Wednesday 29 November 2017

Who is playing Mischief in the Game of Reservation

અનામત અનામતના ખેલમાં કોણ કરી રહ્યું  છે અંચાઈ
અતીતથી આજ :  ડૉ.હરિ દેસાઈ

             આપણે ત્યાં એક કહેવત પ્રચલિત છે : “નબળી ગાયને બગાઈઓ ઘણી”. ગુજરાતના મુખ્યમંત્રી પદે નરેન્દ્ર મોદી હતા ત્યારે એમણે બે સવર્ણ (કાયસ્થ અને રાજગોર) જ્ઞાતિઓને અન્ય પછાત વર્ગ(ઓબીસી)ની યાદીમાં સમાવી લીધી ત્યારે કોઈએ ચૂં કે ચા કર્યું નહોતું.પાટીદારોએ અત્યારની અનામતમાં ભાગ પડાવ્યા વિના જ ઓબીસી સમકક્ષ અનામતની માંગણી કરી કે જાણે કોઈ મહાપાપ કર્યું હોય એ રીતે પહેલાં આનંદીબહેન પટેલ અને પછી વિજય રૂપાણી-નીતિન પટેલ સરકારે રીતસર એને વખોડી કાઢવામાં કોઈ મણા ના  રાખી.આજે તો મામલો હાથથી ગયો હોય  એવા સંજોગો સર્જાયા છે.નવાઈ એ વાતની છે કે પટેલ આંદોલનકારીઓએ ગુજરાતની તમામ બિન-અનામત જ્ઞાતિઓ એટલેકે ઉજળિયાતોમાંના પછાત પરિવારોને અનામતનો, શૈક્ષણિક અને સરકારી નોકરીઓ માટેનો,  લાભ બંધારણીય જોગવાઈઓ અનુસાર મળે એવી માંગણી કરી હતી. ભાજપશાસિત રાજસ્થાન,મહારાષ્ટ્ર અને હરિયાણા સહિતનાં રાજ્યોમાં સ્વયં મુખ્યમંત્રીઓએ  આંદોલનકારીઓ સાથે મંત્રણા કરીને વિધાનસભામાં એનાં વિધેયક પસાર કરવાનું પસંદ કર્યું  કે વચન આપ્યાં છે ! સર્વોચ્ચ અદાલતના ચૂકાદાઓ મુજબ, ૫૦ ટકાથી અનામતનું પ્રમાણ વધે તો એને ગેરબંધારણીય ઠરાવાય તો પણ એ દિશામાં પ્રયત્ન કરવાની પાટીદારોની વાતને અવગણવામાં આવી.બંધારણમાં આર્થિક અનામતની જોગવાઈ નહીં હોવા છતાં ગુજરાત સરકારે  ૧૦ ટકા આર્થિક અનામતની જાહેરાત કરી અને વડી અદાલતે એને રદ કરી. રાજ્ય સરકાર એ મુદ્દે  સર્વોચ્ચ અદાલતે ગઈ છે. બદ્ધેબદ્ધું આંધળે બહેરું જ ફૂટાયું. અત્યારે તો આ અનામતનો મુદ્દો ચૂંટણીમાં ભાજપના ગળામાં હાડકું બનીને ફસાયો છે.હકીકતમાં દેશભરનું ચિત્ર વિચારીને મંત્રણાને મારગ જરૂર પડ્યે કૉંગ્રેસનો રાજ્યસભામાં ટેકો લઈને પણ બંધારણીય સુધારો કરીને પણ સમસ્યાને ઉકેલી શકાઈ હોત, પણ જીદે ચડેલાઓના અહમે ઊભા ગુજરાતને અજંપાભરી સ્થિતિમાં લાવીને મૂકી દીધું.

