ત્રણ દાયકામાં બાંગલાદેશમાંથી
હિંદુનિર્મૂલન
અતીતથી આજ : ડૉ. હરિ દેસાઈ
·
એક કરોડથી ય વધુ હિંદુઓની હિજરત
પછી પણ સરકારી આંકડામાં હિંદુ વસ્તીવૃદ્ધિ !
·
અલ્ફા અને તમિળ ટાઈગર્સના પાક-પરસ્ત અડ્ડાવાળું બાંગલાદેશ ભારતદ્રોહી રહ્યું છે
·
સુભાષ બોઝના ભાઈ સરત અને સુહરાવર્દી અલગ બંગાળદેશની લડત ચલાવતા હતા
·
શ્યામાબાબુએ બંગાળનું વિભાજન કરાવ્યું અને સરદાર પટેલના દિલમાં વસી ગયા
હતા
ભારતમાંથી કોઈ રાજકીય પક્ષ કે હિંદુવાદી
સંગઠન કાગારોળ મચાવે કે બાંગલાદેશમાં હિંદુઓને નામશેષ કરી દેવાશે, તો એને એટલી ગંભીરતાથી ના લેવાય.કાયમ
પોતાના દેશને ભાંડીને ભારતમાં આશ્રય મેળવવા વહાલાં થતાં લેખિકા તસલીમા નસરીન પણ
અનુકૂળ વાજું વગાડે છે.જોકે છેલ્લાં ત્રીસ વર્ષ દરમિયાન સતત હિંદુઓ વિશે અભ્યાસ
કરતા રહેલા બાંગલાદેશના પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી ડૉ. અબુલ બરકત પોતાના દેશની
યુનિવર્સિટીઓ અને પરિસંવાદોમાં ખુલ્લેઆમ આંકડા આગળ કરીને કહે કે આવતાં ત્રીસ
વર્ષમાં એમના દેશમાં કોઈ હિંદુ નહીં બચ્યો હોય. એમની આ વાતને ગંભીરતાથી લેવી પડે. ‘ઢાકા ટ્રિબ્યુન’ દૈનિકમાં ૨૦ નવેમ્બર ૨૦૧૬ના રોજ આ સમાચાર
ઝળકે છે. એના થોડા દિવસ પહેલાં જ ઢાકા અને નવી દિલ્હીનાં સત્તાવર્તુળો બાંગલાદેશને
પ્રમાણપત્ર આપી રહ્યાં હતાં કે હવે આ ‘સાર્ક’
દેશ આતંકવાદીઓની
નિકાસ કરતો નથી. આ ટાણે સઘળું ધ્યાન પાકિસ્તાનની ખલનાયકી
ભણી છે. એવું નથી કે ડૉ. બરકતે ગઈકાલે આ વાત કરી હોય. એ વર્ષોથી બાંગલાદેશમાં હિંદુ સહિતની
લઘુમતીઓને કનડવામાં આવી રહ્યાની વાત દાખલા અને આંકડા સહિત કરતા રહ્યા છે. એમના અભ્યાસ કહે છે કે અત્યાર લગી એકાદ
કરોડ જેટલા હિંદુઓએ બાંગલાદેશમાંથી ભારત ભણી હિજરત કરવી પડી છે. એ પ્રવાહ બ્રિટિશ ઈન્ડિયાના વિભાજનથી
બનેલા પૂર્વ પાકિસ્તાન અને એ પછી ૧૯૭૧ના યુદ્ધને અંતે સર્જાયેલા બાંગલાદેશ તેમજ
એના લોકપ્રિય નેતા બંગબંધુ મુજીબુર્ર રહેમાનના તાનાશાહ અવતાર અને સમગ્ર પરિવારની
હત્યા પછીના સિલસિલા દરમિયાન ચાલુ રહ્યો
છે. મુજીબનાં વડાં પ્રધાન દીકરી શેખ હસીના
હિંદુ સહિતની લઘુમતીઓ ભણી નરમાશ ધરાવે છે, પણ મુસ્લિમ કટ્ટરવાદી પરિબળો તેમજ લશ્કરી રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાનની
હત્યા પછી તેમનાં વિધવા બેગમ ખાલેદા ઝિયાના વડા પ્રધાનપદ દરમિયાન હિંદુઓ પર જુલ્મો
વધ્યા હતા.
