Wednesday, 13 December 2017

Fight to finish for Modi's Reputation and Rahul's Survival

મોદીની શાન અને રાહુલના અસ્તિત્વની અગ્નિપરીક્ષાની ઘડી
Dr.Hari Desai's Column in Gujarat Samachar (London), Gujarat Times( New York), Sardar Gurjari ( Anand), Gujarat Guardian (Surat), Sanj Samachar (Rajkot), Hamlog ( Patan ) and Gandhinagar Samachar (Gandhinagar).
Read the full text here or on Blog : haridesai.blogspot.com and react.
મોદીની શાન અને રાહુલના અસ્તિત્વની અગ્નિપરીક્ષાની ઘડી
અતીતથી આજ/ મંતવ્ય /સત્યમ્ એવમ્ તથ્યમ્ : ડૉ.હરિ દેસાઈ
ગુજરાતની વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણીના પરિણામ આડે માંડ દસ દિવસ પણ રહ્યા ન હોય ત્યારે પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે આ વેળાની ચૂંટણી કયા મુદ્દાઓ પર લડાઈ રહી છે? હકીકતમાં આપણે એક ઉક્તિથી પરિચિત છીએઃ ‘જો જીતા વો હી સિંકદર.’ અમેરિકી રાષ્ટ્રપતિપદના ઉમેદવારો ચૂંટણીમાં એકમંચ પરથી જે રીતે મુદ્દાઓની ચર્ચા અને વિષયની માંડણી કરે એવું કંઈ ભારતીય ચૂંટણીઓમાં જોવા મળતું નથી. આદર્શ પરિસ્થિતિ તો એ છે કે સત્તામાં હોય એ પક્ષ પોતાના પાંચ વર્ષના શાસનનો હિસાબ પ્રજા સમક્ષ રજૂ કરે અને આવતાં પાંચ વર્ષમાં પોતે શું કાર્યક્રમ લઈને આગળ વધવા ઇચ્છે છે એની વિગતવાર માંડણી કરે. સામે પક્ષે જે મુખ્ય વિપક્ષ હોય એ છેલ્લાં પાંચ વર્ષના શાસનનાં નીરક્ષીર કરીને પોતાનો પક્ષ આગામી પાંચ વર્ષમાં કેવું શાસન આપવા માગે છે એની બ્લ્યુપ્રિન્ટ રજૂ કરે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આવું ભાગ્યે જ જોવા મળ્યું. છેલ્લી ઘડીએ જાહેર કરાયેલા ચૂંટણીઢંઢેરામાં લોકલુભાવન વચનોની લહાણી તો કરાઈ, પણ એ પાળવાં જ એવું તો છે જ નહિ. કેટલાંક વચનો તો છેક દાયકાઓથી અપાતાં રહે છે અને જે તે પક્ષ સત્તામાં આવે અને જાય ત્યાં લગી એનો અમલ કરવાની કોશિશ પણ કરાતી નથી. આમ છતાં ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણી સમગ્ર ભારત માટે નિર્ણાયક બની રહેવાની હોવાથી એમાં જીતવાના સંકલ્પ સાથે બન્ને મુખ્ય પક્ષો એટલે કે ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ આગળ વધી રહ્યા છે. ભાજપ છેલ્લાં વીસ વર્ષથી ગુજરાતમાં સત્તામાં છે. કોગ્રેસ સત્તાવિમુખ છે.
દેશ પર શાસન ટકાવવા ગુજરાત અનિવાર્ય
ભાજપ મે, ૨૦૧૪થી કેન્દ્રમાં ભવ્ય બહુમતી સાથે સત્તારૂઢ થતાં ગુજરાતના સપૂત નરેન્દ્ર દામોદરદાસ મોદી વડા પ્રધાનપદે પહોંચ્યા છે. સાથે જ બહુમતી રાજ્યોમાં ભાજપની વિજયપતાકા લહેરાવવામાં મોદીયુગમાં સફળતા મળી છે. હવે લોકસભા ચૂંટણી ૨૦૧૯માં આવી રહી છે. એટલે ગૃહરાજ્ય ગુજરાત જીતવું મોદીની નેતાગીરી માટે અનિવાર્ય છે. આવા સંજાગોમાં વિકાસનો રોડમૅપ કે બ્લ્યુપ્રિન્ટને બદલે ભાવનાત્મક મુદ્દાઓ ઉછાળવામાં આવી રહ્યાનું વધુ લાગે છે. અને એમ છતાં એ મુદ્દાઓ ‘ક્લિક’ થતા લાગતા નથી. સામે પક્ષે લગભગ મૃતપ્રાય બનેલી કોંગ્રેસને અંદર રહીને કોંગ્રેસના જ નેતા શંકરસિંહ વાઘેલા સહિતનાએ ‘સાબોટાઝ’ (રાજકીય ભાંગફોડ) કરવાની કોશિશ કરીને છેલ્લી ઘડીએ દગો દીધા છતાં આ વખતે પોતાના અસ્તિત્વ માટે લડી રહેલી કોંગ્રેસ ધીરગંભીર બનીને જંગમાં ઊતરી છે. ખાસ કરીને તો છેલ્લાં વીસ વર્ષના ભાજપના શાસનમાં શું કરવામાં આવ્યું; એનો હિસાબ આપવાને બદલે વડા પ્રધાન મોદીની જાહેર સભાઓથી લઈને અભિનેતા પરેશ રાવલની ચોકસભાઓ સુધી કોંગ્રેસનું સ્મરણ પ્રજાને કરાવાય છે. ભરૂચના પારસી પરિવારના ફરજંદ રાહુલ રાજીવ ફિરોઝ જહાંગીર ફરદૂન ગાંધીએ કોંગ્રેસના ઉપાધ્યક્ષમાંથી અધ્યક્ષપદ ભણીની ગતિ આદરી છે. એ ગજગામી રીતે ગુજરાતને જીતવા અથાક પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે હવે એમની ઇમેજ ‘પપ્પુ’ની રહી નથી. પ્રજા એમને ગંભીરતાથી લેવા માંડી છે. એ પ્રશ્નો કરે છે. મોદી શાસન અને ભાજપી શાસનની મુદ્દાસર વાત પ્રજા સમક્ષ મૂકે છે. ભાજપની નેતાગીરી એનો ઉત્તર વાળવાને બદલે કોંગ્રેસના ઇતિહાસ, નેહરુ અને સરદારની વાત, હિન્દુ-મુસ્લિમની વાત, સોમનાથ મંદિર કે અન્ય મંદિરોની વાત કે પછી રાહુલ ગાંધીના ધર્મની વાતને આગળ કરી રહી છે. અયોધ્યામાં રામમંદિર નિર્માણનો મુદ્દો ગુજરાતની ચૂંટણીમાં ઊછળે છે. ગુજરાતને લગતા મુદ્દાઓની ચર્ચાને બાજુએ સારી દેવામાં આવે છે.
ભાજપની કેડર સામે કોંગ્રેસ નબળી
એટલું નિશ્ચિત છે કે ભાજપની પાસે પક્ષનું તંત્ર મજબૂત છે. ભાજપની નેતાગીરીને સંઘપરિવારનું પીઠબળ છે. આ કેડર સાથે ભાજપનો જનસંપર્ક પ્રભાવી જરૂર છે, પરંતુ એમાં પણ અસંતોષ ઓછો નથી. કોંગ્રેસ છોડીને ભાજપી ખેસ પહેરી લેનાર ‘પવિત્ર’ નેતાઓથી ફાટફાટ થતી ભગવી પાર્ટી જૂના કાર્યકર્તાઓને મનાવવામાં પડી છે. કોંગ્રેસને પોતાનું તંત્ર નબળું હોવા છતાં આંદોલન ત્રિપુટીનો લાભ મળ્યો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના યુવાનેતા ૨૪ વર્ષીય હાર્દિક પટેલને બદનામ કરવા, એમના સાથીઓથી વિખૂટા પાડવા અને એની સામે ફોજદારી ખટલાઓ દાખલ કરવાના પ્રયાસો સરકાર તરફથી ભરપટ્ટે થયા હોવા છતાં આજે હાર્દિકની સભાઓમાં વડા પ્રધાન કે ભાજપના કોઈપણ નેતા કરતાં વધુ જનમેદની ઉમટે છે; એ હકીકત છે. હાર્દિક આ જનમેદનીને કોઈ પણ પક્ષ માટે મતદાન કરવાને બદલે ‘ભાજપને પાડી દેવા’ની અપીલ કરે છે એ કોંગ્રેસને ફળે કે કેમ એ કહેવું હજી વહેલું ગણાય. કોંગ્રેસ તરફથી ચૂંટણી લડતા અલ્પેશ ઠાકોર ઓબીસી અને ઠાકોર આંદોલન ચલાવીને કોંગ્રેસમાં ભળ્યા. જિજ્ઞેશ મેવાણી દલિત આંદોલન ચલાવીને અપક્ષ તરીકે ચૂંટણી લડવા આગળ આવ્યા. એનો લાભ કોંગ્રેસને થશે કે ગેરલાભ એ પ્રજા નક્કી કરશે. જોકે આ ત્રિપુટીને કારણે ગુજરાતના રાજકારણની દશા અને દિશા બદલાઈ છે એ વાત કોઈ નકારી શકે નહિ.
મુખ્યમંત્રી કોણઃ અમિત શાહ કે પરેશ ધાનાણી?
ગુજરાતની આ વખતની ચૂંટણી, હવે રાજ્યસભાના સભ્ય અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના મુખ્યમંત્રી બનવાના સ્વપ્નને સાકાર કરનાર નીવડશે કે રૂસણે બેઠેલાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ એમના એ સ્વપ્નને ધૂળધાણી કરશે, એનો પણ નિર્ણય કરશે. શાહ ગુજરાતમાં ધામા નાખીને બહુમતી ઉમેદવાર પોતાના ‘ઓળ’ના નક્કી કરાવી શક્યા છે. આનંદીબહેન પ્રગટપણે ભલે રાજીપો દેખાડે પણ એમની નારાજગી સ્પષ્ટ છે. વડા પ્રધાન મોદી અગાઉના કોઈ પણ વડા પ્રધાનથી વિપરીત ગુજરાતના મુખ્યમંત્રી હોય એ રીતે જ સભાઓ સંબોધતા રહે છે અને એમની સભાઓમાં પાંખી હાજરી ચિંતા ઉપજાવે છે. વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણી તો અમિતભાઈના ‘રિમોટ’થી ચાલે છે. એમને મુખ્યમંત્રીપદ સોંપાય કે નહિ એ પ્રશ્ન છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણા બેઠક પર સાંસદ રહેલા કોંગ્રેસના જીવાભાઈ પટેલ સામે હારી શકે. મહેસાણા પટેલ આંદોલનનું મૂળ ‘એપી સેન્ટર’ ગણાય અને હાર્દિક પટેલને હજી મહેસાણામાં પ્રવેશની બંધી હોવા છતાં એનો પ્રભાવ ઓછો નથી. કોંગ્રેસને સુરત, રાજકોટ સહિતનાં શહેરોમાં પ્રભાવ વધારવામાં ‘પાસ’ અને હાર્દિકનું ઘણું યોગદાન છે. સામે પક્ષે કોંગ્રેસના ગુજરાત પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત ધીરગંભીર વ્યક્તિત્વ છે. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસને દગો આપ્યા પછી તેમણે આંદોલન ત્રિપુટીને પક્ષ સાથે સુપેરે જોડવાની કોશિશ કરી છે. ભાજપ ગુજરાતમાં પછાત પટેલો સહિતના ઉજળિયાતોને અનામતનો લાભ પચાસ ટકા મર્યાદાને આગળ કરીને નકારે છે, જ્યારે રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર જ નહિ, આંધ્ર પ્રદેશમાં એ પટેલ સમકક્ષને ૫૦ ટકાની ઉપરવટ જઈને અનામત આપવાનાં વિધેયક વિધાનસભાઓમાં મંજૂર કરાવે છે! પટેલ આંદોલનના પ્રતાપે ૨૦૧૫માં જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં કુલ ૩૩ જિલ્લા પંચાયતમાંથી ૨૪ જિલ્લા પંચાયતો કોંગ્રેસને મળી, એટલું જ નહિ, કોંગ્રેસના ૧૪ ધારાસભ્યોને ભાજપી ખેસ ધારણ કરાવીને કોંગ્રેસમુક્ત ભારતના અભિયાનમાં સામેલ કરાયા છતાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના અહેમદ પટેલને હરાવવામાં ભાજપની નેતાગીરી નિષ્ફળ રહી એ સૌથી મોટો આઘાત હતો.
દિલ્હી તખ્ત માટે ગુજરાત નિર્ણાયક
માધવસિંહ સોલંકીયુગમાં ‘ખામ’ (ક્ષત્રિય+હરિજન+આદિવાસી+મુસ્લિમ) થિયરીને પ્રતાપે ૧૯૮૫માં ૧૮૨ બેઠકોમાંથી ૧૪૯ બેઠકોનો વિક્રમ સર્જવામાં આવ્યો હતો, પરંતુ પટેલો એ વેળા સોલંકી શાસનથી નારાજ હતા. પટેલો અને ભાજપ સહિતનાની સક્રિયતાવાળા અનામતવિરોધી આંદોલનને કોમી રમખાણોમાં પરિવર્તિત થતું જાઈને સોલંકીએ ચાર જ મહિનામાં સત્તા છોડવી પડી હતી. અમરસિંહ ચૌધરીને સુકાન સોંપાયા છતાં ૧૯૯૦ની ચૂંટણી પહેલાં માધવસિંહને મુખ્યમંત્રી બનાવાયા અને એમના નેતૃત્વમાં કોંગ્રેસની નૈયા સાવ ૩૩ બેઠકો સાથે ડૂબી હતી. આ વેળા ‘સોલંકી ગ્રહણ’ લાગે નહિ એટલા માટે માધવસિંહ પુત્ર ભરતસિંહ સોલંકી ભલે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ હોય, પણ એમને ચૂંટણી નહિ લડાવીને પટેલોને સંકેત અપાઈ રહ્યા છે કે અમરેલીના પરેશ ધાનાણી જેવા યુવા પટેલને મુખ્યમંત્રી બનાવી શકાય.હાર્દિકે પણ અમરેલી જિલ્લાની સભાઓમાં “હવે જિલ્લો કૃષિમંત્રીઓને બદલે મુખ્યમંત્રી આપે”, એવું કહીને ધાનાણી ભણી ઈશારો કર્યો છે. ધાનાણી ઉપરાંત પણ શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડિયાનાં નામ પર મુખ્યમંત્રીપદ માટે છે. જોકે આ બધાની વચ્ચે ૧૮મી ડિસેમ્બરે ઇવીએમ મશીન કયા પક્ષને સ્પષ્ટ બહુમતી અપાવે છે એના પર ગુજરાતની જ નહીં, દિલ્હીની ગાદી પણ ટકશે કે જશે, એનો મદાર છે. એટલે જ ગુજરાતની વિધાનસભાની આ વખતની ચૂંટણી ભારતની ભાગ્યવિધાતા છે.
ઈ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment