Wednesday, 24 January 2018

Mevani aspiring to be Dr.Ambedkar using Bheem Koregaon Episode as Stepping-stone

ચકલી નાની ને ફૈડકો મોટો : ભીમા કોરેગાંવકાંડથી ડૉ.આંબેડકર થવાની મેવાણીની મહેચ્છા
Dr.Hari Desai’s Weekly Column in Gujarat Samachar (London), Gandhinagar Samachar (Gandhinagar), Sanj Samachar (Rajkot), Sardar Gurjari (Anand), Gujarat Guardian ( Surat), Hamlog (Patan) and Jansetu (Palanpur). Please read the full-text here or on blog : haridesai.blogspot.com and send your comments
ચકલી નાની ને ફૈડકો મોટો : ભીમા કોરેગાંવકાંડથી ડૉ.આંબેડકર થવાની મેવાણીની મહેચ્છા
ડૉ. હરિ દેસાઈ
·         આંદોલનકારી યુવાત્રિપુટીએ ગુજરાતની પ્રજાને ઢંઢોળી, પણ હવે અલોપ થઇ નિદ્રાવશ રાખે તો  ચિંતા
·          હિંદુવાદીઓની નવપેશવાઈને ખતમ કરવાની ઘોષણાઓ અને મોદી વિશે અવિવેકી ભાષાનો ઉપયોગ
·         સમાજના રાષ્ટ્રીય નેતા બનવા માટે બાબાસાહેબની જેમ જ વર્ષો સુધી ચળવળ ચલાવવાની ધીરજ ખપે
·         જીગ્નેશને જીતાડવા ટેકો આપનાર બાળાસાહેબ આંબેડકરને નવનિર્વાચિત ધારાસભ્યની ટીકાનો છોછ નથી

ગુજરાતીમાં એક કહેવત છે: “ઉતાવળે આંબા ના પાકે”. ગુજરાતની યુવા નેતાગીરીને રાતોરાત ટોચ પર પહોંચીને સત્તાપરિવર્તન અને વ્યવસ્થા પરિવર્તનના અભરખા જાગેલા જણાય છે. અનામત દૂર કરો અથવા પાટીદારોને અન્ય પછાત સમાજ(ઓબીસી)માં સમાવી અનામતના લાભ મળે તે માટે સરકારી નોકરી અને શિક્ષણમાં જોગવાઈ કરી આપોએવી માંગણી સાથે હવે ૨૪ વર્ષના થયેલા હાર્દિક પટેલવાળું પાટીદાર આંદોલન શરૂ થયું. ઓબીસી અનામતમાં પટેલો કે અન્ય ઉજળિયાત ભાગ પડાવે એ સામે વિરોધ કરવા ઓબીસી અનામતના સમાજોમાંથી ૪૫ વર્ષીય અલ્પેશ ઠાકોરના નેતૃત્વમાં ઠાકોર સેનાનું આંદોલન પ્રગટ્યું. ઊનામાં દલિતો પરના અત્યાચારના મુદ્દે, થાનગઢ દલિત હત્યાકાંડના અપ્રગટ રહેલા સંજય પ્રસાદ અહેવાલથી અકળાયેલા દલિત સમાજને આગળ કરીને, ડાબેરી વિચારક અને ધારાશાસ્ત્રી એવા ૩૫ વર્ષના જીજ્ઞેશ મેવાણીએ દલિત આંદોલન આરંભ્યું. જોકે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી ટાણે, ૨૨ વર્ષથી સત્તાના ભોગવટાનો આફરો અનુભવતા ભારતીય જનતા પક્ષને પાડી દેવામાટે, આ ત્રણ આંદોલનની યુવાત્રિપુટી મેદાને પડી. વર્ષોના સત્તા વનવાસથી હારેલી-થાકેલી કૉંગ્રેસને લાગ્યું કે આંદોલનત્રિપુટીનો લાભ લઈને એ ગાંધીનગરની સત્તા કબજે કરી લેશે. ડિસેમ્બર ૨૦૧૭ની આ ચૂંટણીનાં પરિણામોએ ભાજપની સાન ઠેકાણે લાવવાની સાથે જ કૉંગ્રેસને સત્તાની ખાસ્સી નજીક લાવી મૂકી.
આંદોલનકારી યુવા ત્રિપુટીએ ગુજરાતની પ્રજાને ઢંઢોળી એ તો કહેવું જ પડે, પણ પ્રજાને કાયમ માટે જાગતી રાખશે કે હવે અલોપ થઇ નિદ્રાવશ રાખશે, એ મહાપ્રશ્ન છે. હાર્દિકની વય ચૂંટણી લડવા માટેની ન્યૂનતમ ૨૫ વર્ષ નહોતી એટલે એ હવે ના ના કરતાં લોકસભાની ચૂંટણી લડે તો નવાઈ નહીં. બીજા બે આંદોલનકારીમાંથી અલ્પેશ કૉંગ્રેસમાં જોડાઈને અને જીજ્ઞેશ કૉંગ્રેસના ટેકે ચૂંટણી લડીને વિધાનસભે પહોંચ્યા છે. હવે એમની અગ્નિપરીક્ષા થવાની છે.
નાછૂટકે જ બંધારણનો ભંગ થાય તેવાં આંદોલન
ચૂંટણી પૂરી થતાં જ આંદોલનોનો ઊભરો શમી ગયો. હવે નવેસરથી આંદોલનની તૈયારીઓ થશે ત્યારે યુવા આંદોલનકારીઓને કેવો પ્રતિસાદ મળશે, એના વિશે શંકા-કુશંકા વ્યક્ત થાય છે.આ જ  સમયગાળામાં વડગામથી કૉંગ્રેસના ટેકે અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને હજુ તો શપથ પણ લીધા નહોતા ત્યાં મેવાણી પોતાને ભારતમાં સામાજિક ન્યાયના પ્રણેતા એવા મહામના બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરનો નવઅવતાર માનવા માંડ્યા લાગે છે.થનગનભૂષણ મેવાણીએ પુણેના શનિવારવાડાની ભીમા કોરેગાંવ યુદ્ધનાં બસ્સો વર્ષની ઉજવણીની જનસભામાં ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને હિંદુવાદીઓની કથિત નવપેશવાઈને ખતમ કરવાની ઘોષણાઓ કરવા માંડી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે અવિવેકી ભાષાનો ઉપયોગ કરીને તેમને પડકારવાની કોશિશો આરંભી. વ્યવસાયે વકીલ હોવાથી કાયદાકીય છટકબારીઓ એ જાણે છે, પરંતુ સમગ્ર દેશના માન્યવર દલિતનેતા બની જવાની આકાંક્ષા સાથે જીજ્ઞેશ હૂંકાર ભણવા માંડે ત્યારે જરા વિનોદ અનુભવાય છે.
મેવાણીનો  દાવો તો એટલે સુધી હતો કે ભાજપને એના ૧૫૦ પ્લસના ઈરાદામાં નિષ્ફળ બનાવીને માત્ર ૯૯ બેઠકોમાં સીમિત કરી દેવા માટે જાણે પોતે જ જવાબદાર છે. ભાજપના કેટલાક નેતાઓ છાસવારે નંબર વનની ઘોષણાઓ અને ગર્જનાઓ કરીને તાળીઓ પડાવે છે, એનું જ અનુસરણ મેવાણી કરતા હોય એવું વધુ લાગે છે. જોકે ભાજપ પાસે તો વિશાળ સભ્યસંખ્યા અને સંઘ પરિવારનું પીઠબળ છે, પણ વડગામ મતવિસ્તારમાં કૉંગ્રેસનો ટેકો અને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બહુમતી મુસ્લિમ મત ધરાવતા આ મતવિસ્તાર માટે કાણોદરમાં ચૂંટણી સભા ના કરી હોત તો આ જીજ્ઞેશ મેવાણીનો ગરબો પણ ઘેર જ આવત.
છોટે આંબેડકર બનવા નીકળેલા જીજ્ઞેશ  ડાબેરી
ચકલી નાની ને ફૈડકો મોટોએ કહેવતને સાર્થક કરતા હોય એ રીતે ગુજરાતમાં હજુ કૉંગ્રેસના ટેકે માંડ જીતેલા મેવાણી રાષ્ટ્રીય ફલક પર છવાઈ જવા થનગને છે. ડૉ.આંબેડકર સંગઠિત થાઓ, શિક્ષિત થાઓ અને સંઘર્ષ કરોએ સૂત્ર આપીને બંધારણીય માર્ગે જ પોતાના દલિત સમાજ અને બીજા સમાજોને સામાજિક ન્યાય અપાવવાના પક્ષધર હતા. નાછૂટકે જ ગેરબંધારણીય રસમો અપનાવવાના સમર્થક હતા. કોમ્યુનિસ્ટોના ડાબેરી વિચાર સામે બાબાસાહેબનો વિરોધ હતો. એમણે તો કાયદો તોડીને સત્યાગ્રહ સહિતની ગાંધીજીના નેતૃત્વમાં ચલાવાયેલી ચળવળોનો પણ વિરોધ કર્યો હતો. છોટે આંબેડકર બનવા નીકળેલા જીજ્ઞેશ તો ડાબેરી છે. કોમ્યુનિસ્ટોને હિંસાનો છોછ નથી હોતો.
સમાજના રાષ્ટ્રીય નેતા બનવા માટે ડૉ. આંબેડકરની જેમ જ વર્ષો સુધી ચળવળ ચલાવવાની ધીરજ જોઈએ, માત્ર સોશિયલ મીડિયાના ટેકે ફટાફટ રાષ્ટ્રીય નેતા થઇ જવાનું અશક્ય છે. ગાંધીજી અને આંબેડકર માત્ર વાતોનાં વડાં કરીને લોકોને સત્તાધીશો સામે ઉશ્કેરવાને બદલે વિશદ્ અભ્યાસ પછી તર્કબદ્ધ રજૂઆતથી પ્રશ્નો ઊકેલાવવા માટે જાણીતા હતા. ઓછામાં પૂરું એ વેળા લડત વિદેશી શાસકો સામે હતી.
પૂણેરીવિવાદ પાછળ જમીન હસ્તગત કરવાનું ભેજું
પૂણેના બ્રાહ્મણ પેશવાઈ શાસન દરમિયાન દલિતોની દુર્દશા અને માણસ તરીકે તેમને ગણવાની પણ સત્તાધીશોની તૈયારી નહીં હોવાને કારણે જ દલિતોમાંની માર્શલ રેસના મહાર અંગ્રેજોના લશ્કરમાં જોડવા પ્રેરાયા હતા. ૧૮૧૮ની પહેલી જાન્યુઆરીએ, પેશવાની સેનામાં પણ મહાર અને આરબ સૈનિકો હોવા છતાં, તેમની સામે અંગ્રેજોના ભીમા કોરેગાંવ યુદ્ધમાં બ્રિટિશરોને મહારોના સાથને કારણે જ પેશવાનો પરાજય થયો હતો. વર્ષોથી દલિતો ૧ જાન્યુઆરીને શૌર્ય દિવસ તરીકે મનાવે છે પુણેના ૨૬૩ એકરના વિસ્તારમાં આવેલા વિજયસ્તંભ પર આવીને દલિત-દલિતેતર પોતાના પૂર્વજોની સ્વાભિમાન ખાતર શહીદી અને શૌર્યને વંદન કરે છે. આ વર્ષે એ સ્મૃતિદિનનાં ૨૦૦ વર્ષની ઉજવણી માટે હજારોને બદલે લાખો શ્રદ્ધાળુ આવ્યા. કેટલાકે શૌર્ય દિનની ઉજવણીનો વિરોધ કર્યો અને કેટલીક અથડામણોની કમનસીબ ઘટના બની. સંકેત એવા મળે છે કે આ સ્મારકની મહાર સમાજના ટ્રસ્ટને અધીન વિશાળ જમીન હસ્તગત કરવા અમુક તત્વોએ વિવાદને જન્મ આપ્યો. જોકે શનિવારવાડા પર જે સભા થઇ એમાં કોઈ હિંસક અથડામણ સર્જાઈ નહોતી, પણ મેવાણી સહિતનાએ પોતાની નેતાગીરી ચમકાવવા એ સભાનો ઉપયોગ જરૂર કર્યો.
