Thursday 9 November 2017

Severe Challenge before the winning spree of BJP in Gujarat

ગુજરાતમાં ભાજપની વિજયકૂચ છતાં પડકાર ગંભીર
ડૉ.હરિ દેસાઈ

છેલ્લાં ૨૨ વર્ષથી ગુજરાતની પ્રજા સત્તારૂઢ ભારતીય જનતા પક્ષને પડખે રહ્યા પછી ડિસેમ્બર, ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં પહેલી વાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમ જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહથી લઈને ગુજરાત ભાજપના અધ્યક્ષ જિતુ વાઘાણી સુધીના માટે ખરા અર્થમાં પડકારનો સામનો કરવાના સંજોગો છે. છેલ્લે રાજ્યસભાની ચૂંટણીમાં કૉંગ્રેસનો સાગમટે દ્રોહ કરનારા ૧૪ કરતાં વધુ ધારાસભ્યો અને એમના પ્રેરણામૂર્તિ શંકરસિંહ વાઘેલાના ઉધામા છતાં કૉંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલ જીતી જતાં સમગ્ર રાજ્યમાં કૉંગ્રેસી કાર્યકરોમાં ચેતનાનો નવસંચાર જોવા મળ્યો. પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના નેજા હેઠળ હાર્દિક પટેલ આણિ મંડળીએ આદરેલા આંદોલનના પગલે જિલ્લા પંચાયતોની ચૂંટણીઓમાં ૩૩માંથી ૨૬ જિલ્લા પંચાયતો કૉંગ્રેસના કબજામાં આવી હતી. જોકે એ બગાસું ખાતાં પતાસું મુખમાં આવી પડ્યાના સંજોગો હતા, પણ વિધાનસભાની ચૂંટણી આવતાં પહેલાં રાજ્યમાં પાટીદાર, ઓબીસી અને દલિત આંદોલનની યુવા ત્રિપુટી હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીએ સર્જેલા સંજોગોએ ગજગામી ભાજપ માટે સત્તાને પુનઃ હાંસલ કરવાની સ્થિતિને વિકટ જરૂર બનાવી દીધી છે. વડા પ્રધાન મોદી વારંવાર ગુજરાતની મુલાકાતે આવતા રહ્યા, મુખ્યમંત્રીપદેથી આનંદીબહેન પટેલની વિદાય પછી એમને પણ સક્રિય કરવાના વ્યૂહ ઘડાયા, ભાજપના રાજ્યસભાના સભ્ય ચૂંટાયેલા અમિત શાહને હવેલી લેવા જતાં ગુજરાત ખોવું ના પડે એ માટે દિવસોના દિવસો સુધી ગુજરાતમાં જ રોકાણ કરવાની ફરજ પડી. આ બધા છતાં કૉંગ્રેસી મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના ૧૯૮૫ની વિક્રમી બેઠકો ૧૪૯ના આંકડામાં એકનું ઉમેરણ કરીને ૧૫૦ પ્લસનું મિશન નક્કી કરનાર ભાજપ રીતસર ઘાંઘો થયો છે.
નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીનો માહોલ
ચૂંટણી વિધાનસભાની છે, પરંતુ વડા પ્રધાન મોદી વિરુદ્ધ કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની લાગે છે. ક્યારેક નરેન્દ્ર મોદીએ આ લખનારને કહ્યું હતું કે મને તો સ્મશાનમાં મુખ્યમંત્રીપદ મળ્યું હતું. સરપંચની પણ ચૂંટણી નહિ લડેલા મોદી કોઈ પત્રકાર મિત્રની અંતિમયાત્રામાં સ્મશાનમાં હાજર હતા ત્યારે ત્યાં જ એમને એ વેળાના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનો ફોન આવ્યો હતો અને ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના અનુગામી તરીકે ગાંધીનગર જવાનો આદેશ મળ્યો હતો. એ વેળા મોદી ગુજરાતવટે હતા. જોકે ભાજપી સાંસદ દિલીપ સંઘાણીના દિલ્હીનિવાસે રહીને એ વર્ષોમાં પણ નરેન્દ્રભાઈ ગુજરાત પર બાજનજર રાખી રહ્યા હતા. ક્યારેક પોતાને ચાણક્યલેખાવતા આ સંઘ-પ્રચારક ચંદ્રગુપ્તથવાની વેતરણની વ્યૂહરચનામાં રમમાણ હતા. કેશુભાઈ થકી બે બેઠકો ગુમાવવાના સંજાગો આવ્યા અને મોદીનું ભાગ્ય ખૂલી ગયું હતું. ઓક્ટોબર, ૨૦૦૧માં ગુજરાતની ગાદીએ આવ્યા અને હરેન પંડ્યાએ એમના માટે બેઠક ખાલી કરી આપવાની આનાકાની કરી ત્યારે રાજકોટના વજુભાઈ વાળાએ પોતાની બેઠક મોદીને ઑફર કરીને દીર્ઘકાળ માટે એમની ગુડબુકમાં નોંધાઈ જવાનું પસંદ કર્યું હતું. ૨૦૦૨ની વિધાનસભા ચૂંટણી મોદીના નેતૃત્વમાં લડાઈ અને ભાજપે ૧૮૨માંથી ૧૨૭ બેઠકો મળી, પણ એ પછીની વિધાનસભાની ૨૦૦૭ની ચૂંટણીમાં મોદીના નેતૃત્વમાં દસ બેઠકો ગુમાવવી પડી. ભાજપને ૧૧૭ બેઠકો મળી. ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં એમાં પાછો બે બેઠકોનો ઘટાડો થઈને ૧૧૫ બેઠકો જ મળી. મે, ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં મોદી વડા પ્રધાનપદના ઉમેદવાર હોવાથી ગુજરાતની તમામ ૨૬  બેઠકો સહિત  દેશમાંથી ભાજપને ૨૮૨ બેઠકો મળી. ભલે ૩૧ ટકા મત મળ્યા, પણ ભાજપના નેતૃત્વમાં મોદીના વડા પ્રધાનપદે સરકાર રચાતાં અગાઉની બે ચૂંટણીમાં સરકાર રચવામાં સફળ કૉંગ્રેસ માત્ર ૪૪ બેઠકોમાં સીમિત થઈ, એટલું જ નહિ, એને વિપક્ષનું નેતાપદ પણ ના મળ્યું!
રાહુલ હવે પપ્પૂનથી રહ્યા
એ પછી રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને મળેલા સતત વિજયને પગલે કૉંગ્રેસના આશાસ્પદ નેતા રાહુલ રાજીવ ગાંધીનું ભવિષ્ય ધૂળધાણી થતું લાગ્યું. જોકે છેલ્લે પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસની સરકાર રચાતાં પક્ષનું મનોબળ સુધર્યું અને તાજેતરમાં અમેરિકાની મુલાકાતથી પાછા ફર્યા પછી રાહુલ ગાંધી ગુજરાતના લોકો સાથે વિશ્વાસભેર સંવાદ સાધતા રહ્યા એટલે એમના વ્યક્તિત્વમાં વિશ્વાસનો નવસંચાર દેખાયો. લંડન સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સમાં ભણેલા અને અનુસ્નાતક પદવી મેળવનાર જે રાહુલને અત્યાર લગી ભાજપ અને સંઘ પરિવાર થકી સોશિયલ મિડિયામાં પપ્પૂગણાવી દેવાતા હતા, એ જ રાહુલ અને એમના સમર્થકોને પ્રજા ગંભીરતાથી લેવા માંડી. એટલું જ નહિ, પહેલી વાર કૉંગ્રેસનું મનોબળ વધુ દૃઢ દેખાવા લાગ્યું, રાહુલની અપીલ પ્રભાવ પાડતી લાગવા માંડી અને પ્રજામાં વડા પ્રધાન મોદી તથા ભાજપની વચનલહાણી અંગે સવાલો ઊઠતા થયા. ફરી એક વાર વાતાવરણ એવું થયું છે કે ત્રણેય જનઆંદોલનો ભાજપને ભીંસમાં લઈ કૉંગ્રેસને જીતાડવા કૃતસંકલ્પ લાગે છે.
અલ્પેશ કૉંગ્રેસમાં, હાર્દિક ભણી ભાજપનો મારો
અલ્પેશ ઠાકોર ભવ્ય જનમેદનીની ઉપસ્થિતિમાં કોîગ્રેસમાં જાડાયા અને રાહુલ હાજર રહ્ના. હાર્દિક પણ કૉંગ્રેસ  ભણી છે. ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષથી સામાજિક આંદોલન ચાલતાં રહ્યાં છતાં સદનસીબે સામાજિક ટકરાવના સંજાગો ઊભા થયા નથી. ઠાકોર-ક્ષત્રિય સેના અને ઓબીસી મંચના અલ્પેશ ઠાકોરના નેતૃત્વમાં ચાલતું રહેલું આંદોલન કોઈ પણ તબક્કે હિંસક બન્યું નથી. પાટીદાર આંદોલનમાં પોલીસ અત્યાચારનો ભોગ બનીને ૧૪ પાટીદાર યુવાનો મોતને ભેટ્યા છતાં આ શહીદો સંદર્ભે ચૂંટણી નજીક આવી નહિ ત્યાં લગી સરકારે કોઈ પગલાં લેવાનું મુનાસિબ લેખ્યું નથી. વળી પાટીદારો અનામતની માગણી કરી રહ્ના હોવા છતાં એ વિશે કાર્યવાહી કરવાનું પણ ટાળવામાં આવ્યું છે. દલિતો પર ઊનામાં અત્યાચારની ઘટના બની અને એ અગાઉ થાનગઢમાં પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા દલિતોની તપાસનો અહેવાલ સરકાર પ્રકાશિત કરતી નથી તેમ જ દલિતોની ન્યાયી માગણીઅો સ્વીકારતી નથી એટલે આંદોલન કરનાર યુવા ત્રિપુટીના ત્રણેય ભાજપને પાડી દ્યોએવો સંદેશ સમાજને આપી રહ્યા છે. સરકારે આ ત્રણેય આંદોલનોને મંત્રણાને મારગ ઉકેલવાને બદલે કૉંગ્રેસપ્રેરિત લેખાવ્યાં અને હવે કૉંગ્રેસ તેમને પોતાના ભણી ખેંચવામાં સફળ પણ રહી છે.
ચૂંટણીની જાહેરાત વિલંબમાં નાખીને ખેરાતો
ગુજરાતી વડા પ્રધાન મોદી ગૃહ રાજ્યની મુલાકાતે આવે એની સામે કોઈ વિરોધ ન હોઈ શકે, પણ એક જ મહિનામાં ચાર-ચાર વખત વડા પ્રધાન કોઈ ઉદઘાટન કે જાહેર સભા કે રોડ શો માટે આવે અને એમની મુલાકાતોને કારણે ચૂંટણીપંચ જેવી બંધારણીય સંસ્થાએ પૂરગ્રસ્તોને રાહતની કામગીરી બાકી હોવાને કારણેચૂંટણીની તારીખોની જાહેરાત મોકૂફ રાખવી પડે, ત્યારે ચૂંટણીપંચની પ્રતિષ્ઠા અને નિષ્પક્ષતા વિશે પ્રશ્નો ઊઠવા સ્વાભાવિક છે. છેલ્લા એક મહિનામાં રાજ્ય અને કેન્દ્ર સરકારે પ્રજાને ખુશ કરી દેવા માટે જેટલા નિર્ણયોની જાહેરાત કરી એમ છતાં છેલ્લાં પાંચ વર્ષમાં ચાલતાં આંદોલનો ઉકેલવાનું એમને સૂઝ્યું નથી. હજારો કરોડ રૂપિયાના પ્રકલ્પો અને રાહતોની ૧૨મીથી ૨૫મી ઑક્ટોબર દરમિયાન કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારે જાહેરાતો કરી તો ખરી, છતાં ત્રણ મુખ્ય આંદોલનોને શાંત પાડવા બાબતના એના પ્રયત્ન નિષ્ફળ રહ્યા એટલે સત્તારૂઢ પક્ષે એ ત્રણેય સામાજિક આંદોલનોને કૉંગ્રેસના ઇશારે ચાલતાં ગણાવ્યાં, કૉંગ્રેસી નેતા રાહુલ ગાંધીને, પાકિસ્તાની ત્રાસવાદી હાફિઝ સઈદ સાથે સાંકળવાની હીન કોશિશો કરાઈ રહી છે. ચૂંટણી બન્ને પક્ષો માટે પ્રતિષ્ઠા જંગ બની છે.
વિકાસના મુદ્દાને બદલે ફંગોળાતો પ્રચાર
વાતો વિકાસના મુદ્દાની, પણ વાસ્તવમાં વિરોધીઓનાં હીનકક્ષાએ જઈને ચરિત્રહનન કરવાની પ્રવૃત્તિથી પ્રચાર ફાટફાટ થઈ રહ્યા છે. ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારની વાતો કરનારા રાજનેતાઓ સોશિયલ મીડિયામાં ચાલી રહેલા સાવ અભદ્ર અને હલકી કક્ષાના પ્રચારને રોકવા, મુદ્દા અને તર્કથી વાત કરવાને બદલે, જે પાણીએ મગ ચડે એનો ઉપયોગ કરવાની વેતરણમાં લાગે છે. સમાજમાં છેલ્લાં ત્રણ વર્ષ કરતાં વધુ વખતથી ચાલી રહેલાં ત્રણ આંદોલનોના મૂળ પ્રશ્નોને ઉકેલવાની પહેલ કરવાને બદલે એ આંદોલનોના સૂત્રધારોમાં વિભાજન ઊભાં કરવા, રાષ્ટ્રદ્રોહના ખટલા ભરવા, તેમને જેલભેગા કરવા સહિતનાં પગલાં લઈને સત્તાના સ્વભાવનો પરિચય કરાવાઈ રહ્યા છે. સમાજના બીજા વર્ગોની લાંબા ગાળાની માગણીઓનો ઉકેલ સવેળા લાવવાને બદલે ચૂંટણી આવ્યા પહેલાં, એની જાહેરાત કરી નાખીને સરકારી તિજોરીમાંથી ખેરાતોની જાહેરાત કરીને કોઈ પણ ભોગે ચૂંટણી જીતવાના લક્ષ્યની પ્રાપ્તિ પૂરતી જ કોશિશો થઈ રહી છે. વીતેલી ચૂંટણીના ઢંઢેરામાં અપાયેલાં વચનો કે સરકારી જાહેરાતોના અમલ વિશે ભાગ્યે જ ચર્ચા કરવામાં આવે છે.
સરકાર ભાજપની બને તોય ભીંસ વધવાની
ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર ૯ અને ૧૪મીએ યોજાનારી ચૂંટણીનું પરિણામ ૧૮ ડિસેમ્બરના રોજ હિમાચલ પ્રદેશની ચૂંટણીની સાથે જ આવવાનું છે. હિમાચલ પ્રદેશમાં કૉંગ્રેસી મુખ્યમંત્રી અને સ્થાનિક રાજવી પરિવારના રાજા વીરભદ્રસિંહને કનડવામાં દિલ્હીએ કશું બાકી નથી રાખ્યું. સીબીઆઇ અને બીજી સરકારી એજન્સીઓ આ વયોવૃદ્ધ કૉંગ્રેસી નેતાના સમગ્ર પરિવારની પાછળ છુટ્ટી મૂકી દેવાયેલી છે. એમણે હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાંથી સંરક્ષણ મેળવવામાં ઘણો બધો સમય ફાળવવો પડે છે. સંપત્તિને લગતા ખટલાઓ ઉપરાંત એમના પક્ષમાંથી પ્રભાવી નેતાઓને ભાજપમાં જોડવાની કવાયતો હિમાચલમાં સત્તાપ્રાપ્તિને શક્ય બનાવી શકે. જોકે ગુજરાતમાં તો વડા પ્રધાન મોદી અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શાહ બેઉ માટે ધમાકેદાર જીત મેળવવી અનિવાર્ય છે, અન્યથા ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પ્રતિકૂળ અસર પડે. એ પહેલાં મોદીના નેતૃત્વ માટે પક્ષમાં પણ જોખમ ઊભું થઈ શકે. ગુજરાતમાં બેઠકો ઘટે અને સત્તા પ્રાપ્ત થાય તો પણ નાલેશી મળવાની. એટલે મોદી-શાહની જોડી કૉંગ્રેસી મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના ૧૪૯ બેઠકોના વિક્રમને તોડવા આતુર છે. જોકે એ શક્ય જણાતું નથી.      

(લેખક સરદાર પટેલ સંશોધન સંસ્થા-સૅરલિપના સંસ્થાપક નિયામક અને પ્રાધ્યાપક તથા ઇન્ડિયન ઍક્સપ્રેસ જૂથના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે. ઈ-મેઈલ : haridesai@gmail.com)

No comments:

Post a Comment