શેખ હસીના અને ખાલેદા ઝિયાના વડા પ્રધાનપદ
દરમિયાન બાંગલાદેશમાં કટ્ટરવાદનો વિકાસ થતો રહ્યો એટલું જ નહીં, બંને વિધવા વારાફરતાં વડા પ્રધાનોએ બન્યા પછી એકમેક સામેના વેરની વસુલાત કરવાની
આગવી શૈલી પણ વિક્સાવી હતી. છેલ્લી ચૂંટણીનો ખાલેદાની
બાંગલાદેશ નેશનલ પાર્ટીએ બહિષ્કાર કર્યો એટલે શેખ હસીનાની બાંગલાદેશ અવામી પાર્ટી
સરળતાથી સત્તામાં પાછી ફરી. ભારતના અલ્ફા આતંકવાદીઓનું આશ્રયસ્થાન
બનેલા દેશમાં પાકિસ્તાની આઈએસઆઈના ટેકે ભારતવિરોધી આતંકવાદી પ્રવૃત્તિને સમર્થન અપાઈ રહ્યું છે. ઇશાન ભારતનાં સાત
રાજ્યોમાં ભાગલાવાદી ચળવળને પ્રોત્સાહિત કરાય છે. ક્યારેક શ્રીલંકાના તમિળ ટાઈગર્સ જેવા વિશ્વના સૌથી
ખતરનાક ગણાતા ત્રાસવાદી સંગઠન માટે પુરોહિતનું કામ કરનારાઓને બાંગલાદેશમાં મોકળું
મેદાન મળતું રહ્યું છે. ઈસ્લામી કટ્ટરવાદ વકરવાનાં દુષ્પરિણામ પણ
બાંગલા પ્રજાએ ભોગવવાં પડ્યાં છે. ‘આમારા સોનાર બાંગલા’ જેવા રવીન્દ્રનાથ ઠાકુરરચિત બાંગલાદેશના
રાષ્ટ્રગીતમાં સોનાના બાંગલાદેશની કલ્પના કરાઈ છે, પણ આતંકવાદે ત્યાં લોહીની નદીઓ વહાવી છે. ૧૯૪૭માં બંગાળનું વિભાજન થયું. પૂર્વ બંગાળમાંથી પૂર્વ પાકિસ્તાન બન્યું અને પશ્ચિમ બંગાળ ભારતનું રાજ્ય
બન્યું. એ વેળા પૂર્વ પાકિસ્તાનમાં હિંદુઓની વસ્તી
૩૧ ટકા જેટલી હતી. એ પછીનાં વર્ષોમાં હિંદુઓની હિજરતને
પરિણામે અથવા તો તેમને જબરજસ્તીથી મુસ્લિમ બનાવાતાં સતત હિંદુ વસ્તી ઘટતી રહી. ૧૯૬૧માં એ ૧૯ ટકા રહી અને ૧૯૭૪માં એનું
પ્રમાણ માત્ર ૧૪ ટકા રહ્યું. આજે ૧૦.૭ ટકા વસ્તી હિંદુ છે. આજે બાંગલાદેશમાં દસ કરતાં ય વધુ
સંસદસભ્યો ઉપરાંત કેન્દ્ર સરકારમાં પ્રધાનો પણ હિંદુ હોવા છતાં તેઓ મહદ્અંશે
હિંદુઓનાં હિતની જાળવણી બાબત મૂકપ્રેક્ષક છે.
ડૉ. બરકતે આપેલા આંકડા રૂવાડાં ખડાં કરી
દેનારા છે. તેમણે કહ્યું છે કે ૫૦ હજાર જેટલા
પૂર્ણકાલીન ઈસ્લામી કટ્ટરવાદી કાર્યકરો બાંગલાદેશમાં ઈસ્લામી રાજ્ય સ્થાપવા માટે
મેદાને પડેલા છે. તેમની રાજકીય વગ પણ ભારે છે. ‘અધિકાર’ નામના બાંગલાદેશ માનવ અધિકાર સંગઠનના આંકડાઓ મુજબ
વર્ષ ૨૦૧૧ દરમિયાન ૬૭૨ હિંદુ મહિલાઓ જાતીય સતામણી અને બળાત્કારોનો ભોગ બની હતી. તેમાંથી ૨૯ પીડિતાએ આત્મહત્યા કરી હતી. સેંકડો હિંદુ મહિલાઓ પર દર વર્ષે બળાત્કાર થાય છે.
બાંગલાદેશની પ્રતિષ્ઠિત જનતા બેંકના
ચેરમેન રહેલા ડૉ. બરકત ઢાકા યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના વડા પણ રહ્યા છે. અત્યારે એ બાંગલાદેશ ઈકોનોમિક એસોસિએશનના
ચૂંટાયેલા અધ્યક્ષ છે. તેમણે ૨૩ માર્ચ ૨૦૧૩ના દિલ્હીના સામાયિક ‘મેઈન સ્ટ્રીમ’માં બાંગલાદેશમાં કટ્ટરવાદના વધતા પ્રભાવ
અને લઘુમતીઓની કરુણ સ્થિતિ વિશેનું વિસ્તૃત આલેખન કર્યું હતું. તેમના કહેવા મુજબ હિંદુઓ પર અત્યાચારો
ગુજારાય છે. એટલું જ નહીં, હિંદુ મહિલાઓ અને કુંવારિકાઓ પણ સામૂહિક
બળાત્કારની ભોગ બની રહી છે. તેમણે જુલાઈ ૨૦૧૬ દરમિયાન રાજાશાહી
યુનિવર્સિટીમાં પરિસંવાદમાં ભાગ લેતાં “ છેલ્લા ૪૯ વર્ષમાં ૧ કરોડ ૧૦ લાખ કરતાં વધુ
બાંગલાદેશી હિંદુઓએ હિજરત” કરવી પડ્યાનું
જણાવીને સૌને ચોંકાવી દીધા હતા. પોતાના તાજા પુસ્તક ‘પોલિટિકલ ઈકોનોમી ઓફ રિફોર્મિંગ
એગ્રીકલ્ચર, લેન્ડ, વોટર બોડીઝ ઈન બાંગલાદેશ’માં તો તેમણે નોંધ્યું છે કે વર્ષ ૧૯૬૪થી ૨૦૧૩ દરમિયાન ૧.૧૩ કરોડ જેટલા હિંદુઓએ બાંગલાદેશમાં
ધાર્મિક કનડગત અને ભેદભાવ તેમજ હિંસાચારને કારણે દેશ છોડવો પડ્યો છે. રોજના ૬૩૨ હિંદુ દેશ છોડે છે એટલે કે
વર્ષે ૨,૩૦,૬૧૨ હિંદુ હિજરત કરી જાય છે. મુક્તિસંગ્રામ(૧૯૭૧) પહેલાં રોજના ૭૦૫ હિંદુઓએ હિજરત કરવી પડતી હતી. ૧૯૭૧-૧૯૮૧ દરમિયાનનો આ આંકડો ૫૧૨નો છે. ૧૯૮૧-૧૯૯૧ દરમિયાન તે ૪૩૮નો છે. ૧૯૯૧-૨૦૦૧ દરમિયાન તે વધીને રોજનો ૭૬૭ થયો અને ૨૦૦૧-૨૦૧૨ દરમિયાન રોજ ૭૭૪ હિંદુ બાંગલાદેશ
છોડવા મજબૂર થઈ રહ્યા છે. આ વાત હિંદુઓની છે. ખ્રિસ્તી અને બૌદ્ધોની સ્થિતિ પણ આવી જ
કરુણ છે.વિભાજન વખતે પૂર્વ પાકિસ્તાનની ૮૦ ટકા
સંપત્તિ અને ૯૫ ટકા શિક્ષણ સંસ્થાઓ પર હિંદુઓનો અધિકાર હતો.
વર્ષ ૧૯૦૫માં લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા
કરાવ્યા ત્યારે એ સામે વિશાળ જનઆંદોલન જાગતાં ૧૯૧૧માં એ ભાગલા રદ્દ કરવાની ફરજ પડી
હતી. જોકે ૧૯૪૭માં આઝાદી આવવાની હતી ત્યારે
મુસ્લિમ લીગના વડા મોહમ્મદ અલી ઝીણાના ઈશારે ‘ડાયરેક્ટ એક્શન’માં કોલકાતામાં
પાંચેક હજાર હિંદુઓની કત્લેઆમ ચલાવાઈ હતી. આ કત્લેઆમ માટે તત્કાલીન બંગાળ પ્રોવિન્સના પ્રીમિયર સુહરાવર્દી જવાબદાર
હતા. જોકે પશ્ચિમ બંગાળ ભાજપના પ્રમુખ રહેલા અત્યારે
ત્ત્રિપુરાના રાજ્યપાલ તથાગત રાયલિખિત ‘અપ્રતિમ નાયક ડૉ. શ્યામાપ્રસાદ મુકરજી’ ગ્રંથમાં આ કોલકાતા નરસંહારમાં પાંચથી પચીસ હજાર
હિંદુઓની કત્લેઆમ અને હજારો હિંદુ મહિલાઓની ઈજ્જત લૂંટાયાનું નોંધ્યું છે.તેમના મતે ૧૯૫૦ના જાન્યુઆરી-માર્ચમાં પણ ૫૦ હજાર હિંદુઓની કત્લેઆમ થઈ હતી. વાત તો એ હતી કે નેતાજી સુભાષચંદ્ર બોઝના
મોટાભાઈ સરતચંદ્ર બોઝ અને સુહરાવર્દી અલગ બંગાળ દેશ માટે ચળવળ ચલાવી રહ્યા હતા, પણ એ વેળા હિંદુ મહાસભાના નેતા ડૉ. શ્યામાપ્રસાદ
મુકરજીએ તેમની ચળવળમાં ફાચર મારીને બંગાળનું જ વિભાજન કરાવ્યું હતું. નેહરુની સરકારમાંથી ઉદ્યોગ પ્રધાન તરીકે
છૂટા થયા પછી ભારતીય જનસંઘની સ્થાપના કરનાર ડૉ.મુકરજીએ નેહરુને કહ્યું હતું કે તમે
ભારતનું વિભાજન સ્વીકાર્યું ત્યારે મેં બંગાળનું વિભાજન કરવા જનમત તૈયાર કર્યો. તેમના આ વલણે સરદાર પટેલને ડૉ. મુકરજી ભણી
વિશેષ અનુરાગ જાગ્યો હતો.
ઈતિહાસ અને વાસ્તવિક્તાઓમાં ઠેરઠેર આપણને
વિરોધાભાસનાં પણ દર્શન થતાં હોય છે. એકબાજુ બાંગલાદેશના શ્રદ્ધેય અર્થશાસ્ત્રી ડૉ. અબુલ બરકત ૩૦ વર્ષના
અભ્યાસને આધારે આવતા ત્રણ દાયકામાં બાંગલાદેશમાં કોઈ હિંદુ નહીં બચ્યો હોય એવું
કહે છે, ત્યારે બાંગલાદેશ સરકારના બ્યૂરો ઓફ
સ્ટેટેસ્ટિક્સે (બીબીએસ) સત્તાવાર રીતે પ્રકાશિત કરેલા અહેવાલમાં વર્ષ ૨૦૧૪ કરતાં વર્ષ ૨૦૧૫ને
અંતે હિંદુઓની વસ્તીમાં ૧ ટકાનો વધારો થયાનું જણાવાયું છે. વર્ષ ૨૦૧૪માં હિંદુવસ્તી ૧ કરોડ ૫૫ લાખ હતી, તે વધીને વર્ષ ૨૦૧૫ના અંતે ૧ કરોડ ૭૦ લાખ જેટલી થઈ છે. બાંગલાદેશની કુલ વસ્તી ૨૦૧૫ના અંતે ૧૫.૮૯ કરોડની ગણવામાં આવી છે.નવાઈ એ વાતની છે કે બાંગલાદેશ હિંદુ બુદ્ધિસ્ટ ક્રિશ્ચિયન યુનિટી
કાઉન્સિલની અધ્યક્ષીય પરિષદના સભ્ય કાજલ દેબનાથ આ ગણતરીને યાદચ્છિક નમૂના(રાન્ડમ સામ્પલિંગ)ને આધારે કરાયેલી ગણાવી એની વિશ્વસનીયતા
વિશે શંકા ઊઠાવી છે. ભારતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રતિષ્ઠાનનાં કાયાવરોહણ (વડોદરા) વિશ્વ સંઘ શિબિરના ૧૯૯૫ના અહેવાલમાં બાંગલાદેશમાં ૧ કરોડ હિંદુ વસ્તી
દર્શાવાઈ છે તો એકાએક વધી કઈ રીતે ગઈ? આ અહેવાલ અમને એ પછીની વિશ્વ સંઘ શિબિરમાં ઉત્તન-ભાયંદર ખાતે ઉપલબ્ધ
કરાવ્યો હતો. એમાં દુનિયાભરના દેશોમાં વસતા હિન્દુઓની વસ્તીના આંકડા અપાયા હતા
એટલે એની વિશ્વસનીયતા સવિશેષ જણાય છે.એ જ શિબિરમાં બાંગલાદેશમાંથી આવેલા પ્રતિનિધિ
પણ મળ્યા હતા .
ઈ-મેઈલ :haridesai@gmail.com
આવુ સત્ય ઉજાગર કરતા રહો એજ અભ્યર્થના.
ReplyDelete