દલિતોની એકતામાં ફાચર મારતા શરદ પવાર
સ્વતંત્ર ભારતની પ્રથમ નેહરુ સરકારમાં ગાંધીજીના આગ્રહથી ડૉ. આંબેડકરને કાયદા પ્રધાન બનાવાયા. એમણે બંધારણ સભા અને સરકારમાં મહામૂલું યોગદાન કર્યું તો ખરું, પણ છેવટે રાજીનામું આપીને વિપક્ષની પાટલીએ બેઠા. ડૉ. આંબેડકરના સ્વપ્નની રિપબ્લિકન પાર્ટી સ્થાપવાની કલ્પના ૧૯૫૬માં એમના મૃત્યુ પછી છેક ૩ ઓક્ટોબર ૧૯૫૭ના રોજ મુંબઈમાં સાકાર થઇ.મહારાષ્ટ્રમાં રિપબ્લિકન પાર્ટી સમયાંતરે અલગ અલગ ફિરકાઓમાં વિભાજીત થતી રહી. દલિત અને મુસ્લિમોની એકતાનો પ્રયાસ સતત થતો રહ્યો, પણ એ ય દેડકાંની પાંચ શેરી જેવો જ ખેલ રહ્યો. દલિત નેતા કાંશીરામ થકી બહુજન પાર્ટી સ્થાપવામાં આવી, પણ એનાં માયાવતી મુખ્ય પ્રધાન થવા માટે ભાજપ અને મુલાયમની સમાજવાદી પાર્ટી સાથે સમજૂતી કરતાં રહ્યાં. વચ્ચે નામચીન દાણચોર હાજી મસ્તાને પણ દલિત-મુસ્લિમ એકતાના નારા સાથે પક્ષ સ્થાપીને મુંબઈમાં શિવસેના સાથે ગોઠવણ કરી જોઈ. શિવસેનાને મેયરપદ માટે મસ્તાન પાર્ટીના પાંચ નગરસેવકોનો ટેકો મળતો રહ્યો. ૧૯૮૪માં ભાજપ અને શિવસેનાની યુતિ થઇ એ પહેલાં અને પછી કૉંગ્રેસ અને વિપક્ષ વચ્ચે દલિતોને પોતાને પડખે લેવાની સ્પર્ધા ચાલતી રહી.
૧૯૮૯માં મહારાષ્ટ્રમાં દલિતોના વિવિધ ફિરકાઓની રાજકીય એકતા વડા પ્રધાન વી. પી. સિંહ થકી રાજ્યસભે મોકલાયેલા ડો. આંબેડકરના પૌત્ર એડવોકેટ પ્રકાશ ઉર્ફે બાળાસાહેબ આંબેડકરના પ્રયાસોથી સધાઈ તો ખરી, પણ કોંગ્રેસી મુખ્ય પ્રધાન શરદ પવારે રામદાસ આઠવલેને પ્રધાનપદ આપી એમાં ફાચર મારી. ફરીને ૧૯૯૫માં દલિતોનું ઐક્ય જોવા મળ્યું, પણ અહીં ફરી પવાર આઠવલેને ઉપાડી ગયા. આજે આ જ આઠવલે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારમાં રાજ્ય પ્રધાન છે. બિહારના દલિત નેતા રામવિલાસ પાસવાન પણ અગાઉ કૉંગ્રેસ સાથે ઘર માંડીને કેન્દ્રમાં પ્રધાન હતા, આજે ભાજપ સાથે ઘર માંડીને મોદી સરકારમાં પ્રધાન છે. વર્તમાન સંજોગોમાં દલિતોની ૨૨ ટકા જેટલી વોટબેંક અંકે કરવા માટે, અનામત પ્રથા અપાવીને દલિતો અને પછાતોનું કલ્યાણ કરનાર ડૉ. આંબેડકરનું નામ લેવાનું તમામ પક્ષો પસંદ કરે છે, પણ દલિતો ઠેરના ઠેર હોવાનો માહોલ છે. હજુ પ્રકાશ આંબેડકર દલિત રાજકીય એકતા માટે પ્રયત્નશીલ છે. એમણે મેવાણીને વિજયી બનાવવા સમર્થન આપવાનું પણ પસંદ કરેલું, પણ તાજા ઘટનાક્રમમાં મેવાણીના અટકચાળામાં એમને નરી બાલિશતા અનુભવાતાં એની ટીકા કરવાનું પણ એ ચૂક્યા નથી.માત્ર વિવાદાસ્પદ નિવેદનો કરવાથી રાષ્ટ્રીય નેતા ના થઇ જવાય અને પોતાનું ગજું મોટું કરવા માટે સમાજમાં નક્કર યોગદાન કરવા જેટલી પરિપક્વતા કેળવવી પડે એ વાતને મેવાણીએ ગૂંજે બાંધવાની જરૂર ખરી.

ઈ-મેઈલ : haridesai@gmail.com                                            (૧૯ જાન્યુઆરી ૨૦૧૮ )

No comments:

Post a Comment