ચૂંટણીઓમાં તો ભલભલાનો ગરબો ઘેર આવ્યો છે
The Stalwarts have Lost the Elections
Dr.Hari Desai's weekly column in Loksatta-Jansatta (Vadodara),
Sanj Samachar (Rajkot), Sardar Gurjari (Anand), Gandhinagar Samachar (Gandhinagar),
and Hamlog (Patan).
ચૂંટણીઓમાં તો ભલભલાનો ગરબો ઘેર આવ્યો છે
ડૉ.હરિ દેસાઈ
-----------
·
જૂનાગઢ ભારતને અપાવનાર શામળદાસ ગાંધી ૧૯૫૨ની ચૂંટણીમાં તો સાવ
ભૂંડા હાલે હાર્યા હતા
·
મોરારજી
દેસાઈએ વલસાડમાં નવલોહિયા સમાજવાદી
ડૉ.અમૂલ દેસાઈ સામે હાર્યા પછી બોધપાઠ લીધો
·
જનાક્રોશનો
ભોગ બનેલા ચીમનભાઈ પટેલ હાર્યા હતા,પણ વિરોધીઓની સરકાર બનાવવામાં નિર્ણાયક
·
જે
માધવસિંહ સોલંકીએ કોંગ્રેસને વિક્રમી
બહુમતી અપાવી એમણે જ પક્ષને પાંચ વર્ષ પછી સાવ ડૂબાડ્યો
------------
કોઈપણ ચૂંટણી આવે
ત્યારે એનાં પરિણામો વિશે ભવિષ્યવાણીઓ થતી હોય. કેટલીક સાચી પડે તો કેટલીક ખોટી
પડતી હોય છે. ભારતની પ્રજાને જ્યોતિષમાં એટલી બધી શ્રદ્ધા હોય છે કે આખા વર્ષ
દરમિયાન જે જ્યોતિષીની તમામ ભવિષ્યવાણીઓ ખોટી પડી હોય; એની સામે પણ તક મળ્યે હાથ
લાંબો કરીને પોતાના ભવિષ્ય વિશે બે સારા શબ્દો સાંભળવાની લાલચ ભાગ્યેજ કોઈ ખાળી
શકે છે. રાજકીય વાતાવરણ એકદમ ગરમાટાવાળું હોય ત્યારે પણ કોને કેટલી બેઠકો મળશે એની
આગાહીઓ કરવાની લાલચ ભાગ્યેચ કોઈ ટાળી શકે છે. ૧ મે ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યમાંથી
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત સાથેનું અલગ ગુજરાત અસ્તિત્વમાં આવ્યું એ પહેલાંથી આ
પ્રદેશોમાં ચૂંટણીઓનાં પરિણામોમાં હાર-જીતના ચમત્કાર સર્જાતા રહ્યા છે. ભલભલા
મહારથીઓ હાર્યા કે સાવ પામર કહી શકાય એવાં વ્યક્તિત્વોના ગળામાં વિજયની માળા
આરોપવામાં આવી હોય એવા બનાવો બન્યા હોવા છતાં ચૂંટણી પરિણામ આડે બે દિવસ હોય તોય એ
વિશે સટ્ટો ખેલાવાનો બંધ થતો નથી.જોકે આદર્શ પરિસ્થિતિ એ છે કે ચૂંટણી યોજાય એ પછી
પરિણામ આવે ત્યાં લગી પ્રતીક્ષા કરીને વાસ્તવિક સ્થિતિને સ્વીકારી લઈ એમાંથી
બોધપાઠ લઇ ભવિષ્યનાં આયોજનો માટે કામે વળવું.
જૂનાગઢ રાજ્યને
૧૯૪૭માં પાકિસ્તાન સાથે જોડવાના નવાબ મહાબતખાન ત્રીજાના નિર્ણય સામે વિરોધ કરીને
જૂનાગઢની પ્રજા થકી મુક્તિ ચળવળ માટે સ્થપાયેલી આરઝી હકૂમતને બંધારણીય સ્વરૂપ આપવા
માટે જે પ્રધાનમંડળ રચાયું એના વડા પ્રધાન હતા શામળદાસ ગાંધી.એ મૂળ કુતિયાણાના
બારખલીદાર અને ગાંધીજીના ભત્રીજા. મુંબઈના “વંદે માતરમ્” અખબારના તંત્રી પણ ખરા.
