કેરળમાં ઇન્દિરાની જડીબુટ્ટી
ડૉ.હરિ દેસાઈ
યેન કેન પ્રકારેણ પ્રત્યેક રાજ્યને ઍનડીએના ઝંડા તળે લાવવાનું મિશન
સાઉથ બ્લૉક (વડા પ્રધાન કાર્યાલય) અને ૧૧,અશોક રોડ (ભાજપ મુખ્યાલય)ની અર્જુનની
આંખ સંયુકતપણે હવે કેરળ પર મંડાયેલી છે.ભારત-ચીન સરહદ સળગી રહી છે ત્યારેય “અંશકાલીન”(પાર્ટ-ટાઇમ)
સંરક્ષણ મંત્રી અરુણ જેટલી, કેન્દ્રના ગૃહ મંત્રી રાજનાથ સિંહના કાયદા અને
વ્યવસ્થા તેમજ રાજ્યપાલના અધિકારક્ષેત્રમાં, આસમાની સુલતાની કરવા રમમાણ છે.કેરળમાં
છેક પ્રારંભથી જ દત્તોપંત ઠેંગડી અને કે.ભાસ્કરરાવ (ભાસ્કરરાવ કળંબી) જેવા જનસંઘ-ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના વરિષ્ઠ
પ્રચારકોએ એવાં ઊંડાં મૂળિયાં નાખ્યાં છે
કે દેશમાં સૌથી વધુ શાખા બટુક કેરળ રાજ્યમાં યોજાતી રહી છે. કેરળની રચનાના હીરક
વર્ષ(૬૦)માં માર્ક્સવાદીઓના ડાબેરી મોરચાની સરકાર(૯૧ સભ્યોના મોરચા સાથે) અને કૉંગ્રેસના
વડપણવાળા મુખ્ય વિપક્ષ(૪૭ સભ્યોના મોરચા)વાળી ૧૪૦ સભ્યોની વિધાનસભામાં ભાજપ કને સમ
ખાવા પૂરતી રોકડી એક જ બેઠક છે ! લોકસભા કે વિધાનસભામાં છ દાયકા લગી
જનસંઘ-ભાજપને અસ્પૃશ્ય ગણ્યા પછી સુપરસ્ટાર પ્રચારક અને વ્યૂહકાર વડા પ્રધાન
નરેન્દ્ર મોદીએ ઝંઝાવાતી પ્રચાર,જોડાણો અને સભાઓ કરી ત્યારે છેલ્લી વિધાનસભા
ચૂંટણીમાં પેલું મહેણું ભાંગવાના સંજોગો ઊભા થયા.
છેલ્લા કેટલાક વખતથી કેરળમાં માર્ક્સવાદીઓ સંઘ પરિવારના કાર્યકરોની હત્યાઓ
કરીને વિરોધી અવાજને કચડી દેવા પ્રયત્નશીલ હોવાના મુદ્દે રાષ્ટ્રવ્યાપી ઉહાપોહ
જોવા મળે છે.૨ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ ધારવાડના સભ્ય પ્રહલાદ જોશીએ લોકસભામાં કેરળમાં
રાજકીય હત્યાઓનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે રાજ્યની ડાબેરી મોરચા સરકારે ૧૭
મહિના પૂરા કર્યા અને આ સત્તર મહિનામાં ૧૭ જણની હત્યા કરવામાં આવી છે.દર મહિને
ભાજપ કે આરએસએસ સાથે સંકળાયેલી એક રાજકીય વ્યક્તિની હત્યા કરવામાં આવી રહી છે.બે કૉંગ્રેસીઓની
હત્યા પણ થઇ છે છતાં તેઓ એ મુદ્દો ઉઠાવતા નથી. કૉંગ્રેસવાળાઓને શરમ આવવી જોઈએ કે
તેઓ અહીં દિલ્હીમાં અને સંસદમાં
તેઓ(માર્ક્સવાદીઓ) સાથે ઘૂટરઘૂ કરે છે. જોશીએ એનઆઈએ કે સીબીઆઇ મારફત હત્યાકાંડોની તપાસની
માંગણી કરી હતી.નવી દિલ્હીનાં મીનાક્ષી લેખીએ તો કેરળને “ગૉડ્સ ઓન કન્ટ્રી”ને બદલે
“ગૉડફોર્સેકન કન્ટ્રી” ગણાવવાનું પસંદ કર્યું. એમણે કહ્યું કે કેરળમાંથી લગાતાર આઈએસઆઈએસમાં
વધુ લોકો જોડાઈ રહ્યા છે.પ્રશ્ન કેવળ સંઘ-ભાજપનો નહીં હોવાનું જણાવીને લેખીએ
ઉમેર્યું હતું કે કન્નૂર જેવી કુખ્યાત જગ્યાએ કૉંગ્રેસના ૪૦, મુસ્લિમ લીગના ૭ અને
એસડીપીઆઈના ૩ કાર્યકર્તાઓની હત્યા કરાઈ છે.એમણે દલિતોની હત્યાઓ અને દલિત મહિલાઓ પર
અત્યાચાર સહિતના મુદ્દા ઉઠાવીને મુખ્ય મંત્રી પિનારાઈ વિજયન તથા એમ.એમ. મણિના
નામોલ્લેખ સાથે માર્ક્સવાદી નેતાઓને ત્રાસવાદી કહ્યા, ત્યારે કાસરગૌડના સભ્ય
પી.કરુણાકરને “જે લોકો ગૃહમાં જવાબ આપવા હાજર ના હોય એવા માર્ક્સવાદી નેતાઓને
ત્રાસવાદી કહેવા” સામે વાંધો લીધો હતો.
જયારે દેશભરમાં અને સંસદમાં કેરળની કાયદો અને વ્યવસ્થા ખાડે ગયાનો ઉહાપોહ થતો
હતો, ત્યારે કેરળમાં રાજ્યપાલ પી.સદાશિવમ કેરળના મુખ્ય મંત્રી અને પોલીસ વડાને
“સમન” કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે લેવાતાં પગલાંની માહિતી મેળવી રહ્યા હતા.સુપ્રીમ
કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રહેલા સદાશિવમને મુખ્ય મંત્રી પાસેથી માહિતી મેળવવાનો
અધિકાર છે,પરંતુ બંધારણની કલમોમાં મુખ્ય મંત્રીને “સમન” કરવાની જોગવાઈ નહીં હોવા
વિશે પણ વિવાદ થયો છે.જોકે મુખ્ય મંત્રીએ રાજ્યપાલને સંબંધિત પ્રકરણોમાં ભેદભાવ
વિના ધરપકડો અને લેવાતાં પગલાં વિશે માહિતગાર કર્યા હતા.દરમિયાન સંઘના
સહસરકાર્યવાહ દત્તાત્રેય હોસબલેએ
સ્વયંસેવક રાજેશ એડાવકોડેની હત્યાની અદાલતી તપાસની માંગણી કરી.દિલ્હીથી નાણા અને
સંરક્ષણ મંત્રી અરુણ જેટલી મારતે વિમાને કેરળ ગયા અને તિરુઅનંતપુરમમાં રાજેશના પીડિત
પરિવારને મળ્યા. એ જ સમય દરમિયાન માર્ક્સવાદી કાર્યકરોની હત્યા સંઘ પરિવાર સાથે
સંકળાયેલા કાર્યકરોએ કરી હોવાના આક્ષેપ સાથે પીડિતોના પરિવારજનોએ રાજભવન સામે ધરણાં
કરવાનું પસંદ કર્યું હતું. હજુ માર્ચ ૨૦૧૭માં જ ઉજ્જૈનના સંઘના એક હોદ્દેદાર કુંદન
ચંદ્રાવતેએ કેરળના મુખ્ય મંત્રી વિજયનની હત્યા કરનારને એક કરોડ રૂપિયાનું ઇનામ
જાહેર કર્યું હતું.જોકે સંઘ તરફથી બીજા જ દિવસે કુંદનને જવાબદારીમુક્ત કરાયાની
જાહેરાત કરીને તેણે માફી માગ્યાનું નિવેદન પણ બહાર પડાયું હતું.
કેરળમાં દાયકાઓથી સંઘ અને માર્ક્સવાદી કાર્યકરો વચ્ચે પ્રભાવક્ષેત્ર વધારવાની
હૂંસાતૂંસીમાં લોહિયાળ જંગ ચાલતો રહ્યો છે.બંને બાજુ મહદઅંશે હિંદુઓ જ મરતા રહ્યા
છે.વેરની વસૂલાતની એમની બેઉ પક્ષે આગવી પરંપરા રહી છે.બંને પક્ષે હત્યાઓ માટે
જનમટીપ પામનારાઓની સંખ્યા ઓછી નથી. હમણાં જ માર્ક્સવાદી કાર્યકરોની હત્યા સંદર્ભે અદાલતે
કેટલાક સ્વયંસેવકોને તો ડબલ જનમટીપની સજા ફરમાવી છે. વર્ષ ૧૯૬૦થી ૨૦૧૬ સુધીમાં
માર્ક્સવાદીઓએ ૨૭૦ જેટલા સંઘ-ભાજપના કાર્યકરોની હત્યા કરી હોવાનું કેરળ ભાજપના
મીડિયા સંયોજક આર.સંદીપે જણાવ્યું હતું.એમણે તો ઉમેર્યું હતું કે વિજયન પોતે પણ
હત્યારા છે.આની સામે મુખ્ય મંત્રી પિનારાઈ વિજયનનો દાવો છે કે અમારા ૬૦૦ જેટલા કૉમરેડોની
હત્યાઓ થઇ છે,એમાંથી ૨૦૫ની હત્યા પાછળ સંઘના લોકો છે.અગાઉની ડાબેરી મોરચાની
વી.એસ.અચ્યુતાનંદન સરકારમાં ગૃહ મંત્રી રહેલા કોડિયારી બાલકૃષ્ણને નોધ્યું છે કે
સંઘના લોકોએ સીપીએમના ૨૫૦ કાર્યકરોને રહેંસી નાંખ્યા છે,૩૦૦૦થી વધુને અપંગ બનાવ્યા
છે અને ૧૦,૦૦૦નાં ઘર પર હુમલા કર્યા છે. બાલકૃષ્ણને ઉમેર્યું છે કે ભાજપને જે એક
વિધાનસભા બેઠક મળી એ પણ કૉંગ્રેસના વડપણવાળા સંયુક્ત લોકશાહી મોરચા તરફથી ભેટ
હતી.કારણ કૉંગ્રેસે સંઘ પરિવાર ભણી કૂણું વલણ રાખ્યું છે. કૉંગ્રેસ નેતા
એ.કે.એન્ટનીએ તો પક્ષના કાર્યકરોને “દિવસ દરમિયાન કૉંગ્રેસના કાર્યકર અને રાત્રે
આરએસએસના કાર્યકર” રહેવાના વલણ સામે ચેતવણી પણ આપી હતી.
બે મહિના પહેલાં ભાજપના
રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કેરળની મુલાકાત દરમિયાન સંકેત આપ્યો હતો કે ૨૦૧૯ની
લોકસભા ચૂંટણી પછી કેરળમાં કોઈ ડાબેરી પક્ષો નહીં હોય,ત્યારથી માર્ક્સવાદી મુખ્ય
મંત્રી વિજયનને આગોતરાં એંધાણ મળી ચૂક્યાં હતાં. ૧૯૫૯માં એ વેળાનાં કૉંગ્રેસઅધ્યક્ષા ઇન્દિરા
ગાંધીના આયોજન અને અહેવાલોને પગલે વિશ્વમાં સૌથી પહેલી ચૂંટાયેલી સામ્યવાદી પક્ષની
ઇએમએસ નામ્બૂદિરીપાદ સરકારને વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ અનિચ્છાએ પણ બરખાસ્ત કરી
હતી. એનું પુનરાવર્તન હવે થવામાં છે.તખ્તો
ગોઠવાઈ ચૂક્યો છે. સોમવાર,૭ ઓગસ્ટે વિધાનસભામાં મુખ્યમંત્રી વિજયને ગુપ્તચર
અહેવાલોનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે
ભાજપ તરફથી “હિંસક માર્ગ” અપનાવીને ભાજપી નેતાઓના કરોડોના મૅડિકલ જોડાણ
કૌભાંડ તરફથી ધ્યાન અન્યત્ર હટાવવાનો પ્રયત્ન થશે, એ સાચું પડી રહ્યું છે.રાજ્ય
સરકાર જરૂરી જણાશે તો આ કૌભાંડની સીબીઆઇ મારફત તપાસ કરવી શકશે.આંતરિક તપાસમાં
ભાજપના નેતાઓએ ૫.૬ કરોડ રૂપિયાની લાંચ લીધાનું બહાર આવ્યું છે.
નેહરુ-ઇન્દિરાના માર્ગનું
અનુસરણ કરતાં કેરળમાં માર્ક્સવાદીઓના પતન પછી આગામી વિધાનસભા ચૂંટણીઓમાં હિમાચલ પ્રદેશ, ત્રિપુરા અને કર્નાટકમાં કમળ
ખીલવવાની યોજના રહેશે.એ પછી પશ્ચિમ બંગાળનાં “વાઘણ” મમતા બેનરજીને વશ કરવાના
ઉપક્રમ બાદ પંજાબના કૉંગ્રેસી મુખ્યમંત્રી કૅપ્ટન
અમરિંદર સિંહને હરિયાણાના ભજનલાલ અને ગોવાના પ્રતાપસિંહ રાણેની જેમ સાગમટે ભગવો
ધારણ કરવા મનાવી લઈને દેશનાં તમામ રાજ્યોને ઍનડીએ હેઠળ લાવવાનું અંતિમ મિશન પાર
પડે એટલે સર્વોચ્ચનો કૉંગ્રેસમુક્ત ભારતનો સંકલ્પ
સિદ્ધ થઇ શકે.
ઈ-મેઈલ :
haridesai@gmail.com
No comments:
Post a Comment