વડા પ્રધાન મોદીને બુલેટ ટ્રેનનો યશ : વિદૂષક લાલૂ એના જનક
અતીતથી આજ : ડૉ.હરિ દેસાઈ
·
ઊગતા સૂરજના દેશમાંથી અત્યાધુનિક મેગ્લેવ ટ્રેનને બદલે ૫૦ વર્ષ જૂની ટૅકનોલૉજીવાળી
ગાડી આવશે
·
ધંધો વિસ્તારવા માટે જાણીતી જાપાની પ્રજા દુનિયામાં યહૂદી અને ચીનાઓની જેમ
કંજૂસ-કાકડી મનાય છે
·
૧૯૯૨માં મંત્રી રહેલા શક્તિસિંહ કહે છે કે નર્મદા માટે ધિરાણના કરાર કરી જાપાને હાથ ઊંચા કર્યા હતા
·
વર્ષ ૨૦૦૯ના રેલવે બજેટમાં ગરીબરથ અને બુલેટ ટ્રેન શરૂ કરવાના આગ્રહી રહેલા લાલૂ હવે વિરોધમાં
ભારતની અર્થવ્યવસ્થા મજબૂત છે. વિદેશી દેવાંની
સ્થિતિ પણ સુધારા ભણી છે અને લોકશાહી દેશ છે એટલે જાપાન જેવા લોકશાહી રાષ્ટ્ર સાથે
મુંબઈથી અમદાવાદની બુલેટ ટ્રેન સહિતના
જાપાની ધિરાણ સાથેના પ્રકલ્પોમાં વાંધો આવે એવું નથી. જોકે જાપાન અને ભારત વચ્ચેના
ધંધાનું પ્રમાણ ઝાઝું નથી. ચીન સાથે ભારતની આયાત-નિકાસનો જે વ્યવહાર છે એની તુલનામાં જાપાન
સાથે નહીંવત છે. ફરક માત્ર એટલો જ છે કે જાપાન ભારતની જેમ લોકશાહી રાષ્ટ્ર છે અને
ભારતને અત્યારે અમેરિકા સહિતના મિત્રોની ધરીમાં વિશ્વાસુ મિત્ર ખપે છે. વર્ષ
૧૯૯૨માં ગુજરાતમાં ચીમનભાઈ પટેલના નેતૃત્વવાળી કૉંગ્રેસ સરકારમાં સૌથી યુવાન મંત્રી
એવા શક્તિસિંહ ગોહિલ એમના સમયગાળાનો જાપાન
સાથેનો કડવો અનુભવ પણ કહે છે: નર્મદા
યોજના માટે પર્યાવરણના મુદ્દે વિશ્વ બેંકે
નાણાં આપવા હાથ ઊંચા કરવા માંડ્યા ત્યારે ગુજરાતને ધિરાણ સાટે પોતાનાં ટર્બાઈન
વેચવાના કરાર કરનાર જાપાને પણ હાથ ઊંચા કરી દીધા હતા.સારું હતું કે ટર્બાઈન
આવી ગયા હતા અને જાપાનની લોનમાંથી એનાં નાણાં ચૂકવવાનાં હતાં એટલે ગુજરાત એનું નાક
દબાવી શકવાની સ્થિતિમાં હતું.અન્યથા શું થાત એ કહેવું મુશ્કેલ છે.
અંગ્રેજીમાં કહેવત છે કે ‘ધેર ઈઝ નો ફ્રી લંચ’. દુનિયામાં કંજૂસકાકડી તરીકે નામાંકિત પ્રજામાં
યહૂદી, ચીના અને જાપાની અગ્રેસર છે. ગુજરાતી ઉક્તિ ‘ચમડી તૂટે પણ દમડી ના છૂટે’
એ જ શ્રેણીમાં
આવનાર જાપાનીઓ ભારતીય રેલવેની બુલેટ ટ્રેનોના પ્રકલ્પ માટે ૦.૧ ટકાના વ્યાજદરે ૬૦
વર્ષના સમયગાળા માટે ૮૮,૦૦૦ કરોડ રૂપિયાની લોન ભારતને આપે અને ૧ લાખ ૧૦ હજાર કરોડ
રૂપિયાનો બુલેટ ટ્રેનનો પ્રકલ્પ હાથ ધરાય, એમાં ઝાઝા હરખાઈ
જવાનું કશું નથી. વિદેશોને સરળ વ્યાજ દરે ધિરાણ આપવાના જાપાનની એજન્સી ‘જિકા’ના વ્યાજદર ૦.૦૧ ટકાથી શરૂ થાય છે. એ
દ્રષ્ટિએ તો ભારતને આ લોન ૦.૧ ટકાના વ્યાજ દરે મળે છે અને સાથે જ એનાં બુલેટ ટ્રેન
સહિતનાં પ્રોડક્ટ ભારતે ખરીદવાનાં છે જ.ભારતભરની મેટ્રો રેલના પ્રકલ્પ પણ જાપાનને
જ મળેલા છે.હજુ બુલેટ ટ્રેનના પ્રકલ્પની વિગતવાર માહિતી જાહેર કરાઈ નહીં હોવા છતાં
આ રૂટ પર બુલેટ ટ્રેન વર્ષ ૨૦૨૨ સુધીમાં દોડતી થઇ જાય એવું તો જાહેર થયું છે. ઊગતા સૂરજના દેશમાંથી અત્યાધુનિક મેગ્લેવ ટ્રેનને બદલે ૫૦ વર્ષ જૂની આથમતી ટૅકનોલૉજીવાળી
ગાડી આવશે.જાપાનની
સત્તાવાર વેબસાઈટ દર્શાવે છે એ મુજબ ગુજરાતમાં ૩૦ સહિત ભારતમાં કુલ ૧૩૦૫ જાપાની
કંપનીઓનો ધંધો ચાલતો રહે એ માટે જાપાન પોતાને ત્યાં નકારાત્મક વ્યાજના દર ચાલે છે
ત્યારે ભારતને ૦.૧ % વ્યાજના સસ્તા વ્યાજ દરે અને લાંબી મુદતે પરત ચૂકવણીની શરતે આપશે.
જોઈએ તેટલાં નાણાં આપવા એ તૈયાર રહે એ સ્વાભાવિક છે.
વર્ષ ૨૦૦૯-૧૦ના રેલવે બજેટમાં ગરીબરથની સાથે
જ બુલેટ ટ્રેનની સુવિધા શરૂ કરવાનો વિચાર લાલૂ પ્રસાદે રજૂ કર્યો. જાપાનમાં જાન્યુઆરી ૨૦૦૯માં બુલેટ ટ્રેનમાં અસવાર થવાનો
અનુભવ લઇ લાલૂ સ્વદેશ પાછા ફર્યા એટલે એમને બુલેટ ટ્રેનનું જોરદાર ઘેલું લાગ્યું.વચ્ચે
ફ્રાંસ સાથે સમજૂતી થઇ,પણ અંતે જાપાન જ મેદાન મારી ગયું. અમદાવાદની ઇન્ડિયન
ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ (આઈઆઈઍમ)ના પ્રાધ્યાપક જી. રઘુરામે સાવ ખાડે ગયેલા રેલવે તંત્રને પાટા પર લાવવા બદલ લાલૂ
પ્રસાદની કીર્તિ વધારી એટલે છેક હાર્વર્ડ અને વ્હાર્ટન સુધીનાને લાલૂના ચમત્કારમાં
રસ પડ્યો હતો. લાલૂએ ૨૦૦૯ના રેલવે બજેટમાં તો સૌપ્રથમ નવી દિલ્હીથી પટણા વચ્ચે બુલેટ
ટ્રેન દોડાવવાનો વિચાર રજૂ કર્યો હતો.એ અંતરને કલાકના ૩૫૦ કિલોમીટરની ઝડપે ગાડી
દોડાવીને ઓછા સમયમાં કાપવાનાં સમણાં તેમણે જોવા માંડ્યાં હતાં. લાલૂ પ્રસાદે ૨૦૦૯ના
રેલવે બજેટમાં જ દિલ્હી-અમૃતસર, અમદાવાદ-મુંબઈ-પૂણે, હૈદરાબાદ-વિજયવાડા-ચેન્નઈ, ચેન્નઈ-બેંગ્લોર-અર્નાકુલમ અને હાવરા-હલ્દિયાના રૂટ પર બુલેટ ટ્રેન દોડાવવાની
ઘોષણા કરી તો હતી, પણ અભ્યાસ અહેવાલ દિલ્હીથી પટણાની બુલેટ
ટ્રેનનો શરૂ કરાવ્યો હતો. યુપીએની મનમોહનસિંહ સરકાર ગયા પછી મે ૨૦૧૪માં
એનડીએની નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવી.સપ્ટેમ્બર ૨૦૧૭માં વડા પ્રધાન નરેન્દ્ર
મોદી બુલેટ ટ્રેનનું ભૂમિપૂજન કરે અને એ માટે જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબેને અમદાવાદ તેડાવે
ત્યારે દાયકા પહેલાં બુલેટ ટ્રેનના પ્રેમમાં પડેલા લાલૂ પ્રસાદ એનો વિરોધ કરે છે !
વડા પ્રધાન મોદી પણ જાપાનની મુલાકાતે ગયા ત્યારે બુલેટ ટ્રેનની સવારી કરી હતી.
એમના પહેલાંના વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહ સપ્ટેમ્બર ૨૦૧૩માં જાપાનના વડા પ્રધાન
આબે સાથે બુલેટ ટ્રેનના મુંબઈથી અમદાવાદના રૂટ માટે અભ્યાસ માટેના કરાર કરી આવ્યા
હતા. જાપાન પાસે વિપુલ પ્રમાણમાં નાણા છે એટલે એણે ધિરાણ માટે પણ તૈયારી દર્શાવી
હતી. બુલેટ ટ્રેનના અનેક રૂટ સાથે જ ભારતમાં ઠેર ઠેર મેટ્રો રેલવેના પ્રકલ્પ પણ
જાપાન સાથે જ ચાલતા રહ્યા છે એટલે જાપાનને તો બેય હાથમાં લાડુ છે. ક્યારેક વડાં
પ્રધાન ઈંદિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી એ વેળાના હરિયાણાના મુખ્ય પ્રધાન ચૌધરી
બંસીલાલનો સાથ લઈને જાપાનની કંપની સુઝુકીના સહયોગમાં મારુતિ કાર બનાવવાનો પ્રકલ્પ આરંભતા હતા અને એ પછી તો મારુતિ
સુઝુકીનું માર્કેટ ફાટફાટ થવા માંડ્યું. મોદી યુગમાં વધુ જાપાની ઑટોમોબાઈલ કંપનીઓ
તોશિબા અને દેન્સો ભારતમાં આવીને ઉત્પાદન
કરવા થનગને છે. જાપાનની બંધ થવાને આરે આવીને ઊભેલી એક ટીવી ઉત્પાદક કંપની તો
ઈંદિરા યુગમાં ભારતના એશિયાડના ઑર્ડર થકી જ તરી ગયાની ઘણી રોચક કહાણીઓ ચર્ચામાં છે.
રેલવે પ્રધાન જે રાજ્યના હોય એને રેલવે બજેટ
લાભ કરાવતું રહ્યું છે. એમ તો બિહારના જગજીવન રામ,રામ સુભગ
સિંહ,એલ.એન.મિશ્રા,જ્યોર્જ ફર્નાન્ડિસ,કેદાર પાંડે,રામ વિલાસ પાસવાન અને નીતિશ
કુમાર પણ રેલવે પ્રધાન હતા. બિહારને આજ લગી સૌથી વધુ રેલવે પ્રધાન મળ્યા છે. એ
પછીના ક્રમે પશ્ચિમ બંગાળ આવે.એના સાંસદ એ.બી.એ.ગનીખાન
ચૌધરી રેલવે મંત્રી હતા. એ પછી બંગાળનાં અત્યારનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને
એમની જ તૃણમૂલ કૉંગ્રેસના ગુજરાતી સાંસદ દિનેશ ત્રિવેદી અને બીજા સાંસદ મુકુલ રોય પણ રેલવે પ્રધાન બન્યા હતા. ‘ભૂવો ધૂણે તો ય નારિયેળ ઘર ભણી ફેંકે’ એમ રેલવે પ્રધાન
પોતપોતાના રાજ્યને લાભ કરાવતા રહ્યા. પહેલી વખત ગુજરાતી વડા પ્રધાન મોદી થકી બુલેટ
ટ્રેનનો પ્રકલ્પ ગુજરાતને અપાયો છે. અગાઉ દિનેશ ત્રિવેદીના ૨૦૧૨-૧૩ના રેલવે બજેટમાં
પણ બુલેટ ટ્રેન પ્રકલ્પ ઝળક્યો ખરો, પણ એ દિશામાં ઝાઝી પ્રગતિ થઈ નહોતી. હવે જ્યારે વડા પ્રધાન મોદીએ બુલેટ
ટ્રેનનો શિલાન્યાસ કરાવ્યો છે ત્યારે લાલૂ પ્રસાદ કહેવા માંડ્યા છે કે ‘દેશમાં બુલેટ ટ્રેન ચાલી શકે એમ જ નથી. આ અશક્ય છે. સરકાર જૂના રેલવે પાટાઓની
જાળવણી તો કરી શકતી નથી. અમારી સરકારના વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે માલગાડીઓ માટે
અલગ ત્રીજા ક્રમના પાટા નાંખવા માટે જાપાન પાસે શૂન્ય ટકા વ્યાજદરથી નાણા માંગ્યા
હતાં, પણ જાપાને એ આપ્યાં નહોતાં. જો આપત તો
સામાન્ય પ્રજાને એનો લાભ થાત. માલગાડીઓનો ટ્રાફિક વધી શક્યો હોત. આજે તો જાપાને
પોતાનો સામાન વેચવો છે એટલે બુલેટ ટ્રેન ચલાવવાની વાત કરે છે.’ રાજનેતાઓ પોતપોતાની અનુકૂળતા મુજબ નિવેદનો કરે છે. રાષ્ટ્રીય જનતા દળના
સુપ્રીમો લાલૂપ્રસાદ આજે જ બુલેટ ટ્રેનનો વિરોધ કરે છે એવું નથી. એમણે તો ડિસેમ્બર
૨૦૧૫માં વડા પ્રધાન મોદીને પત્ર લખીને મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પનો વિરોધ
કર્યો હતો !
વડા પ્રધાન આબે અને વડા પ્રધાન મોદીએ
ગાંધીનગર ખાતે ૧૪ પાનાંનું સંયુક્ત નિવેદન બહાર પાડીને વેપાર-ઉદ્યોગ જ નહીં;
આતંકવાદ સામેની લડત, લશ્કરી બાબતો તથા પર્યટન તથા યોગવિષયક સમજૂતી
કરવા પર ભાર મૂક્યો છે.આ સંયુક્ત ઘોષણાપત્રમાં નોર્થ-ઇસ્ટ રોડ નેટવર્ક કનૅક્ટિવિટી
ઇમ્પ્રૂવમેન્ટ પ્રોજેક્ટ (ફેઝ-૨) માટે પણ જાપાન લોન આપવાનું હોવા સામે ચીનને વાંધો
પડ્યો છે.ભારતીય રાજ્ય અરુણાચલ પ્રદેશ પર ચીન દાવો કરતું રહ્યું છે.એટલે એણે
જાપાનના સહકારથી અહીં પ્રકલ્પ હાથ ધરાય એ સામે વિરોધ કર્યો છે.ચીન એ ભૂલી જાય છે
કે એણે ભારતીય પ્રદેશમાં કારાકોરમ હાઇવે ધરાર બાંધ્યો છે અને હવે ચીન પાકિસ્તાન
ઇકોનોમિક કરીડોર ભારતના જ અને પાકિસ્તાને ગપચાવેલા ગિલગિટ-બાલ્ટિસ્તાન પ્રદેશમાં
બાંધી રહ્યું છે.ભારતના પોતાના હિતમાં નિર્ણય કરવાનો અધિકાર વડા પ્રધાનને છે, સાથે જ ચીન અને પાકિસ્તાન ઘૂરકિયાં
કરતાં હોય ત્યારે અમેરિકા, જાપાન સાથેની મૈત્રીને ઘનિષ્ઠ બનાવવી જરૂરી
છે. જોકે, વડા પ્રધાન પણ સુપેરે જાણે છે કે પ્રત્યેક
દેશ ભારતના મહા-બજારને ધ્યાને લઈને જ સાથસહકાર માટે આગળ આવે છે. કોઈ ભારત પર ઉપકાર
કરવા આવતું નથી. આવા સંજોગોમાં બુલેટ ટ્રેનના વિવિધ પ્રકલ્પોથી લઈને મેટ્રો રેલવેના
પ્રકલ્પો તેમજ અત્યાધુનિક ટેકનોલોજીનો લાભ ભારતને મળે એ દિશામાં આર્થિક દૃષ્ટિએ
પૂરતો વિચાર કરીને નિર્ણયો લેવાય એ ખૂબ જરૂરી છે. ચીન સાથેની ડોકલામ મડાગાંઠ વખતે
જાપાન નિસંદિગ્ધ શબ્દોમાં ભારતને પડખે રહ્યું હતું. એ વેળા અમેરિકા અને રશિયા બેઉ
ભારત-ચીનને મંત્રણા કરીને હલ આણવાના પક્ષે હતાં. સદનસીબે એ વેળા યુદ્ધ ટળી ગયું, અન્યથા વિશ્વયુદ્ધ ભણીના સંજોગો આકાર લઈ રહ્યા હતા.ભારત-જાપાન વચ્ચેના
ઉષ્માભર્યા સંબંધો સ્થપાય એને કારણે ચીનના પેટમાં તેલ રેડાવું સ્વાભાવિક છે.જાપાન
બુલેટ ટ્રેન પ્રકલ્પ માટે ભારતને લોન આપશે.ગુજરાત અને મહારાષ્ટ્રની સરકારોએ આ
પ્રકલ્પ માટે જરૂરી જમીન અધિગ્રહણ કરવાની
જવાબદારી નિભાવવાની છે અને એનો ખર્ચ પણ વહોરવાનો છે.
જાપાનના દૂતાવાસમાં દાયકાઓ સુધી કાર્યરત
રહેલા એક અધિકારીએ કહ્યું હતું કે જાપાનના વૃદ્ધ પેન્શનરોએ તો બૅંકોમાં નાણા
સાચવવા માટે મૂકવા સામેથી નાણા ચૂકવવાં પડે એવા સંજોગો છે. એનો અર્થ એ થયો કે
ચીનની જેમ જાપાન કને પણ વિપુલ માત્રામાં નાણાભંડોળ ફાજલ પડ્યું છે અને એટલે જ એ
સાવ જ સસ્તા વ્યાજદરે કે નહીંવત્ વ્યાજદરે લાંબા ગાળા માટે ધિરાણ કરી શકે છે. ભારત
એના માટે ખૂબ જ દૂઝણું બજાર છે. જોકે, ભારતે જાપાનથી
વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન ૯.૬૩ અબજ ડૉલરની આયાત કરી હતી. આ જ વર્ષ દરમિયાન જાપાનને ભારતની નિકાસ માત્ર ૩.૮૫ અબજ ડૉલરની હતી. આની
તુલનામાં ચીન સાથે ભારતનો આયાત-નિકાસનો આંકડો ઘણો મોટો છેઃ ભારત વર્ષે ૬૦ અબજ
(બિલિયન) ડૉલરની આયાત કરે છે અને ૧૦ અબજ ડૉલરની નિકાસ કરે છે.જોકે હવે ભારત અને
જાપાન વચ્ચેનો વેપાર વધવાની શક્યતા છે. ઈ-મેઈલ : haridesai@gmail.com
No comments:
Post a Comment