છે.
કર્ણાટક વિધાનસભાની ૨૨૪ બેઠકોમાંથી છેલ્લી ૨૦૧૩ની ચૂંટણી વખતે કૉંગ્રેસને ૧૨૪
બેઠકો મળી અને ભાજપ માત્ર ૪૪ બેઠકો મેળવી શક્યો હતો. પૂર્વ કૉંગ્રેસી મુખ્યપ્રધાન
અને વિદેશપ્રધાન એસ. એમ. કૃષ્ણાના ભાજપમાં જોડાયા પછી પણ કર્ણાટકના મુખ્યપ્રધાનની
સરકાર અડીખમ રહી છે. લોકસભામાં કૉંગ્રેસના નેતાપદે રહેલા મલ્લિકાર્જુન ખડગે પણ કર્ણાટકના
નેતા છે. કર્ણાટકમાં આગામી વિધાનસભાની ચૂંટણી એપ્રિલ-મે ૨૦૧૮માં યોજાવાની છે. ભાજપ
થકી પૂર્વ મુખ્યપ્રધાન બી. એસ. યેડિયુરપ્પાને મુખ્યપ્રધાનપદના ઉમેદવાર જાહેર
કરાયેલા છે. મૂળ ભાજપના પણ ૨૦૧૨માં અલગ કર્ણાટક જનતા પક્ષ સ્થાપનાર યેડિયુરપ્પા
૨૦૧૪માં ભાજપમાં ઘરવાપસી પામ્યા હતા. રાજ્યના ૪ ભાજપી સાંસદ કેન્દ્રમાં પ્રધાનપદે
છે. ભાજપ અને કૉંગ્રેસ બેઉના રાષ્ટ્રીય નેતાઓએ ઘણા વહેલાં ચૂંટણી પ્રચાર શરૂ કરી
દીધો હોવા છતાં હજુ ચૂંટણીપંચે ચૂંટણીની તારીખો જાહેર કરી નથી એટલે આચારસંહિતા
અમલી બની નથી. ટીપુ સુલતાનની જન્મજયંતીના વિવાદથી લઈને માંસ ખાઈને કૉંગ્રેસ
અધ્યક્ષ રાહુલ ગાંધી દેવદર્શને ગયા સુધીના અધકચરા અને જનકલ્યાણનાં આયોજનોથી પર એવા
મુદ્દે રાજકારણ ખેલાતું રહ્યું છે.
કૉંગ્રેસ, ભાજપ અને જેડી (એસ) વચ્ચે જંગ
કર્ણાટકમાં જંગ ત્રિપાંખિયો થવાનો એ નિશ્ચિત છે. પૂર્વ વડા પ્રધાન એચ. ડી.
દેવેગૌડાના જનતા દળ (સેક્યુલર) પક્ષ સાથે માયાવતીની બહુજન સમાજ પાર્ટી (બીએસપી)
અને શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી) પણ મોરચો ગોઠવી રહી છે.
