Wednesday, 19 July 2017

The Contradictions about Minorities : Nehru's Minister Justice Mohammad Currim Chagla said in 1964, India has No Minorities !

ભારતમાં કોઈ લઘુમતી નથી એટલે લઘુમતી પંચ બરખાસ્ત કરો
અતીતથી આજ : ડૉ. હરિ દેસાઈ

·         વિશ્વ હિંદુ પરિષદના મતે,મુસ્લિમોની આળપંપાળથી ભારતને પાકિસ્તાન બનાવવાનો કારસો રચાશે

·         ભાજપનેતાને મોદી સરકારે નેશનલ માયાનોરિટી કમિશનના અધ્યક્ષ નિયુક્ત કરતાં જ વિરોધ ભભૂક્યો

·         ગુજરાત મૉડેલને ફ્લૉપ ગણાવતા ડૉ.તોગડિયા અને વિહિંપનેતાઓની જાસૂસી કરાવાતી હોવાનો આક્ષેપ

·         રાષ્ટ્રીયસ્તરે ગોવંશ રક્ષા અને રામમંદિર નિર્માણનો મુદ્દ્દો ચગાવીને ભાજપની ભીંસ વધારવાનો પ્રયાસ

ચાલો, મોડે મોડે પણ સંઘ પરિવારની વિશ્વ હિંદુ પરિષદ (વિહિંપ) થકી સહોદર ભારતીય જનતા પક્ષની કેન્દ્ર સરકાર સમક્ષ લઘુમતી આયોગને વિખેરવા અથવા બહુમતી આયોગની સ્થાપનાકરવાની માગણી કરાઈ છે. ભારતમાં વિશ્વ હિંદુ પરિષદની સ્થાપના ઑગસ્ટ ૧૯૬૪માં સ્વામી ચિન્મયાનંદના પવાઈ ખાતેના સાંદિપની આશ્રમમાં થઈ, એના છ મહિના પહેલાં વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના શિક્ષણ પ્રધાન જસ્ટિસ મોહમ્મદ કરીમ ચાગલાએ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં કાશ્મીર વિવાદ સંદર્ભે ભાષણ કરતાં ખૂબ સૂચક નિવેદન કર્યું હતું. આજે પણ જસ્ટિસ ચાગલાના એ વ્યાખ્યાનને મઢાવી રાખવા જેવું છે. તેમણે ૫ ફેબ્રુઆરી, ૧૯૬૪ના રોજ કહ્યું હતું : પ્રચલિત અર્થમાં ભારતમાં મુસ્લિમો લઘુમતી નથી. ભારતમાં પાંચ કરોડ (૫૦ મિલિયન) મુસ્લિમો છે. ભારત વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ ધરાવતા દેશોમાં ત્રીજા ક્રમે આવે છે. તેઓ ધરતીના છોરુ છે, તેઓ પ્રજા તરીકે ભારતીય છે. નાગરિક તરીકેના તમામ અધિકાર ભોગવે છે. એમના માટે પ્રત્યેક હોદ્દો ખુલ્લો છે અને હકીકતમાં દેશના સર્વોચ્ચ હોદ્દે તેમાંના ઘણા પહોંચી ચૂક્યા છે... હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, બૌદ્ધ, શીખ, પારસી અને અન્ય તમામને પૂજા-ધાર્મિક સ્વાતંત્ર્ય અને મૂળભૂત અધિકારો અમારા બંધારણે નાગરિકોને સંપૂર્ણપણે આપ્યા છે. અમારે ત્યાં કોઈ ફર્સ્ટ ક્લાસ અને કોઈ સૅકન્ડ ક્લાસ નથી. પ્રત્યેક વ્યક્તિ કાયદા સમક્ષ સમાન છે.અત્યારે ભારતમાં ૭૯ કરોડ હિંદુઓ સાથે ૧૯ કરોડ મુસ્લિમો વસે છે.
નેહરુ પ્રત્યેની ભાંડણલીલામાં રમમાણ મહારથીઓએ નેહરુની આ નીતિરીતિના ઘટનાક્રમનો વિશદ અભ્યાસ કરવાની જરૂર ખરી. જસ્ટિસ ચાગલા થકી ધર્મરાજ્ય(થિયોક્રૅટિક) પાકિસ્તાનની તુલનામાં ધર્મનિરપેક્ષ (સૅક્યુલર) ભારતની સંયુક્ત રાષ્ટ્રમાં એ વેળા કરવામાં આવેલી વ્યાખ્યાઓનો અભ્યાસ આજે વિશ્વ હિંદુ પરિષદવાળા કરતા લાગે છે. વિહિંપના આંતરરાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી ડૉ. સુરેન્દ્ર જૈનનું કાં