Not only RSS Founder Dr.Hedgewar and
Jan Sangh Founder Dr.Mookerjee
but Smt. Anandiben Patel and Nitin Patel are also from Congress family
કૉંગ્રેસના જ ફરજંદ ભાજપની કૉંગ્રેસમુક્ત ભારતની હાકલ
રાજકારણની રંગોળી : ડૉ.હરિ દેસાઈ
ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર ૨૦૧૭ની ચૂંટણી મૂળ રંગ “જાનીવાલીપીનારા”થી
સપ્તરંગી મેઘધનુષની રંગોળીમાં વિવિધ રંગ ભરી રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ભાજપનું અને પોતાનું નાક બચાવવા મેદાનમાં ઉતર્યા છે. કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ
ગાંધી અને આંદોલનત્રિપુટીના જે છોકરડાઓ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ
મેવાણીને માત્ર હસી કઢાતા હતા; એમને હવે ગંભીતાથી લેવા પડે છે.અગાઉની ચૂંટણીઓની
જેમ જ વાત નક્કર મુદ્દાને બદલે બોદા આક્ષેપ-પ્રતિઆક્ષેપ પર કેન્દ્રિત થઇ રહી છે.૨૦
વર્ષથી રાજ્યમાં જે પક્ષ સત્તામાં નથી એ કૉંગ્રેસ પાસેથી એના ૭૦ વર્ષના શાસનના
હિસાબ માંગવામાં આવે છે.પ્રચારયુદ્ધની જાદુગરીમાં મુખ્ય મુદ્દા ભૂલાવી દેવાય
છે.લોકશાહીના આ રૂપરંગ પણ જોવાનું આપણા સૌના નસીબમાં લખાયેલું હશે. ભાજપ કે કૉંગ્રેસનું
જે થવાનું હોય તે થશે,૧૮ ડિસેમ્બરે બેમાંથી કોઈ પણ જીતે, પણ એક વાત નક્કી થઇ ગઈ છે
કે આ વખતે રાજ્યમાં જનાક્રોશને વાચા આપતાં યુવાત્રિપુટીએ જનઆંદોલન કર્યાં,એને
કારણે જનજાગૃતિ જરૂર આવી છે.એ ત્રણેય આંદોલનને કૉંગ્રેસ પ્રેરિત ગણાવી દઈને આ વખતે
વિશ્વની સૌથી મોટી પાર્ટી ગણાવાનો દાવો કરતી ભારતીય જનતા પાર્ટીએ, લગભગ મૃતપ્રાય
મનાતી કૉંગ્રેસ એને ટક્કર આપવા જેટલી મજબૂત થયાનું તો કબૂલ રાખ્યું છે. પાટીદાર આંદોલનનો
હજુ તો ચૂંટણી લડવા જેટલી ૨૫ વર્ષની ઉંમરનો પણ નહીં થયેલો હાર્દિક પટેલ જેલમાં હતો
અને એણે ભાજપને હરાવવા માટે કોઈ જાહેર અપીલ પણ નહોતી કરી,ત્યારે રાજ્યની કુલ ૩૩
જિલ્લા પંચાયતો અને અન્ય પંચાયતોની ચૂંટણીમાં કૉંગ્રેસને ભારે બહુમતી મળી ગઈ હતી.એ
પ્રતાપ પાટીદાર આંદોલનનો હતો.એ પછી તો અલ્પેશ ઠાકોરના નેતૃત્વમાં ઓબીસી – ઠાકોર
સેનાનું આંદોલન અને જીજ્ઞેશ મેવાણીના નેતૃત્વમાં દલિત આંદોલન થયું.આ ત્રણેય હવે ભાજપને
પાડી દેવાની જાહેર અપીલ કરે છે.અલ્પેશ કૉંગ્રેસમાં જોડાઈ ગયો,પણ બાકીના બંને યુવાનેતા હજુ તો કોઈ પક્ષમાં નથી.એમનાં પાણી મપાઈ જશે.કમસેકમ
એમણે એવી સ્થિતિ તો નિર્માણ કરી છે કે નો-રીપીટ થિયરીવાળી ભાજપ માટે મોટા ભાગના
ધારાસભ્યોને ફરી ટીકીટ આપવી પડી છે.બાકીના ઉધારીના કૉંગ્રેસી આયાતી ઉમેદવારોને
મેદાનમાં ઉતારવા પડ્યા છે.
જોકે વર્તમાન ભાજપ દેશને કૉંગ્રેસમુક્ત કરવા જંગે ચડ્યો તો છે,પણ પોતે કૉંગ્રેસયુક્ત થઇ ગયો છે. આયનામાં એ મુખદર્શન કરવાનું કદાચ
પસંદ નથી કરતો. ૧૯૮૦માં સ્થપાયેલો ભાજપ
પોતાને પંડિત જવાહરલાલ નેહરુની સરકારમાંથી છૂટા થયેલા ડૉ.શ્યામા પ્રસાદ મુકરજી
થકી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ
ગોળવળકર(ગુરુજી) સાથેની મંત્રણાના પરિપાકરૂપે, ૧૯૫૧માં સ્થપાયેલા અખિલ ભારતીય
જનસંઘનો નવઅવતાર ગણાવે છે.સર્વવિદિત છે કે સંઘની સ્થાપના ૧૯૨૫માં ડૉ.કેશવ બલિરામ
હેડગેવાર નામક ટિળકવાદી કૉંગ્રેસી અગ્રણીએ કરી હતી.ગાંધીજીપ્રેરિત બે સત્યાગ્રહમાં
ડૉ.હેડગેવાર જેલમાં પણ ગયા હતા. ડૉ.હેડગેવારનું ૧૯૪૦માં નિધન થયું, એનાં ત્રણ વર્ષ
પહેલાં સુધી તેઓ કૉંગ્રેસમાં સક્રિય હતા અને ડિસેમ્બર ૧૯૩૭માં તો કૉંગ્રેસે આપેલી
કારણ બતાવો નોટિસનો તેમણે જવાબ આપ્યો હોવાનું એમના માન્ય જીવનકથાકાર ના.હ.પાલકર
“ડૉ.હેડગેવાર જીવનચરિત્ર”માં નોંધે છે.સંઘના અગ્રણી પ્રચારક રહેલા દત્તોપંત ઠેંગડી
પણ “સંકેતરેખા”માં લખે છે કે ડૉકટરજી ૧૯૩૭ સુધી કૉંગ્રેસમાં હતા.પશ્ચિમ બંગાળ
ભાજપના અધ્યક્ષ રહેલા સંઘનિષ્ઠ તથાગત રાય અત્યારે ત્રિપુરાના રાજ્યપાલ છે.તેમણે
લખેલા શ્યામાબાબુના જીવનચરિત્ર “અપ્રતિમ નાયક ડૉ.શ્યામા પ્રસાદ મુકરજી”માં નોધ્યું
છે કે જનસંઘના આ સંસ્થાપકે પોતાની રાજકીય કારકિર્દી બંગાળની ધારાસભામાં ૧૯૨૯માં કૉંગ્રેસના
ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે કરી હતી.પછીથી તેઓ હિંદુ મહાસભાના કાર્યાધ્યક્ષ હતા
ત્યારે સ્વાતંત્રવીર સાવરકરની સંમતિથી ૧૯૪૧-‘૪૨માં બંગાળની ફઝ્લુલ હક સરકારમાં
નાણા મંત્રી હતા. હકે માર્ચ ૧૯૪૦માં મુસ્લિમ લીગના અધિવેશનમાં પાકિસ્તાનનો ઠરાવ રજૂ
કરી મંજૂર કરાવ્યો હતો.ગાંધીજી,સરદાર પટેલ,પંડિત નેહરુ જ નહીં,નવપરિણીત ઇન્દિરા
ગાંધી સહિતના અનેક કૉંગ્રેસી નેતા-કાર્યકર્તા ૧૯૪૨ની “હિંદ છોડો” ચળવળની ઑગસ્ટ ક્રાંતિને પગલે જેલમાં હતા,ત્યારે હિંદુ
મહાસભાના ડૉ.શ્યામા પ્રસાદ મુકરજી સહિતના નેતાઓ બંગાળ,સિંધ અને વાયવ્ય પ્રાંતમાં બ્રિટિશ
કૃપાથી મુસ્લિમ લીગ સાથે સત્તાનો ભોગવટો કરી રહ્યા હતા !
અને એમાં તો ગુજરાતનાં મુખ્યમંત્રી રહેલાં આનંદીબહેન પટેલ અને વર્તમાન નાયબ
મુખ્યમંત્રી નીતિન પટેલ પણ કૉંગ્રેસી નેતાઓના પરિવારમાંથી જ આવે છે ને ! આનંદીબહેનના
પતિ ડૉ.મફતલાલના કહેવા મુજબ, એમના સસરા જેઠાભાઈ પટેલ ખરોડ-વિજાપુરના કૉંગ્રેસના
આગેવાન હતા. સ્વયં આનંદીબહેન તથા મફતલાલ પણ મહેસાણા જિલ્લામાં કૉંગ્રેસ સેવાદળનાં
હોદ્દેદાર હતાં. એમ તો નીતિનભાઈના પિતાશ્રી રતિભાઈ પણ કડીના શિક્ષણવિદ માણેકલાલ
પટેલની સાથે કૉંગ્રેસી નેતા જ હતા રતિભાઈ-પુત્ર નીતિનભાઈ કડી નગરપાલિકાના પ્રમુખ રહ્યા. નવાઈ એ વાતની છે
કે ભાજપી નેતાઓ પોતે જે ગોત્રના છે, એનેજ ભાંડવામાં કોઈ મણા રાખવામાં એ પાછું
વળીને જોતા પણ નથી.નીતિનભાઈ સંઘ સાથે સંકળાયેલા રહ્યા હોવા છતાં એમની અંગત વેબસાઈટ
પરના પરિચયમાં આરએસએસનું નામ કેમ ભૂંસી નાંખવામાં આવ્યું છે એ સમજાયું નહીં.
કસ્તૂરી
આજકાલ રાજકીય માહોલ એવો છે કે દોસ્ત ઊઠીને ક્યારે દુશ્મન
બનીને પીઠમાં ખંજર ભોંકી દે એ કળવું મુશ્કેલ છે.સાથે મળીને આંદોલન કરનારા કે
રાજકીય પક્ષમાં કામ કરનારા સાથીઓ એકમેકના
ખાનગી ખૂણાની વાતોની હાટડી ક્યારે સજાવશે એ કહેવું અશક્ય છે.આવા સંજોગોને
માટે જ એક શેર પેશેખિદમત છે :
હુએ હો દોસ્ત તુમ જિનકે
દુશ્મન ઉસકા આસમાં ક્યૂં હોં ? – ગાલિબ (૨૭ નવેમ્બર ૨૦૧૭)
No comments:
Post a Comment