જાગતાં મુખ્યમંત્રી જયલલિતાનું ઐતિહાસિક પગલું

બંધારણીય માર્ગ કાઢીને સમસ્યાનો નિવેડો લાવવાને બદલે પટેલોના આંદોલનની આગની જ્વાળાઓ આનંદીબહેનની ખુરશીને આભડી ગઈ અને હવે સર્વમિત્ર વિજય રૂપાણી તથા નીતિન પટેલની ખુરશીને માથે આફત બનીને ઝળુંબે છે. ઈન્દ્રા સાહનીના કેસમાં ૫૦ ટકાની અનામત ટકાવારીની મર્યાદા અને ૨૭ ટકા ઓબીસી અનામતને માન્ય કરતો સર્વોચ્ચ અદાલતનો ચૂકાદો નવેમ્બર ૧૯૯૨માં આવ્યો કે તૂર્તજ જાગતાં મુખ્યમંત્રી જયલલિતા જયરામે તમિળનાડુમાં પછાતોના આયોગ પાસેથી એક અહેવાલ મેળવી, એને મંજૂર કરી,સર્વપક્ષી પ્રતિનિધિમંડળ લઈને દિલ્હી દોડી જવાનું પસંદ કર્યું હતું.એ વેળાની પી.વી.નરસિંહ રાવ સરકારમાંના સમાજ કલ્યાણ મંત્રી સીતારામ કેસરીએ સંસદમાં બંધારણીય સુધારાનું વિધેયક રજૂ કરીને તમિળનાડુમાં પરિશિષ્ટ ૯ હેઠળ ૬૯ ટકા અનામત મંજૂર કરાવી લીધી હતી.આજે પણ આ રાજ્યમાં ૬૯ ટકા અનામતનો અમલ બેધડક ચાલી રહ્યો છે,ભલે સર્વોચ્ચ અદાલતમાં એને પડકારવામાં આવ્યાનો ખટલો હજુ આજેય વિચારાધીન હોય. કેન્દ્રમાં મોદી સરકારના સત્તાવાર જાહેરનામા મુજબ,દેશભરનાં તમામ રાજ્યોમાં સૌથી વધુ અનામતની ટકાવારી તમિળનાડુમાં અમલમાં છે એટલુંજ નહીં,ઓબીસી અનામત ૨૭ ટકાને બદલે ૫૦ ટકા છે ! આ રાજ્યમાં અનુસૂચિત જાતિ માટે ૧૮ ટકા,અન્ય પછાતો માટે ૩૦ ટકા,અત્યંત પછાતો માટે ૨૦ ટકા અને આદિવાસીઓ માટે ૧ ટકા એમ કુલ ૬૯ ટકા અનામતનો અમલ અન્ય ભાજપ અને કૉંગ્રેસશાસિત રાજ્યો માટે પણ આદર્શ ગણાય એટલી અનામતનો અમલ છે.ઓબીસી માટેની ૩૦ ટકા અનામતમાંથી બિન-મુસ્લિમ માટે ૨૬.૫ ટકા અને મુસ્લિમ માટે ૩.૫ ટકા અનામતની જોગવાઈ છે. અત્યંત પછાતો માટેની ૨૦ ટકા અનામતમાંથી ૧૦ ટકા તો ડી-નૉટિફાઈડ માટે રાખી છે.અનુસૂચિત જાતિની ૧૮ ટકામાંથી ૧૫ ટકા એસસી માટે અને ૩ ટકા અરુન્થથીયાર માટે રખાઈ છે.

કેરળમાં તો  સવર્ણ અનામતનો અમલ

રાષ્ટ્રીય કક્ષાએ બંધારણ સુધારા પછી ભલે સવર્ણોને અનામતનો લાભ મળે,પણ કેરળની માર્ક્સવાદી સરકારના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને તો રાજ્યમાં ૧૦ ટકા જેટલી અનામત ઉજળિયાતોને આપવાનું દેવાસ્વોમ(દેવસ્થાન) બૉર્ડની ભરતીમાં અમલમાં લાવી જ દીધું છે.તેમણે ઇઝવાહા અનામતને ટકાવારી ૧૪ ટકાથી વધારીને ૧૭ ટકા અને એસસી/એસટી માટેની ટકાવારી ૧૦ ટકાથી વધારીને ૧૪ ટકા કરી છે.મહારાષ્ટ્રમાં મરાઠાને(પટેલ સમકક્ષ) ૧૬ ટકા અને મુસ્લિમોને ૫ ટકા અનામત આપવાના અગાઉની કૉંગ્રેસ-રાષ્ટ્રવાદી સરકારના નિર્ણયમાંથી મરાઠા અનામતને વડી અદાલતે રદ કરી, પણ મુસ્લિમ અનામતને રદ કરી નહોતી.જોકે રાજ્યમાં ભાજપ-શિવસેના સરકાર આવતાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાહેર કર્યું હતું કે અમે મરાઠાને અનામત આપવા માંગીએ છીએ,પણ મુસ્લિમોને નહીં.મરાઠા અનામત માટે મામલો સર્વોચ્ચ અદાલતે ગયો અને મુસ્લિમોને અનામત રદ ના થઇ હોવા છતાં બંનેનો અમલ રોકાઈ ગયો છે.મહારાષ્ટ્રમાં પણ અનામતની કુલ ટકાવારી મરાઠા અને મુસ્લિમ સાથે ૭૩ ટકા થતી હતી.

