નરેન્દ્ર મોદી તારણહાર, રાહુલની ગાંધીગીરી યશસ્વી
અતીતથી આજ : ડૉ.હરિ દેસાઈ
·
શંકરસિંહ વાઘેલાએ વિપક્ષને રમણભમણ
કર્યાનો ભાજપને લાભ તો થયો, પણ બેઠકો ૧૧૫ની ૯૯ જ
·
આંદોલનત્રિપુટીના ટેકે કોંગ્રેસ રાખમાંથી બેઠી થઈ ૬૧થી ૭૭ના આંકડે પહોંચી ૨૦૧૯
માટેનો પડકાર
·
સુમનબહેન ચૌહાણ, ગીતાબા જાડેજા, માલતી મહેશ્વરી,જયેશ રાદડિયામાં
ઝગારા મારતો ભાજપનો વંશવાદ
·
ઈવીએમ સામે તો ભાજપ થકી જ ફરિયાદો થઇ હતી અને હવે હારનાર કોંગ્રેસ જ કાગારોળ
મચાવી રહી છે
ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર ૨૦૧૭ની ચૂંટણીનાં
પરિણામો અપેક્ષા મુજબ જ આવ્યાં : કોંગ્રેસના
મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના ૧૯૮૫ના કુલ ૧૮૨માંથી ૧૪૯ બેઠકોના વિક્રમને તોડવા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ‘૧૫૦ પ્લસ’નો લક્ષ્યાંક ઠરાવ્યો હતો, પણ વિજયનો આંકડો ૯૯ એ આવીને અટક્યો. જો જીતા વો હી સિકંદર. સતત
છઠ્ઠીવાર ભાજપની સરકાર ગુજરાતમાં રચાવાનો હાશકારો ‘શ્રી કમલમ્’ લઈ શકે. સામે પક્ષે બબ્બે દાયકાથી કોંગ્રેસમાં વિવિધ સત્તા-હોદ્દા ભોગવતા
રહેલા શંકરસિંહ વાઘેલાએ છેલ્લે વિધાનસભામાં વિપક્ષના નેતાપદે રહીને કોંગ્રેસનું
રમણભમણ કરવાનો ખેલ પાડ્યો. આમ છતાં કોંગ્રેસના યુવા ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને
પ્રભારી અશોક ગેહલોતે બાજી સંભાળીને માધવસિંહ-પુત્ર ભરતસિંહ સોલંકીના વડપણ હેઠળની
ગુજરાત કોંગ્રેસને બબ્બે દાયકાના સત્તા-વનવાસ પછી પણ નવસર્જન ભણી આગળ વધારીને ૭૭ના
આંકડે પહોંચાડી. ભાજપના વિજયનું શ્રેય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઝંઝાવાતી પ્રચાર
અને પક્ષ જ નહીં, પક્ષની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
(આરએસએસ)ની સંસ્થાઓના અંતરિયાળ ગુજરાત અને ખાસ કરીને આદિવાસી પટ્ટાના કામને આપવું
પડે.લુણાવાડાના કોંગ્રેસના બળવાખોર એવા અપક્ષ ધારાસભ્ય રતનસિંહ રાઠોડે ભાજપને ટેકો
જાહેર કર્યો અને મોરવાહડફ(અનુસૂચિત જનજાતિ અનામત)ના કોંગ્રેસી બળવાખોર અપક્ષ
ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ વેચાત ખાંટ પોતાની બેઠક બચાવવા ભાજપના શરણમાં જાય એ
સ્વાભાવિક છે, કારણ અહીંના ભાજપના હારેલા ઉમેદવાર વિક્રમસિંહ ડિંડોર થકી
ભૂપેન્દ્રસિંહના સગાભાઈ ગોવિંદ વેચાત ડિંડોર
તાલુકા પંચાયતમાં ઓબીસી અનામત બેઠક પર સભ્ય હોવાનો મુદ્દો આગળ કર્યો છે. ભાજપ માંડ
૧૦૧ના આંક સુધી પહોંચે છે.
આંદોલનત્રિપુટીનો કોંગ્રેસને ફાયદો
કોંગ્રેસનું નેતૃત્વ રાહુલે સંભાળ્યું. એણે
પપ્પૂની છબિમાંથી બહાર આવીને મોદી સાથે સતત સરખામણી થવાના સંજોગો સર્જ્યાં.
કોંગ્રેસનું રાજ્ય સ્તરનું માળખું પક્ષના ગદ્દારો થકી છિન્નભિન્ન હતું, છતાં આંદોલનત્રિપુટી હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર
અને જિજ્ઞેશ મેવાણી સાથેના વ્યૂહાત્મક જોડાણ અને ગેહલોત તથા પક્ષના ક્ષેત્રીય
નેતાઓ સાથે સીધા સંવાદ અને વિશ્વાસના પ્રતાપે હતાશ કોંગ્રેસમાં પ્રાણ પૂર્યાં.
સામે આખું ગામ અને કોંગ્રેસ તરફથી એકલવીર રાહુલ જેવા સંજોગોમાં સ્વસ્થતા ગુમાવ્યા
વિના, પ્રચારના સ્તરને નીચલી કક્ષાએ જવા દીધા વિના, અગાઉની ચૂંટણીઓમાં પક્ષનેતાઓએ કરેલી ભૂલોના પુનરાવર્તન વિના રાહુલ ગાંધીએ
સુકાન સંભાળ્યું. પક્ષનેતા મણિશંકર ઐયરની વડા પ્રધાન મોદી માટેની ‘નીચ’ જેવી ટિપ્પણીએ ભાજપ અને ખાસ કરીને મોદીને
ભાવનાત્મક મુદ્દો બક્ષ્યો. ગુજરાતની અસ્મિતાના ભાવનાત્મક મુદ્દાને ખૂબ ચગાવાયો.
રાહુલે વડા પ્રધાન મોદી માટે પક્ષના કોઈ નેતા-કાર્યકર હીન શબ્દો નહીં વાપરે એવી
સ્પષ્ટ સૂચના આપ્યા છતાં ઐયર થકી જાણી
જોઈને કે અજાણતાં રાહુલ માટે દ્વિધા સર્જાઈ. મણિશંકરને પક્ષમાંથી તગેડવામાં આવ્યા
છતાં નુકસાનને ખાળી ના જ શકાયું. રાહુલના અઢી મહિનાના ગુજરાતપ્રવાસે ભાજપની ભીંસ
જરૂર વધારી. વડા પ્રધાન મોદીના ખભા પર જીતની જવાબદારી હતી. પૂરી કેન્દ્રીય કેબિનેટ
ઉતારી દેવાઈ. ગુજરાતને યેનકેન પ્રકારણે જાળવવામાં ભાજપને સફળતા મળી તો ખરી, પણ કોંગ્રેસના ઉપાધ્યક્ષમાંથી અધ્યક્ષ બનેલા રાહુલ ગાંધીની ગાંધીગીરી યશસ્વી
લેખાઈ. હવે ૨૦૧૯ની લોકસભાનો પડકાર ઝીલવાનો છે.
વિધાનસભા ચૂંટણીના બોધપાઠ
યુદ્ધ અને પ્રેમમાં બધું જ વાજબી લેખાવાય છે, પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કથની અને કરનીમાં અંતર ઊડીને આંખે
વળગે તેવાં રહ્યાં. ૧૯૯૫ પછી ગુજરાતમાં પહેલીવાર કોંગ્રેસ ચૂંટણી લડતી હોય તેવું
લાગ્યું. કેન્દ્રમાં દસ વર્ષ રાજ કર્યા પછી કોંગ્રેસે સત્તા ગુમાવી એટલું જ નહીં,
એની લોકસભાની સભ્યસંખ્યા સાવ જ તળિયે એટલે કે ૪૪ના આંકડે (૫૪૩+૨માંથી) પહોંચ્યાના
પ્રતિકૂળ સમયે તથા વિવિધ રાજ્યોમાં કોંગ્રેસના પરાજ્યના સંજોગો પછી વડા પ્રધાન
મોદી જેવા ભાજપના સુપરસ્ટારની ઝીંક રાહુલ ગાંધી જેવા અત્યાર લગી બહુ ગંભીર નહીં લેખાવાતા યુવા નેતાએ ઝીલવાની હતી. ‘નબળી ગાયને બગઈઓ ઝાઝી’ એ ઉક્તિના ન્યાયે નબળી પડેલી કોંગ્રેસના
ગુજરાતના મુખ્યપ્રધાનપદના ઉમેદવાર શંકરસિંહ વાઘેલાએ ‘ગ્રહણ ટાણે જ સાપ કાઢવાનો’ કારસો
રચ્યો. રાજ્યસભાની ચૂંટણી વખતે શંકરસિંહના ધારાસભ્ય-પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા
સહિતના ૧૪-૧૫ કોંગ્રેસી ધારાસભ્યોનું ‘હૃદય પરિવર્તન’ થઈ ગયું અને તેઓએ ભાજપ સાથે ઘર માંડ્યું, છતાં રાજ્યસભાની
ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલ જીત્યા અને મહેન્દ્રસિંહના અબજોપતિ-વેવાઈ
બળવંતસિંહ રાજપૂત હાર્યા. શંકરસિંહના કોંગ્રેસવિરોધી અટકચાળા ચાલુ રહેતાં એ
કોંગ્રેસથી ફારેગ થઈને જનવિકલ્પ મોરચે ભાજપને ટેકો કરવા લાગ્યા, પણ ના ઘરના રહ્યા કે ના ઘાટના. સગ્ગા પુત્ર મહેન્દ્રસિંહનું ભાવિ રોળવા માટે
ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વાઘેલા જ જવાબદાર ઠર્યાં. છેલ્લે છેલ્લે ભાજપ થકી
મહેન્દ્રસિંહને એમના મતવિસ્તાર બાયડથી લડવાની ઓફર કરાઈ, પણ આ મતવિસ્તારમાં ઠાકોર મતના પ્રભુત્ત્વને કારણે મહેન્દ્રસિંહે લડવાનું માંડી
વાળ્યું. બાયડમાં જીત પણ કોંગ્રેસના ધવલ સિંહ ઝાલાની જ થઈ.
મહારથી હાર્યા, મુસ્લિમો જીત્યા
વિધાનસભાની આ ચૂંટણીમાં બંને પક્ષના ઘણા
મહારથીઓ હાર્યા. વળી જય-પરાજય વચ્ચેનું અંતર પણ ખૂબ ઓછું રહ્યું એટલે કે હારના મારજીન
ખૂબ ઓછા રહ્યા. વર્તમાન ભાજપી સરકારના છ પ્રધાનો આત્મારામ પરમાર, શંકરભાઈ ચૌધરી, ચીમનભાઈ સાપરિયા, જશા બારડ, કેશાજી ચૌહાણ અને શબ્દશરણ તડવી હાર્યાં.
સિદ્ધપુરથી જયનારાયણ વ્યાસનો પરાજય આંચકારૂપ હતો. કોંગ્રેસના મહારથી લેખાતા
શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી હાર્યા, પણ ૨૭ આદિવાસી અનામત બેઠકોમાંથી કોંગ્રેસ અને મિત્રપક્ષે ૧૪ બેઠકો જાળવી છે.
ઉત્તર ગુજરાતની ત્રણેય બેઠકો પર વર્તમાન આદિવાસી ધારાસભ્ય ફરી જીત્યા : અશ્વિન કોટવાળ, કાંતિભાઈ ખરાડી
અને ડો. અનિલ જોશિયારા. કોંગ્રેસે જે છ મુસ્લિમ ઉમેદવાર લડાવ્યા તેમાંથી ત્રણ
જીત્યા: ઈમરાન ખેડાવાલા (જમાલપુર-ખાડિયા), ગ્યાસુદીન શેખ (દરિયાપુર) અને મહમદ જાવીદ પીરજાદા (વાંકાનેર). ૧૨ મહિલા જીતી : સુમનબહેન ચૌહાણ, ગીતાબા જાડેજા, વિભાવરી દવે, ઝંખના પટેલ, સંગીતા પાટીલ, મનીષા વકીલ, સીમાબહેન મોહિલે, માલતી મહેશ્વરી,ડો. નીમાબહેન આચાર્ય(તમામ ભાજપ), ચંદ્રિકા બારિયા, ડો. આશા પટેલ, અને ગેનીબહેન ઠાકોર (તમામ કોંગ્રેસ).
વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા ઈડર (અનુસૂચિત
અનામત) બેઠક પર પાટીદાર આંદોલનના પ્રભાવથી ગભરાઈને દસાડા (અનુસૂચિત અનામત) પર લડવા
ગયા, પણ એ ત્યાં કોંગ્રેસના નૌશાદ સોલંકી સામે
હાર્યાં. એનાથી વિપરીત અગાઉ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના વતન કડી (અનુસૂચિત
અનામત) પર હારેલા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હિતુ કનોડિયા રમણભાઈની મૂળ બેઠક ઈડર
પર ભાજપની ટિકિટ પર જીત્યા! નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અગાઉ ૨૦૧૨માં ૨૪ હજાર
કરતાં વધુ મતે મહેસાણા બેઠક જીત્યા હતા. આ વખતે એ માત્ર ૭ હજાર મતની સરસાઈથી
જીત્યા. અહીં પાટીદાર આંદોલનનો પ્રભાવ જોવા મળે છે. ઊંઝામાં ભાજપના મહારથી નારણ
લલ્લુ પટેલ હાર્યા. ઉત્તર ગુજરાત વડા પ્રધાન મોદી, ભાજપના
રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ,
પૂર્વ
મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ તથા નીતિનભાઈનું વતન હોવાથી ભાવનાત્મક અપીલો છતાં
અહીંની બેઠકો પર પાટીદાર અને ઠાકોર આંદોલનની અસર વર્તાઈ. ગઈ વખતની જેમ જ આ વખતે પણ
ઉત્તર ગુજરાતમાં બહુમતી બેઠકો કોંગ્રેસ જ જીતી શકી છે. પાટીદાર આંદોલનની અસર
સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળી અને કોંગ્રેસના ટેકામાં એ અનુભવાઈ, પણ સુરત-અમદાવાદ સહિતનાં શહેરોમાં પાટીદાર આંદોલનનો પ્રભાવ જોવા ના મળ્યો. એના
પ્રતાપે અમદાવાદની ૨૧માંથી ૧૬,
સુરતની ૧૬માંથી
૧૫, વડોદરાની ૧૦માંથી ૯ અને રાજકોટની ૮માંથી ૬
બેઠકો ભાજપને મળી. આદિવાસી પટ્ટામાં ભાજપની માતૃસંસ્થાનું કામ એને લાભ અપાવનારું
રહ્યું. દલિત બેઠકો બંને પક્ષો વચ્ચે વહેંચાઈ.
કોંગ્રેસના આયાતી ભાજપી ઉમેદવાર હાર્યા
કોંગ્રેસના જે ધારાસભ્યોનું છેલ્લી ઘડીએ હૃદય
પરિવર્તન થયું અને ભાજપમાં જોડાયા એમાંથી ચૂંટણી લડનારામાંથી ગોધરામાં સી. કે. રાઉલજી (અને એ પણ માત્ર ૨૫૮
મતથી) અને જામનગર ઉત્તરથી ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા) જીત્યા, બાકીના હાર્યા. માણસાની બેઠક પર અમિત ચૌધરી (૫૨૪ મતથી) હાર્યા, વીરમગામમાં ડો. તેજશ્રી પટેલ હર્યાં. અમૂલ ડેરીના અણનમ ચેરમેન અને ઠાસરાના સતત
ચૂંટાતા કોંગ્રેસી ધારાસભ્ય રામસિંહ પરમાર, ડેરીનું
ચેરમેનપદ બચાવવા માટે, ભાજપનો ખેસ વહોર્યા પછી પણ હારી ગયા, એ આંચકારૂપ ગણાય.
મહેસૂલ-શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ માંડ ૩૨૭ મતથી જીત્યા. આનંદીબહેનની
બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ એક લાખ કરતાં વધુ મતની સરસાઈથી જીત્યા.
ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર રાધનપુરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે અને દલિત આંદોલનના
અગ્રણી જિજ્ઞેશ મેવાણી અપક્ષ તરીકે અનુસૂચિત અનામત વડગામ બેઠક જીત્યા. એમ તો
અમરેલીથી પટેલ યુવાન પરેશ ધાનાણી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યા એટલું જ નહીં
જિલ્લાની તમામ બેઠકો પર કોંગ્રેસ જીતી. વડા પ્રધાન મોદીએ ધારીમાં દિલીપ સંઘાણીને
વિજયી બનાવવા જાહેરસભા યોજી હોવા છતાં એ પણ હાર્યાં. અમરેલી જિલ્લો કેન્દ્રીય પ્રધાન
પરસોત્તમ રૂપાલાનો છે. અહીં પાટીદાર આંદોલન પ્રભાવી રહ્યું.
જાતિવાદ-વંશવાદ પોકળ દાવા
સત્તારૂઢ ભાજપના નેતાઓ તરફથી
જાતિવાદ-વંશવાદને ફગાવાયાની વાતો જોરશોરથી કહેવામાં આવી, પણ ભાજપ થકી પણ જ્ઞાતિવાદી સમીકરણોનો વિચાર કરીને જ ઉમેદવારોને ટિકિટો અપાઈ
હતી. સાથે જ વંશવાદનો મુદ્દો પણ ભાજપમાં સગાવહાલાઓને જ ટિકિટોની લહાણી કરાવતાં
નિરર્થક બની ગયો છે. એમના દાવાથી વિપરીત આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને
ટિકિટો આપવામાં સગાવાદ કે વંશવાદનો પ્રભાવ ઓછો જણાયો. ભાજપમાં તો સાંસદના
પુત્ર-પુત્રવધૂ કે કોઈની ભત્રીજીને ટિકિટ આપવાનું પ્રમાણ ઊડીને આંખે વળગે તેવું
રહ્યું. જોકે, અંસતોષ સર્જાય નહીં એટલા માટે ભાજપ દ્વારા
મોટાભાગના વર્તમાન ધારાસભ્યોને રિપીટ કરવાની વિવશતા વધુ વર્તાઈ હતી. જીતી શકે એવા
ઉમેદવારને મેદાનમાં ઉતારવા માટે કોંગ્રેસના આયાતી ઉમેદવાર કે પૂર્વ ધારાસભ્યના
પરિવારજનોને પણ ઉમેદવારી આપવી પડી. હવે પછીની લોકસભાની ચૂંટણીમાં પાટીદાર આંદોલનના
નેતા હાર્દિક પટેલ સહિતની સજ્જ કોંગ્રેસનનો મુકાબલો કરવાનો રહેશે. ભાજપને ૪૯.૧ ટકા
મત મળ્યા તો સામે કોંગ્રેસને પણ ૪૧.૧ ટકા મત મળ્યા. ગઈ ૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપને
૪૭.૮૫ ટકા અને કોંગ્રેસને ૩૮.૯૩ ટકા મત મળ્યા હતા. ભાજપની બેઠકો સતત ઘટતી ગઈ છે.
વર્ષ ૨૦૦૨માં ૧૨૭, ૨૦૦૭માં ૧૧૭, ૨૦૧૨માં ૧૧૫ અને
૨૦૧૭માં ૯૯.
ઈવીએમ સામે ફરિયાદો
ફરી એકવાર ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)
સામે ફરિયાદો ઊઠાવવાનું મતદાનથી લઈને મતગણતરીના ગાળામાં ઘણું બન્યું. એ બાબત ઉત્તર
પ્રદેશમાં મહાપાલિકા અને પાલિકાની ચૂંટણીઓનાં તાજાં પરિણામોને લીધે કોંગ્રેસ તથા
પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ થકી કાગારોળ મચાવાઈ. ઉત્તર પ્રદેશમાં ઈવીએમ
વપરાયાં ત્યાં ભાજપનો વિજય થયો અને બેલેટ પેપર વપરાયાં ત્યાં ભાજપના ઉમેદવારોની
ડિપોઝિટો પણ ગઈ. પરંતુ આવી ફરિયાદોને ચૂંટણીપંચે નકારી. આશ્ચર્ય એ વાતનું છે કે
૨૦૦૯માં કોંગ્રેસ થકી ઈવીએમથી ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરાયા બાદ ભાજપ થકી એની
વિરુદ્ધ ઝુંબેશ ચલાવાઈ હતી !
No comments:
Post a Comment