Wednesday 8 November 2017

Great Exercise to separate Truth and Untruth during the Election Festival

ચૂંટણીના મહાપર્વમાં સત્ય-અસત્યનાં નીરક્ષીરની કવાયત

Dr.Hari Desai's Weekly Column in Gujarat Samachar (London), Gujarat Guardian (Surat),Gandhinagar Samachar (Gandhinagar), Sardar Gurjari (Anand) and Hamlog( Patan).
Web Link : GG Page-4
http://gujaratguardian.in/E-Paper/11-08-2017Suppliment/pdf/11-08-2017gujaratguardiansuppliment.pdf
Blog : haridesai.blogspot.com

ચૂંટણીના મહાપર્વમાં સત્ય-અસત્યનાં નીરક્ષીરની કવાયત
અતીતથી આજ : ડૉ. હરિ દેસાઈ
---------------
• વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરની મશહૂર નિર્માતા સંજય લીલા ભણશાલીની સંભવિત મૅગા ફિલ્મ !
• “હમેં હક ચાહીએ હક સે” નામક ગુજરાતના પાટીદાર આંદોલન અને હાર્દિક પટેલ પરની ફિલ્મ
• ગુજરાત ટકાવવા અને હિમાચલ છીનવવાના વ્યૂહ : અનામતની ભાજપી રાજ્યોમાં ટકાવારી
• મોદીયુગીન ભાજપ ‘કિલર્સ ઈન્સ્ટિંગ’થી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો કબજે કરવામાં માને છે
-----------
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો ચૂંટણી પંચ જાહેરાત કરે એ પહેલાંથી ચૂંટણીજવર ઊભા ગુજરાતને અનુભવાતો હતો. આગામી ૯ અને ૧૪ ડિસેમ્બરે ૪ કરોડ કરતાં વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરીને ગુજરાત વિધાનસભાના ૧૮૨ સભ્યો ચૂંટવાના પર્વમાં સહભાગી થશે. ૧૮ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ ઈલેક્ટ્રોનિક વૉટિંગ મશીન (ઈવીએમ) થકી હાર-જીતનાં નીરક્ષીર થઈ જશે. વર્તમાન ધારાસભ્યની મુદ્દત ૨૨ જાન્યુઆરી ૨૦૧૮ સુધીની હોવા છતાં મહિનો વહેલી ચૂંટણી પ્રક્રિયા પૂરી કરી દઈને જાહેરનામું બહાર પાડી દેવાશે.આ વખતની ચૂંટણી અનેક પ્રકારના અપપ્રચારના મારામાંથી સત્ય તારવવાની અગ્નિપરીક્ષા જેવી છે. પાટીદાર અનામત આંદોલન, ઠાકોર-ક્ષત્રિય ઓબીસી આંદોલન અને દલિત આંદોલનની નેતૃત્વ ત્રિપુટી હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીને હસી કાઢનારાઓ સાડા ત્રણ વર્ષ પછી પણ આંદોલનકારીઓના રાજકીય મહત્ત્વને સ્વીકારતા ના થયા હોત તો તેમને સત્તારૂઢ ભાજપ કે સત્તાકાંક્ષી કૉંગ્રેસ સાથે જોડવાના ઉધામા શમી ગયા હોત. માર્ચ ૧૯૯૫માં કેશુભાઈ પટેલના વડપણ હેઠળ ભાજપ રાજ્યમાં સત્તારૂઢ થયો. એ પછી અસંતુષ્ઠ ભાજપી નેતા શંકરસિંહ વાઘેલાએ ઉધામા શરૂ કરીને ઑક્ટોબર ૧૯૯૫માં જ ‘માસ્ટરજી’ મુખ્ય પ્રધાન એવા સુરેશ મહેતાને આરૂઢ કરાવ્યા હતા.એકાદ વરસ પણ મહેતાને ગાદીએ રહેવા દીધા વિના શંકરસિંહ સંઘ-જનસંઘ-ભાજપના સંસ્કાર ભૂલીને કૉંગ્રેસના ચરણમાં લોટાંગણ થઈને ૨૩ ઑક્ટોબર ૧૯૯૬એ મુખ્ય પ્રધાન બન્યા. સમર્થક કૉંગ્રેસે વાઘેલાને ‘ભ્રષ્ટાચાર શિરોમણિ’ જાહેર કરતાં રાજ્યપાલને લાંબુલચક આવેદનપત્ર આપ્યું એટલે દિલીપ પરીખનું ભાગ્ય ખૂલી ગયું. જોકે, ૨૮ ઑક્ટોબર ૧૯૯૭ના રોજ મુખ્ય પ્રધાન બનેલા પરીખને વાઘેલાવ્યૂહે માર્ચ ૧૯૯૮ લગી ઊઠાડી મૂક્યા અને નવી ચૂંટણીને પગલે કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપની સરકાર ફરી સ્થપાઈ.
