જ્ઞાતિપ્રથાનું ભૂત
અનામતની
આડશે ધૂણાવવાનો રાજકીય સ્વાર્થ
અતીતથી આજ – ડૉ. હરિ દેસાઈ
·
ભારત સરકાર બંધારણ સુધારો કરીને સવર્ણોને ૨૫
ટકા સાથે ૭૫ ટકા અનામતના પક્ષે
·
કૉંગ્રેસના કાંધિયા કે
ભાજપના ઉત્પાતિયા થકી જ્ઞાતિપ્રથાને જીવતી રાખવાના પ્રયાસ
·
વસ્તીગણતરીમાં જ્ઞાતિ નોંધવાનું પુનઃ શરૂ
કરાતાં સમાજોને વિભાજિત કરાઈ રહ્યાનું લાગે છે
·
બિહારચૂંટણી હાર્યા પછી હાર્યો જુગારી બમણું
રમે એમ અનામતપ્રથાને કાયમી બનાવવાની કોશિશ
ભારતીય જ્ઞાતિપ્રથાને સમાપ્ત કરવાના આદર્શથી
વિપરીત જ્ઞાતિપ્રથા દ્રઢ થતી ચાલી છે. ભારતમાંથી અંગ્રેજ શાસકોએ ઉચાળા ભર્યા અને
સ્વતંત્ર ભારત સાચા અર્થમાં પ્રજાસત્તાક બન્યું, ત્યારે
અપેક્ષિત એ હતું કે હિંદુ ધર્મની ઘૃણાસ્પદ કહી શકાય એવી અસ્પૃશ્યતાની પરંપરાના
કલંકને ભૂંસવા માટે અમુક સીમિત સમયગાળા માટે સરકારી નોકરીઓ અને ધારાગૃહોમાં
તત્કાલીન અસ્પૃશ્ય વર્ગો અને આદિવાસીઓ માટે અનામતપ્રથાનો અમલ થાય. અપેક્ષિત એ પણ
હતું કે એકાદ દાયકામાં દલિતો અને આદિવાસી પ્રજાને સમાજના તથાકથિત સવર્ણ વર્ગ
સમકક્ષ લાવીને સમરસ કરાશે. સ્વપ્નનું આ ભારત હજુ શક્ય બન્યું નથી. હા, અનામત પ્રથાનું સ્થાન કાયમી બન્યું છે એટલું
જ નહીં, ૧૯૮૧માં જે આરએસએસની
પ્રતિનિધિ સભા ઠરાવ પસાર કરીને અનામત પ્રથાની કાખઘોડીને કાયમ માટે જાળવી શકાય નહીં, એવું જાહેર કરતી હતી, એના વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શાસને
તો આ અનામત પ્રથાને યાવત્ચંદ્રદિવાકરૌ જાહેર કરીને વૉટનું રાજકારણ ખેલવાનું
કબૂલ્યું છે. અગાઉ અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે જનતા પાર્ટી સરકાર (જેમાં
સંઘ-જનસંઘ-ભાજપવાળા પણ સામેલ હતા)ના વડા પ્રધાન મોરારજી દેસાઈએ પોતાના પક્ષના નેતા
બી.પી. મંડળની અધ્યક્ષતામાં પંચ નિયુક્ત કર્યું હતું. એનો અહેવાલ આવ્યો ત્યાં લગી
તો કેન્દ્રમાં કૉંગ્રેસનાં ઈંદિરા ગાંધીની સરકાર પાછી ફરી હતી. આ મંડળ પંચની
ભલામણો સમાજને વધુ વિભાજિત કરશે,
એવું
યોગ્ય રીતે સમજીને આ અહેવાલને તેમણે અભેરાઈએ ચડાવ્યો હતો. એની ધૂળ ખંખેરીને એકાદ
દાયકા પછી જનતા દળના વડા પ્રધાન વિશ્વનાથ પ્રતાપસિંહે ભાજપ અને દેવીલાલને રાજકીય
કુસ્તીમાં પરાસ્ત કરવા માટે ઓબીસી અનામત અમલમાં આણવાનું પસંદ કર્યું હતું.
ભાજપના મિત્રો જ મંડળ પંચ અને ઓબીસી અનામતની
વિરુદ્ધમાં જંગે ચડ્યા હતા, પણ આજે એના સૌથી મોટા
સમર્થક છે. એટલું જ નહીં, નેવુંના દાયકામાં મંડળ કે
ઓબીસી અનામત સામે આંદોલન કરનાર ભાજપવાળા ક્યારેક પોતાના મુખ્યપ્રધાનો કે નાયબ
મુખ્યપ્રધાનમાં એકમાત્ર ડૉ. રમણ સિંહ સિવાયના નરેન્દ્ર મોદી, શિવરાજ સિંહ ચૌહાણ, વસુંધરા રાજે સિંધિયા (લગ્નસંબંધે ઓબીસી), કલ્યાણ સિંહ, સુશીલ
મોદી સહિતના ઓબીસીના હોવાનો હરખ કરવા માંડ્યા હતા. વડા પ્રધાનપદે ઓબીસી વ્યક્તિ
આવ્યા પછી રાષ્ટ્રપતિપદના ઉમેદવાર રામનાથ કોવિંદ દલિત હોવાનો હરખ પણ એમના નામની
જાહેરાત કરતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કર્યો હતો. સામે પક્ષે કૉંગ્રેસ
સહિતના વિપક્ષોએ પણ ‘દલિત કી બેટી’ એટલે બાબુ જગજીવનરામનાં દીકરી મીરાંકુમારને
ઉમેદવાર બનાવવાનો ગર્વ લીધો. બંને ઉમેદવારોની આગવી ક્ષમતાને બદલે જ્ઞાતિ જ મહત્ત્વ
ધારણ કરે છે. કમનસીબી તો જુઓ કે કોવિંદ પોતાની રીતે ધારાશાસ્ત્રી છે, રાજ્ય સભાના સભ્ય રહ્યા છે, રાજ્યપાલ તરીકે સારી કારકિર્દી ધરાવતા રહ્યા
છે, પણ ઉત્તર પ્રદેશમાં એ દલિત
અને ગુજરાતમાં એ ઓબીસી (કોળી) હોવાને કારણે મતનાં રાજકારણના દૂરગામી આટાપાટા
સ્પષ્ટ જોવા મળે છે. છેક નહેરુ સરકારથી પ્રધાન રહેલા અને મોરારજી સરકારમાં, જૂના જનસંઘી-ભાજપીઓ સાથેની જનતા પાર્ટીની
સરકાર વખતે, નાયબ વડા પ્રધાન રહેલા
જગ્ગુબાબુની દીકરી તરીકે મીરાંકુમારે નામ વટાવ્યું નથી. એ વિદેશ સેવાનાં સફળ
અધિકારી અને વિવિધ દેશોમાં રાજદૂત રહ્યાં છે. લોકસભાનાં અધ્યક્ષ તરીકે મિતભાષી અને
હોદ્દાને શોભાવનાર રહ્યાં છે. જોકે એ ભણેલાંગણેલાં ધારાશાસ્ત્રી અને અનુભવી હોવા
છતાં ભારત જેવા મહાન દેશના સર્વોચ્ચ હોદ્દા માટેનાં ઉમેદવાર તરીકે એમની ઓળખ માત્ર
દલિત તરીકેની અપાય ત્યારે વ્યથિત થવાય છે.
સમાજમાં નાતજાત, ધર્મ-પંથના ભેદભાવ વિના સર્વસમાવેશક સમાજ
નિર્માણ કરીને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સૌના વિકાસ માટેના જાગૃત પ્રયાસો હાથ
ધરવાનો લોકશાહી અને પ્રજાસત્તાક રાષ્ટ્ર ભારતનો આદર્શ છે. આચરણ એનાથી વિપરીત થયું.
ચૂંટણીના રાજકારણમાં વૉટબૅંક અંકે કરવા કૉંગ્રેસે દાયકાઓ સુધી કોમવાદી-જ્ઞાતિવાદી-ભાગલાવાદી
રાજકારણ ખેલ્યું અને હવે ભાજપ થકી એ જ કોમવાદી-જ્ઞાતિવાદી-ભાગલાવાદી રાજકારણ
ખેલવાનું પસંદ કરાયું છે. એના પર ગીલેટ વિકાસનાં સ્વપ્નાં દેખાડવાનો કે ગરીબી
હટાવવાનો ચઢાવાય છે. હકીકતમાં પછાતોને સમાજની મુખ્યધારામાં લાવવાના આદર્શને
મૂર્તિમંત કરવાને બદલે કૉંગ્રેસના કાંધિયા કે ભાજપના ઉત્પાતિયા થકી જ્ઞાતિપ્રથાને જીવતી
રાખવાના સતત પ્રયાસ કરાયા છે. રાજકીય પક્ષોનાં જ્ઞાતિ સંગઠનો, લઘુમતી મોરચા કે દલિત મોરચા હજુ અકબંધ છે.
વસ્તી ગણતરીમાં પણ છેલ્લે ૧૯૩૧માં બ્રિટિશ
શાસન દરમિયાન જ્ઞાતિ કે કાસ્ટનો ઉલ્લેખ કરીને વસ્તીગણતરી કરાઈ હતી. એ પછીની ૧૯૪૧ની
વસ્તીગણતરીમાં જ્ઞાતિનું ખાનું કાઢી નાંખવામાં આવ્યું હતું, પણ વર્ષ ૨૦૧૧ની છેલ્લી વસ્તી ગણતરીમાં
જ્ઞાતિનું ખાનું ફરી પાછું ઉમેરાયું. આમ પણ અનામત પ્રથાએ દલિતો, આદિવાસી, ઓબીસી કે સવર્ણો વચ્ચેના ભેદભાવને
જીવતા રાખ્યા છે. એમાં પાછું વસ્તીગણતરીમાં કાસ્ટ કે જ્ઞાતિ નોંધવાનું પુનઃ શરૂ
કરાતાં સમાજોને મુખ્ય ધારામાં લાવવાને બદલે વિભાજિત કરાઈ રહ્યા હોય એવું વધુ લાગે
છે. ઓછામાં પૂરું આ જ્ઞાતિ આધારિત વસ્તીના પ્રમાણ મુજબ અનામત પ્રથાની ટકાવારી કરવા
માટેના નવા સંઘર્ષનું ઉમેરણ પણ સમાજમાં થયું છે. વળી જે ધર્મો પોતાને ત્યાં
જ્ઞાતિપ્રથા નહીં હોવાનો દાવો કરાતાહતા ત્યાં એ અનામત પ્રથાના કારણે ફરી જીવતી થઈ છે. કથિત સવર્ણોમાંથી ધર્મપરિવર્તન
કરીને મુસ્લિમ થનારા કે ખ્રિસ્તી થનારાઓ દલિત કે આદિવાસીમાંથી મુસ્લિમ કે ખ્રિસ્તી
થનારાઓની સાથે લગ્નસંબંધો બાંધવામાં આજે પણ સંકોચ અનુભવે છે. ભારતીય બંધારણ
આદિવાસી પ્રજામાં ધર્મપરિવર્તન કરાય તો પણ એના અનામત પ્રથાના અધિકાર ચાલુ રાખે છે, એ પણ સમાજમાં નવો વિદ્વેષ ઊભો કરનાર પરિબળ
છે.
ભારતની સર્વોચ્ચ અદાલતના ઈન્દ્રા સાહની
કેસમાંના ૧૯૯૩ના ચુકાદા અનુસાર, સરકારી નોકરીઓ કે શિક્ષણમાં પ્રવેશ માટે અનામત
પ્રથાની કુલ ટકાવારી ૫૦ ટકાથી વધુ ના હોવી જોઈએ. જોકે, આ ચુકાદાની સામે તમિળનાડુનાં એ વેળાનાં
મુખ્યપ્રધાન જયલલિતા સર્વપક્ષી પ્રતિનિધિમંડળ લઈને દિલ્હી ગયાં અને પી. વી. નરસિંહ
રાવની કૉંગ્રેસ સરકારમાંના સમાજકલ્યાણ પ્રધાન સીતારામ કેસરીએ સંસદમાં બંધારણીય
સુધારો રજૂ કરીને તમિળનાડુમાં ૬૯ ટકાની અનામતને બહાલ રખાવી હતી. આજકાલ વિવિધ
રાજ્યોમાં તથાકથિત સવર્ણો પર અનામત પ્રથાનો લાભ ખાટવા માટે આંદોલનો-રેલીઓ કરી
રહ્યા છે, તો કેટલાંક અનામત જૂથો અનામતની અન્ય શ્રેણીમાં સમાવેશ કરાવવા માટે જંગે
ચડી રહ્યાં છે. જે અનામત પ્રથા આઝાદીનાં થોડાંક જ વર્ષોમાં, આદર્શ સમાજવ્યવસ્થા
સ્થપાતાં, નાબૂદ થવાની હતી, એ દર દસ વર્ષે સંસદમાં વધુ દસ વર્ષ માટે જીવતદાન
મેળવવાના વિધેયકને મંજૂર કરાતાં કાયમી બનવાની સ્થિતિમાં છે. બિહાર વિધાનસભાની
છેલ્લી ચૂંટણીમાં સંઘ પરિવારના અનામતવિરોધી મનાતા નિવેદને ભાજપને માટે હારવાના
સંજોગો સર્જ્યા, ત્યાર પછી તો સંઘ-ભાજપના
નેતાઓ અને મિત્રપક્ષોના અગ્રણી છાસવારે વર્તમાન અનામત વ્યવસ્થાને કોઈપણ સંજોગોમાં
ચાલુ રાખવાની ખાતરી આપવા ઉપરાંત તથાકથિત સવર્ણોમાંના આર્થિક રીતે પછાત વર્ગના
લોકોને માટે વધુ ૨૫ ટકા અનામતનો લાભ આપવાની ઘોષણાઓ કર્યા કરે છે.
વડા પ્રધાન મોદીના સમાજકલ્યાણ રાજ્યપ્રધાન
રામદાસ આઠવલે તો છાસવારે જાહેરાતો કરે છે કે સવર્ણોમાંના આર્થિક રીતે નબળા લોકો
માટે ૨૫ ટકા અનામત દાખલ કરાશે. એ માટે બંધારણ સુધારો કરાશે. અગાઉ બહુજન સમાજ
પાર્ટીનાં સુપ્રીમો માયાવતી ઉત્તર પ્રદેશનાં મુખ્યપ્રધાન હતાં ત્યારે તેમણે પણ
સવર્ણો માટે અનામતની તરફેણ કરી હતી. આટલું ઓછું હોય તેમ અનામત પ્રથાનો લાભ ગરીબ
લોકોને મળવાને બદલે વર્ષે ૧૫ લાખ રૂપિયાની આવક ધરાવતા ઓબીસી શ્રેણીના લોકોને પણ
મળે એવી વ્યવસ્થા છે. અન્ય કેટલાક વર્ગોમાં તો આવકની મર્યાદા જ કાઢી નાખવામાં આવી
છે. હમણાં હમણાં યુ.કે.માં પણ જ્ઞાતિપ્રથાને પુનર્જીવિત કરવાના પ્રયાસો થઈ રહ્યા
છે, એ સામે ત્યાંના ‘ગુજરાત સમાચાર’ના
અધિપતિ સી. બી. પટેલે યોગ્ય જ લાલબત્તી ધરી છે. ભારતમાં જ્ઞાતિપ્રથાને સમાપ્ત
કરવાનો આદર્શ સાકાર થયો નથી અને જ્ઞાતિ-જ્ઞાતિ, ધર્મ-ધર્મ, પ્રદેશ-પ્રદેશ વચ્ચેના વિખવાદ નવા સ્વરૂપે
ભડકી રહ્યા છે. ત્યારે નીતિ નિર્ધારકો અને રાજનેતાઓ થકી ગહન ચિંતન કરીને કાયમી
ઈલાજ કરવાની જરૂર છે.
No comments:
Post a Comment