Friday, 5 January 2018

Dhotiyakand 1996: VHP Supremo Dr.Togadiya and PM Modi

इतिहास श्रेणी - १४

ઈતિહાસબોધદાતા વિષ્ણુ પંડ્યાની કલમે ધોતિયાકાંડ વિશે નોંધાયું :
નરેન્દ્ર મોદીએ કહેલું  કે “વસ્ત્રાહરણ તો ગુજરાતની પરંપરા છે”

ઇતિહાસવિદને સાક્ષી તરીકે તેડાવીને વડાપ્રધાન મોદી સામે પણ કાર્યવાહી શક્ય

ગુજરાતમાં સત્તારૂઢ ભાજપની યાદવાસ્થળી અને ખજૂરાહો પ્રકરણની ભવાઈના ૧૯૯૬ના ઘટનાક્રમને સામાન્ય પ્રજા લગભગ વીસરી જઈને ભાજપના ચોફેરના વિજયોત્સવમાં રમમાણ હતી ત્યાં એકાએક અમદાવાદના સ્ટેડિયમ ધોતિયાકાંડ પ્રકરણ સંદર્ભે વિશ્વ હિંદુ પરિષદના સુપ્રીમો ડૉ.પ્રવીણ તોગડિયા (પટેલ) અને ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલ સહિત ૩૯ નેતાઓ સામે બિનજામીન ધરપકડ વોરંટ ઇસ્યુ થયાના સમાચારે એ ઘટનાક્રમને તાજો કરવાની ફરજ પાડી. જેમનું ધોતિયું ખેંચાયું હતું એ પણ સંયોગવશાત્ પટેલ હતા.રાજકીય પક્ષો બદલવામાં વિક્રમ સર્જનાર મહેસાણાના વયોવૃદ્ધ નેતા અને એ વેળા ભાજપના માનનીય નેતા અને શંકરસિંહનિષ્ઠ પ્રધાન રહેલા આત્મારામ પટેલનું જ ચીરહરણ થયું હતું.બંને પક્ષે પટેલોની બોલબાલા હતી.

ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારના જ્યોતિર્ધરોની સત્તા માટેની લડાઈમાંથી જ પ્રગટેલું આ વરવું પ્રકરણ હતું. એ સમગ્ર ઘટનાક્રમના પ્રત્યક્ષદર્શી માનનીય ઇતિહાસવિદ વિષ્ણુ પંડ્યા તો પોતાના દસ્તાવેજોથી અટલજીની ધોતી આઠ કરોડમાં વેચાયાના સૂત્રોચ્ચારના પ્રકરણથી લઈને સ્ટેડિયમ ખાતે આત્મારામ પટેલના ધોતિયાકાંડના સૂત્રધાર તરીકે નરેન્દ્ર મોદી ભણી અંગુલિનિર્દેશ કરવાનું પસંદ કરે છે, ભલે વોરંટ માત્ર ડૉ.તોગડિયા સહિતના ૩૯નું નીકળ્યું હોય.સંભવતઃ અદાલતી તપાસમાં સમગ્ર ઘટનાક્રમના પ્રત્યક્ષદર્શી તરીકે ઇતિહાસવિદ પંડ્યાજીને સાક્ષી તરીકે તેડાવીને વડાપ્રધાન મોદી સામે પણ કાર્યવાહી હાથ ધરાય.

ધોતિયાકાંડના અપરાધબોધના ઇતિહાસની વાત તાજી કરવાની હોય ત્યારે માનનીય વિષ્ણુભાઈથી વિશેષ અધિકૃત દસ્તાવેજીકરણ મળવાનું મુશ્કેલ લાગે.એમના ગ્રંથોનો આધાર લઈને એ કાંડના છેડા અત્યારના વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને વિહિંપના ડૉ.તોગડિયા સુધી ક્યાં-કોને-કેવી રીતે અડકે છે એની માનનીય વિષ્ણુભાઈના જ શબ્દોમાં વાત અહીં રજૂ કરવાનો પ્રયાસ કરીએ છીએ.અમે તેમના ત્રણ ગ્રંથોનો આધાર લીધો છે: (૧)રાજકીય ઝંઝાવાતી વર્ષો પ્ર.આ. ઓક્ટોબર ૨૦૦૩ (૨)ગુજરાત ચૂંટણીની શતરંજ પ્ર.આ.મે ૧૯૯૯ (૩) વર્તમાન ગુજરાત : ત્રીજી શક્તિનો સૂર્યોદય ? પ્ર.આ. ૧૯૯૭). ૧૯૯૫માં ૧૨૧ બેઠકો સાથે ભાજપ પહેલીવાર એકલેહાથે સત્તામાં આવ્યો હતો અને અટલ બિહારી વાજપેયી તથા કુશાભાઉ ઠાકરેની ઉપસ્થિતિમાં કેશુભાઈ પટેલ સત્તાપક્ષના ધારાસભ્યોના નેતા વરાયા અને મુખ્ય મંત્રી થયા. અહીં અવતરણમાં મૂકાયેલાં લખાણો માનનીય વિષ્ણુ પંડ્યાની કલમે જ લખાયેલાં છે:

(૧) “મુખ્ય મંત્રી પોતે નિર્ણયો લઇ શકતા નહોતા,માત્ર પક્ષ પૂરતા નિર્ણયો સરકારમાં સામેલ હતા.શંકરસિંહ વાઘેલા, કાશીરામ રાણા વગેરેની સંગઠન અને શાસનમાં સલાહ લેવાતી બંધ થઇ.કાશીરામને એક સવારે રાષ્ટ્રીય અધ્યક્ષ  એલ.કે.અડવાણીએ પ્રમુખપદ છોડી દેવાનો ‘આદેશ’ ફોન પર જ કરી દીધો હતો ! સંઘમાંથી પક્ષમાં મંત્રીપદ સુધી પહોંચેલા નરેન્દ્ર મોદીએ બંધારણની ઉપરવટ (Extra-Constitutional) કામગીરીમાં વધુ રસ દાખવ્યો; સચિવાલયમાં  મુખ્યમંત્રી કે બીજા મંત્રીઓ પાસે જવાને બદલે તેમની પાસે કતાર થવા લાગી. સચિવો વગેરેની બદલીમાં તેમણે ભાગ ભજવવા માંડ્યો.મોદીની  પાછળ સંઘ હતો એવી માન્યતાને લીધે ચૂંટાયેલા ધારાસભ્યો પણ કેટલાકને બાદ કરતાં તેમનું કહેવું માનવા લાગ્યા હતા.મુખ્યમંત્રીના કાર્યાલયની આસપાસ કેટલાક જ ચહેરાઓ દેખાતા,તેમની ચેનલ સત્તાના કોરિડોરનો ભરપૂર ઉપયોગ કરવા લાગી. સમિતિઓ, નિગમોના અધ્યક્ષો અને સભ્યોની નિયુક્તિ લાંબા સમય સુધી ન થઇ શકી તેનાં પણ આવાં જ કારણો રહ્યાં હતાં.”(ગુ.ચૂં.શ. પૃ.૩૨૯-૩૦ )
(૨) “પરંપરાગત લોકરંજની (Populist) પગલાં સિવાય ગુજરાતની કોઈ જ સમસ્યા પર ભાજપ સરકારે નિર્ણાયક પગલાં લીધાં નહીં, તેણે બદલે ‘સાબરમતી જેલ ઉડાવી દેવાનું કાવતરું’ પાકિસ્તાની કાવતરું,ડી.જી.પી.કન્નુ પિલ્લૈની કથિત સંડોવણી,એક યુવતી(વિષ્ણુભાઈ અન્યત્ર એનું નામ પણ આપે છે !) પર બળાત્કાર વગેરે ઘટનાઓ છાપાંમાં ચગાવાઈ.આમાં પોલીસતંત્રની આંતરિક લડાઈ ઓછી જવાબદાર નહોતી.(પછીથી ન્યાયાલયે આ બધી ફરિયાદોમાં તથ્ય નહોતું તેમ ચુકાદો આપ્યો.)” (ગુ.ચૂં.શ. પૃ.૩૩૧)

પોતાનાં લખાણોમાં વિષ્ણુ પંડ્યાએ “ઓક્ટોબર રિવોલ્યુશન” કહેવાનું પસંદ કર્યું છે એ  ભાજપ તોડવા પહેલાં અને પછીના ઘટનાક્રમમાં “મેં શંકરસિંહને કહ્યું“ જેવા શબ્દપ્રયોગ થકી આ સઘળા આયોજનમાં તેઓ વાઘેલાના સલાહકાર હોવાનો વારંવાર પરોક્ષ ઉલ્લેખ કરે છે.સંઘ-ભાજપ અને ડૉ.તોગડિયાના વડપણવાળી વિ.હિં.પ.ના વલણની ટીકા કરતાં  તેમણે વાજપેયીને લખેલા પત્રો પણ પોતાના ગ્રંથમાં સામેલ કર્યા છે.ભાજપની કેશુભાઈ સરકાર આવ્યાના માત્ર બે જ મહિનામાં વિષ્ણુભાઈ “કેશુભાઈએ રાજકીય સન્યાસ લઈને લેઉવા પટેલ સમાજના કલ્યાણમાં લાગી જવું જોઈએ” અને “ગુજરાત સરકારમાં શંકરસિંહ વાઘેલા, સુરેશ મહેતા અને કાશીરામ રાણાની ત્રિમૂર્તિ કોઈ એક સીએમ અને બે ડેપ્યુટી સીએમ એ રીતે કામ કરે “(ત્રી.શ.સૂ. પૃ.૧૨૪) એવી સુફિયાણીસલાહ આપી ચૂક્યા હતા. વાસણિયાકાંડ પછી ભાજપના બળવાખોર ધારાસભ્યોને હરિભાઈ ચૌધરીના નિવાસસ્થાને ચરાડા ખસેડાયા એનું રોચક વર્ણન કરતાં પંડ્યાજી લખે છે: “ભાજપનાં ટોળાએ પહેલાં પથ્થરમારો કર્યો.તીરકામઠાનો પણ ઉપયોગ કર્યો.ડી.વાય.એસ.પી.ને ઈજા થઇ.પોલીસે ગોળીબાર કરવો પડ્યો.એક ધારાસભ્યનું અપહરણ કરીને ભાજપે ખુરશી-ખેલ ભજવી લેવાનો પાક્કો નિર્ણય કરી લીધો હતો.(ગુ.ચૂં.શ. પૃ.૩૩૦) સાતમી ઓક્ટોબરે વિધાનસભામાં વિશ્વાસનો મત લેવા પૂર્વે વાઘેલાએ દમણિયા એરલાઈન્સના વિમાનને ૪૫ ધારાસભો સાથે ખજુરાહો ભણી ઉડાડી મૂક્યું.પાછળથી  અટલજીની મધ્યસ્થીથી કેશુભાઈના સ્થાને સુરેશ મહેતાને મૂકવાના સમાધાન સાથે શંકરસિંહ સહમત થયા ત્યારે “અટલજી કી ધોતી, સાત કરોડ મેં બિકી”(ગુ.ચૂં.શ. પૃ.૩૪૫) અને અન્યત્ર “अटलजी की धोती , आठ करोड़ में बिकी”. (ત્રી.શ.સૂ. પૃ.૨૮૮)ના નારા લગાવાયાનો ઉલ્લેખ વિષ્ણુ પંડ્યાના ગ્રંથોમાં મળે છે. ગાંધીનગર વીવીઆઇપી ગેસ્ટ હાઉસમાં “મોદી-કેશુભાઈ પ્રેરિત કાર્યકર્તા” ધારાસભ્ય ગોરધન ઝડફિયા,સાંસદ ભાવનાબેન ચિખલિયાઅને અમદાવાદનાં મેયર ભાવનાબેન દવે પણ આ સૂત્રોચ્ચાર કરવામાં હોવાની વિગતો પણ સામેલ છે. “ये लोग नजदीक में आये हुए मुख्यमंत्री (केशुभाई) के निवास से आ पहुंचे थे,जहाँ नरेन्द्र मोदी  बैठकर इस गतिविधि का संचालन कर रहे थे.” (ત્રી.શ.સૂ. પૃ.૨૮૮) એ સમાધાનમાં મોદીને ગુજરાતવટે એટલે કે ગુજરાત બહાર મોકલી આપવાની શરત પણ હતી.

(૩) ૧૯૯૬ની લોકસભાની ચૂંટણીમાં અટલજી ગાંધીનગર અને લખનૌ બંને બેઠકો પર જીતીને ૧૩ દિવસના વડાપ્રધાન થયા.એ વેળાની ચૂંટણીમાં  શંકરસિંહ ગોધરાથી ભાજપના ઉમેદવાર હતા પણ એમને વિહિંપ થકી હરાવાયા.વિષ્ણુભાઈ એ ઘટનાનું વર્ણન વિગતે કરે છે, પણ એમણે લખેલો આ સંદર્ભ મહત્વનો છે :
 “એક ગુપ્ત બેઠકમાં નક્કી થયું હતું કે વાજપેયી બહુ મોટી બહુમતી મેળવે નહીં, આડવાણીજી કરતાં ઓછા મત મેળવે એટલું જ કામ કરવું. તો, શું કામ કરવાનું હતું ભાજપે? તેમણે ગોધરામાં શંકરસિંહ વાઘેલા અને બીજા પાંચેક સાથી ઉમેદવારોને હરાવવાના હતા.તેમ કરવા માટે વિશ્વ હિંદુ પરિષદને આગળ ધરવામાં આવી.કેટલાક સાધુઓને ઉપવાસ પર બેસાડાયા.કોંગ્રેસ કાર્યાલયનો ઉપયોગ થયો.” (રા.ઝં.વ. પૃ.૫૧૨ )

૨૦ મે ૧૯૯૬ના રોજ અમદાવાદના સ્ટેડિયમ પર વડા પ્રધાન અટલજીનું જાહેર અભિવાદન રાખવામાં આવ્યું.અહીં સર્જાયો  પેલો બહુચર્ચિત ધોતિયાકાંડ.જોકે વાજપેયી થકી ગાંધીનગરમાં કરાવાયેલી સુરેશ મહેતાને ગાદીનશીન કરવાની સમજૂતી સાથે પોતે સંમત નહીં હોવાનું પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ(આડવાણી) ખાનગીમાં કહેતા રહ્યા(ત્રી.શ.સૂ. પૃ.૧૮૦) એવું  પંડ્યાજી જાહેરમાં નોંધે છે. એમણે સ્ટેડિયમ કાંડનું વર્ણન પણ વિગતે કર્યું છે,પણ આ જ પાને નોંધ્યું : “ ૨૦મી મે , ૧૯૯૬ના ગાંધીનગર મતવિસ્તારમાંથી, પૂર્વ સાંસદ આડવાણી કરતાં પણ વધારે મતથી જીતેલા અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન તરીકે અમદાવાદની જનતાનું અભિવાદન ઝીલવા આવ્યા તો એ સભામાં બીભત્સકાંડ રચાયો.આંધળો પણ જોઈ શકે તેવાં એ પ્રમાણો હતાં.જેમાં પક્ષની અંદરના અસામાજિક રાજકીય ગુનાખોરોએ ભાગ ભજવ્યો. કોઈનાં વસ્ત્રો ખેંચાયાં, કોઈને જીવતા સળગાવવા પેટ્રોલ મંગાવાયું અને કેટલીક મહિલાઓએ પણ આબરૂ બચાવવા માટે ભાગવું પડ્યું. હવે, આવાં તત્વોની તપાસ માંગવામાં આવે તો તેમાં કોઈને ય ખોટું ન લાગવું જોઈએ.રાષ્ટ્રીય પ્રમુખે આ આખા પ્રસંગને ગંભીરતાપૂર્વક લીધો નહીં,બલ્કે એક રાષ્ટ્રીય મંત્રીએ (નરેન્દ્ર મોદીએ) ગુજરાતી હોવાના દાવે અખબારી મુલાકાતમાં એવું ફટકારી દીધું કે વસ્ત્રાહરણ એ તો ગુજરાતની પરંપરા છે ! (અન્યત્ર પંડ્યાજી ભારપૂર્વક નોંધે છે કે નરેન્દ્રભાઈએ આ મુલાકાતના શબ્દોને ક્યારેય રદિયો આપ્યો નથી.) આવી ગુસ્તાખી કરનારા, તથાકથિત રાષ્ટ્રીય નેતાઓ ભૂલી જાય છે કે કોઈકવાર નાની સરખી ભૂલ કે ઉપેક્ષા પણ ભડકો સર્જે છે.“ (ત્રી.શ.સૂ. પૃ.૧૮૦ )

પંડ્યાજીની ભવિષ્યવાણી મુજબના ભડાકા કેટલા થયા એની તો ખબર નથી, પણ આવી ગુસ્તાખી કરનાર  તથાકથિત રાષ્ટ્રીય નેતા આજે વાસ્તવિક રાષ્ટ્રીય નેતા તરીકે પ્રસ્થાપિત થઈને વડાપ્રધાનપદે બિરાજે છે !


ઈ-મેઈલ : haridesai@gmail.com

2 comments:

  1. હરિભાઈ,
    સાહેબ,
    ખૂબ સરસ રીતે પુષ્ઠ નંબર ટાંકી,ટાંકીને શંકરસિંહ "બાપુ"ને "સૂફીયાણી" સલાહ આપતાં તથાકથિત "પંડયાજી"ને શાબ્દિક અખાડામાં એટલી વખત ઊંચા કરી,કરીને પછાડયા છે કે આ મુરબ્બી માંટે આ ઉંમરે કળ વળવી મુશ્કેલ છે...!!

    ReplyDelete
  2. ટાઈપિંગ મીસ્ટેકને લીધે "પૃષ્ઠ" વાંચવું...!

    ReplyDelete