૭ ઑક્ટોબર ૨૦૦૧ના રોજ કેશુભાઈને સ્થાને નરેન્દ્ર મોદીને મૂકવામાં આવ્યા અને ભાજપ માટે મોદીયુગ જ નહીં, સોનાનો સૂરજ ઊગ્યો. ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીઓ મોદીના નેતૃત્વમાં લડાઈ પણ વિધાનસભામાં બેઠકો ઘટતી રહી. એ અનુક્રમે ૧૨૭, ૧૧૭ અને ૧૧૫ થઈ. મે ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન પદના ઉમેદવાર બન્યા એટલે ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો ભાજપને મળી. મોદીના અનુગામી તરીકે આનંદીબહેન પટેલ આવ્યાં તો ખરાં, પણ પટેલ અનામત આંદોલને જ એમનો ભોગ લીધો. રાજ્યની ૩૩ જિલ્લા પંચાયતોમાંથી ૨૬ પર કૉંગ્રેસનો વિજયડંકો વાગ્યો અને પાટીદાર અજંપો ખાળવા માટે નીતિન પટેલના ફટાકડા ફૂટી ગયા પછી વિજય રૂપાણીનું નામ મુખ્ય પ્રધાન તરીકે જાહેર થયું. મુખ્ય પ્રધાન પદના આકાંક્ષી અમિત શાહનું રાજ્યસભે જવાનું થયું એટલે ડિસેમ્બર ૨૦૧૭ની ચૂંટણી પછી રૂપાણીનું નામ ભલે ચાલતું રહે, કેન્દ્રના રાજ્યપ્રધાન મનસુખ માંડવિયા પટેલ હોવાને કારણે સંભવિત ઉમેદવારોની સ્પર્ધામાં ખરા. એમ તો કૉંગ્રેસના શક્તિસિંહ ગોહિલની સાથે જ સૌરાષ્ટ્રના પાટીદાર યુવા નેતા પરેશ ધાનાણીનું નામ પણ મુખ્ય પ્રધાનપદની ચર્ચામાં ખરું. શંકરસિંહ તો પોતાને કાયમી મૂરતિયા લેખાવતા રહ્યા છે.
ગુજરાતમાં યેન કેન પ્રકારણે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વિજયી બનાવીને વર્ષ ૨૦૧૭ની લોકસભાની ચૂંટણીમાં પણ નરેન્દ્ર દામોદારદાસ મોદીએ ડંકો વગાડવાનો છે. ‘ચાવાળા’ (મણિશંકર ઐયરે આપેલું વિશેષણ) મોદીની વડા પ્રધાન પદ સુધીની મજલ વિશે અનેક જીવનકથાઓ પ્રકાશિત થઈ ચૂકી છે. હવે બોલિવૂડના સૌથી વધુ સફળ ગણાયેલા નિર્માતા-નિર્દેશકોમાંના એક એવા સંજય લીલા ભણસાળી નરેન્દ્ર મોદી પર ફિલ્મ બનાવી રહ્યાના વાવડ છે.દરમિયાન “હમેં હક ચાહીએ હક સે” નામક પાટીદાર આંદોલન અને હાર્દિક પરની ફિલ્મનું ૩ નવેમ્બરે જ સુરતમાં લૉન્ચિંગ થયું.