લઘુમતી પંચ કે આયોગને સમાપ્ત કરો અથવા તો બહુમતી આયોગની રચના કરોએ સંદર્ભનું નિવેદન વિહિંપની વેબસાઇટ પર ઝગારા મારે છે. ૨૦ જૂન ૨૦૧૭ના આ નિવેદન પૂર્વે ભારત સરકારે રાષ્ટ્રીય લઘુમતી આયોગના અધ્યક્ષપદે ઉત્તર પ્રદેશ ભાજપના નેતા અને પક્ષના લઘુમતી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી રહેલા ગયૂરુલ હસન રિઝવીની નિમણૂક કરી હતી. વિહિંપની ભૂમિકા છે કે આવા લઘુમતી આયોગથી અલગતાવાદ પ્રસરે છે અને બેપાંદડે થાય છે.
ડૉ.જૈનનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારને ખુલ્લો સવાલ છે કે શું લઘુમતી આયોગ ભારતને પાકિસ્તાન બનાવવા તરફ ધકેલવા માગે છે? ‘દેશ લઘુમતી પંચ પાસેથી એ જાણવા માગે છે કે ભારતમાં મુસ્લિમ સમાજ પીડિત છે કે અત્યાચારી? વિહિંપ આ સંદર્ભમાં ખુલ્લી ચર્ચા ચાહે છે.આ ભડકો થયો છે લઘુમતી પંચે શરૂ કરેલી હૅલ્પલાઇનના મુદ્દે. કોઈ મુસ્લિમ પર અત્યાચારની ઘટના બને તો સત્તાવાળાઓને જાણ કરવા માટે લઘુમતી આયોગે એક હૅલ્પલાઇન શરૂ કરી છે. વિહિંપની ભૂમિકા સ્પષ્ટ છે કે ભારતમાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ છે પછી લઘુમતી આયોગની શી જરૂર છે? અને લઘુમતીના પ્રશ્નો માટે એ જરૂરી છે તો પછી બહુમતી એટલે કે હિંદુઓના પ્રશ્નો માટે બહુમતી આયોગની રચના કરવામાં આવે.
હવે વિશ્વ હિંદુ પરિષદને ભારત સરકારે અમલી બનાવેલા માલ અને સેવા કર (ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ જીએસટી)માં જજીયાવેરો દેખાવા માંડ્યો છે. પોતીકી સરકારને ભીંસમાં લેતા હોય એ રીતે વિહિંપના આંતરરાષ્ટ્રીય મહામંત્રી ચંપત રાયે નાણા પ્રધાન અરુણ જેટલીને પત્ર લખીને મંદિર, એમાં પ્રવેશ-દર્શન, પૂજા-સામગ્રી, પ્રસાદ, ગાયનું ઘી તથા અન્ય ગાયનાં ઉત્પાદનોને જીએસટીના અમલથી બહાર રાખવા અનુરોધ કર્યો છે. વડતાલમાં વિહિંપની કેન્દ્રીય પ્રબંધ સમિતિની બેઠકમાં આ બાબતમાં વિશદ ચર્ચા થઈ અને તિરુપતિ સહિતના દેશનાં તમામ મંદિરોમાં ઉપરોક્ત બાબતમાં જીએસટીનો અમલ કરાવાય, એ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.જોકે હવે મંદિરોમાં વેચાતા પ્રસાદને જીએસટીમાંથી મુક્ત રાખવા વિચારણા શરૂ થઇ છે.
વિહિંપના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાની ઇન્ટૅલિજન્સ બ્યૂરો (આઇબી)ના અધિકારીઓ સામે ફરિયાદ એ છે કે તેઓ વિહિંપના હોદ્દેદારો અને કાર્યકરોની જાસૂસી કરી રહ્યા છે. ડૉ. તોગડિયા થકી વડા પ્રધાન મોદી અને કેન્દ્રના ગૃહ પ્રધાન રાજનાથ સિંહને આ બાબતમાં પત્ર લખીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ડૉ. તોગડિયા કહે છે કે અમારા તબીબી બાબતોમાં લોકોને મદદરૂપ થનારા સેવાભાવી કાર્યકરોની આઇબીના અધિકારી તપાસ કરે છે અને એ સંદર્ભમાં તેમણે તાકીદે માફી માગવી જોઈએ. તેઓ ઇન્ડિયન હેલ્થ લાઇન અને હિન્દુ હૅલ્પ લાઇન ચલાવે છે. આ પ્રજાના હિતના કામમાં ગુપ્તચર વિભાગના અધિકારીઓ અવરોધ ઊભા કરી રહ્યા હોવાનું ડૉ. તોગડિયાનું કહેવું છે. નવાઈ તો એ વાતની છે કે ડૉ. તોગડિયાની પોતાની જાસૂસી કરાઈ રહ્યાની ફરિયાદ તો અત્યારના વડા પ્રધાન મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા, ત્યારથી થઈ રહી છે. વિહિંપના આ નેતાનો ફોન ટૅપ થતો હોવાની ફરિયાદ પણ ઊઠી હતી. સંઘ પરિવારમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા નેતાઓની આ ફરિયાદ ઑલ ઇઝ વૅલનહીં હોવાનો સ્પષ્ટ સંકેત આપે છે.
એક બાજુ, વડા પ્રધાન મોદી ગોરક્ષાના નામે હત્યાઓ કે લોકોની કનડગતને સહન નહીં કરાય એવી ઘોષણા કરતા રહે છે, ત્યારે વિહિંપની નેતાગીરી વડા પ્રધાનને ગોરક્ષા કાનૂન બનાવીને સમગ્ર દેશમાં તેનો કડકાઈથી અમલ કરવાનો આગ્રહ કરી રહ્યા છે. વિહિપના પ્રવક્તા વિનોદ બંસલે જણાવ્યું હતું કે આપણા વડા પ્રધાન વારતહેવારે મહાત્મા ગાંધી અને આચાર્ય વિનોબા ભાવેનું નામ લેતા રહે છે. આ બન્ને મહાનુભાવો ગોરક્ષા માટે કડક કાનૂન બનાવવાના સમર્થક હતા. એટલે અમે, અનુરોધ કરીએ છીએ કે વડા પ્રધાન ગોવંશ રક્ષા માટે કડક કાયદો બનાવીને એનો કડકાઈથી અમલ કરાવે તો જ એમની વાતોનો મતલબ છે.વડા પ્રધાને અમદાવાદના ગાંધી આશ્રમમાં ગોરક્ષાના નામે હિંસાને સહન નહીં કરવામાં આવે, એવા કરેલા નિવેદનના પ્રત્યાઘાતરૂપે બંસલે કહ્યું હતું :  ગોરક્ષકો તો ગાયના રક્ષકો છે. તેઓ હત્યારા કઈ રીતે બની શકે? હત્યારા કાંઈ રક્ષક ના જ હોઈ શકે?’ વિહિંપ થકી સરકારી તંત્ર પર દોષારોપણ કરવામાં આવી રહ્યું છે કે સરકારી તંત્ર ગોરક્ષાની બાબતમાં સદંતર નિષ્ફળ ગયું છે.
આગામી બે વર્ષમાં અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ પૂરું કરવામાં આવશે, એવા સંકલ્પ સાથે શ્રીરામ ભક્તો અને વિહિંપ આગળ વધી રહ્યાનું લાગે છે. રામમંદિર નિર્માણ સંદર્ભે અયોધ્યા ભૂમિ વિવાદ હજુ સુપ્રીમ કૉર્ટમાં વિચારાધીન હોવા છતાં સ્પષ્ટ બહુમતવાળી ભાજપ સરકાર કેન્દ્ર અને ઉત્તર પ્રદેશમાં સ્થાપિત થયા પછી ખાસ કાયદાકીય જોગવાઈ કરીને પણ અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે મોકળાશ કરી આપવાનો આગ્રહ થઈ રહ્યો છે.
વિહિંપ રામ જન્મભૂમિ ન્યાસ અને સંતો થકી રામમંદિર નિર્માણની કામગીરીને આગળ વધારવાની બાબતમાં આશા-અપેક્ષાની પૂર્તિ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થશે, એવું મનાઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં ગોરખપુર પીઠના મહંત અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ રામમંદિર નિર્માણના સમર્થક રહ્યા છે. અગાઉ ઉત્તર પ્રદેશની અખિલેશ સરકારે રામમંદિર નિર્માણમાં સહયોગ કર્યો નહોતો, પણ હવે યોગી સરકાર આવતાં મંદિર નિર્માણ માટે કોતરકામ માટે લાલ પથ્થરના ટ્રક છૂટથી અયોધ્યામાં આવી રહ્યા છે. રામમંદિર બનાવવાની ઉજળી શક્યતા છે.

ઈ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment