ડૉ.તોગડિયાના અલોપ થવાના બહુચર્ચિત કાંડની રહસ્ય-દીવાલ
અમેરિકાના સાપ્તાહિક “ગુજરાત ટાઈમ્સ”માં ડૉ.હરિ દેસાઈની કલમે ‘કલ, આજ ઔર કલ’ની અંતરિયાળ વાતોની છણાવટ ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ વેબ : www.gujarattimesusa.com Read the Full-Text here or on Blog : haridesai.blogspot.com and comment.
વિહિંપના ડૉ.તોગડિયાના અલોપ થવાના
બહુચર્ચિતકાંડની રહસ્ય-દિવાલ:ડૉ. હરિ દેસાઈ
બહુચર્ચિતકાંડની રહસ્ય-દિવાલ:ડૉ. હરિ દેસાઈ
• હિંદુ શાસકોનાં ઘર ફૂટ્યે ઘર જાયવાળી પરંપરા હજુ અકબંધ હોવાના ખેલનો વરવો અધ્યાય ભજવાયો
• નરેન્દ્ર મોદીની જેમ જ ડૉ.પ્રવીણભાઈ પણ વડા પ્રધાન પદના આકાંક્ષી હતા એટલે બેઉ વચ્ચે ખટરાગ
• નરેન્દ્ર મોદીની જેમ જ ડૉ.પ્રવીણભાઈ પણ વડા પ્રધાન પદના આકાંક્ષી હતા એટલે બેઉ વચ્ચે ખટરાગ
હાથનાં કર્યાં હૈયે વાગે એવી ગુજરાતી પ્રજાની જાણીતી ઉક્તિ ગુજરાતમાં હિંદુવાદી નેતા ડૉ.પ્રવીણ તોગડિયાના પ્રકરણમાં બરાબર લાગુ પડે છે.આમ પણ ગુજરાતી પ્રકૃતિ સત્તા સાથે રહેવાની પરંપરા સાથે મેળ બેસાડતી રહી છે.એમાં પાછી હિંદુ રાજવીઓના ઇતિહાસની પરંપરા પણ ભળે.ગુજરાતમાં ૧૯૯૫માં વિધાસભામાં ૧૨૧ ધારાસભ્યો સાથે હિંદુવાદી ભાજપની કેશુભાઈ પટેલની સરકાર આવી ત્યારે જે નાટકીય ઘટનાક્રમ રચાયો હતો એ જ અત્યારે જુદા સ્વરૂપે ઝગારા મારે છે.શંકરસિંહ વાઘેલા ભાજપના જ મુખ્ય મંત્રી કેશુભાઈ સામે ખજુરાહોવાળી કરીને નોખો ચોકો કર્યો ત્યારે કેશુભાઈ સાથે વિશ્વ હિંદુ પરિષદ(વિહિંપ)ના ફાયરબ્રાન્ડ નેતા અને કેન્સર સર્જન ડૉ.પ્રવીણ તોગડિયા અને પ્રદેશ ભાજપના સંગઠન મંત્રી નરેન્દ્ર મોદી હતા. ભારતીય ઇતિહાસની તાસીર જ કાંઇક આવી છે કે હિંદુ શાસકો આંતરકલહમાં રમમાણ રહે અને એમનું ઘર ભેળાઈ જાય.મોદીયુગમાં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના ડબ્બામાં ૫૮ હિંદુને જીવતા સળગાવી દેવાયાની ઘટનાએ ભાજપની કેન્દ્રમાં સત્તાને માટેનો રાજમાર્ગ ખોલી દીધો. સમગ્રપણે સંઘ પરિવારે ભાજપના નેતા જ નહીં સંઘના પ્રચારક નરેન્દ્ર મોદીનાં ઓવારણાં લઈને મુખ્ય મંત્રી મોદીમાંથી ૨૦૧૪માં તેમને વડાપ્રધાન બનાવવા સુધી સક્રિય રહ્યો હતો. એ પછી સત્તામાં ક્યારેક શંકરસિંહે અપેક્ષિત માનેલી ભાગીદારી ડૉ.તોગડિયા પણ ઈચ્છે એમાં ખોટું નહોતું.મોદીની જેમ જ ડૉ.તોગડિયા પણ વડા પ્રધાન પદના આકાંક્ષી હતા એટલે બેઉ વચ્ચેનું ઘર્ષણ વચ્ચે વચ્ચે છમકલાંનાં દર્શન કરાવતું રહ્યું.અંતે મોતી ભાંગ્યું અને એને રેણ કોઈ કામ ના આવે એટલી હદે મામલો બીચક્યો.આવા તબક્કે ડૉ.તોગડિયા સંઘની ટોચની નેતાગીરી અને ભાજપની ટોચની નેતાગીરીની અનિચ્છાએ વિહિંપના વધુ ત્રણ વર્ષ માટે આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ થયા તો ખરા,પણ એ મુદતનો ભોગવટો કરવા વિશે શંકાકુશંકામાંથી જ જાન્યુઆરી મહિનાના ત્રીજા સપ્તાહમાં વરવાં દ્રશ્યો સર્જાયાં. વિહિંપના સુપ્રીમો અનેક રહસ્યો જાણે છે.એ વિશે દસ્તાવેજી પુસ્તક લખ્યાનું પણ તેમણે મીડિયાને કહ્યું. વર્ષ ૨૦૦૨માં ૩૦૦ હિંદુઓ પોલીસ ગોળીબારમાં મરે એ માટે અમુક અધિકારીઓને કોણે, કેમ અને ક્યાં મૂક્યા, એ રહસ્ય સહિત અનેક ધડાકા પણ બે મહિનામાં જ કરવાના હોવાનું કહી બેઠા છે. ડૉ.તોગડિયાને પોલીસ એન્કાઉન્ટરમાં તેમને મોતને ઘાટ ઉતારવાના કારસા ઘડાઈ રહ્યાનું લાગે છે.જોકે અમદાવાદના વિહિંપ કાર્યાલયમાંથી એમના એકાએક અદ્રશ્ય થવાના અને હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં દાખલ થવાના પ્રકરણમાં સમય જતાં સચ્ચાઈ પરથી પરદો ઊંચકાશે કે ઘીના ઠામમાં ઘી પડ્યું રાખીને મામલો રફેદફે કરાશે,એ કહેવું આ તબક્કે વહેલું છે.
ગુજરાતના જ બીજા સપૂત રાહુલ રાજીવ ફિરોઝ ફરદૂન ગાંધી
દેશનું રાજકારણ એવા તબક્કે ઊલટી દિશા પકડી રહ્યું છે જયારે આ વર્ષે એટલેકે ૨૦૧૮માં આઠ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માથે ઊભી છે. વળી આવતા વર્ષે લોકસભાની ચૂંટણી ડોકું ફાડીને અત્યારથી હાકલાદેકારા કરવા માંડી છે.ગુજરાતના સપૂત નરેન્દ્ર દામોદરદાસ મોદી ફરીને વડા પ્રધાનપદ પર આરૂઢ થવા થનગની રહ્યા છે.અનેક પ્રકારની કશ્મકશો વચ્ચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માંડ જીતાઈ છે. કૉંગ્રેસ સત્તા મેળવવામાં હોઠ અને પ્યાલા વચ્ચેના અંતરથી ચૂકી છે. કોંગ્રેસે હવે મુસ્લિમ તુષ્ટિકરણના મારગને બદલે સર્વસમાવેશક એવી સરદાર પટેલની નીતિને અનુસરીને કથિત સોફ્ટ હિંદુત્વનો સ્વીકાર કર્યો છે એટલે હિંદુ વોટબેંક પર ભાજપની જ મક્તેદારી રહી નથી.ગુજરાતના જ બીજા સપૂત મૂળ ભરૂચના પારસી પરિવારના વંશજ રાહુલ રાજીવ ફિરોઝ ફરદૂન ગાંધી કૉંગ્રેસના અધ્યક્ષપદે આરૂઢ થઇ ચૂક્યા છે.એમનાં દાદી ઇન્દિરા નેહરુ સાથે દાદા ફિરોઝ ગાંધીના લગ્ન વૈદિક વિધિથી થયાં હતાં અને પિતા રાજીવ અને માતા સોનિયા માઈનોનાં લગ્ન પણ વૈદિક વિધિથી થયાની નક્કર ભૂમિકા પર પોતે ભગવાન શિવમાં શ્રદ્ધા ધરાવતા હોવાનું પ્રગટપણે કહે છે.વિહિંપ રાહુલની આ વાતને આવકારે છે. ભરૂચના ફરદૂન ગાંધી પરિવારના જ વંશજ અને ભાજપી સાંસદ ફિરોઝવરુણ સંજય ગાંધી ગમે ત્યારે ઠેકડો મારીને સગ્ગા પિતરાઈ રાહુલની વહેલમાં બેસે એવા સંજોગો આકાર લઇ રહ્યા છે.
૨૦૦ ટ્રસ્ટી-મતદારોમાંથી ૧૫૮ જણાનું સમર્થન
આવા નાજુક તબક્કે જ તમામ હિંદુઓના હિત માટે ૯૨ વર્ષ પહેલાં સ્થપાયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)માં રીતસર બળવાના સંજોગો પેદા થયા છે.જોકે સંઘ પરિવારની બોલકી સંસ્થા વિશ્વ હિંદુ પરિષદ(વિહિંપ:વીએચપી)ના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ (સુપ્રીમો)ની સામાન્ય રીતે સર્વાનુમતે થતી ચૂંટણી માટે આ વખતે ૨૯ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ ભુવનેશ્વરમાં મતદાન શરૂ થયું. વર્તમાન સુપ્રીમો ડૉ.પ્રવીણ તોગડિયા સાથે દેશ-વિદેશના ઉપસ્થિત ૨૦૦ ટ્રસ્ટી-મતદારોમાંથી ૧૫૮ જણાનું સમર્થન જોવા મળતાં મતદાન અધવચ્ચે જ અટકાવી દેવાયું. આગામી ત્રણ વર્ષ માટે ૬૨ વર્ષીય ડૉ.તોગડિયાને ફરી વર્તમાન હોદ્દે રાખવા પડ્યા છે.વિહિંપની આ ચૂંટણી માટેની બેઠકમાં સંઘના સરકાર્યવાહ(મહામત્રી) અપેક્ષિત નથી હોતા છતાં સરકાર્યવાહ ભૈયાજી જોશી હાજર રહ્યા અને છેલ્લી ઘડી સુધી ચૂંટણી ટાળવાના પ્રયાસો કરવાની કોશિશ કરી.અગાઉ તેમણે ડૉ.તોગડિયાને મળીને બોકારોના ૭૯ વર્ષના વિહિંપના ઉપાધ્યક્ષ જગન્નાથ સાહીને આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષપદે પ્રસ્તાવિત કરી જોયા. ડૉ.પ્રવીણભાઈએ ખસી જવાને બદલે ચૂંટણી લડવાની ઈચ્છા જાહેર કરી એટલે ચૂંટણી માટે નવું નામ આવ્યું: ઇન્દોરના વિહિંપના ઉપાધ્યક્ષ જસ્ટિસ વી.એચ.કોગજેનું. એ પૂર્વે મુંબઈના વિહિંપના ઉપાધ્યક્ષ અશોક ચૌગુલેનું નામ વિચરણામાં આવ્યું,પણ એમણે ડૉ.તોગડિયા સામે ચૂંટણી લડવાનો નન્નો ભણ્યો. વિહિંપમાં સંઘના લગભગ ૯૦ પ્રચારકો નિયુક્તિ પામે છે.એમાંથી ૨૫ તો ટ્રસ્ટી-મતદાતા હોય છે.વિહિંપમાં નિયુક્તિ પામેલા બહુમતી પ્રચારકો પણ ડૉ.તોગડિયાને પક્ષે હતા. આવતા દિવસોમાં નાગપુરે સમાધાનની કોઈ ફોર્મ્યુલા આગળ કરીને ભાજપની ડૂબતી નૈયાને ૨૦૧૯માં બચાવી લેવા પહેલ કરવી પડશે, અન્યથા આતંકવાદીઓના ટાર્ગેટ રહેવા છતાં પરિષદના કામને નીડરતાથી આગળ વધારી રહેલા અને યુપીએ સરકારના વખતથી ઝેડ-પ્લસ સિક્યોરિટી હેઠળના આ ફાયરબ્રાન્ડ નેતા ડૉ.તોગડિયા કોઈ આસમાની સુલતાનીને જરૂર આકાર આપી શકે છે.