અત્યાર લગી મુખ્યત્વે ઐતિહાસિક ફિલ્મો બનાવનાર ભણસાળી નામક ગુજરાતી હસ્તીના મીડાસ ટચથી હવે વડનગર-તારંગાની અત્યારે બંધ કરાયેલી રેલવેના વડનગર સ્ટેશન સહિતના વતન નગરનાં દૃશ્યોને કચકડે મઢીને ‘બાહુબલિ’ જેવી ‘બાહુબલિ મોદી’ વિશેની ફિલ્મ બનાવાઈ રહી હોવાની રેલવેતંત્રમાં ચર્ચા છે. આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે એ દેશભરમાં અને વિદેશોમાં રિલીઝ થઈ જાય એવી ગણતરી મૂકાઈ રહી છે. એ મૅગા-ફિલ્મનાં રેલવેની ગાડીનાં દૃશ્યો અન્યત્ર શૂટ થઈ રહ્યાં છે, પણ મહેસાણાથી તારંગા વાયા વડનગર અને ખેરાળુનાં સ્ટેશનોનાં દૃશ્યો ઝડપવા સહિતની કામગીરી ચાલી રહી છે. રેલવે તંત્રને એ માટે સૂચનાઓ પણ અપાઈ ચૂકી છે. જોકે, આ બધું ફોન વ્યવહાર પર ચાલતું લાગે છે. મહેસાણાથી તારંગાની મીટરગેજ રેલવેનું બ્રૉડગેજમાં રૂપાતંરણ થઈને એને અંબાજી સાથે જોડવાની બ્રિટિશ યુગની યોજના અને સ્થાનિક અગ્રણીઓ પ્રિ. પોપટલાલ બ્રહ્મભટ્ટ જેવાઓની વારંવારની રજૂઆતોને મોદીયુગમાં કાન દેવાયા હોય એવું અવશ્ય લાગે છે. અગાઉ મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે એમના જેવી લાગતી વ્યક્તિને ફિલ્મે ચમકાવાઈ હતી, પણ મૅગા-પ્રકલ્પોનું વિચારનાર નરેન્દ્ર મોદી પરની આગામી જે ફિલ્મ સંજય લીલા ભણશાલી બનાવી રહ્યા છે એ જોધા-અકબર, બાજીરાવ મસ્તાની અને પદ્માવતીની શ્રેણીમાં ગાજવીજ કરે એવી આ ફિલ્મ હશે એવું મનાય છે.
મોદીયુગીન ભાજપ ‘કિલર્સ ઈન્સ્ટિંગ’થી કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારો કબજે કરવામાં માને છે. નીતિમૂલ્યો અને આદર્શોની વાતોનાં વડાંથી સત્તાપ્રાપ્તિ થતી નથી, એ વાત મોદીસેનાને બરાબર સમજાઈ ચૂકી છે. વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને વડા પ્રધાન મોદી વચ્ચેના ફરકને ભાજપની પ્રજા સમજી ચૂકી છે. ભાજપમાં જોડાઈને સત્તા સાથે સંવનન કરવા આતુર રીઢા કૉંગ્રેસીઓને પોતાની સેનામાં જોડવામાં હવે કોઈ છોછ રહ્યો નથી. રાવણ અને વિભિષણનાં ઉદાહરણો આગળ કરાય છે. રાજકારણમાં કોઈ મંજીરા વગાડવા આવતું નથી એટલે સાથે આવ્યા એમને સાચવી લ્યો અને સામેવાળાઓને પૂરા કરો, એ મંત્ર સાથે ચાણક્યમાંથી ચંદ્રગુપ્ત બનેલા નરેન્દ્ર મોદી આગેકૂચ કરી રહ્યા છે. કૉંગ્રેસના ગઢના કાંગરા ખેરવવાની બાબતમાં એ લગભગ સફળ રહ્યા છે અને હવે બાકી રહેલા કૉંગ્રેસીગઢ કબજે કરવા ઉપરાંત કમ્યૂનિસ્ટોના ગઢના કાંગરા ખેરવવા ભણી ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.સામ, દામ, દંડ અને ભેદની નીતિરીતિમાં એમને ગાંધીજીની સાધનશુદ્ધિ નડતી નથી. પ્રેમ અને યુદ્ધમાં બધું જ વાજબી ગણાય છે એ ન્યાયે ભાજપની સેનાને લઈને સમગ્ર સંઘ પરિવારને કામે જોતરીને એ આગેકૂચ કરી રહ્યા છે.
હિમાચલ પ્રદેશમાં કૉંગ્રેસી મુખ્ય પ્રધાન અને રાજવી પરિવારના વીરભદ્રસિંહને અનેક ખટલાઓ, સીબીઆઈ તથા ઍન્ફોર્સમૅન્ટ ડિરેક્ટરેટની તપાસોમાં અટવાઈ જાય એટલી હદે પરેશાન કરી મૂક્યા છતાં વીરભદ્ર હાર માને એવા નથી. કૉંગ્રેસે એમને ફરી મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યાં છે. બીજાં રાજ્યોમાં ચૂંટણી પૂર્વે જ કૉંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓને ભાજપ સાથે જોડવાના વ્યૂહ રચીને સત્તારૂઢ થવાની મોદી-અમિત શાહની વ્યૂહરચના સફળતા મેળવતી ગઈ હતી. હિમાચલમાં સાંસદ શાંતાકુમારને મુખ્ય પ્રધાનપદેથી હટાવીને એ વખતના રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) મોદીએ પ્રેમકુમાર ધૂમલને મુકાવ્યા હતા. ધૂમલના પુત્ર અનુરાગ ઠાકુર અત્યારે ભાજપના સાંસદ છે. અનુરાગ બીસીસીઆઈના અધ્યક્ષપદેથી સર્વોચ્ચ અદાલતના નિર્દેશોને પગલે દૂર થયા હતા. ધૂમલ ફરી મુખ્ય પ્રધાન બને એવી મોદીની ઈચ્છા સામે પક્ષમાં એક જૂથ બળવો કરવાની સ્થિતિમાં છે, છતાં હિમાચલ પ્રદેશ ભાજપ કબજે કરે એવું લાગે છે.
સાથે જ ગુજરાતમાં ભાજપ માટે જીતવું અનિવાર્ય છે. વિધાનસભા ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા અને શરદ પવાર-નિષ્ઠ પ્રફુલ્લ પટેલ ભાજપની બી-ટીમ તરીકે કામ કરી રહ્યા છે. આંદોલન ત્રિપુટીએ સત્તારૂઢ પક્ષની નીંદર ઊડાડી છે. જોકે, સોશિયલ મીડિયામાં ચલાવાતા ગપગોળા કયા પક્ષને કેટલું નુકસાન કે લાભ પહોંચાડી શકે એના પર બધો મદાર છે. આમ છતાં ઘટતી બેઠકો સાથે પણ ભાજપ સરકાર બનાવે એવા સંજોગો જરૂર વર્તાય છે.
ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અનામત પ્રથાને કાયમ રાખવાની પક્ષધર નથી. અનામત પ્રથાના લાભાલાભની સમીક્ષાની વાત કરે છે. સંઘની પ્રતિનિધિ સભા અનામત પ્રથાને કાખઘોડી ગણાવે છે. છેલ્લે બિહાર વિધાનસભાની ચૂંટણી ટાણે સંઘના સરસંઘચાલક ડો. મોહન ભાગવતે પોતાના વક્તવ્યમાં ઉપરોક્ત ભૂમિકા રજૂ કરી અને ભાજપ બિહારમાં પરાજિત થઈ ગયો હતો. એ પછી તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘હું જીવું છું ત્યાં લગી અનામત પ્રથાને કોઈ દૂર નહીં કરી શકે’ એવાં વચન આપતા રહેવું પડ્યું છે. એમની સરકારના સમાજ કલ્યાણ રાજ્યપ્રધાન રામદાસ આઠવલે તો છાસવારે કહેતા ફરે છે કે સુપ્રીમ કોર્ટે ભલે અનામતની ટકાવારીને ૫૦ ટકાથી વધુ નહીં કરવાનો ચુકાદો આપ્યો હોય, અમે તો એને બંધારણ સુધારો કરીને ૭૫ ટકા સુધી લઈ જઈને સવર્ણોના આર્થિક રીતે પછાતોને પણ અનામતનો લાભ આપીશું. રાજનેતાઓનાં ઠાલાં વચન જેવું આ વચન છેલ્લાં બે-ત્રણ વર્ષથી આઠવલે આપતા ફરે છે, પણ ગુજરાતના ઉજળિયાત પછાતોને એ લાભ મળે એવું કરતા નથી. ઊલટાનું પાટીદારોની અનામત માટે આગ્રહી માગણીમાં મુખ્ય પ્રધાન આનંદીબહેને ખુરશી ગુમાવવી પડી હતી.
અન્ય રાજ્યોમાં સ્થિતિ ઊલટી છે. નવાઈ એ વાતની છે કે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ભાજપની જ સરકાર છે. મુખ્ય પ્રધાન વસુંધરા રાજાએ હજુ વીતેલા સપ્તાહમાં જ ગુર્જરો સહિતની પાંચ જ્ઞાતિઓને ઓબીસી અનામતનો લાભ મળે એ માટે અન્ય પછાત વર્ગો (ઓબીસી)ની અનામત ટકાવારી ૨૧ ટકાથી વધારીને ૨૬ ટકા કરતું વિધેયક વિધાનસભામાં પસાર કર્યું. આને કારણે અનામતની કુલ ટકાવારી ૫૦ ટકાથી વધી જાય છે. વણજારા, લુહાર, ગુર્જર, રબારી અને ગડરિયા સમાજને રાજી કરવા માટે આ પગલું લેવાયું છે. ગુજરાતના પાટીદારો પણ આવી જ વ્યવસ્થા ગુજરાતમાં ઝંખે છે, છતાં સાડા ત્રણ વર્ષથી ગાંધીનગર એ કરવા તૈયાર નથી.
ગુજરાતમાં કુલ અનામતની ટકાવારી ૪૯ ટકા છે. ૭ ટકા દલિત માટે, ૧૫ ટકા આદિવાસી માટે અને ૨૭ ટકા ઓબીસી માટે. હાર્દિક પટેલના વડપણવાળી પાટીદાર અનામત આંદોલન સમિતિ (‘પાસ’)ની નિર્ણાયક સમિતિની શનિવાર, ૨૮ ઑક્ટોબરે મળેલી બેઠકમાં ફરીને સુરતમાં અમિત શાહવાળી કરવાની (એટલે કે સભા ખોરવવાની) કૉંગ્રેસને ધમકી આપી છે. કૉંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી ૩ નવેમ્બરે સુરતમાં સભા સંબોધે એ પહેલાં પાટીદારોને ઓબીસી અનામત કઈ રીતે આપશો એ કૉંગ્રેસ જણાવે. એના ઉત્તરમાં કૉંગ્રેસ તરફથી ટ્વિટ કરાયું હતું કે ‘કૉંગ્રેસ ગુજરાતમાં સરકાર રચતાંની સાથે જ અત્યારની ૪૯ ટકા અનામત (૭ ટકા અનુસૂચિત જાતિ + ૧૫ ટકા અનુસૂચિત જનજાતિ + ૨૭ ટકા ઓબીસી)ને અસર ના થાય તેવું ૨૦ ટકા બિનઅનામત વર્ગ માટે અનામતનું વિધેયક લાવશે.’ રાહુલની દક્ષિણ ગુજરાતની મુલાકાતને સારો પ્રતિસાદ સુરતના વરાછા રોડ વિસ્તાર સહિતના પ્રદેશમાં મળ્યો.સાથે જ દલિત આંદોલનના યુવા અગ્રણી જીજ્ઞેશ મેવાણી સાથે પણ રાહુલની મુલાકાત સકારાત્મક રહી.પટેલ અગ્રણી હાર્દિક સાથે અંતિમ ગોઠવણ આ લખાય છે ત્યાં લગી જાહેર થઇ નહીં હોવા છતાં “ભાજપને પાડી દ્યો”નો સંદેશ હાર્દિક તરફથી સ્પષ્ટ છે.ફરીને સુરતના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કરીને તેમની સમસ્યા સમજવા કૉંગ્રેસના ઉપાધ્યક્ષ સુરત આવશે.એ પછી ઉત્તર ગુજરાતમાં તેમના ઝંઝાવાતી પ્રવાસનું આયોજન થયું છે.
ઈ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment