જમ્મૂ-કાશ્મીરમાં ગળચટ્યાં ઉંબાડિયાંનું
રાજકારણ
અતીતથી આજ :
ડૉ.હરિ દેસાઈ
·
સત્તામાં રહેવા ભાજપવાળા મૂક્પ્રેક્ષક બની મેહબૂબાની રાષ્ટ્રદ્રોહીની ગાળ સાંભળે છે
·
વિસ્થાપિત પંડિતોના પુનર્વાસને સર્વપક્ષી આવકાર પણ અલગ કોલોનીનો વિરોધ
·
નાયક કોણ ? શેખ અબદુલ્લા કે મહારાજા હરિસિંહ એ મુદ્દે રાજકીય પક્ષોમાં ટકરાવ
·
સંઘ જમ્મૂ તથા કાશ્મીરનાં બે રાજ્ય તથા લડાખને
કેન્દ્ર શાસિત કરવાના સમર્થનમાં
જમ્મૂ-કાશ્મીરનું કોકડું ઉકેલવાનું નામ જ
નથી લેતું. બ્રિટિશ
સંસદથી લઈને ભારતના જમ્મૂ-કાશ્મીર
રાજ્યની વિધાનસભા અને વિધાનપરિષદ લગી એક યા બીજા મુદ્દે કાશ્મીરનો ઉકળતો ચરુ નિત
નવા વિવાદ-વિસ્ફોટ
સર્જતું રહે છે. ૨૭
ઓક્ટોબર ૧૯૪૭ના રોજ મહારાજા હરિસિંહના શાસનવાળા મુસ્લિમ-બહુમતી ધરાવતા દેશી રજવાડાના ભારત
સંઘ સાથેના વિલયને તત્કાલીન બ્રિટિશ ગવર્નર-જનરલ
લોર્ડ માઉન્ટબેટને માન્ય રાખ્યા પછી પણ છાસવારે જમ્મૂ-કાશ્મીર રાજ્યના ભારત સાથેના સંબંધો
અંગે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર અને ઇસ્લામિક દેશોના સંઘમાં પણ ઉત્પાત મચાવતું રહે
છે. ઘરઆંગણે
જમ્મૂ-કાશ્મીરના
કાશ્મીર ખીણ પ્રદેશમાં ઇસ્લામાબાદ અને મુઝફ્ફરાબાદના ઇશારે આતંકી ઉંબાડિયાં થતાં
રહે છે. મહિનાઓ
સુધી હિંસાગ્રસ્ત આ પ્રદેશમાં બંધ પાળવામાં આવે છે. ભારતીય
સંસદમાં જમ્મૂ-કાશ્મીરને
ભારતના અવિભાજ્ય અંગે તરીકે સ્વીકૃત ગણવામાં આવ્યા છતાં પાકિસ્તાને ગપચાવેલા જમ્મૂ-કાશ્મીર (પીઓજેકે) અને
ચીને ગપચાવેલા સિયાચીન પ્રદેશ ઉપરાંત પાકિસ્તાને ગેરકાયદેસર રીતે ચીનને સોંપેલા
અમુક પ્રદેશને ખાલી કરવામાં આવતો નથી.દિલ્હીમાં
દાયકાઓ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું અને એણે જમ્મૂ-કાશ્મીરમાં
શેખ અબદુલ્લા અને એમના પરિવારની નેશનલ કોન્ફરન્સ સાથે મળીને શ્રીનગર-જમ્મૂમાં રાજ કર્યું પરંતુ સ્થિતિ
થાળે પડી નહીં.
ભારતમાં બે
બંધારણ છે. એક
બંધારણ જમ્મૂ-કાશ્મીર રાજ્ય
સિવાયના તમામ રાજ્યોને લાગુ પડે છે અને બીજું બંધારણ કલમ ૩૭૦ હેઠળ જમ્મૂ-કાશ્મીર રાજ્ય માટેનું છે. એમ
તો સંયુક્ત રાજ્ય અમેરિકા (યુએસ)માં
એના ફેડરલ બંધારણ ઉપરાંત ૫૦ રાજ્યોના પ્રત્યેક અલગ બંધારણ મળીને કુલ ૫૧ બંધારણ છે. જોકે
જમ્મૂ-કાશ્મીરની
સ્થિતિ જુદી છે. એના
જમ્મૂ પ્રાંતમાં હિંદુ વસ્તીની બહુમતી છે. કાશ્મીર ખીણ
પ્રાંતમાં મુસ્લિમ બહુમતી છે અને લડાખ બૌદ્ધ બહુલ પ્રદેશ છે. જોકે
અત્યારે દિલ્હીમાં ભાજપના વડપણવાળી રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા (એનડીએ)ની નરેન્દ્ર મોદી સરકાર છે અને
જમ્મૂ-કાશ્મીરમાં
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી(પીડીપી) અને
ભાજપની સંયુક્ત સરકાર છે. અગાઉ
જૂના કોંગ્રેસી એવા મુફતી મહંમદ સઇદના નેતૃત્વવાળી પીડીપી-ભાજપ સરકારના મુખ્યમંત્રીપદે મુફતી
હતા અને નાયબ મુખ્યમંત્રીપદ ભાજપી ડૉ. નિર્મલ સિંહને અપાયું હતું. વિધાનસભામાં
મહત્ત્વનું ગણાતું અધ્યક્ષપદ ભાજપ પાસે છે. મુફતીના
મૃત્યુ પછી એમનાં દીકરી મેહબૂબા મુફતી મુખ્યમંત્રી છે અને ડૉ. નિર્મલ
સિંહ નાયબ મુખ્યમંત્રી છે. વિપક્ષના
નેતાપદે શેખ અબ્દુલ્લાના પૌત્ર અને વાજપેયીની એનડીએ સરકારમાં વિદેશ રાજ્યમંત્રી
રહેલા ઓમર અબદુલ્લા છે. ઓમર
અગાઉ મુખ્યમંત્રી પણ રહ્યા છે. એમના પિતા ડૉ. ફારુક
અબદુલ્લા પણ મુખ્યમંત્રી રહ્યા અને કેન્દ્રમાં પણ મંત્રી રહ્યા. હમણાં મુખ્ય મંત્રી મેહબૂબા
મુફ્તીએ તો એટલે સુધી કહી દીધું કે કલમ ૩૭૦ને રદ કરવાની વાત કરનારા રાષ્ટ્રદ્રોહી
છે.એનો અર્થ એ થયો કે રાષ્ટ્રવાદી ભાજપ સાથે રાજ્ય સરકાર ચલાવીને સંઘ-ભાજપવાળાઓને
રાષ્ટ્રદ્રોહી ગણાવવાની એમની હિંમત છે. સત્તામાં રહેવા માટે ભાજપવાળા મૂક્પ્રેક્ષક બનીને મેહબૂબાની
રાષ્ટ્રદ્રોહીની ગાળ સાંભળી રહ્યા છે. એમને એ ગોઠી ગયું છે કારણ પંજાબમાં પણ
ભિંડરાનવાલેને સંત કે શહીદ ગણાવવાના મિત્ર પક્ષ અકાલીદળના વલણ છતાં દસ વરસ એમની
સાથે રાજ કરવામાં કોઈ છોછ અનુભવાયો નહીં !
જમ્મૂ-કાશ્મીરના લોકપ્રિય નેતા રહેલ શેખ
અબદુલ્લાએ ભારત સાથે આ દેશી રજવાડાને જોડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. જોકે
નેહરુ ખાનદાન સાથેના એમના પરિવારના સંબંધોમાં લવ-હેઇટ
રિલેશનશિપના પલટા આવતા રહ્યા એ મુજબ જમ્મૂ-કાશ્મીરનું
રાજકારણ હેરફટાકા મારતું રહ્યું. ક્યારેક
ભારતથી અલગ થવાની વેતરણમાં જોવા મળતા અબદુલ્લાને મિત્ર-વડા પ્રધાન નેહરુએ જ વર્ષો સુધી
જેલવાસ અને નજરબંધીનો અનુભવ કરાવ્યો હતો. એકંદરે જમ્મૂ-કાશ્મીરનું સત્તાકારણ અબદુલ્લા
પરિવાર અને મુફતી પરિવાર તેમ જ મીરવાઇઝ પરિવારની આસપાસ ફરતું રહ્યું છે. ૧૯૮૯ના
ગાળામાં જમ્મૂ-કાશ્મીરમાં
જેહાદી આતંકવાદ માથું ઊંચકીને નિર્મમ હત્યાઓ આચરવાનું નિમિત્ત બન્યો ત્યાર પછી
કાશ્મીર ખીણ પ્રદેશમાંથી હિંદુ કાશ્મીરી
પંડિતોએ મોટા પાયે પલાયન કરીને જમ્મૂથી લઈને દિલ્હી તેમ જ ભારતનાં અન્ય રાજ્યોમાં
નિર્વાસિત અવસ્થામાં ભટકવું પડ્યું છે. જોકે જાણકારો
કહે છે કે આ તબક્કામાં કાશ્મીરી પંડિતોનું કાશ્મીર છોડી જવું એ છઠ્ઠીવારનો
ઘટનાક્રમ હતો. અગાઉના
મુસ્લિમ શાસકોના સમયમાં પણ કાશ્મીરી પંડિતોનાં વ્યાપક પલાયન થયાં અને એ પછીના
મુસ્લિમ શાસકોએ જ તેમને પાછા આણીને વસાવ્યા હતા.
શેખ અબદુલ્લા
અને મહારાજા હરિસિંહ વચ્ચે બારમો ચંદ્રમા હતો એટલે મહારાજાને કાશ્મીર છોડી જવા ફરજ
પાડવા જનઆંદોલન આદરનાર શેખને મહારાજાએ લાંબો સમય જેલમાં પૂરી રાખ્યા હતા. ૧૯૪૭ના
ગાળામાં નેહરુ-સરદારની
મધ્યસ્થીથી મહારાજાને જમ્મૂ-કાશ્મીરમાંથી
દેશવટો અપાયો, એમના
પાટવીકુંવર ડૉ. કર્ણ
સિંહ મહારાજાના પ્રતિનિધિ તરીકે સદર-એ-રિયાસત (રાજ્યપાલ કે રાજપ્રમુખ) બન્યા
અને શેખ અબદુલ્લા પ્રીમિયર એટલે કે મુખ્યમંત્રી બન્યા હતા. મહારાજા
હરિસિંહે મુંબઈ અને પૂણેમાં વસવાટ કર્યો અને ૧૯૬૧માં એમનું નિધન થયું હતું. અબદુલ્લાના
સમર્થકો એમને ‘હત્યારા’ અને
‘કોમવાદી’ ગણાવે
છે.
મહારાજા હરિ
સિંહના પાટવીકુંવર ડૉ. કર્ણ સિંહ નેહરુનિષ્ઠ રહ્યા. હિંદુ
ધર્મના પ્રખર વિદ્વાન એવા ડૉ. સિંહના સંબંધ વિશ્વ હિંદુ પરિષદ સાથે પણ રહ્યા. કેન્દ્રમાં
ઇન્દિરા ગાંધીની સરકાર જ નહીં, એ પછીની બિન-કોંગ્રેસી સરકારમાં પણ એ કેન્દ્રીય
મંત્રી રહ્યા. અમેરિકામાં
ભારતીય રાજદૂત પણ રહ્યા. એમના
બે રાજકુમાર ‘મિયાં’ (સરદાર) વિક્રમાદિત્ય
સિંહ અને ‘મિયાં’ અજાતશત્રુ
સિંહ અત્યારે સત્તારૂઢ મોરચાના ધારાસભ્યો છે, પરંતુ અલગ
અલગ પક્ષમાં છે.વિક્રમાદિત્ય
પીડીપીના વિધાનપરિષદ સભ્ય છે, જ્યારે
અજાતશત્રુ ભાજપના વિધાનપરિષદ સભ્ય છે. નવાઈ એ વાતની
છે કે એમના પિતા ડૉ. કર્ણ સિંહ આજે પણ કોંગ્રેસના
રાજ્યસભાના સભ્ય છે. અગાઉ
અજાતશત્રુ શેખ અબદુલ્લાના પુત્ર ડૉ. ફારુક અબદુલ્લાની નેશનલ કોન્ફરન્સની
સરકારમાં મંત્રી હતા. બે
વર્ષ પહેલાં જ એ ભાજપમાં જોડાયા છે.
હમણાં
અજાતશત્રુએ વિધાનપરિષદમાં ઠરાવ રજૂ કર્યો કે મહારાજા હરિ સિંહના જન્મ દિવસ ૨૩
સપ્ટેમ્બરે રાજ્ય સરકારે રાજ્યમાં જાહેર રજા આપવી જોઈએ. એમના
ભાઈ વિક્રમાદિત્યે એને ટેકો આપ્યો. દસેક મિનિટ
સુધી ગૃહમાં ધાંધલ ધમાલ પછી વિપક્ષ નેશનલ કોન્ફરન્સના સભ્યો સભાત્યાગ કરી ગયા. ઠરાવ
મૌખિક મતદાનથી મંજૂર તો થયો, પણ સત્તારૂઢ
પીડીપી તરફથી જ જાહેરાત કરાઈ કે સરકાર મહારાજાના જન્મદિવસે જાહેર રજા આપવાનો
ઠરાવનો અમલ નહીં કરે. સામે
પક્ષે નાયબ મુખ્યમંત્રી અને ભાજપી નેતા ડૉ. નિર્મલ
સિંહે એને પ્રધાનમંડળની બેઠકમાં મંજૂર કરવાની ભૂમિકા રજૂ કરી. મામલો
આ મુદ્દે વણસ્યો છે. પ્રશ્ન
ઊઠાવાયો છે કે જમ્મૂ-કાશ્મીરમાં
નાયક કોણ? શેખ
અબદુલ્લા કે મહારાજ હરિ સિંહ? રાજ્યની
મુસ્લિમ વસ્તીમાં મહારાજાને ‘હત્યારા’ અને ‘ખલનાયક’ ગણાવાય છે. મહારાજા
કોમવાદી નહોતા અને ૧૯૨૫માં ગાદીએ આવ્યા ત્યારે ન્યાયને જ પોતાનો ધર્મ લેખાવ્યો હતો,
એવો ખુલાસો કરતાં સ્વયં ડૉ. કર્ણ સિંહે ઉમેર્યું કે મહારાજાના
ઘણા અંગત મિત્રો મુસ્લિમ હતા. આવા
વિવાદોમાં મુખ્યમંત્રી મહેબૂબા મુફતી ‘સબ કે બડી ચૂપ’ની ભૂમિકા
અપનાવવાનું પસંદ કરે છે. એમને નેશનલ કોન્ફરન્સ ભીંસમાં લેવાની એક પણ તક છોડતી નથી. જોકે
એમને માથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સુરક્ષાકવચ છે એટલે વિપક્ષના આક્ષેપોની એ
પરવા કરતાં નથી.
આ જ ગાળામાં
રાજ્યના કુલ ૭ લાખ જેટલા કાશ્મીરી પંડિતોમાંથી કાશ્મીર ખીણ પ્રદેશ છોડી ગયેલા
ત્રણેક લાખ કાશ્મીરી પંડિતોને ફરી અહીં વસાવવા માટે રાજ્યની સરકારે ૧૦૦ એકર જમીનની
ફાળવણીની કરેલી જાહેરાત પણ વિવાદનો વિષય બની છે. કાશ્મીરી
પંડિતોના પુનર્વાસ અંગે વિધાનસભા અને વિધાનપરિષદમાં સર્વાનુમતે ઠરાવ કરાયા પછી પણ
પ્રશ્ન એ ઊઠાવાયો છે કે કાશ્મીરી પંડિતોને અલગ જમીન પર વસાવવાના બદલે એમના મૂળ
સ્થાને વસાવાય. જોકે
કાશ્મીરી પંડિતોને પાછા બોલાવીને એમના રાજ્યમાં વસાવવાની વાતો કોંગ્રેસી શાસનમાં
પણ સતત થતી રહી હોવા છતાં કાશ્મીર પંડિતો પાછા ફરવામાં સલામતી અનુભવતા નથી. ૧૫
જુલાઈ ૨૦૧૪ના રોજ એટલે કે મોદી શાસનમાં જ ભારત સરકાર તરફથી ‘કાશ્મીરી
પંડિતોના પુનર્વસન’ અંગે
બહાર પડાયેલી પીઆઇબીની યાદીમાં જણાવાયું છે કે ૧૯૯૦ના ગાળામાં મિલિટન્સી (આતંકવાદ)ને કારણે કાશ્મીરના ખીણ પ્રદેશમાંથી
કુલ ૫૭ હજાર પરિવાર જમ્મૂ, દિલ્હી
તથા દેશના અલગ પ્રદેશોમાં જઈ વસવા વિવશ બન્યા હતા.તેમાં
કાશ્મીરી પંડિતો સાથે જ શીખ અને મુસ્લિમ પરિવારનો પણ સમાવેશ હતો. તેમના
પુનર્વાસ માટે ૨૦૦૪ અને ૨૦૦૮માં (એટલે કે કેન્દ્રમાં કોંગ્રેસના શાસન
દરમિયાન) ખાસ
પેકેજ જાહેર કરાયાં હતાં. ૨૦૦૮માં
તો ૧૬૧૮.૪૦ કરોડ
રૂપિયાનું પેકેજ જાહેર કરાયું હતું.૧૦
જુલાઈ ૨૦૧૪ના રોજ એટલે કે મોદી સરકારે ૫૦૦ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું.આમ છતાં કાશ્મીરી પંડિતો પોતાના વતન
રાજ્યમાં પાછા ફરવામાં હજુ સંકોચ કરી રહ્યા છે.એમનાં
સંગઠનો એમના માટે અલગ રાજ્યની માગણી કરે છે. વિશ્વ હિન્દુ
પરિષદ એને ટેકો આપે છે. રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘ એટલે કે ભાજપની માતૃસંસ્થા જમ્મૂ-કાશ્મીરને
જમ્મૂ તથા કાશ્મીર અલગ રાજ્ય ઉપરાંત લડાખ કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજિત કરવાના
સમર્થનમાં પ્રતિનિધિસભામાં ઠરાવ કરે છે. જોકે આ
મુદ્દો પણ વિવાદ સર્જે છે.
ઈ-મેઈલ :
haridesai@gmail.com
No comments:
Post a Comment