જૂનાગઢને ૯ નવેમ્બર ૧૯૪૭ના રોજ ભારતમાં જોડવા માટે આરઝી હકૂમતના યોગદાનને બિરદાવવું પડે. ૧ જૂન ૧૯૪૮થી જૂનાગઢના વહીવટદાર
શિવેશ્વરકરને મદદ કરવા માટે ત્રણ સભ્યોની જે કાઉન્સિલ, વહીવટદારના પ્રમુખપદે, રચાઈ
એમાં શામળદાસ ગૃહ, વાણિજ્ય અને ઉદ્યોગ,નાણાં,અનાજ અને નાગરિક પુરવઠા ખાતાના પ્રધાન
હતા.જૂનાગઢ રાજ્યને સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્ય સાથે જોડવામાં આવ્યું ત્યારે શામળદાસ
ગાંધીને મુખ્ય મંત્રી ઉછરંગરાય ઢેબરના પ્રધાનમંડળમાં મહેસૂલ પ્રધાન બનાવાયા.જોકે
એકજ વર્ષમાં મુખ્ય મંત્રી સાથે મતભેદને કારણે ગાંધીએ ૧૯ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ
રાજીનામું આપ્યું.બે વર્ષ પછી ૧૯૫૨ની ધારાસભાની ચૂંટણી યોજાઈ ત્યારે શામળદાસે
કોંગ્રેસના ઉમેદવારો સામે એક બેઠક પરથી નહીં,પણ પોરબંદર અને જૂનાગઢ એમ બબ્બે બેઠક પર ઉમેદવારી કરી.પોતે તો જીતવાના જ
છે એવા વહેમમાં રહીને પોતાનો પ્રચાર કરવાને બદલે તેઓ ઉપલેટામાં ઢેબરને હરાવવા મચી
પડ્યા.પરિણામ આવ્યું ત્યારે મુખ્યમંત્રી તો જીત્યા,પણ જૂનાગઢ રાજ્ય ભારતને અપાવનાર
ગાંધી બંને બેઠકો પર ભૂંડા હાલે હાર્યા હતા !
મુખ્ય મંત્રીઓ
પરાજિત થવાની પરંપરા પણ આપણે ત્યાં રહી જ છે.ભૂતકાળમાં મુંબઈ રાજ્યના ગૃહ મંત્રી
અને મુખ્ય મંત્રી રહેલા મોરારજી દેસાઈ
અને ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રીઓ ચીમનભાઈ પટેલ અને દિલીપ પરીખ સાવ
નવલોહિયાઓ અનુક્રમે ડૉ.અમૂલ દેસાઈ અને ભરત
પંડ્યાના હાથે હાર્યા છે. મોરારજીને વતન
પ્રદેશ વલસાડમાંથી સમાજવાદી યુવાન ડૉ.અમૂલ દેસાઈએ હરાવ્યા પછી એમને સ્મશાનવૈરાગ્ય
આવ્યો. જોકે એ પછી એ ગૃહ મંત્રીમાંથી મુખ્ય મંત્રી બન્યા એટલું જ
નહીં,એમને હરાવનાર ડૉ.અમૂલ પાછા ચીમનભાઈની
કોંગ્રેસ સરકારમાં નાણાં મંત્રી પણ બની શક્યા હતા ! પ્રખર ગાંધીવાદી એવા
મોરારજીભાઈ નેહરુ સરકારમાં મંત્રી હતા અને વડા પ્રધાન થવા ઉત્સુક રહ્યા,પણ
પહેલીવાર નેહરુના નિષ્ઠાવંત લાલબહાદૂર શાસ્ત્રી અને બીજી વાર નેહરુ-પુત્રી ઇન્દિરા
ગાંધીએ એમની એ મહત્વાકાંક્ષામાં ફાચર મારી હતી. ઇન્દિરા ગાંધીની સરકારમાં નાયબ વડા
પ્રધાન રહેલા અને મતભેદને કારણે છૂટા થયેલા
મોરારજીભાઈ છેક ૧૯૭૭માં જનતા પાર્ટીની સરકારના વડા પ્રધાન બની શક્યા હતા. .ચીમનભાઈ ધારાસભામાં હાર્યા પછી પણ પોતાના
રાજકીય શત્રુઓને સત્તામાં બેસાડવાનું નિમિત્ત બનવા ઉપરાંત ફરીને મુખ્ય મંત્રી
બન્યા એટલું જ નહીં એ મુખ્ય મંત્રીના હોદ્દે જ મૃત્યુને ભેટવા જેટલા ભાગ્યશાળી પણ
હતા.