ટિકિટોની ફાળવણી વખતે કોણ કયા પક્ષ સાથે ઘર માંડશે એ કહેવું મુશ્કેલ છે. સાથે જ
ચૂંટણી પછી કર્ણાટક જેડી(એસ)ના વડા અને દેવેગૌડાના પુત્ર એચ. ડી. કુમારસ્વામી કોની
વહેલમાં બેસશે, એ અત્યારથી કહેવું મુશ્કેલ છે. કારણ વર્ષ
૨૦૦૬માં એમણે પહેલાં કૉંગ્રેસ સાથે જોડાણ કર્યું અને પછીથી ભાજપ સાથે ઘર માંડ્યું
હતું. કુમારસ્વામી એ જ સોદાબાજીથી થોડા વખત માટે મુખ્યપ્રધાન પણ થયા હતા. આ વખતની
ચૂંટણી પહેલાં કુમારસ્વામીનાં કથિત કૌભાંડોના મુદ્દે એમના પર ભાજપ તરફથી ભારે દબાણ હોવાનું મનાય છે. વળી કુમારસ્વામી તથા
ભાજપ એકમેક પર આક્રમક હુમલા કરવાનું ટાળે છે. ભાજપ થકી કૉંગ્રેસના ભ્રષ્ટ શાસન અને
જેલવાસી નેતાઓની વાતો કરવામાં આવે છે. જોકે, યેડિયુરપ્પા
પોતે ભ્રષ્ટાચારના ખટલાઓમાં જેલવાસી રહી ચુક્યા છે એટલું જ નહીં, ભાજપમાંથી ફારેગ પણ થયેલા છે. ભાજપમાં આંતરકલહ પણ કાંઈ ઓછો
નથી. જોકે, ભાજપને આંધ્ર, તમિળનાડુ તથા કેરળમાં ઝાઝો જનપ્રતિસાદ
મળતો નહીં. અગાઉ ગઠબંધનથી બેંગલૂરુમાં રાજ કરવાની તક મળી હતી અને હવે એને એકલે હાથે
સર કરવાની કોશિશમાં છે. સમગ્રપણે સંઘ પરિવાર કર્ણાટકમાં હિંદુ કાર્ડ ખેલીને
સત્તામાં આવવા આતુર છે, પણ સામે પક્ષે સિદ્ધરામૈયા પણ ગાંજ્યા જાય
તેવા નથી. ભાજપ માટે ભાવનાત્મક ધાર્મિક મુદ્દાઓ ઊઠાવવા ઉપરાંત દેશમાં સૌપ્રથમ જે
પાલિકામાં ભાજપને કે એના પૂર્વ અવતાર જનસંઘને શાસન કરવાની તક મળી હતી એ ઉડ્ડિપી
પાલિકા કર્ણાટકમાં છે.
કાવેરીમાં કેન્દ્રની ફજેતી, રાજ્યનો વિજય
કાવેરી જેવી પવિત્ર નદીનાં જળની વહેંચણીના મુદ્દે કર્ણાટક અને તમિળનાડુ વચ્ચે
હિંસક અથડામણો સર્જાતી રહી છે. કાવેરી જળમાં આગ લાગતી રહ્યાની વાતો સામાન્ય રહી
છે. અગાઉ પંજાબની અકાલી-ભાજપ સરકાર હરિયાણાને પાણી આપવાના મુદ્દે સુપ્રીમ કોર્ટના
ચુકાદાના અમલનો ધરાર ઈનકાર કરતી રહી હતી. રાજ્યની પ્રજા માટે આવા મુદ્દા ન્યાયી છે
કે નહીં, એ કરતાં ભાવનાત્મક વધુ હોય છે. પંજાબમાં અકાલી
દળ-ભાજપની સરકારે હરિયાણાને પાણી ફાળવવાનો નન્નો ભણ્યા પછી પણ રાજ્ય વિધાનસભાની અકાલી
દળ-ભાજપની યુતિ છેલ્લી ચૂંટણી હારી હતી. પંજાબમાં કૉંગ્રેસના કેપ્ટન અમરિન્દર સિંહ
(પૂર્વ મહારાજા- પતિયાળાના પૌત્ર)ની સરકાર
સ્થપાઈ છે. કેન્દ્રમાં ભાજપના વડપણવાળા મોરચામાં અકાલી દળ સામેલ હોવા છતાં સુપ્રીમ કૉર્ટના ચુકાદાનો
અમલ થયો નહોતો.
હવે વારો કર્ણાટક અને તમિળનાડુ વચ્ચેના કાવેરી જળના મુદ્દે સુપ્રીમ કૉર્ટના
ચુકાદાના અમલનો છે. ભારત સરકારે તો આ વખતે સુપ્રીમ કૉર્ટમાં એવી ભૂમિકા લીધી હતી
કે વર્ષ ૨૦૦૭માં કાવેરી જળ અંગે ટ્રાયબ્યુનલે ૨૦૦૭માં જે પ્રકારની જળ ફાળવણી કરી
આપી છે એને સ્વીકારી લેવાય. એને સ્વીકારવામાં આવે તો કર્ણાટકને નુકસાન થાય અને
પ્રજા વીફરે તેવું હતું. કર્ણાટકની કૉંગ્રેસ સરકારના સદનસીબે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક
મિશ્રાના વડપણ હેઠળની ખંડપીઠે કેન્દ્રના દાવાના ફગાવી દઈને કર્ણાટક તરફથી
તમિળનાડુને માટે છોડવાના કાવેરીના જળના પ્રમાણને ઘટાડવાનો ચુકાદો આપ્યો છે. વિધાન
સભાની આગામી ચૂંટણીમાં કમસે કમ નુકસાન થતું અટક્યું છે. ચુકાદો આનાથી વિપરીત આવ્યો
હોત તો સિદ્ધરામૈયા સરકારને માથે માછલાં ધોવાત. જોકે, તમિળનાડુને ફાળવતા પાણીમાં ઘટાડો કરાતાં ચેન્નાઈ કેવા પ્રકારે પ્રતિકાર કરશે એ
કહેવું મુશ્કેલ છે. કારણ અગાઉ જયલલિતા જયરામ જ્યારે મુખ્યપ્રધાન હતાં ત્યારે એમણે
બબ્બેવાર ઉપવાસના શસ્ત્રને ઉગામ્યું હતું. આ વખતે તમિળનાડુના રાજકીય પક્ષો
આંદોલનાત્મક પગલું ભરશે કે ૧૫ વર્ષ સુધી અમલી ગણાતા સુપ્રીમના આ ચુકાદાને સ્વીકારી
લેશે એ કહેવું મુશ્કેલ છે.તમિલનાડુની વર્તમાન સરકાર વડાપ્રધાન મોદી સમક્ષ રજૂઆત
કરવાની વાત જાહેર કરી ચૂકી છે,પણ એથી આગળ વધે એવી શક્યતા નહીંવત છે. તમિળનાડુમાં
સત્તા પક્ષ અને વિપક્ષ બેઉ પર વડાપ્રધાનનો રિમોટ
પ્રભાવી છે.
સુપ્રીમનો ચુકાદો કેવી જળફાળવણી કરે છે?
કાવેરી જળ વિવાદ આજકાલનો વિવાદ નથી. બ્રિટિશ શાસન દરમિયાન છેક ૧૮૯૨ અને
૧૯૨૪માં કાવેરી જળ ફાળવણી અંગે સમજૂતીઓ થઈ હતી. ૧૯૨૪માં જે કરાર થયા હતા એ ૫૦ વર્ષ
માટેના હતા અને ૧૯૭૪માં એ પૂરા થયા હતા. ત્યારથી લઈને આજ લગી કાવેરી જળ વિવાદ
અદાલતો અને શેરીઓ વચ્ચેના જંગનું નિમિત્ત બન્યો છે. છેવટે ભારત સરકારે નિયુક્ત
કરેલા ટ્રાઈબ્યુનલે ૨૦૦૭માં ૮૦૨ કિ.મી. જેટલા લાંબા કાવેરીના પટના કુલ ૭૪૦ ટીએમસી
(થાઉસન્ડ મિલિયન ક્યુબિક ફીટ)ની વહેંચણી ચાર રાજ્યો વચ્ચે આ મુજબ કરી આપી હતી : તમિળનાડુને ૪૧૯ ટીએમસી, કર્ણાટકને ૨૭૦ ટીએમસી, કેરળને ૩૦ ટીએમસી અને પુડુચેરી (અગાઉના
પાંડિચેરી)ને ૭ ટીએમસી ઉપરાંત ૧૦ ટીએમસી પર્યાવરણના હેતુસર આરક્ષિત રખાય તથા ૪
ટીએમસી દરિયામાં વહી જાય એવી ગણતરી મૂકી હતી. આ એવોર્ડને મુદ્દે કેન્દ્ર સરકાર અને
અદાલતો સમક્ષ મામલો વિવાદાસ્પદ બની રહ્યો હતો. કારણ રાજ્યો એ અંગે સંમત થતાં
નહોતાં.
છેવટે સુપ્રીમ કૉર્ટે શુક્રવાર, ૧૬ ફેબ્રુઆરી
૨૦૧૮ના રોજ આપેલા ચુકાદા મુજબ,
ટ્રાઈબ્યુનલના
ચુકાદાને બદલીને કર્ણાટક થકી તમિળનાડુ માટે છોડાનારા પાણીના પ્રમાણને ઘટાડવામાં
આવ્યું એટલે કર્ણાટકના લોકો હરખઘેલા બની ગયા છે. આ ચુકાદો ૧૫ વર્ષ અમલમાં રહેશે. એ
મુજબ, કર્ણાટકને ૨૦૦૭ના એવોર્ડમાં ફાળવાયેલા ૨૭૦
ટીએમસી પાણી ઉપરાંત ૧૪.૭૫ ટીએમસી પાણી મળશે. તમિળનાડુને ૪૧૯ ટીએમસીને બદલે ૪૦૫.૨૫
ટીએમસી પાણી મળશે. કેરળ અને પુડુચેરીને યથાવત્ પ્રમાણમાં એટલે કે અનુક્રમે ૩૦
ટીએમસી અને ૭ ટીએમસી પાણી મળશે. તમિળનાડુ કાવેરી પટમાંથી કુલ ૨૦ ટીએમસી ભૂગર્ભ
જળમાંથી વધુ ૧૦ ટીએમસી જળ ખેંચી શકશે. સુપ્રીમ કોર્ટે કર્ણાટકને વધુ જળફાળવણી
કરવાની સાથે જ બૅંગલૂરુને આંતરરાષ્ટ્રીય સ્તરનું લેખીને તેને માટે પીવાના પાણીની
વ્યવસ્થા કરવા ખાસ ૪.૭૫ ટીએમસી પાણીની ફાળવણી કરી છે. વર્ષ ૧૯૭૪ લગી કાવેરી જળ
વિતરણ અંગે ૧૯૨૪ના કરાર અમલી હતા ત્યાં લગી તમિળનાડુને ઝાઝી તકલીફ પડી નથી. જોકે, એ પછીના ગાળામાં કાવેરી જળના પ્રમાણમાં પણ ઘટાડો થતો ગયો અને વરસાદની
અનિયમિતતાએ પણ કર્ણાટક અને તમિળનાડુ વચ્ચે ઘર્ષણ સર્જ્યું હતું. વર્ષ ૧૯૩૦-૭૦
દરમિયાન મેટ્ટર ડેમ ખાતે ૩૭૮.૪ ટીએમસી પાણીપુરવઠો નોંધાયો હતો. ૧૯૭૦ના ગાળામાં એ
ઘટીને ૩૨૪ ટીએમસી અને ૧૯૮૦ના ગાળામાં તો સાવ ઘટીને ૨૨૯ ટીએમસી થતાં જળવિવાદ
વણસાવવાનું નિમિત્ત બન્યો હતો. નર્મદા નદીનાં જળ જેમ ઘટતાં જઈ રહ્યાં છે એમ દેશની
કાવેરી સહિતની નદીઓનાં જળ ઘટતાં રહ્યાં છે અને એની રાજકીય અસરો તથા રાજ્યો વચ્ચેના
ટકરાવનું નિમિત્ત બને છે.આગામી વિધાનસભા ચૂંટણી કર્ણાટકમાં કૉંગ્રેસની સરકારને
પુનઃસ્થાપિત કરશે કે ભાજપને તક આપશે,એ નક્કી થવાનું છે. હવેના દિવસોમાં
રાજ્યના રાજકીય સમરાંગણમાં જીવસટોસટની બાજી
ખેલાતી જોવા મળશે.
No comments:
Post a Comment