જયચંદ્ર કે મીરજાફર જેવા દગાખોર
ભારતીય ઇતિહાસના અભ્યાસીઓ સુપેરે જાણે છે કે હિંદુ રાજાઓના આપસી સંઘર્ષ કે યાદવાસ્થળીના પ્રતાપે જ સદીઓ સુધી ભારત ગુલામ રહ્યું. સત્તા માટેના સંઘર્ષમાં કોણ ક્યારે જયચંદ્ર કે મીરજાફર જેવા દગાખોર બને એ કહેવું મુશ્કેલ છે. ૧૯૨૫માં કૉંગ્રેસી ક્રાંતિકારી નેતા ડૉ.કેશવ બલિરામ હેડગેવારે સ્થાપેલા હિંદુવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ) થકી ભારતભૂમિના તમામ હિંદુઓના સંગઠને ઐક્યને મજબૂત બનાવવાનો સંકલ્પ કરાયો હતો. એમણે સંઘ કોઈ એક રાજકીય પક્ષની ઝોળીમાં નાંખવાનું પસંદ કર્યું નહોતું. ૧૯૫૧માં સંઘના દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકર(ગુરુજી)ની પ્રેરણાથી હિંદુ મહાસભાના કાર્યાધ્યક્ષ રહેલા અને પંડિત જવાહરલાલ નેહરુની કૅબિનેટમાં ઉદ્યોગ પ્રધાન રહેલા ડૉ.શ્યામાપ્રસાદ મુકરજીના અધ્યક્ષપદે ભારતીય જનસંઘની સ્થાપના થઈ હતી. ૧૯૬૪માં ગુરુજી તથા વિવિધ ધર્મના સંતો-મહંતો તેમજ ક. મા. મુનશી જેવા હિંદુવાદી કૉંગ્રેસી નેતાઓના પ્રયાસો થકી મુંબઈમાં સ્વામી ચિન્મયાનંદના પવઇ આશ્રમમાં વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી)ની સ્થાપના થઈ. સંઘના પૂર્ણકાલીન પ્રચારકો જનસંઘ- ભાજપ અને વીએચપીમાં નિયુક્ત થતા રહ્યા. સંઘનું વટવૃક્ષ વિકસતુ ગયું.
હિંદુવાદીઓમાં સત્તાનો કેફ
૧૯૮૦માં જનતા પક્ષમાંથી છૂટા થયેલા સંઘના સ્વયંસેવકો અને બીજા નેતાઓએ ભારતીય જનતા પક્ષ (બીજેપી)ની સ્થાપના કરી. સમયાંતરે સંઘની સાંસ્કૃતિક ઓળખ સાથે ભાજપની રાજકીય ઓળખ એકાકાર થવા લાગી. ૧૯૯૬માં સંઘ પ્રચારક રહેલા ભાજપી નેતા અટલ બિહારી વાજયેપી પહેલી વાર વડા પ્રધાન બન્યા, પણ એ પછીય ૨૦૦૪ લગી ત્રુટક ત્રુટક મિત્રપક્ષોના ટેકાથી એ વડા પ્રધાન રહ્યા. મે ૨૦૧૪માં સંઘના પ્રચારક રહેલા ભાજપી નેતા નરેન્દ્ર મોદી લોકસભામાં ૫૪૩માંથી ભાજપની ૨૮૨ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવીને વડા પ્રધાન બન્યા ત્યારે સમગ્રપણે હિંદુ પરિવાર સમા સંઘ પરિવારમાં ઘેરઘેર લાપસીનાં આંધણ મૂકાયાં હશે. એ પહેલાં ગુજરાત સહિતનાં રાજ્યોમાં ભાજપની સરકારો હતી, પણ મોદીના કેન્દ્રમાં રાજ્યારોહણ પછી તો સમગ્ર દેશમાં ભાજપનો ભગવો લહેરાવા માંડ્યો. જો કે આ બધા પાછળ સંઘ પરિવારનાં પાંચસો સંગઠનોના લાખો નિષ્ઠાવંત કાર્યકરોનું યોગદાન હતું, પણ સત્તાનો કેફ હિંદુવાદીઓમાં આશા-અપેક્ષાનાં વરવા દૃશ્ય સર્જે એ સ્વાભાવિક છે. સત્તામાં સહભાગિતાની સાથે જ અધૂરા રહેતા વચન-અમલીકરણે આજે સમગ્રપણે સંઘ પરિવારમાં ખટરાગ સર્જ્યો છે. અત્યાર લગી શિસ્ત જળવાતી હતી, એની આમન્યા તૂટવા માંડી છે. ભાજપની નેતાગીરીમાં સંઘની આમન્યાની ઔપચારિકતા ભલે જળવાતી હોય, પણ ગમે ત્યારે જ્વાળામુખી ફાટી નીકળે તેવી સ્થિતિ છે.
વિહિંપના નેતા ડૉ.તોગડિયાના ધડાકા
ભાજપ માટે સંઘ પરિવારમાંથી આક્રમક રીતે કામ કરનાર વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી)ના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ ડૉ.પ્રવીણ તોગડિયાએ કેન્સર સર્જન તરીકેની ધીકતી પ્રૅક્ટિસનો વીંટો વાળીને આયખુ સંઘ પરિવારને સમર્પિત કર્યું છે. વીએચપીના ફાયરબ્રાન્ડ નેતા તરીકેની છબિ દેશ અને દુનિયામાં ઉપસાવી છે. છેક ૧૯૯૬ની ૨૦ મેના રોજ એ વેળાના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના જાહેર અભિવાદન માટે અમદાવાદમાં સ્ટેડિયમ પર યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના વયોવૃદ્ધ નેતા આત્મારામ પટેલનું ધોતિયું ખેંચી કઢાયાના ઘટનાક્રમ અંગે ડૉ.તોગડિયા સહિત ૩૯ જણા વિરુદ્ધ નૉન-બેલેબલ વૉરંટ નીકળ્યાની ઘટનાએ સંઘ પરિવારના આંતરકલહને એકદમ સપાટી પર લાવી દીધો છે. ડૉ.તોગડિયા મૂળ સૌરાષ્ટ્રના પટેલ છે. ભાજપના મોવડીમંડળના કહ્યાગરા બનીને રહે તેવા નથી. એમને આટલાં વર્ષોમાં કોઈ સમન્સ પાઠવાયું નથી અને સીધું જ નૉન-બેલેબલ વૉરંટ ઈશ્યુ થતાં, એ અદાલતમાં હાજર થયા અને વૉરંટ રદ તો કરાયું. ડૉ.તોગડિયાએ મીડિયાને કહ્યું કે મને જેલમાં નાંખવાના વ્યૂહ પાછળ કોનું કારસ્તાન છે, એ મુખ્યપ્રધાન રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ અને ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા શોધી કાઢે. એક પ્રકરણ પત્યું નહોતું અને રાજસ્થાન પોલીસ ડૉ.તોગડિયાને એક કેસમાં પકડીને લઇ જવા આવી.દાળમાં કંઈક કાળું લાગતાં ડૉ.તોગડિયા અલોપ થઇ જવાનું પ્રકરણ બન્યું.એ હોસ્પિટલમાં દાખલ થયા.એમના ખબર પૂછવા ભાજપના સાંસદ રહેલા સંઘનિષ્ઠ રાજેન્દ્રસિંહ રાણા સિવાય બીજા નેતાઓ ફરક્યા નહીં.કોંગ્રેસના નેતા અર્જુનભાઈ મોઢવાડિયા,પાસના નેતા હાર્દિક પટેલ, એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે બહુચર્ચિત ડી.જી.વણઝારા સહિતના આવ્યા.પરિષદના અધ્યક્ષ રાઘવ રેડ્ડી સહિત પરિષદના કાર્યકરો અને અગ્રણીઓ તો હતાજ.ગુજરાતમાં ઠેરઠેર રસ્તા રોકો થયું,પણ પરિષદના આયોજન મુજબ ના થયું.જેમને ડૉ.તોગડિયાએ ઉછેરેલા એવા ભાજપી નેતા અને મંત્રીઓનું વલણ પણ બદલાયેલું લાગ્યું. એક સમયનો સર્વમાન્ય નેતા જાણે કે ઓશિયાળો બની ગયો ! સોશિયલ મીડિયામાં સત્તા સાથે રહેવા ઈચ્છુકોએ તો એમણે કોંગ્રેસી અને પાકિસ્તાની ગણાવવા સુધી જવાની ગુસ્તાખી કરી.આ બધો ઘટનાક્રમ પાછો વડાપ્રધાન મોદી ઇઝરાયલી વડાપ્રધાન નેતાન્યાહુ સાથે અમદાવાદ પધારે એ જ ગાળામાં થાય છે.આવતા દિવસોમાં વધુ ધડાકા અપેક્ષિત છે. ઓછામાં પૂરું ડૉ.તોગડિયા કહે છે કે જીએમડીસી ગ્રાઉન્ડ પર પટેલોની ઐતિહાસિક રેલી પત્યા પછી પોલીસ અત્યાચારોનો આદેશ એ વેળાનાં મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે આપ્યો નહોતો, પણ ઉપરથી આવ્યો હતો. એ જ રીતે પોતાનું મોઢું બંધ કરવા માટેના પ્રયાસોના ભાગરૂપ ધોતિયાકાંડ સંદર્ભે નૉન-બેલેબલ વૉરંટની વ્યવસ્થા થયાનું સ્પષ્ટ કહીને તેમણે ઇશારો ભાજપના મોવડીમંડળ ભણી કર્યો હતો. આવતા બે મહિનામાં ડૉ.તોગડિયાને મનાવી લેવામાં ના આવે તો તેઓ વધુ ધડાકા કરે એવી અપેક્ષા છે.
વચન પાળવા ભીંસ વધારી
વિહિંપ અને ડૉ.તોગડિયા વિરુદ્ધ ભાજપના ‘ગોબેલ્સ’ કામે વળ્યા હોવાની વાત એ કરે છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે વિહિંપ થકી સક્રિયપણે કામ કરવામાં આવ્યા ઉપરાંત ડૉ.તોગડિયાએ સરસંઘચાલક ડૉ.મોહનજી ભાગવત સમક્ષ પોતે પણ ચૂંટણી સભાઓ સંબોધવાની તૈયારી દર્શાવ્યાનું સ્પષ્ટ કર્યું હતું. જોકે જે વચનો આપીને ભાજપ સત્તામાં આવ્યો છે એ વચનોનું પાલન કેમ થતું નથી એવા સવાલો ઊભા કરીને એમણે મોદી સરકાર પર ભીંસ વધારી છે. (૧) બંધારણમાં સમાન નાગરી ધારાના અમલનો નિર્દેશ છે અને સર્વોચ્ચ અદાલતે પણ અનેક ચુકાદાઓમાં એ માટે કેન્દ્ર સરકારને કહેવા છતાં સમાન નાગરી ધારાને બદલે કેન્દ્ર સરકાર ત્રિપલ તલાકને પ્રતિબંધિત કરવાનું અધકચરું પગલું કેમ ભરવા પ્રયત્નશીલ છે? સમાન નાગરી ધારા જેવો સિવિલ કોડ ગોવામાં પોર્ટુગીઝ સમયથી અમલી છે અને એના રાષ્ટ્રીયસ્તરે અમલથી આપમેળે બહુપત્નીત્વ અને ત્રિપલ તલાકનો પ્રશ્ન હલ થઈ જશે. (૨) ભાજપના વચન છતાં લોકસભામાં બહુમતી મળ્યા પછી પણ અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે સંસદમાં કાયદો કેમ કરાતો નથી? (૩) જમ્મુ-કાશ્મીર અને કેન્દ્રમાં ભાજપ સત્તામાં હોવા છતાં વિસ્થાપિત કાશ્મીરી પંડિતોને રાજ્યમાં ફરી વસાવવાની દિશામાં ત્રણ-ત્રણ વર્ષથી કેમ કોઈ પગલાં ભરાતાં નથી? (૪) જમ્મૂ-કાશ્મીરને અલગ રાખનારી બંધારણની કલમ ૩૭૦ને કેમ દૂર કરવામાં આવતી નથી? (૫) દેશમાંના ૨૦ કરોડ બેકારો અને ગુજરાતના ૩૦ લાખ બેકારોને રોજગાર આપવાની દિશામાં પગલાં કેમ લેવાતાં નથી? (૬) ડૉ.એમ. એસ. સ્વામિનાથન્ સમિતિએ સૂચવ્યા મુજબ, ખેડૂતોને ખેતઉત્પાદનના ખર્ચાની દોઢી રકમ ચૂકવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કેમ કાંઈ કરતી નથી? (૭) સંઘના દ્વિતીય સરસંઘચાલક શ્રી માધવ સદાશિવ ગોળવળકર (ગુરુજી)ના સ્વપ્નનો ગોવંશ હત્યાનિષેધ કાયદો કેમ થતો નથી? આ બધા પ્રશ્નોનો મારો વડાપ્રધાન મોદી ભણી છે એ તો સ્પષ્ટ જ છે.જોકે મોદી સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ૨૦૨૨ સુધીમાં બંધ કરવાની હજ માટેની સબસીડી ૨૦૧૮ની હજ પછી બંધ કરવાનો નિર્ણય કર્યો, એને હોસ્પિટલના બિછાનેથી તોગડિયાએ આવકાર્યો ખરો; પણ ભાંગેલા મોતી પર રેણ નિરર્થક હોય છે. ઈ-મેઈલ : haridesai@gmail.com (૧૭-૧-૨૦૧૮)
No comments:
Post a Comment