Claims of Absolute Majority, but
Scenario of Desperate Campaign
પૂર્ણ બહુમતના જયઘોષ છતાં પ્રચારમાં રઘવાટ-દર્શન
Dr.Hari Desai’s Weekly Column in Gujarat Samachar (London),
Sardar Gurjari (Anand), Gujarat Guardian (Surat), Hamlog (Patan) and Gandhinagar Samachar ( Gandhinagar).
વેબ લિંક :
http://gujaratguardian.in/E-Paper/11-22-2017Suppliment/pdf/11-22-2017gujaratguardiansuppliment.pdf Page-4
Read the Full Text here or on Blog : haridesai.blogspot.com
પૂર્ણ બહુમતના જયઘોષ છતાં પ્રચારમાં રઘવાટ-દર્શન
અતીતથી આજ : ડૉ.હરિ દેસાઈ
·
રાહુલ ગાંધીને મળેલા જનપ્રતિસાદને જોતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિક્રમી સભાઓ સંબોધશે
·
અપેક્ષિત હતું એમજ
ચૂંટણી નજીક આવતાં પક્ષાંતર અને સૅક્સ સીડીના પરપોટા ફૂટી જ નીકળ્યા
·
આંદોલનત્રિપુટી કે
ચોકડીને ન્યૂસંસ ગણવાનારાઓએ આંદોલનકારીઓને ભાવ આપવા દોટ મૂકી
·
વિકાસનો ડાહ્યો કે ગાંડો
મુદ્દો હવાઈ ગયો, વિકાસવાદની સામે સત્તાપક્ષનો ફાટફાટ થતો વંશવાદ
વિકાસને ડાહ્યો કે ગાંડો થવાનો મુદ્દો અંતે તો પક્ષપલટાના પારસમણિ અને સૅક્સ
સીડી સુધી લંબાઈ ગયો. ગુજરાત વિધાનસભાની ૯ અને ૧૪ ડિસેમ્બરના રોજ યોજાનારી
ચૂંટણીમાં વિજયશ્રી છેલ્લા બે દાયકાથી લાગલગાટ ગુજરાતમાં રાજ કરતા ભારતીય જનતા
પક્ષના ગળામાં જ માળા આરોપવાની હોવાના સવાર-સાંજ દાવા થાય છે. આમ છતાં કૉંગ્રેસના
ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને રાજ્યના ચાર પ્રદેશોમાં ચાર તબક્કા દરમિયાનના પ્રવાસમાં
જે પ્રતિસાદ મળ્યો એનાથી સત્તારૂઢ પક્ષમાં સન્નિપાત સ્પષ્ટ જોવા મળે છે. વિજયની ખાતરી જ હોય તો પક્ષના
રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સતત દિવસો લગી ધામા નાખીને ગુજરાતમાં હડિયમદોટ્યા ના
કરવી પડત. વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા ત્યારે એમણે લડેલી ત્રણ
વિધાનસભાની ચૂંટણીઓમાં પણ જેટલી આક્રમકતા દાખવીને રાજ્યના ખૂણે ખૂણે દોટ્ય મૂકી
નહોતી, એ કરતાં પણ વધુ દોડંદોડ એમણે વડા પ્રધાનપદે પહોંચ્યા પછી ગુજરાત વિધાનસભાની
ડિસેમ્બર-૧૭ની ચૂંટણી માટે કરવી પડે છે. વરસ દરમિયાન એમણે વારંવાર ગુજરાત આવવું પડયું, ગુજરાતની નેતાગીરીને શીખ ભલામણ કરવી પડી.સાવ જ ન્યૂસંસ ગણી નાખવામાં આવેલી આંદોલનત્રિપુટીએ ગુજરાતમાં સ્થિતિ એવી નિર્માણ
કરી છે કે રાજ્યના મુખ્યપ્રધાન બદલવાની પક્ષને ફરજ પડી હતી. શ્રીમતી આનંદીબહેન
પટેલે પાટીદાર અનામત આંદોલનને પગલે ઘરભેગા થવું પડ્યું. નવા મુખ્યપ્રધાન તરીકે
સર્વમિત્ર મનાતા વિજય રૂપાણીને મૂકવામાં આવ્યા. નાયબ મુખ્યપ્રધાન તરીકે નીતિન
પટેલને “દરવાજાના ઊંટ”ની સ્થિતિમાં જોવા મળ્યા. એમના માટે બાવાના બેય બગડવા જેવા
સંજોગો સર્જાયા છતાં આનંદીબહેનની જેમ મનને મારીને પક્ષમાં રહેવાનું કબૂલ કરવાના
ફાયદા એ સુપેરે જાણે છે. હમણાં કેન્દ્રમાં નાણાં અને વિદેશ મંત્રી રહેલા ૮૦ વર્ષીય
ભાજપી નેતા યશવંત સિન્હાએ અમદાવાદના
ભાષણમાં ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી સંસદીય લોકશાહીમાં વિપક્ષની
ભૂમિકાને કેટલું મહત્વ આપતા હતા, એની વાત કરી. જોકે સુરતમાં રાહુલ ગાંધી કે સચિન પાયલટ વેપારીઓને
મળવા અથવા પ્રચાર માટે આવે ત્યારે એમની મુલાકાતોને ખોરવવાના જે રીતે પ્રયાસો થતા
જોઈએ,ત્યારે સંસદીય લોકશાહીમાં વિરોધી અવાજને રૂંધવાના કેવા પ્રયાસ થાય છે; એનાં
વરવાં દર્શન થયા વિના રહેતાં નથી.
રાહુલ ગાંધીએ તો હજુ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની નવસર્જન યાત્રાનો પહેલો તબક્કો જ પૂરો કર્યો
હતો. વડા પ્રધાન મોદી અને એમના પ્રધાનો-પક્ષનેતા ગુજરાતમાં ધામા નાંખીને આ વખતની
ચૂંટણી જીતી લોકસભા ૨૦૧૯માં ફત્તેહ કરવા માંગે છે. કૉંગ્રેસ પક્ષને બેઠો કરવા
પ્રયત્નશીલ રાહુલ ગાંધીની નેતાગીરી અને કૉંગ્રેસને કાયમ માટે ભોંયમાં ધરબી દેવા
કૃતસંકલ્પ ભાજપની આ વખતે અગ્નિપરીક્ષા છે. જોકે, ભાજપ થકી ‘૧૫૦ પ્લસ’નું મિશન સાકાર થવાની શક્યતા નથી, છતાં કોઈપણ ભોગે સરકાર રચવાની અનિવાર્યતાએ મોદી સેનાને ઘાંઘી કરી મૂકી છે. હાર્દિક પટેલના નેતૃત્વમાં
પાટીદાર અનામત આંદોલન, અલ્પેશ ઠાકોરના નેતૃત્વમાં ઓબીસી આંદોલન અને
જિજ્ઞેશ મેવાણીના નેતૃત્વમાં દલિત આંદોલન ચાલી રહ્યા છતાં સમાજમાં કોઈ અથડામણો સર્જાઈ
નથી, એ સમજદારી આ યુવાત્રિપુટી થકી જાળવવામાં આવી
છે. આમ છતાં એમને કપાળે નક્સલવાદીનાં લેબલ લગાડવાની કુચેષ્ટાઓ કે તેમનાં પૂતળાં
બાળવાની વૃત્તિ-પ્રવૃત્તિ સાથે જ “પુષ્ટિ નહીં થતી હોવા” છતાં મીડિયામાં ખૂબ ચમકાવાયેલી હાર્દિક પટેલની
કથિત સૅક્સ સીડીના સહારે કૉંગ્રેસ અને હાર્દિકનું મારણ કરવાનો ખેલ પણ હજુ સફળ થતો
લાગતો નથી એટલે આવતા દિવસોમાં બીજી કરામતો અને જાદુગરી જોવા મળશે. પ્રવીણ રામ નામક
યુવા અગ્રણી પણ ધ્યાન ખેંચે છે. યુવા નેતાગીરીને પાડી દેવા આવી કવાયતોમાં વિવિધ સમાજને ઉશ્કેરવાનું નિમિત્ત પૂરું પાડવાની
હીનવૃત્તિનાં દર્શન થાય છે. અપેક્ષા કરીએ કે ચૂંટણી સુધી જ નહીં, એ પછી પણ રાજ્યમાં સામાજિક ટકરાવ કે અથડામણો સર્જાય નહીં એટલી સાવધાની ચૂંટણી પંચ
અને સરકાર જરૂર રાખશે.