તેલંગણના મુખ્યમંત્રી ધરણાં કરવાના મૂડમાં

 તેલંગણની વિધાનસભાએ વિધેયક મંજૂર કરીને “ખાસ લાભવંચિત” શ્રેણી ઊભી કરી મુસ્લિમો માટે અનામતને ૪ ટકાથી વધારીને ૧૨ ટકા અને અનુસૂચિત જનજાતિની અનામત ૬ ટકાથી વધારીને ૧૯ ટકા કરવાની જોગવાઈને મંજૂર કરાવી. ભાજપ અને એના  મિત્રપક્ષ તેલુગુ દેશમના વિરોધ વચ્ચે આ વિધેયક મંજૂર કરાવવાના આગ્રહી મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ કોઈપણ ભોગે મુસ્લિમોને વધુ અનામત અપાવવાના પક્ષધર છે એટલું જ નહીં,અનામતની ટકાવારી ૫૦ ટકાથી વધુ કરવાનું  મંજૂર રાખવા સર્વોચ્ચ અદાલતમાં લડી લેવા ઉપરાંત મહારાષ્ટ્ર અને રાજસ્થાન સાથે આ બાબતમાં સમજૂતી સાધવાની સાથે જ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ,તૃણમૂલ કૉંગ્રેસ, બીજુ જનતા દળ,જેડી(યુ) અને જેડી (એસ)ને પણ સાથે રાખી, જરૂર જણાય તો દિલ્હી જઈ ધરણા કરવા તૈયાર છે.આંધ્રમાં રાજ્ય સરકારમાં તેલુગુ દેશમ સાથે ભાજપ છે,પણ અહીં પણ મુસ્લિમોને ૪ ટકા અનામતનો  ખટલો  સર્વોચ્ચ અદાલતમાં જીતવા માટે મુખ્યમંત્રી નર ચંદ્રબાબુ નાયડુએ પોતાના લઘુમતી બાબતોના મંત્રી ગોપીનાથ રેડ્ડીને કામે વાળ્યા છે. અત્યારે પણ આંધ્રમાં અનામતની ટકાવારી ૬૬.૬૬ ટકા છે. મહારાષ્ટ્રમાં ૫૨(બાવન) ટકા અને રાજસ્થાનમાં અદાલતે ચાર-ચાર વાર ૫૦ ટકાથી વધતી અનામતને રદ કરી.ભાજપનાં  મુખ્યમંત્રી વસુંધરા રાજેના શાસનમાં  એ ૬૮ ટકા સુધી પહોંચી હતી.હજુ પણ રાજસ્થાન અને હરિયાણાની મનોહરલાલ ખટ્ટરની ભાજપી સરકાર જાટ અનામતના મુદ્દે ૫૦ ટકાની મર્યાદા વટાવી દેવાના મૂડમાં છે.

 મોદી સરકારના  ૭૫ ટકા અનામત કરવાના ઉધામા

રાજસ્થાન હોય કે મહારાષ્ટ્ર કે પછી તેલંગણ, તમામ રાજ્યોએ પોતાના રાજ્યના લોકોની અનામત માટેની અપેક્ષાની પૂર્તિ કરવા માટે તમિળનાડુનું જ ઉદાહરણ આગળ કરવા માંડ્યુ છે. કર્ણાટકમાં કોંગ્રેસી મુખ્યમંત્રી સિદ્ધરામૈય્યા તો અનામતની ટકાવારી ૭૦ ટકા સુધી લઇ જવા માંગે છે.સાથે જ રાજ્યમાં ખાનગી ક્ષેત્રની આઈટી અને બાયોટેક સિવાયની તમામ કંપનીઓમાં ૧૦૦ ટકા કન્નડ લોકોને જ નોકરીમાં રાખવામાં આવે એવી જોગવાઈ કરીને એનો કડક અમલ કરવાનો તેમણે  નિરધાર કર્યો છે.એમ તો ગુજરાતમાં પણ છેક માધવસિંહ યુગથી ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં ૮૫ ટકા નોકરીઓ સ્થાનિકોને આપવાનો કાયદો કાગળ પર જ રહ્યો છે.હવે તો બિહારના મુખ્ય મંત્રી અને ભાજપી મિત્ર નીતીશકુમાર પણ ખાનગી કંપનીઓમાં ૫૦ ટકા નોકરીઓ બિહારીઓને અપાવવાના આગ્રહી છે. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે ગુજરાતમાં ભાજપની સરકાર ૫૦ ટકાની ટોચમર્યાદાની માળા જપે છે,પણ મોદી સરકારમાં સમાજ કલ્યાણ રાજ્ય મંત્રી રહેલા રામદાસ આઠવલે છાસવારે નિવેદન કરતા રહે છે કે સવર્ણોમાંના પછાત  પરિવારોને અનામતનો ૨૫ ટકા લાભ અપાવવા માટે અમે અનામતની ટકાવારી ૭૫ ટકા સુધી લઇ જવા માટે બંધારણ સુધારો લાવીશું. હકીકતમાં બંધારણસભામાં ખુદ કાયદા પ્રધાન અને બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડૉ,બાબાસાહેબ આંબેડકરે અનામતની ટોચમર્યાદા ૫૦ ટકાથી નહીં વધારવાનો આગ્રહ સેવ્યો હતો.જોકે અત્યારે અનામત-અનામતના આ ખેલમાં કોણ ક્યારે કોની રમત રમે છે એ કળવું જરા મુશ્કેલ છે.બધાને ચૂંટણીલક્ષી ભવિષ્યની જ ચિંતા છે.

