Wednesday 10 January 2018

Gujarat to have Shadow Ministry

છાયા પ્રધાનમંડળ : કામનું કે નામનું?
ડૉ.હરિ દેસાઈ
યુ.કે.,કૅનેડા અને ઑસ્ટ્રેલિયાની જેમ વિપક્ષીનેતા થકી ખાતાંફાળવણી

ભારતીય બંધારણ ભલે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવાની વાત કરે, ગુજરાતના રાજકીય નેતાઓ તો ભૂવાઓ ધૂણાવવા અને દેવ-દેવીઓનાં દર્શનથી  પ્રજાને પ્રભાવિત કરવાની કોશિશમાં રમમાણ છે.. ચૂંટણી ડિસેમ્બર ૨૦૧૭માં યોજાઈ અને પરિણામ પણ ૧૮ ડિસેમ્બરે જાહેર થઇ ગયું હતું. કુલ ૧૮૨ સભ્યોની વિધાનસભામાં ભાજપએ ૧૫૦ પ્લસ મેળવીને ૧૯૮૫નો માધવસિંહનો ૧૪૯નો વિક્રમ તોડવો હતો,પણ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની ગાંધીગીરી ગુજરાતની પ્રજા પર કામણ કરી ગઈ.ભાજપને માત્ર ૯૯ બેઠક મળી અને કોંગ્રેસને ૭૭. શંકરસિંહ પરિબળ પણ લુપ્ત થઇ ગયું એ છોગામાં. હવે મકરસંક્રાંતિ (૧૪ જાન્યુઆરી) પછી જ કમૂરતાં ઉતરતાં વિધાનસભામાં નવા સભ્યોનો શપથવિધિ વિધાનસભાના હંગામી અધ્યક્ષ શુભ મુહૂર્તમાં જ કરાવશે. રાજ્ય સરકારના પ્રધાનમંડળનો શપથવિધિ કમૂરતાંમાં થતાં અત્યારથી કમઠાણ બહાર આવવા માંડ્યાથી સત્તારૂઢ ભાજપ અને વિપક્ષી કોંગ્રેસ બેઉને સ્વપ્નમાં પણ ૧૯૯૫નો ઘટનાક્રમ તગે છે. ઓછામાં પૂરું ૨૦ મે ૧૯૯૬નો ધોતિયાકાંડ પણ હમણાં ગાજતો  થયો  છે. નવી વિધાનસભા મહાત્મા મંદિરમાં મળવાની શક્યતા છે, કારણ હજુ વિઠ્ઠલભાઈ ભવનના સ્વરૂપાંતરનું કામ અધૂરું છે. ગયા ઑગસ્ટમાં બે દિવસ માટે વિધાનસભા મહાત્મા મંદિરમાં મળી હતી. અત્યારે વિધાનસભાના વિદાય લેનારા અધ્યક્ષ રમણલાલ વોરા અને વિધાનસભા સ્ટાફ સ્વર્ણિમ સંકુલ-૨માં હંગામી ધોરણે બેસે  છે. રમણલાલ માટે તો “ઘરનો દાઝ્યો વનમાં ગયો તો વનમાં લાગી આગ” જેવો ઘાટ થયો છે. ઇડર છોડીને દસાડા ગયા અને ત્યાં એક સાવ નવલોહિયા નૌશાદ સોલંકીએ તેમને હરાવ્યા ને પાછું ઇડરમાં તો સુપરસ્ટાર હિતુ કનોડિયાએ ભગવો લહેરાવ્યો !

આ વખતે વિપક્ષ મજબૂત થયો છે એટલું જ નહીં, હવે સત્તારૂઢ પક્ષની  શરણાઈના તાલે નર્તન કરવાના ગઈ વિધાનસભાના ઈતિહાસને બદલવા એ પણ કૃતસંકલ્પ જણાય છે. ભાજપના મોવડીમંડળ થકી મુખ્ય મંત્રી વિજય રૂપાણી સરકારના મંત્રીઓનાં ખાતાંનું વિતરણ થયા પછી પણ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે ત્રાગું કરીને નાણા ખાતું મેળવ્યું. એ પછી સૌરાષ્ટ્રની ૨૫ જેટલી બેઠકો પર અસર કરી શકવા સક્ષમ એવી કોળી વૉટબૅન્કના અગ્રણી અને રાજ્ય પ્રધાન પરસોત્તમ સોલંકી રૂસણે બેઠા અને સત્તાપક્ષના બંબાવાળા(ફાયર ફાઈટર) શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એમની “લાગણી” સમજી લીધી. વધુ પ્રધાનો કે ધારાસભ્યો વટકે એ પહેલાં મોવડીમંડળે કોણ જાણે કઈ ગોળી પીવડાવી કે સોલંકી તો શાંત થઇ ગયા, પણ બીજા ય એકદમ પક્ષનિષ્ઠાની દુહાઈ દેવા માંડ્યા. હવે વારો કોંગ્રેસનો હતો.રાજકીય મહેચ્છા પ્રત્યેકની હોય જ, પણ પ્રજાની  સેવા માટે અમુક ખાતું કે વિપક્ષનું નેતાપદ જ ખપે,એ ફોર્મ્યુલાની આ વખતે ઝાકમઝોળ છે. ત્રણ ત્રણ મુદતથી ચૂંટાતા રહેલા અમરેલીના ૪૧ વર્ષીય પરેશ ધાનાણી માત્ર પટેલ હોવાને કારણે જ નહીં, પણ સરકાર સામે બાથ ભીડવામાં વડીલો અને યુવા ધારાસભ્યોને સાથે રાખીને કાર્યરત રહી શકે એમ હોવાને કારણે પક્ષના હાઇકમાન્ડે, ધારાસભ્યોનો મત જાણીને, તેમને વિપક્ષના નેતા જાહેર કર્યા એટલે સાંસદ રહી ચૂકેલા કોળી આગેવાન કુંવરજી બાવળિયા વટક્યા.એમણે તો ૨૦૧૯માં એટલેકે લોકસભાની ચૂંટણીમાં જોવાવાળી થવાનાં એંધાણ પણ આપી દીધાં.રાજ્યની અન્ય પછાત વર્ગ(ઓબીસી)ની ૪૦ ટકા વસ્તીમાં ૨૪ ટકા કોળી હોવા છતાં સમાજને ભાજપ અને કોંગ્રેસ બેઉ અન્યાય કરી રહ્યાની લાગણી વ્યક્ત કરવા સમાજના આગેવાનો મેદાને પડ્યા. ઘીના ઠામમાં ઘી પડ્યું રહેશે, છતાં પ્રત્યેક નેતા પોતાના મહત્વને પ્રસ્થાપિત કરવા સક્રિય હોય છે.સૌરાષ્ટ્રના વગદાર કોંગ્રેસી નેતા વિઠ્ઠલ રાદડિયાને ભાજપમાં લાવવા જે તરાહ અપનાવાઈ હતી, એવું જ અત્યારથી કોંગ્રેસી ધારાસભ્યોના રાજકીય શિકાર માટે પીંજરાં ગોઠવવામાં ચાલતું  હોવાની શક્યતા નકારી શકાય નહીં.

વેસ્ટમિન્સ્ટર સંસદીય પ્રણાલીને અનુસરતા યુ.કે.,કૅનેડા અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં સત્તાપક્ષ પ્રધાનમંડળ(કૅબિનેટ) રચે એવી જ રીતે બીજા ક્રમનો વિપક્ષ છાયા પ્રધાનમંડળ(શૅડો કૅબિનેટ) રચીને રીતસર પ્રત્યેક ખાતાના વિપક્ષના મંત્રી સાથેની છાયા સરકાર રચે છે.જે તે છાયા મંત્રીને અમુક ખાતાની સોંપણી થાય છે અને એમનું  સલાહકાર મંડળ વિવિધ નિષ્ણાતોને સમાવે છે. વિપક્ષ વૈકલ્પિક સરકાર રચવા માટેની સજ્જતા ધરાવે અને વર્તમાન સરકાર પર વૉચડૉગ તરીકે નિગરાની રાખી શકે એવી આ વ્યવસ્થા હકીકતમાં ભાજપ અને શિવસેનાએ ભૂતકાળમાં અમલી બનાવવાની કોશિશ હતી.જોકે એની ગંભીરતા બહુ જણાઈ નથી,પરંતુ  ગુજરાતમાં આ વખતે વિપક્ષ મજબૂત હોવાથી અને ૨૦૨૨માં સત્તાંકાક્ષી હોવાને કારણે આવા પ્રકારની શૅડો કૅબિનેટ રચવાનું વિપક્ષના નેતા ધાનાણીએ અમારી ચર્ચામાં સ્વીકાર્યું છે.રાજ્યમાં વિવિધ ૨૮ ખાતાં હોવાથી તેઓ ૨૮ ધારાસભ્યોને તેમના રસના વિભાગોની ફાળવણી કરીને ભાજપ સરકારની નીંદર હરામ કરવા પ્રયત્ન કરે એવી સંભાવના નકારી શકાય નહીં. શક્ય છે કે ધાનાણીની આ પરિકલ્પનાને પ્રારંભિક તબક્કામાં કેટલાક હસી કાઢે, પણ સરકારના વલણને વધુ પ્રજાલક્ષી બનાવવામાં એનું યોગદાન મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.વિધાનસભાની અંદર અને બહાર પ્રજાના પ્રશ્નોને વાચા આપવાના અભિગમ થકી રાજ્ય સરકાર પણ જાગતી રહે તો એકંદરે લાભ પ્રજાને જ થવાનો.છાયા પ્રધાનમંડળના માધ્યમથી માત્ર હાકલા અને દેકારા કરવાની વિરોધપક્ષની નીતિરીતિમાં આમૂલ પરિવર્તન આવી શકે.

સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે વિધાનસભામાં સંખ્યાબળની દ્રષ્ટિએ ઝાઝું અંતર ના હોવાથી બંને પક્ષ જાગતા રહે એ શક્યતા વધુ છે. રાજ્યસભાની છેલ્લી ચૂંટણી વખતે ૧૪ જેટલા કોંગ્રેસી ધારાસભ્યોના  ભાજપપ્રવેશના પારસમણિસ્પર્શથી પાપમુક્તિના હોમહવન થયા. હવે  પછી વિપક્ષમાં ધાડ પાડવાની કવાયતો હાથ ધરાય  કે સત્તાપક્ષમાં વ્યક્ત થવા માંડેલી “લાગણીઓ” વિસ્ફોટક સ્વરૂપ ધારણ કરે તો આગામી દિવસોમાં કોઈપણ આસમાની સુલતાની થવી શક્ય છે.આવા સંજોગોમાં વિધાનસભાના અધ્યક્ષની ભૂમિકા ખૂબ નિર્ણાયક બને. પીડીપી સાથે ભાજપે ઘર માંડ્યું ત્યારે જમ્મૂ -કાશ્મીરમાં આ જ  ગણતરીને ધ્યાને લઈને સવેળા ભાજપી વિધાનસભા અધ્યક્ષની ગોઠવણ કરી હતી. ગુજરાતમાં કોંગ્રેસના આયાતીને વિધાનસભાના અધ્યક્ષનું પદ સોંપવામાં ૧૯૯૫-૯૬ના ઇતિહાસના સંજોગોના પુનઃનિર્માણ વેળા કોઈ ચંદુ ડાભીનું જોખમ વહોરી શકાય નહીં.સ્વસ્થ સંસદીય પરંપરા મુજબ તો વિધાનસભાનું  અધ્યક્ષપદ  સત્તાપક્ષને  અને ઉપાધ્યક્ષપદ  વિપક્ષના ફાળે જાય. જોકે ગુજરાતમાં ચંદુ ડાભીથી દાઝેલા ભાજપે ભૂતકાળમાં ઉપાધ્યક્ષપદ પણ કોંગ્રેસમાંથી ભાજપ ભણી ધકેલાયેલા અભિનયસમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીને જ આપવાનું પસંદ કર્યું હતું.આ વખતે દૂધના દાઝેલા ભાજપ માટે છાસ પણ ફૂંકી ફૂંકીને પીવાના સંજોગો છે.રાજ્યમાં છઠ્ઠી વાર રચાયેલી ભાજપની સરકારે, કેન્દ્રમાં ગુજરાતના સપૂત નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાનપદે બેસાડવા માટે, ૨૦૧૯માં તમામ ૨૬ લોકસભા  બેઠકો જીતાડી આપવાનો મહાપડકાર ઝીલવો પડશે. અન્યથા ગુજરાતના બીજા સપૂત ભરૂચના  રાહુલ રાજીવ ફિરોઝ ફરદૂન ગાંધી મેદાન મારી જશે. રૂપાણી સરકાર સામે બીજો પડકાર પણ ડોકું ફાડીને ઊભો છે: પાંચ વર્ષની મુદત પૂરી કરીને પશ્ચિમ બંગાળની ડાબેરી મોરચાની સરકારોના સાત-સાત વાર જીતી  સરકાર રચવાના વિક્રમને તોડવા ૨૦૨૨માં પુનઃ વિધાનસભા ચૂંટણી જીતવાનાં આયોજન કરવાનાં છે. સત્તાપક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ બેઉ માટે ઉજાગરા કરવાનો સમય હવે શરૂ થઇ ચૂક્યો છે.સ્મરણ રહે આપણે ત્યાં કહેવત છે, જાગતાની પાડી અને ઊંઘતાનો પાડો.

ઈ-મેઈલ : haridesai@gmail.com

(HD-DB-ShadowCabinate09012018)

No comments:

Post a Comment