“હારી જઈને
જવાબદારીમાંથી નીકળી જવાના માર્ગનો વિચાર કરવો એ યોગ્ય ન હતું એમ પછીથી મને
સમજાયું “, એવું નોંધનાર મોરારજીભાઈ ઉમેરે છે : “જયારે હું ચૂંટણીમાં હારી ગયો
ત્યારે આ વિશે વિચાર કરતાં મને એમ લાગ્યું કે આ હાર મારે માટે સારીસરખી શિક્ષારૂપ
છે, કારણ કે મેં જે ભાગવાનો વિચાર કરેલો એ કરવો નહોતો જોઈતો.” મોરારજીભાઈ માત્ર ૧૯
મતથી હાર્યા હતા. મોરારજીભાઈ નોંધે છે : “૧૯૫૨ની ચૂંટણી થવાની હતી એ વખતે પારડી
તાલુકામાં એક ગામે કોઈએ જયારે મને સભામાં પ્રશ્ન પૂછ્યો હતો કે તમારા જે વિરોધી
ઊભા છે એ કહે છે કે તમને હરાવીશ એ વિશે તમે શું કહો છો ? મેં ત્યારે એમ કહ્યું
હતું કે મને હરાવશે એની તો મને ખબર નથી પરંતુ એમની તો ડિપોઝિટ પણ કદાચ જોખમમાં આવી
પડે. હું હાર્યો ત્યારે મને આ વાત યાદ આવી હતી અને કેટલાકે એની યાદ દેવડાવી હતી
ત્યારે લાગ્યું કે એ મારું અભિમાન જ હતું અને એ પણ મારી હાર માટેનું એક કારણ હોઈ
શકે.એનો એક એ ફાયદો પણ થયો કે માણસે પોતાના વિશે
કોઈ અભિમાન નહીં રાખવું જોઈએ.”
ગુજરાતના રાજકારણમાં
કાયમ સૂબા ચાલ્યા છે.પહેલાં ગાંધીજીનો પડ્યો બોલ ઝીલાતો.પછી સરદાર પટેલનું ચલણ
આવ્યું.એ પછી મોરારજીનું ચલણ ચાલ્યું.ક્યારેક માધવસિંહ અને અહેમદ પટેલનું ચલણ રહ્યું.આજે
નરેન્દ્ર મોદીનું છે.૧૯૭૩-૭૪ના નવનિર્માણ આંદોલનને પગલે કોંગ્રેસના મુખ્ય મંત્રી
ચીમનભાઈ પટેલ માટે ઘેર જવાનો વખત આવ્યો.”ચીમન ચોર”ની ગાજવીજ ખૂબ થઇ.મોરારજીના
ઉપવાસે વિધાનસભાના વિસર્જનને પગલે ૧૯૭૫ની ચૂંટણી માટેનો માર્ગ મોકળો કર્યો. એ જ
ગાળામાં મોરારજીએ એ જ “ચીમન ચોર” સાથે વડા પ્રધાન બનવા માટેની યોજનાના ભાગરૂપે
મંત્રણાઓ આરંભી દીધી હતી.ચીમનભાઈએ
કોંગ્રેસથી અલગ થઈને કિસાન મજદૂર
લોક પક્ષ(કિમલોપ) સ્થાપ્યો હતો.ચીમનભાઈ પોતે આ ચૂંટણીમાં હાર્યા.મોરારજીના વડપણ
હેઠળના જનતા મોરચામાં “ચીમન ચોર” કહેનારા સંસ્થા કોંગ્રેસ,ભારતીય લોક દળ, જનસંઘ
સહિતના વિપક્ષીઓ ભેગા થયા હતા.૧૮૨ સભ્યોની વિધાનસભામાં સૌથી મોટા પક્ષ તરીકે તો
માધવસિંહની ઇન્દિરા કોંગ્રેસ ૭૫ બેઠકો સાથે આવી તો ખરી પણ જનતા મોરચાના ઘટકોના
સભ્યો ૮૬ થયા.બહુમતી માટે એણે કિમલોપના ૧૨ સભ્યો સાથે હાથ મિલાવ્યો ! મોરારજીના
કહ્યાગરા બાબુભાઈ જશભાઈ પટેલ મુખ્ય મંત્રી થયા.જોકે બાબુભાઇને પાડી દેવા માટેની
પહેલ આ વેળા બે જનસંઘી સભ્યોએ જ કરી: વસનજી ઠકરાર (પોરબંદર) અને પી.સી.પટેલ(અમદાવાદ).માધવસિંહ
અને બાબુભાઈની સરકારો પછી ૧૯૮૦માં માધવસિંહ સરકાર બહુમતી સાથે ચૂંટાઈ. બાબુભાઈની
સરકારના અનામત અંગેના નિર્ણયની સામે ૧૯૮૧માં અનામત આંદોલન થયું.માધવસિંહ સોલંકીની
સરકાર ૧૯૮૫માં ઝીણાભાઈ દરજીની ખામ( ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ) થિયરીના પ્રતાપે ૧૮૨માંથી ૧૪૯ બેઠકો સાથે ફરી
સત્તામાં આવી તો ખરી,પણ અનામત વિરોધી આંદોલન અને કોમી રમખાણોને પગલે ચાર જ મહિનામાં માધવસિંહ
સરકાર ડૂલ થઇ.વિક્રમી બહુમતી લાવનાર મુખ્ય મંત્રીની સરકાર ઘેર ગઈ અને રાજ્યમાં
પ્રથમ આદિવાસી મુખ્ય મંત્રી તરીકે અમરસિંહ ચૌધરી આરૂઢ થયા.૧૯૯૦ની વિધાનસભાની
ચૂંટણી એ જીતાડી નહીં શકે એવું લાગતાં કોંગ્રેસના મોવડીમંડળે ફરી માધવસિંહને મુખ્ય
મંત્રી બનાવ્યા તો ખરા પણ એમણે તો કોંગ્રેસને ખાડે લઇ જવાનો વિક્રમ
સ્થાપ્યો.૧૮૨માંથી કોંગ્રેસને માત્ર ૩૩ બેઠકો મળી.ચીમનભાઈના જનતાદળને ૭૦ અને
ભાજપને ૬૭ બેઠકો મળી હતી એટલે ચીમનભાઈના નેતૃત્વમાં ફરી સરકાર બની.ક્યારેક એમને
ચીમન ચોર ગણાવનાર જૂના જનસંઘી એટલેકે કેશુભાઈ પટેલ સહિતના ભાજપી નેતા એમની
સરકારમાં મંત્રી બન્યા.સમય સમયની બલિહારી છે.
ઇન્દિરા ગાંધીની
બિનલોકતાંત્રિક ઇમર્જન્સી દરમિયાન જેલવાસી રહ્યા છતાં મોરારજી દેસાઈ શ્રીમતી ગાંધી
માટે પોતાની આત્મકથામાં પણ ખૂબ આદરપૂર્વક લખે છે. જોકે એમણે આત્મકથાના ત્રીજા અને
અંતિમ ભાગમાં પોતાના જીવનના અનુભવોના અર્ક સમાન નોંધ્યું છે : “મને સમજાયું કે
સરમુખત્યાર પોતાની તાકાત લોકોની નબળાઈમાંથી મેળવે છે.મારી દ્રષ્ટિએ તો સરમુખત્યારી
બળોએ ફેંકેલા પડકારનો સામનો કેવળ નિર્ભયતાથી જ કરી શકે. લોકો સભાન પ્રયત્નો દ્વારા
ભય પર કાબૂ ન મેળવે ત્યાં સુધી લોકશાહી પદ્ધતિ ટકી શકે નહીં - એને મજબૂત કરવાની
વાત તો બાજુએ રહી. લોકશાહીમાં વિરોધ પક્ષોએ જે મહત્વનો ભાગ ભજવવાનો છે તેને હું આ
દ્રષ્ટિએ જ મૂલવું છું.જેઓ જનતાના લોકશાહી હક ને સ્વતંત્રતાને ટકાવી રાખવાની
પોતાની ફરજ વિશે જાગ્રત છે તેઓ જ વિરોધ કરવાના પોતાના મૂળભૂત હકનો સફળતાપૂર્વક અમલ
કરી શકે.” માત્ર ગુજરાતની જ નહીં, દેશ અને દુનિયાની પ્રજાએ પણ આ મહાન ગાંધીવાદીની
આ વાતને ગૂંજે બાંધવા જેવી છે. ઈ-મેઈલ : haridesai@gmail.com
(Election : Miracles15-12-2017)
No comments:
Post a Comment