હવે તો હાર્દિક કા હાથ કૉંગ્રેસ કે સાથ

 આખરે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના બળૂકા સંયોજક હાર્દિક પટેલે અનામતની કૉંગ્રેસની ફૉર્મ્યુલા વિશે મૌન તોડ્યું.પટેલોને જ નહીં, તમામ બિન-અનામત ઉજળિયાતોમાંના પછાતોને બંધારણીય અનામત આપવાના પ્રયાસરૂપ જે કોઈ દરખાસ્ત કૉંગ્રેસના મોવડીમંડળે રજૂ કરી એને સ્વીકારી લેવાની હાર્દિકે બુધવાર,૨૨ નવેમ્બર ૨૦૧૭ના રોજ ગાઈવગાડીને જાહેરાત કરી.પાસના વિસર્જન કે કેટલાક નિકટના સાથીઓના પક્ષાંતરની અંતરિયાળ વાતોને હાલપૂરતો વિરામ મળ્યો.કમનસીબે રાજ્યના એક ૨૪ વર્ષના છોકરડા આંદોલનકાર સામે ૬૨ વર્ષના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જે ભાષામાં બળાપો કાઢ્યો, એ હોદ્દા અને પટેલપણાની ગરિમાને અનુરૂપ નહીં હોવાની છાપ સંઘ પરિવાર જેવા સંસ્કારી સંગઠનમાં પણ ઉપસી.નવાઈ એ વાતની છે કે હાર્દિક અને નીતિનભાઈની આ જુગલબંધી પછી રાજ્યના ઓબીસી આયોગે પાટીદાર સહિતની ૨૮ જ્ઞાતિઓને માટે સર્વે કરાવવાની વાત વહેતી મૂકી છે.
હવે તો યુદ્ધ રેખાઓ ખેંચાઈ ગઈ છે.પાસના અમુક નેતાઓને ભાજપે પોતીકા કરી તો લીધા ,પણ એમાંના વરુણ પટેલની ઘોષણા છતાં હાર્દિકની સભાઓને સમાંતર સભાઓ કરવાની હિંમત હજુ તેમના થકી કેળવી શકાઈ નથી.સામે પક્ષે હાર્દિકની સભાઓમાં લક્ઝરી બસો  નહીં મૂકાયા છતાં જનમેદની ઉમટે છે.હાર્દિકે તો એટલે સુધી કહ્યું કે ૨૩ વર્ષના વિકાસની સીડી જોવાની પ્રજાને તાલાવેલી હતી,પણ મારી કહેવાતી બોગસ સૅક્સ સીડી કાઢીને સત્તાપક્ષે ભાંગરો જ વાટ્યો.હાર્દિક સાથે છેડો ફાડતાં રહી ગયેલા પાસના સંયોજક દિનેશ બાંભણિયાએ તો એટલે સુધી કહ્યું કે સીડી પ્રકરણે તો સમાજના વડીલોની સહાનુભૂતિ હાર્દિક ભણી વાળી. હજુ હમણાં જ  હાર્દિક પાસેથી ભાજપમાં ગયેલા પાસના સંયોજકોને મીડિયામાં છૂટ્ટા મૂકીને હાર્દિક કે પાટીદારોના આંદોલન વિરુદ્ધ નિવેદનો કરવા પ્રેરવામાં આવ્યા છે, જેમાંથી અમુકે તો કૉંગ્રેસમાં જોડવા માટે દ્વાર ખખડાવી જોયાં હતાં ! બાકીની કસર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નિવેદનશૂરો  પૂરી  કરે છે.
ભાજપી ઈબીસી રદ,કૉંગ્રેસ મેદાનમાં 
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાતોની અનામતમાં ભાગ પડાવ્યા સિવાય અનામત માગી રહેલા પટેલ આંદોલનને પગલે એ વેળાનાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે “૫૦ ટકાથી વધુ અનામત આપી ના શકાય” એ આલાપ ચાલુ રાખ્યો અને એમણે ગાદી છોડવી પડી.પરિપક્વ ગણાતાં આનંદીબહેને ઍફ્બી પર રાજીનામું મૂક્યું એટલે એ હકીકતમાં નારાજીનામું હતું એ સ્પષ્ટ થઇ ગયું હતું.રાજ્ય સરકારે પટેલ સહિતના ઉજળિયાત મનાતા રાજ્યના આર્થિક રીતે પછાતો માટે ૧૦ ટકાની જોગવાઈ કરી તો ખરી પણ એને વડી અદાલતે રદ કરી એટલે સરકાર સર્વોચ્ચ અદાલતે ગઈ.દરમિયાન ૫૦ ટકાથી વધુ અનામત આપી શકાય નહીં,એ ગાણું ચાલતું રહ્યું. હજી ઈબીસી અનામત ખટલો સર્વોચ્ચ અદાલતમાં વિચારાધીન ખરો.દરમિયાન,કૉંગ્રેસ ચૂંટણી પછી સત્તામાં આવે તો વિધાનસભામાં “બંધારણીય જોગવાઈ મુજબ” પટેલો સહિતના બિન-અનામત વર્ગોના પછાતોને અનામતનો લાભ આપવાની કૉંગ્રેસી ફૉર્મ્યૂલાને પાસ થકી સ્વીકારી લેવાતાં  જ સત્તા પક્ષે હોબાળો મચાવ્યો છે.હાર્દિકે સ્વીકારેલી ફૉર્મ્યુલામાં બંધારણના અનુચ્છેદ ૩૧(ક) અને ૪૬ હેઠળ વિધાનસભામાં અનામત વિધેયક મંજૂર કરાવીને,સીધી રાષ્ટ્રપતિની મંજૂરી મેળવી,ન્યાયિક સમીક્ષામાંથી એને બાકાત રાખવાની જોગવાઈ વિચારાઈ  છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પટેલોને રાજ્યની જ નહીં, કેન્દ્રીય ઓબીસીનો પણ લાભ મળે છે. એ બાબત પણ ઉત્પાત સર્જે છે. જોકે કૃષ્ણકાંત વખારિયા અને રણવીર દેસાઈ જેવા બંધારણ નિષ્ણાતો બંધારણમાં જરૂરી સુધારા વિના આવી અનામત આપવામાં આવે તો રાજસ્થાનની જેમ રદ થવાની શક્યતા જુએ છે.જોકે કપિલ સિબ્બલ,કે.આર.કોષ્ટી તથા પ્રકાશ ઉર્ફે બાળાસાહેબ આંબેડકર (ડૉ.બાબાસાહેબ આંબેડકરના કાનૂનવિદ-પૌત્ર)ના મતે બંધારણમાં સુધારો કર્યા વિના પણ ઉજળિયાત પછાતોને અનામતનો લાભ આપી શકાય. બાળાસાહેબ અત્યારે એક અનામત( સંસદ અને ધારાસભાઓમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટેની બેઠકોની રાજકીય અનામત) રદ કરવાની ઝુંબેશ ચલાવી રહ્યા છે, ત્યારે દેશભરમાં અનામતના (શૈક્ષણિક તથા સરકારી નોકરીની) પ્રમાણમાં વધારો કરવાની લોકપ્રિય માંગ ઊઠી રહી છે.

ઈ-મેઈલ : haridesai@gmail.com                                                                 ( ૨૪ નવેમ્બર ૨૦૧૭)

No comments:

Post a Comment