વિધાનસભાની ચૂંટણી આડે માંડ એકાદ પખવાડિયું રહ્યા છતાં ઉમેદવારોની પસંદગીની
પ્રક્રિયાને એક યા બીજા કારણસર પાછી ધકેલવાની વૃત્તિ ભાજપ અને કૉંગ્રેસ બેઉમાં
સકારણ જોવા મળે છે. જે પક્ષ વહેલા ઉમેદવાર જાહેર કરે એમને ફોડવા કે એમના નામની
જાહેરાતથી નારાજ ઉમેદવારોને પોતીકા કરવાની કવાયત આદરવા બેઉ પક્ષ આતુર છે. ભાજપના
મુખ્યાલય ‘શ્રી કમલમ્’ કે કૉંગ્રેસના
મુખ્યાલય ‘રાજીવ ગાંધી ભવન’માં ધમાધમ ચાલી રહી છે. ઉમેદવારોની યાદીને અંતિમ સ્વરૂપ આપવા માટે સંસદીય
મંડળની બેઠકો દિલ્હી ખાતે ચાલતી રહે છે..
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શાહની ઉપસ્થિતિમાં દિવસો સુધી ઉમેદવારોનાં નામો પર ચર્ચા
કરીને પેનલો તૈયાર કરાયા પછી વડા પ્રધાન સહિતના મહાનુભાવોની
હાજરીમાં એને આખરી ઓપ આપીને નામાવલિ જાહેર થવાની સ્વાભાવિક પ્રક્રિયા પૂર્ણ કરવાની
રહે છે. કૉંગ્રેસના મોવડીમંડળે પણ પક્ષનાં અધ્યક્ષા સોનિયા ગાંધીનું મત્તું
મરાવવું પડે એવું છે.
ભૂતકાળની ચૂંટણીઓથી વિપરીત આ વખતે રાહુલ ગાંધીએ કૉંગ્રેસની સઘળી પ્રક્રિયા
પોતાના હાથમાં રાખી હોવાથી અગાઉની જેમ અહેમદ પટેલ કે પ્રદેશપ્રમુખ ભરતસિંહ સોલંકી
થકી કૂલડીમાં ગોળ ભાંગવાની સ્થિતિ સર્જાવાની નથી. આ વખતે કૉંગ્રેસમાંથી તોડી
લવાયેલા અને ભાજપી પારસમણિથી પવિત્ર કરાયેલા ૧૪ જેટલા ધારાસભ્યોમાંથી અમુકને ટિકિટ
અપાશે. એમાંથી અમુક કપાશે. જોકે,
પક્ષમાં
પ્રધાનપદાની આશા સાથે જોડાવા ઈચ્છુક શંકરસિંહ વાઘેલાના ધારાસભ્ય-પુત્ર
મહેન્દ્રસિંહ વાઘેલા તો રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદભાઈ જીતી જતાં બેઉ બાજુથી લટકી
ગયા છે. એમને પ્રધાનપદાની ખાતરી અપાઈ હતી. હવે એ વાત તો ટલ્લે ચડી ગઈ અને છોગામાં
શંકરસિંહનાં પણ વળતાં પાણી થતાં એમણે ‘જનવિકલ્પ’ મોરચો રચ્યો એટલે મહેન્દ્રસિંહ ભાજપમાં જઈ શક્યા નથી. હજુ ઉમેદવારોના આખરી ચિત્ર સુધી બેઉ પક્ષમાં આસમાની સુલતાનીનાં દૃશ્યો સર્જાવાની
શક્યતા ખરી. વરવાં દૃશ્યો પણ સર્જાશે. પક્ષાંતરનો માહોલ પણ જોવા મળશે. જોકે, રાહુલ ગાંધીની ટીમ જે રીતે છેલ્લા કેટલાક સમયથી કાર્યરત રહી છે એ જોતાં થોડા
તૂટે તોય એ ગજગામી છે.
ભાજપ તરફથી વિકાસવાદ વિરુદ્ધ વંશવાદનું સૂત્ર વહેતું કરવામાં તો આવ્યું, પણ એ ખાસ્સું બૂમરેંગ થાય એવી રીતે “યુવરાજ” રાહુલબાબા ગુજરાતના વિકાસના
ફુગ્ગાને એમની જાહેરસભાઓમાં ફોડતા જાય છે. વંશવાદનો બિલ્લો કૉંગ્રેસને ચોંટાડી
દેવાની કોશિશો ભાજપ તરફથી સતત થતી રહે છે, છતાં હજુ થોડાંક
વર્ષોથી રાજ કરતા ભાજપમાં જે રીતે વંશવાદ ફાટફાટ થયો છે એ જોતાં તો કૉંગ્રેસની જેમ
આવતા છ-સાત દાયકા લગી એને શાસનની તક મળે તો પક્ષમાં કેવો પરિવારવાદ કે વંશવાદ છવાઈ
જાય એ કલ્પના કરવી પણ મુશ્કેલ છે. અમે તો દેશભરમાં ભાજપી વંશવાદની કેવી બોલબાલા છે
એની યાદી બનાવી હતી, પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નિમિત્તે એમાંથી
ગુજરાતમાં ભગવી બ્રિગેડના વંશવાદની એક આછેરી ઝલક જ અહીં રજૂ કરવાનો પ્રયાસ કરીએ.
ભાજપના વંશવાદમાં કૉંગ્રેસમાંથી આયાત કરાયેલા પરિવારવાદ ઉપરાંત સંઘ-જનસંઘ-ભાજપના ‘શુદ્ધ’ ગોત્રનો વંશવાદ પણ નિહાળવાનું રુચિકર થઈ
પડશે. વિધાનસભા ચૂંટણી માટે ટિકિટોની ફાળવણીમાં પણ વંશવાદનાં દર્શન જરૂર થવાનાં.
અગાઉ ઉત્તર પ્રદેશ,ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ ભ્રષ્ટાચારશિરોમણિ એવા કૉંગ્રેસી
નેતાઓને ભાજપી પારસમણિએ વાલિયામાંથી વાલ્મીકિ બનાવ્યાનો દાવો કરવામાં સત્તા પક્ષને
કોઈ સંકોચ થયો નથી.
અગાઉ ભાજપ સરકારમાં પ્રધાન રહેલા સૌરાષ્ટ્રના પ્રભાવી પટેલ આગેવાન વિઠ્ઠલ
રાદડિયા છેલ્લે કૉંગ્રેસના સાંસદ હતા; એ વેળા મુખ્યપ્રધાન મોદી થકી એમના માટે ગૅંગસ્ટર-ગુંડા
કે અસામાજિક તત્વ જેવાં વિશેષણ વપરાયાં હતાં. રાદડિયાએ ભાજપ સાથે ઘર માંડ્યું એટલે
ભાજપના સાંસદ બન્યા, પુત્ર જયેશ રાદડિયા ભાજપી ધારાસભ્ય જ નહીં, સીધા કૅબિનેટ પ્રધાન બન્યા. સંઘનિષ્ઠ શંકરભાઈ ચૌધરી વર્ષોથી કૅબિનેટ પ્રધાનનું
પ્રમોશન ઝંખે છે, પણ હજુ એ રાજ્યપ્રધાન જ રહ્યા છે. ભૂતપૂર્વ
મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના પુત્ર ભરત પટેલ ભાજપી ઉમેદવાર તરીકે બાપાની બેઠક લડ્યા, પણ હાર્યા. ફરી નસીબ અજમાવવા માંગે છે. ભૂતપૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ
અને એમના પતિ ડૉ. મફતલાલ પટેલ બેઉનું ગોત્ર તો કૉંગ્રેસ સેવાદળ(મફતલાલના કહેવા
મુજબ). ભાજપમાં આવીને અનુક્રમે પ્રધાનપદ અને જિલ્લા
પંચાયતમાં ઉપપ્રમુખપદ ભોગવ્યું. હવે એમની દીકરી અનાર કે દીકરા સંજયને ચૂંટણી
લડવાના અભરખા ખરા. સુરતના ધારાસભ્ય અને પ્રધાન હેમંત ચપટવાલાનું નિધન થયું ત્યારે
એમનાં પત્ની શ્રીમતી ભાવનાબહેન ચપટવાલા ભાજપી ધારાસભ્ય થયાં હતાં. પ્રધાન સવજી
કોરાટના મૃત્યુ પછી એમનાં પત્ની જશુબહેન કોરાટ પણ પ્રધાન રહ્યાં. ગૃહ રાજ્યપ્રધાન
રહેલા સ્વ. હરેન પંડ્યાનાં પત્ની જાગૃતિ પંડ્યાને રાજ્યમાં બૉર્ડનાં અધ્યક્ષ
બનાવાયાં છે અને એમણે ય વિધાનસભ્ય બનવું છે. જૂના ભાજપી નેતા સૂર્યકાંત આચાર્યનાં
પત્ની હેમાબહેન આચાર્ય રાજ્યનાં આરોગ્યપ્રધાન રહ્યાં. જનસંઘના પહેલા ધારાસભ્ય
ચીમનભાઈ શુક્લના બેઉ દીકરા પણ ભાજપી અગ્રણી ખરા, પણ હમણાં એમના
દીકરી કાશ્મીરાબહેન નથવાણી કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યાં. બહુચર્ચિત કોળી આગેવાન
અને પ્રધાન પરસોત્તમ સોલંકીના ભાઈ હીરા સોલંકી પણ સંસદીય સચિવ છે. હમણાં કૉંગ્રેસમાંથી
ભાજપમાં આવેલા ગાંધીનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરિભાઈ ચૌધરીના પુત્ર અમિત
ચૌધરી માણસાના ધારાસભ્ય છે.
આજીવન કૉંગ્રેસી ધારાસભ્ય રહેલા સ્વ. પ્રધાન શંકરજી ઓખાજી ઠાકોરના પુત્ર ભરત
ડાભી ભાજપી ધારાસભ્ય અને સંસદીય સચિવ છે. કૅબિનેટ પ્રધાન અને વિધાનસભા અધ્યક્ષ રહેલા
સ્વ. અશોક ભટ્ટના પુત્ર ભૂષણ ભટ્ટ ધારાસભ્ય છે. કૉંગ્રેસના ધારાસભ્ય રહેલા બેચરભાઈ
બારાનાં દીકરી વારંવાર ભાજપની ટિકિટ પર ધારાસભા લડતાં રહ્યાં છે. એમનું નામ
રમીલાબહેન બારા. ચાર વખત કૉંગ્રેસના ધારાસભ્ય રહેલા હેમંત માડમનાં દીકરી પૂનમ માડમ
ભાજપી સાંસદ છે. ભાજપી સાંસદ અને પૂર્વ પ્રધાન પ્રભાતસિંહ ચૌહાણના બહુચર્ચિત પુત્ર
પ્રવીણ ચૌહાણ ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે હેરાફેરી કરતા રહ્યા છે. ભાજપી પ્રધાન રહેલા
રણજિતસિંહ ચાવડાના પુત્ર રાજેન્દ્રસિંહ કૉંગ્રેસ અને હવે ભાજપના ધારાસભ્ય છે.
પ્રધાન જશા બારડના પુત્ર દિલીપ બારડ પાલિકા પ્રમુખ રહ્યા. હવે એમનાં પત્ની ઉજીબહેન
દિલીપ બારડ છે. પાંચ મુદ્દત માટે કૉંગ્રેસના ધારસભ્ય રહેલા નાગરભાઈ વસાવાના પુત્ર પરભુભાઈ વસાવા ભાજપના
સાંસદ છે. કૉંગ્રેસી ગોત્રનાં ભાજપી ધારાસભ્ય ડૉ.નીમાબહેન આચાર્યના પતિ ભાવેશ
આચાર્ય ગાંધીધામ મ્યુનિસિપાલિટીના પ્રમુખ રહ્યા. ભાજપી નેતા અને ગુજરાત કો-ઑપરેટિવ
મિલ્ક માર્કેટિંગ ફૅડરેશનના પૂર્વ અધ્યક્ષ પરથી ભટોળના પુત્ર વસંત ભટોળ પણ ભાજપી
ધારાસભ્ય રહ્યા. કૉંગ્રેસી ગોત્રના ભાજપી સાંસદ લીલાધર વાઘેલાના પુત્ર દિલીપ
વાઘેલા ધારાસભાની ચૂંટણી ભાજપની ટિકિટ પર લડ્યા અને હાર્યા હતા. જૂના કૉંગ્રેસી
અને ભાજપી મંત્રી રહેલા મેમાભાઈ પટેલનો દીકરો જતશી પટેલ બનાસકાંઠા જિલ્લા
પંચાયતમાં ભાજપનો ડૅલિગેટ રહ્યો. દિયોદરના ધારાસભ્ય રહેલા માનસિંહજી વાઘેલા કૉંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા
અને એમના પુત્ર ગિરિરાજસિંહ અત્યારે સરપંચ છે,અગાઉ ગિરિરાજ તાલુકા પંચાયતમાં
ભાજપના ચૂંટાયેલા સભ્ય હતા.... આ તો એક આછેરી ઝલક છે. રાજ્યની ભાજપી વંશવાદની યાદી
બનાવવા બેસીએ તો પુસ્તિકા થાય એટલાં નામનો સમાવેશ કરવો પડે. કૉંગ્રેસના દાયકાઓના
વંશવાદના વિક્રમને ભાજપ ખૂબ જલદી તોડવા ઝંખે છે ! બેઠક જીતી આપવાની ક્ષમતાને
પરિવારવાદમાં સીમિત કરવાનું ભાજપને પણ કોઠે પડી ગયું છે.
No comments:
Post a Comment