Thursday 29 February 2024

Calling spade a spade

 

 Calling spade a spade

Hari Desai

While giving tribute to Late Prime Minister Shri Morarji Desai on his birthday i.e. 29th February as a product of Navnirman Movement while studying at St.Xavier’s College, Ahmedabad under the guidance of our beloved Head of Economics Department Prof. Bababhai S.Patel, who spent all 19 months in Jail during the Black Emergency (1975-’77) and having my close interactions with Late PM Shri Desai at Mumbai during years in journalism(1977-’95), I recollect the incidents of the past. Only on 28th February 2016, I could get some answers for my unresolved questions from our beloved leader of Navnirman Shri Manishi Jani.

Morarjibhai, who aspired to be the PM after failing twice earlier, was very keen even to join hands with the then much maligned leader of Gujarat late Shri Chimanbhai Patel to defeat Congress in Gujarat ! Shri Desai was instrumental in demolition of Chimanbhai’s govt after his ‘very late’ fast in support of the students’ agitation. As Shri Jani has written and answered while giving tribute to Umashankar Joshi, Morarji’s eagerness to have support of Chimanbhai’s KIMLOP. Darling of students and celebrated poet Shri Umashankar had written about Morarji’s aspiration to be PM. Before the 1975 Assembly election, only Umashankar and Manishi had guts to object having any arrangement with Chimanbhai but political craving of others prevailed. While forming Babubhai Jashbhai Patel’s Janata Morcha Ministry, the support of KIMLOP was sought but to oust that ministry in Gujarat, the defection of two Jansangh MLAs was responsible !

Even during Morarji’s last days, the late PM continued to speak ill even in public of LokNayak Jai Prakash Narayan(JP), the person who along with Acharya Kripalani, made him the ‘conditional’ PM. On one such occasion at Mumbai, I, as a media person, had to object to Morarji saying “Who was JP?”, and my comment at the Yuva Janata meeting at its office opp. Yogkshema Building, Nariman Point was: “ He was the person who made you the PM. You were to resign after two and half years and support Chaudhari Charan Singh as PM.” He requested us in the presence of the media persons to keep his arrogant comments ‘off the record’ but all of us objected to. The event was widely covered by most of Mumbai newspapers next day.

Late CM Chimanbhai Patel was admitted in Janata Dal with a green signal from Morarji and he used to come to Mumbai at Govt Guest House opp. Mantralaya, Mumbai after the late PM shifted after vacating Oceana flat, which was also in govt possession. His son Shri Kanti Desai owned flat at South Mumbai, but Morarji had preferred to move to Government of Maharashtra Guest House as we were told his son had sold out the flat at Malbar Hill. Late CM Patel, having coalition govt with BJP, was very close to late PM Morarji who accepted the General Zia’s Pakistan award ‘Nishan-e- Pakistan’. Though he was opposed to giving Padma awards and considered them against the Constitution of India while suspending giving such awards during his PMship, he accepted Bharat Ratna in 1991 !

When Morarji died in April 1995, Maharashtra CM Shri Manohar Joshi had come to Ahmedabad for his last rites and declared that the Government of Maharashtra would have Morarji Memorial at Mumbai. The Shiv Sena Boss Balasaheb Thackeray, who was imprisoned for 3 days by Moraraji during Samyukta Maharshtra agitation, while abusing Morarji in most filthy language in his mouth piece i.e. Saamana Marathi Daily, declared he would not allow any such memorial on the land of Maharashtra. When most of the Gujarati leaders and writers as well as the press kept mum, I , as an Editor of Samakaleen Daily of Indian Express Group at Mumbai, preferred to challenged Thackeray with the headline: “Mumbai Bal Thackeray ni Bapiki Jagir nathi”. Furious Shiv Sena Chief, provoked by some nasty Gujarati elements of Mumbai, preferred to write a full length editorial in Saamana Daily titled:“ Haramkhor Hari !” and threatened me of murdering( Hari Hari Karoon Taknar) and asking Indian Express Chairman Vivek Goenka to “sack this Editor or else they will set the Express Tower on fire”.

Of course, Shri Goenka stood by me and gave me full freedom even to continue to criticize the Shiv Sena Boss without fear. I salute Goenka for showing the guts at that time. My thanks are due to Shri Sharad Pawar, the then Leader of Opposition in Maharashtra Legislative Council, who wrote to my friend and the then Deputy CM as well as Home Minister in SS-BJP Government Late Shri Gopinath Munde to provide me necessary security. I refused to take security and wrote back to Shri Pawar thanking him for showing concern for my life. Needless to mention that I had a very good rapport with not only Balasaheb but with most of his family members. Even after this traumatic episode Shri Uddhav Thackeray (Balasaheb’s son who is now heading Shiv Sena) along with Shri Subhas Desai( the then General secretary of SS and presently the Industries Minister in Maharashtra) had come to meet me at Express Tower office, Nariman Point and expected me to forget it as bad omen.

I am feeling proud that Editors Guild of India stood by me, supported me and issued statement after studying my writings during that episode. But alas, except  an Inland letter supporting me from Late Shri Manubhai Pancholi “Darshak” and an article in my support in ‘Gujarat Mitra’, the Surat Daily, by Shri Prakash N. Shah, none cared to support me from Gujarat and Gujarati media. Rather they prefer to keep mum, may be because of the scare of Shiv Sena which was in power in Maharashtra. I always remember Rabindranath Tagore’s ‘Ekala Chalore ’ while performing my duty as a journalist following ‘Patrakar Dharma’.

Of course the episode fetched me the Government of Gujarat Award for Best Editorial Writing in 1998 without applying for the same. It was a moment of pride to receive the Award at the hands of former Deputy PM and Union Home Minister Shri LK Advani in the presence of the then CM Shri Keshubhai Patel and Cabinet Minister Smt. Anandiben Patel at SPIPA Auditorium, Ahmedabad.

My only message to the media persons and younger generation is: “ Speak out the truth in most dignified language. Follow the facts, avoid developing wasted interest and do not deviate from factual presentation.” As Mahatma Gandhi says: “Truth is God. Do not be scared of writing or speaking it out.” ( 28th February 2016.  From HD’s archives)

 

 

Hari Gets title "Haramkhor Hari" thanks to Morarji Desai



 

મોરારજી દેસાઈનો બચાવ કરવા જતાં

અમને હરામખોર હરિની પદવી મળી!

-     હરિ દેસાઈ ૨૯ ફેબ્રુઆરી,૨૦૨૪

 આજે દેશના ઉત્તમ વડાપ્રધાનોમાં શિરમોર એવા મોરારજી રણછોડજી દેસાઈનો જન્મદિવસ એટલે એમને ભાવભીની અંજલિ આપવામાં ગૌરવ અનુભવવાની સાથે જ થોડાંક સંસ્મરણ પણ તાજાં થાય છે. મોરારજીભાઈના પ્રતાપે તો અમને “હરામખોર હરિ!”નું બિરુદ મળ્યું હતું. એની પણ રસપ્રદ કહાણી છે.

અમે ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપમાં મુંબઈના “સમકાલીન” દૈનિકના તંત્રી ફેબ્રુઆરી ૧૯૯૫માં થયા. એ જ વર્ષે ૧૦ એપ્રિલે મોરારજીભાઈનું નિધન થયું. એમના અગ્નિસંસ્કાર અમદાવાદના અભયઘાટ ખાતે થયા ત્યારે મહારાષ્ટ્રની  શિવસેના-ભાજપની સંયુક્ત સરકારના મુખ્યમંત્રી મનોહરપંત જોશી (હમણાં જ જેમનું નિધન થયું) પણ અમદાવાદ આવ્યા હતા. એમણે નિવેદન કર્યું હતું કે અમે મુંબઈમાં મોરારાજીનું સ્મારક બનાવીશું. મનોહરપંત કદાચ ચૂક્યા કે એમની શિવસેનાના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેને મોરારજી દેસાઈએ ત્રણેક દિવસ જેલમાં નાંખ્યા હતા એટલે એ  એમના પ્રત્યે ભયંકર ઘૃણા ધરાવતા હતા. જોશીના નિવેદન સંદર્ભે ઠાકરેએ “ઊભા મહારાષ્ટ્રાત હોઉ દેણાર નાહી” એવું નિવેદન કરવા ઉપરાંત પોતાના મરાઠી દૈનિક ‘સામના’માં મોરારજી દેસાઈ વિશે ભયાનક અને અભદ્ર શબ્દોમાં ટીકા કરી. અમને હતું કે મુંબઈમાં ૩૫ લાખ ગુજરાતી વસે છે તો કોઈક અને ખાસ કરીને “ખુદ્દારી અને ખુમારીની ડિંગ હોંકનારા” કોઈક તો એનો વિરોધ કરશે. બધા ચૂપ હતા ત્યારે અમે અમારા સંવાદદાતાઓને અગ્રણીઓના મત પૂછવા કામે લગાડ્યા. મોરારાજીના બાળ ઠાકરે થકી ચરિત્રહનનનો વિરોધ કર્યો. અહેવાલ પહેલે પાને છાપવાનો હતો. અમે એનું હેડિંગ કર્યું:”મુંબઈ બાળ ઠાકરેની બાપીકી જાગીર નથી”.અમારા તેજસ્વી કાર્યવાહક સમાચાર સંપાદક બિમલ મહેશ્વરી કહે: “હરિભાઈ, હેડિંગ બદલો,નહીં તો કાલે ધમાલ મચી જશે.”  અમે હેડિંગ બદલવાનો નન્નો ભણ્યો. બિમલે  કહેલી વાત સાચી પડી.અપેક્ષા હતી જ.

નવાઈ એ વાતની હતી કે બાળ ઠાકરેના વાંદરા કલાનગરસ્થિત નિવાસસ્થાન “માતોશ્રી”પર ચાર ગુજરાતી મહાનુભાવો પહોંચી ગયા. ઠાકરેને કહ્યું કે હરિએ તમારા પિતાશ્રીને ગાળ દીધી છે. કાચા કાનના પણ અમને સુપેરે જાણતા  બાળાસાહેબે બીજા દિવસના “સામના”માં પૂર્ણ કદનો તંત્રી લેખ લખ્યો.શીર્ષક હતું :”હરામખોર હરિ”.એમાં એક્સપ્રેસના માલિક વિવેક ગોએન્કાને ધમકી અપાઈ હતી કે આ તંત્રીને કાઢી મૂકો,અન્યથા અમે એક્સપ્રેસ ટાવરને આગ લગાડી દઈશું.અને “હરીલા હરી હરી કરૂન ટાકણ”(હરિને મારી નાખીશું.)ગોએન્કાએ અમને ચિંતા ના કરવા કહ્યું. એ વેળા શરદ પવાર વિધાન પરિષદમાં વિપક્ષના નેતા હતા. એમણે “સામના”માં તંત્રી લેખ વાંચીને અમારા મિત્ર અને નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી ગોપીનાથ મુંડેને પત્ર લખ્યો કે હરિને પોલીસ સુરક્ષા આપવામાં આવે. અમે એમનો આભાર માનતો પત્ર લખી પોલીસ સુરક્ષા નહીં ખપતી હોવાનું જણાવ્યું.એ ઘટનાના એકાદ મહિના પછી એક્સપ્રેસ લોનમાં પાર્ટીમાં બાળાસાહેબ ઠાકરે આવ્યા.  એ વખતે ત્રણ તંત્રી એક જ સોફા પર બેઠા હતા. વાત ઝાઝી થઇ નહોતી, પણ એ પછી થોડા સમય બાદ તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાના મહામંત્રી  સુભાષ દેસાઈ અમારી એક્સપ્રેસ ખાતેની ઓફિસમાં આવીને અમને શિવસેનાની ચૂંટણી ટિકિટ ઓફર કરી હતી. અમે કહ્યું:”હું મારા માટે કશું મેળવવા લખતો નથી. તમે તમારા કોઈ સારા ગુજરાતી કાર્યકરને ટિકિટ આપી શકો છો. હું તો ગુજરાતીઓના હિતમાં મારું કામ કરતો રહીશ.”

મોરારજીની વડાપ્રધાન થવાની મહેચ્છા તો છેક શરૂઆતથી જ એ કેન્દ્રમાં મંત્રી હતા ત્યારથી. પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ પછી પોતાનો એ પદ માટેનો અધિકાર હોવાનું એ માનતા હતા. પહેલાંથી એ સરદાર પટેલના નહીં,પરંતુ પંડિત નેહરુના નિષ્ઠાવંત હતા.જોકે એ વખતે નેહરુના નિષ્ઠાવંત લાલબહાદુર શાસ્ત્રી એમને નડ્યા. એમણે એમની સામે ચૂંટણી લડવાનું માંડી વાળ્યું હતું. કામરાજ યોજનાનો એ નેહરુના જીવતાં ભોગ બન્યા અન્યથા પોતાને ગુલઝારીલાલ નંદા કરતાં વરિષ્ઠ ગણતા હોવાથી જો એ નેહરુ સરકારમાં ચાલુ હોત તો કાર્યવાહક વડાપ્રધાન બન્યા હોત એવું એ માનતા હતા. જોકે એ શાસ્ત્રી મંત્રીમંડળમાં ત્રીજા ક્રમે ના જ જોડાયા. એ પછી તાશ્કંદમાં વડાપ્રધાન શાસ્ત્રીનું અવસાન થયું. ”એમના મૃત્યુ વિશે ઘણી શંકાકુશંકાઓ ઊઠાવાઈ પરંતુ બધા સંજોગો જોતાં” મોરારજીભાઈને એમાં ખાસ તથ્ય લાગતું નહોતું. કોંગ્રેસ પ્રમુખ કામરાજ ૧૯૬૪થી એમની વિરુદ્ધમાં હતા. શાસ્ત્રીજીના મૃત્યુ પછી “ઈન્દિરાબહેન” સામે મોરારજીભાઈ વડાપ્રધાનપદ માટેની ચૂંટણીમાં મતદાન થતાં હાર્યા છતાં તેમને ૧૬૯ મત મળ્યા, એને એમણે પોતાની નૈતિક જીત ગણાવી.ઇન્દિરાજીને ૩૫૫ મત મળ્યા. એ વડાંપ્રધાન થયાં અને મોરારજીભાઈને એમણે વિનંતી કરી એટલે એમણે નાયબ વડાપ્રધાનપદ અને નાણામંત્રીનું પદ સંભાળ્યું.૧૯૬૯માં એ સરકારમાંથી છૂટા થયા. કોંગ્રેસમાં ભાગલા પણ આ જ વર્ષે પડ્યા. હવે મોરારજી સંસ્થા કોંગ્રેસના વડા હતા. વિપક્ષે હતા.

ગુજરાતમાં ૧૯૭૪ના નવનિર્માણ આંદોલનના પગલે ચીમનભાઈ પટેલની કોંગ્રેસ સરકારે જવું પડ્યું. વિપક્ષોના જનતા મોરચાનો પ્રયોગ વિધાનસભા ચૂંટણીમાં મોરારજીના નિષ્ઠાવંત બાબુભાઈ જશભાઈ પટેલની સરકાર બનતાં સફળ થયો. ઇન્દિરાજીની ૧૯૭૫ -’૭૭ની ઈમરજન્સી દરમિયાન મોરારજી સહિતના નેતાઓ જેલવાસમાં રહ્યા. એમને માટે  એ સમયગાળો ”આત્મનિરીક્ષણ”નો રહ્યો.”અટકાયતના આ ઓગણીસ મહિનાઓ મારા આયુષ્યકાળનો ખૂબ ફાયદાકારક સમય હતો.આ માટે તો હું શ્રીમતી ગાંધીનો જાહેર આભાર માનું છું...તેમની નિંદા કરવાનો મારા માટે કોઈ પ્રશ્ન જ નથી.” માર્ચ ૧૯૭૭માં લોકસભાની ચૂંટણીમાં વિપક્ષી એકતાના પ્રતાપે બનેલી જનતા પાર્ટીએ બહુમતી મેળવી. લોકનાયક જયપ્રકાશ નારાયણ અને આચાર્ય કૃપાલાનીએ વડાપ્રધાનપદ માટે મોરારજી પર પસંદગી ઉતારી. વડાપ્રધાન થવાનું દાયકાઓનું એમનું સ્વપ્ન સાકાર થયું. એમના બે નાયબ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ અને બાબુ જગજીવન રામ બન્યા. પહેલીવાર જનતા પાર્ટીની આ સરકારે જીવનજરૂરી ચીજોના ભાવ ઘટયાનો અનુભવ કરાવ્યો. જોકે આંતરિક ખટરાગના પ્રતાપે મોરારજી સરકારનું ૧૯૭૯માં જ  પતન થયું.

સંયોગ એવો હતો કે ૧૯૭૭માં જ એ વડાપ્રધાન બન્યા અને અમારું મુંબઈમાં હિંદી પત્રકારત્વમાં પ્રવેશવાનું પણ ૧૯૭૭માં જ થયું. વડાપ્રધાન હતા ત્યારે એમના તારાપુર પ્રવાસમાં જવાનું અવિસ્મરણીય હતું. એમની નિવૃત્તિના દિવસોમાં એમની સાથેની મુલાકાતો, અમારા કાર્યક્રમમાં એમને લેવા જવાનું, એમના ઇન્ટર્વ્યૂ કરવાનું અને એમની ટૅર લેવાનું ઘણું બનતું હતું. ઘણીવાર અમારી અટક એકજ હોવાને કારણે કેટલાક મિત્રો પૂછી બેસતા:”તું ભાટલો (અનાવિલ) છે?” ત્યારે હું કહેતો:”ના,હું પટલો છું,”અમારી નિકટતા એવી કે પદ્મ ઈલકાબો બંધ કરવાના સમર્થક એવા મોરારજીભાઈએ ભારતરત્ન સ્વીકાર્યો ત્યારે અને પાકિસ્તાનનો નિશાન-એ-પાકિસ્તાન સ્વીકાર્યો ત્યારે એનો અમે એમની સામે જ વિરોધ પણ નોંધાવેલો. સ્વભાવે અક્કડ ભલે હોય, પણ એમના જેવા આદર્શવાદી નેતાનો ખાલીપો આજે કઠે છે.

Sunday 13 August 2023

PM condems Congress and has all the BJP CMs from in NE !

 

કોંગ્રેસીઓના ખભે ચડી કોંગ્રેસની બુરાઈ

·         કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ ·   ભાજપનું કોંગ્રેસીકરણમાં આડવાણી સાચા ·  ઈશાન ભારતના બધા ભાજપી CM કોંગ્રેસી ·  ગોવા સરકારમાં ૧૨ માંથી ૧૦ આયાતી

Dr.Hari Desai writes weekly column for Mumbai Samachar’s Sunday Supplement UTSAV.13.08.2023

હમણાં સમાપ્ત થયેલા સંસદના સત્રમાં મણિપુર મુદ્દે સરકાર સામે અવિશ્વાસના પ્રસ્તાવ પરની ચર્ચાનો ઉત્તર વાળતાં આગલા દિવસે કેન્દ્રના ગૃહમંત્રી  અમિત શાહ અને વિપક્ષના સભાત્યાગ પછી પ્રસ્તાવ ધ્વનિમતથી પરાસ્ત થવાના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આક્રમક ભાષણ કર્યાં. એમાં મૂળ મુદ્દા કરતાં અંગ્રેજ અધિકારી એલન ઓક્તોવિયો હ્યુમ થકી ૧૮૮૫માં કોંગ્રેસની સ્થાપનાથી લઈને સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને મોદી સમાજના કથિત અપમાનના કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનીનું લોકસભાનું  સભ્યપદ બહાલ કરાયું એ વ્યક્તિ પર પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રહારો કરાયા. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી સહિત બંને ગૃહોના કેટલાક સભ્યોને સસ્પેન્ડ પણ કરાયા. ન્યાયતંત્ર સાથેના સરકારના ટકરાવાના સંકેત પણ આ સત્રમાં મળ્યા. જોકે ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ ચાલતી કેન્દ્ર સરકારના નેતાઓ  વિપક્ષી કોંગ્રેસ પર પ્રહાર કરતાં એ વાત વિસરી ગયા લાગે છે કે એમના પૂર્વસૂરિઓ અને દેશનાં આરાધ્ય વ્યક્તિત્વો કોંગ્રેસ સાથે જોડાયેલાં રહ્યાં હતાં. વર્તમાનમાં પણ ભાજપના માર્ગદર્શક મંડળમાં ધકેલાઈ ગયેલા તેમના જ  પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ આડવાણી કહેતા હતા એમ ભાજપનું હદ ઉપરાંતનું કોંગ્રેસીકરણ થયેલું છે. વાત ઈશાન ભારતનાં રાજ્યોની ખૂબ ગાજી અને નેહરુ-ઇન્દિરા અને અત્યાર લગીની કોંગ્રેસે ઈશાન ભારતનાં રાજ્યોને પછાત રાખ્યાના આક્ષેપ સત્તાપક્ષ અને એના મોભીઓ તરફથી થયા એટલે જરા વર્તમાનમાં ઈશાન ભારતનાં રાજ્યોમાં શાસન કરતા ભાજપી મુખ્યમંત્રીઓ અને ભાજપના નેજા હેઠળના મોરચા એનડીએના મુખ્યમંત્રીઓ કયા ગોત્રના છે અને એમને શિરે તેઓ કોંગ્રેસમાં હતા ત્યારનાં એમનાં ભાજપને અભિપ્રેત કુકર્મો કયા પારસમણિના સ્પર્શથી ધોવાઇ જાય છે એનો પણ વિચાર કરવો પડે.ગોવામાં ભાજપની ૧૨ સભ્યોની સરકાર છે એમાં માત્ર ૨ (બે) મંત્રી મૂળ ભાજપના છે,બાકીના ૧૦ આયાતી છે.

ડૉ.મુંજે,ડૉ.હેડગેવાર અને ડૉ.મુકરજી

વર્તમાન ભાજપ માટે ડૉ.બી.એસ.મુંજે(મધ્ય પ્રાંતના નેતા અને ડૉ.હેડગેવારના ગુરુ), ડૉ.કેશવ બલિરામ હેડગેવાર (ભાજપની માતૃસંસ્થા આરએસએસના સંસ્થાપક સરસંઘચાલક અને આજીવન કોંગ્રેસી) અને ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી (૧૯૨૮માં કોંગ્રેસી ધારાસભ્ય તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરનાર, નેહરુની સરકારમાં મંત્રી રહેલા અને જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ)  એ આરાધ્ય પુરુષો લેખાય. આ ત્રણેય વ્યક્તિત્વો પેલા હ્યુમની કોંગ્રેસમાં હતાં એ બાબતને કોઈ ઈચ્છે તો પણ નકારી શકે તેમ નથી. વળી, કોંગ્રેસની સ્થાપના મુંબઈમાં ૧૮૮૫ના ડિસેમ્બરમાં કરવામાં આવી ત્યારે એકલા હ્યુમ ધૂણ્યા અને થઈ ગઈ એવું નહોતું. એની સ્થાપના કરવામાં અંગ્રેજ સરકાર સામે બળવાખોર એવા નિવૃત્ત આઈસીએસ અંગ્રેજ અધિકારી હ્યુમ ઉપરાંત  બીજા ૭૧ અગ્રણી હતા;જેમાં હિંદુ બહુમતીમાં હતા. મુસ્લિમ, પારસી, જૈન, ખ્રિસ્તી વગેરે દેશભરના આગેવાનો હતા. પ્રમોદ શાહલિખિત “ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ: દર્શન અને ચિંતન”માં એ તમામનાં નામ અપાયાં છે. બેરિસ્ટર વ્યોમેશચંદ્ર બેનરજી કોંગ્રેસના પ્રથમ પ્રમુખ હતા. ઉપરાંત થોડાંક નામ આપવાં હોય તો દયારામ જેઠમલ, હરિરામ મયારામ વકીલ, એચ.એચ.ધ્રુવ, મંચેરશા પાલનજી કેકોબાદ, માણેકજી પી.મોદી, રાવબહાદુર કૃષ્ણાજી, મરાઠા અને કેસરીના તંત્રી ગોપાલ ગણેશ અગરકર,મુનશી ગંગાપ્રસાદ વર્મા, કાશીનાથ તેલંગ, દાદાભાઈ નવરોજી, દિનશા એદલજી વાચ્છા,સોલીસીટર દિનશા પેસ્તરજી કાંગા, એન.જી.ચંદાવરકર,એસ.મુદલિયાર, બહેરામજી એમ.મલબારી, કેશવ પિલ્લાઈ વગેરે. કોંગ્રેસના સમગ્ર ઈતિહાસને આઝાદીના ઈતિહાસ તરીકે ગણવો પડે અને એને ભાંડવામાં આવે ત્યારે દાદાભાઈ નવરોજી, લોકમાન્ય ટિળક, મહામના માલવિયા, મહાત્મા ગાંધી, પંડિત નેહરુ, સરદાર પટેલ, નેતાજી બોઝ, મૌલાના આઝાદ સહિતના તમામને ભાંડવાની કુચેષ્ટા થતી લાગ્યા વિના રહેતું નથી. કેટલાક અંગ્રેજ પણ ભારતના આઝાદીના સંગ્રામને સમર્થન આપતા રહ્યા છે અને તેઓ પણ કોંગ્રેસના પ્રમુખ રહ્યા છે.

 

નોર્થ ઇસ્ટના રાજ્યોના શાસકો

ઈશાન ભારતનાં સાત રાજ્યો સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાય છે. મે ૧૯૭૫માં વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીની કુનેહથી સિક્કિમ દેશમાં જનમત લેવાયો અને રાજાશાહીથી ટ્રસ્ટ પ્રજાએ ભારતમાં ભળવાનો નિર્ણય કર્યો ત્યારથી સિક્કિમ ભારતનું રાજ્ય બન્યું અને એને બ્રધર કહેવાય છે. સંસદમાં સત્તા પક્ષના મોભીઓએ ગાજવીજ કરી કે ઈશાન ભારતનાં આ રાજ્યોના વિકાસને નેહરુએ અવરોધ્યો અને એ પછી ઇન્દિરા ગાંધીની સરકારે પણ. હકીકતમાં ભાજપ અત્યારે આ તમામ આઠ રાજ્યોમાં પોતે કે મિત્ર પક્ષોના ટેકે રાજ કરે છે. મજાની વાત તો એ છે કે જે મુખ્યમંત્રીઓ ભાજપના છે કે અન્ય પક્ષોના છે એમાં અધિકાંશનું ગોત્ર કોંગ્રેસ છે અથવા એ ભ્રષ્ટાચારી મહાકૌભાંડોમાં સંડોવાયેલા જોવા મળે છે. જોકે ભાજપનો પારસમણિ એમને પાક-સાફ બનાવી દે છે. આસામના કોંગ્રેસી નેતા તરુણ ગોગોઈની સરકારમાં ૧૫ વર્ષ મંત્રી રહેલા અને ભાજપના નેતાઓ થકી જેમના ભ્રષ્ટાચારની પુસ્તિકાઓ બહાર પડાતી હતી કે પત્રકાર પરિષદો યોજીને જેમને સૌથી ભ્રષ્ટ મંત્રી ગણાવાતા હતા એ હેમંત બિસ્વા સરમા ભાજપ અને મિત્ર પક્ષોની આસામ સરકારના મુખ્યમંત્રી છે! ૨૩ ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ દિલ્હીમાં અમિત શાહના નિવાસસ્થાને કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થનારા સરમા મોદી-શાહના મેન ફ્રાઈડે છે. ઈશાન ભારતનાં રાજ્યોમાં ભાજપની સરકાર સ્થાપવા માટે જ નહીં, પણ મહારાષ્ટ્રમાં પણ શિવસેના તોડવાનું ઓપરેશન લોટસ હાથ ધરાતું હોય ત્યારે એને મોકળાશ બક્ષીને બળવાખોરોને ગુવાહાટીમાં રાખે છે. ઈશાન ભારતનાં રાજ્યોમાં ચાર મુખ્યમંત્રી ભાજપના છે. એ ચારેય કોંગ્રેસમાંથી આયાત કરેલા છે. તેમાંના ઘણા તો વર્ષો સુધી મુખ્યમંત્રી રહ્યા છે.  ભાજપની નેતગીરી એમને પણ ઈશાન ભારતનાં એ રાજ્યો માટે જવાબદાર લેખે ત્યારે તેઓ પણ તાળીઓ પાડે છે. ત્રિપુરામાં માણિક સરકાર જેવા માર્ક્સવાદી મુખ્યમંત્રીની સરકારને ઘેર બેસાડીને મૂળ ભાજપના બિપ્લવ કુમાર દેવ મુખ્યમંત્રી બન્યા હતા. જોકે મોવડીમંડળને લાગ્યું કે દેવ ફરી જીતાડી શકે તેમ નથી એટલે માણિક સહા નામના ૨૦૧૬માં જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાને મુખ્યમંત્રી બનાવ્યા. ક્યારેક ત્રિપુરાના સાવ સાદગીમાં રહેનારા માણિક સરકાર મુખ્યમંત્રી હતા, અત્યારે  દેશના સૌથી સમૃદ્ધ ગણાતા મુખ્યમંત્રી સહા લેખવામાં આવે છે. અરુણાચલ પ્રદેશમાં પણ સાગમટે પક્ષપલટો કરનાર કોંગ્રેસી ગોત્રના મુખ્યમત્રી પેમા ખાન્દૂ આજે ભાજપ સરકારના વડા છે. એ ડિસેમ્બર ૨૦૧૬માં ૩૩ મૂળ કોંગ્રેસી ધારાસભ્યો સાથે ભાજપમાં પ્રવેશ્યા હતા. અગાઉ પણ એ મુખ્યમંત્રી રહ્યા. બહુચર્ચિત મણિપુરના ભાજપી મુખ્યમંત્રી એન.બીરેન સિંહ પણ કોંગ્રેસી રહ્યા. ઓક્ટોબર ૨૦૧૬માં એમણે કોંગ્રેસ છોડીને ભાજપને વહાલો કરવાનું પસંદ કર્યું હતું. બીજાં રાજ્યોમાં ભાજપ ખૂબ ગાજવીજ કરીને પોતાના વિજયની બાંગ પોકારે છે, પરંતુ કેન્દ્રમાં ભાજપનું શાસન છે એટલે આ રાજ્યોમાં પણ ભાજપ સાથે ઘર માંડવાનું કોંગ્રેસી કે અન્ય પક્ષોમાં રહેલા નેતાઓ પસંદ કરે છે. નાગાલેન્ડમાં ૬૦ સભ્યોની ધારાસભામાં મુખ્યમંત્રી નેમ્ફૂ રીઓના પક્ષના ૨૫ સભ્યો છે અને ભાજપના ૧૨ છે. મિઝોરમમાં ૬૦ સભ્યોની ધારાસભામાં મુખ્યમંત્રી ઝોરમથન્ગાના મિઝો નેશનલ ફ્રન્ટના ૨૭ સભ્યો છે અને ભાજપનો માત્ર એક જ છે. મેઘાલયમાં ૬૦ સભ્યોની ધારાસભામાં મુખ્યમંત્રી કોનરાડ સંગમાના એનપીપીના ૨૮ સહિત તેમણે ૪૬ સભ્યોનું સમર્થન છે. ભાજપ કને માત્ર ૨ બેઠકો છે. પાંચ વર્ષ સાથે રાજ કર્યા પછી મુખ્યમંત્રી સંગમા અને તેમની સરકારને ભ્રષ્ટ ગણાવનાર ભાજપે બધી બેઠકો લડી પણ જીત્યો માત્ર ૨. મૂળ કોંગ્રેસી ગોત્રના સંગમાએ પછી કેન્દ્રમાં ભાજપ સત્તા સ્થાને છે એટલે એને સરકારમાં લેવાનું પસંદ કર્યું. સિક્કિમની ૩૨ સભ્યોની વિધાનસભામાં મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગના ક્રાંતિકારી પક્ષ કને ૧૯ સભ્યો છે અને ભાજપ પાસે માત્ર ૧. ભાજપ સરકારમાં છે. રાજ્યમાં ૨૪ વર્ષ મુખ્યમંત્રી રહેલા પવન કુમાર ચામલિંગના પક્ષ સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટના તેઓ એકલા જ વિપક્ષે બેસે છે. એકંદરે ઈશાન ભારતના તમામ ભાજપી મુખ્યમંત્રી કોંગ્રેસમાંથી આયાત કરેલા છે અથવા ભાજપ ત્યાં મિત્ર પક્ષો સાથે સરકાર ચલાવે છે એમાંના મોટા ભાગના કોંગ્રેસી કે અન્ય પક્ષમાંથી આવેલા છે કે પછી કોઈને કોઈ ભ્રષ્ટાચારી પ્રકરણમાં સંડોવાયેલા છે. તેમની બધાની ચોટલી દિલ્હીશ્વરના હાથમાં છે.

-મેઈલ: haridesai@gmail.com  (લખ્યા તારીખ: ૧૨ ઓગસ્ટ,૨૦૨૩)

Tuesday 4 July 2023

Manipur Conflict

 મણિપુરમાં અજંપો અને જાતિઓ વચ્ચે ટકરાવ

કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ @ બહુમતી મૈતેઈ વિરુદ્ધ કુકીના હિંસક ખેલ @ ડબલ એન્જિનની સરકારની ય નિષ્ફળતા @ મોદી મૂકપ્રેક્ષક, રાહુલ શાંતિ મિશન પર
Dr.Hari Desai writes weekly column for Mumbai Samachar’s Sunday Supplement UTSAV.2 July,2023
છેલ્લા બે મહિનાથી ઇશાન ભારતના સીમાપ્રદેશના સંવેદનશીલ રાજ્ય મણિપુરમાં રાજધાની ઇમ્ફાલ વેલીમાં વસતી બહુમતી અને શાસક મૈતેઈ પ્રજા અને પહાડો-જંગલોમાં વસતી કુકી પ્રજા વચ્ચે હિંસક અથડામણોમાં અનેક લોકો માર્યા ગયા છે.અહીંના મહારાજા બોધચન્દ્ર સિંહ પણ મૈતેઈ જાતિના જ હતા અને અત્યારના “મહારાજા” લેઇશમ્બા સારાજાઓબા ભાજપના રાજ્યસભાના સભ્ય છે. મ્યાનમાર સાથે સરહદ ધરાવતા આ ભારતીય રાજ્યની દેશમાં ઉત્તરે નાગાલેંડ અને આસામ તેમ જ દક્ષિણે મિઝોરમ રાજ્યની સરહદ છે. મૃતકોનો સત્તાવાર આંકડો પણ ૧૩૨ને વટાવી ગયો છે. ૫૦,૦૦૦ જેટલાં લોકો રાહત છાવણીમાં રહેવા મજબૂર બન્યાં છે. મુદ્દો આદિવાસી તરીકે ગણાવવા માટેની બહુમતી મૈતેઈ પ્રજાની માંગ અને એને હાઇકોર્ટે માન્ય કરવાની દિશામાં ચુકાદો આપ્યા સામે આદિવાસી દરજ્જો ધરાવતી કુકી પ્રજાને પોતાનાં હિત જોખમાતાં લાગવાનો છે. મૈતેઈ જાતિ મહદઅંશે હિંદુ છે અને કુકી ખ્રિસ્તી છે.માત્ર ૮% મૈતેઈ મુસ્લિમ છે પરંતુ અહીંના સંઘર્ષને હિંદુ વિરુદ્ધ ખ્રિસ્તી ગણાવવામાં સત્તાધીશોની પણ સક્રિયતા હોવાનું જણાવાય છે. વર્તમાન ઘટનાક્રમમાં બંને બાજુની ખુવારી છતાં કુકી વધુ પ્રમાણમાં માર્યા ગયાના અહેવાલો મળે છે.કુકી અને મિઝો અને નાગા પ્રજા મહદઅંશે ખ્રિસ્તી ધર્મ પાળે છે. એમની વચ્ચે સંધાણ પણ છે છતાં સદનસીબે હજુ વર્તમાન સંઘર્ષમાં મિઝો કે નાગા બળવાખોરો સામેલ થયા નથી. ભાજપે ચૂંટણી જીતવા માટે કોની સાથે કેવાં સમાધાનો કર્યાં છે એ પણ મણિપુરમાં ચર્ચાનો મુદ્દો છે. ૬૦ સભ્યોની ધારાસભામાં ભાજપના ૩૭માંથી ૧૦ ધારાસભ્યો અલગ કુકીલેન્ડની માંગણી કરી રહ્યા છે. ખોબલા જેવડા મણિપુરમાંથી વધુ એક રાજ્યની રચનાની માંગણી કરવામાં આવે એ અત્યારે તો સત્તાધીશો સ્વીકારવા તૈયાર નથી.જોકે વિધાનસભામાં ૬૦ સભ્યોમાંથી ૫૪ સરકારના ટેકામાં છે. વિપક્ષમાં કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી ઓકરામ ઈબોબી સિંહ તથા મણિપુર કોંગ્રેસના અધ્યક્ષ કેશમ મેઘચન્દ્ર સિંહ (બંને મૈતેઈ જાતિના) સહિત કોંગ્રેસના ૫ (પાંચ) અને એક જનતાદળ (યુ)ના સભ્ય છે. વળી, મિઝોરમના નેતાઓ મણિપુરના કુકી પ્રદેશને સમાવીને બૃહદ મિઝોરમ રચવાની માંગણી પણ કરતા રહ્યા છે. મિઝો પ્રજા સાથે કુકી પ્રજાને નિકટનો વાંશિક સંબંધ છે. બૃહદ નાગાલેન્ડ કે ગ્રેટર નાગાલિમની માંગણી તો ઊભી જ છે. ઇશાન ભારતને ‘હેન્ડલ વિથ કેઅર’ કરવાની જરૂર છે. મણિપુર રાજ્યના માત્ર બે મુખ્યમંત્રી સિવાયના તમામ સર્વપક્ષી મુખ્યમંત્રી મૈતેઈ જાતિમાંથી આવે છે. તમામ ક્ષેત્રોમાં તેમનું આધિપત્ય છે. ઇશાન ભારતનાં સિક્કિમ સહિતનાં આઠેય રાજ્યોમાં ભાજપ કે ભાજપના મિત્રપક્ષોના નેતૃત્વવાળી સરકારો છે, પરંતુ ભાજપનાં તમામ મુખ્યમંત્રી અને મિત્રપક્ષના તમામ મુખ્યમંત્રી મૂળ કોંગ્રેસી જ રહ્યા છે. પક્ષપલટા કરાવીને અહીંનાં રાજ્યોમાં સરકારો રચવામાં ભાજપને સફળતા મળવા પાછળ કેન્દ્ર સરકાર નિયુક્ત રાજ્યપાલોનો સહયોગ ઘણો મળતો રહ્યો છે. ક્યારેક ભાજપના નેતા અને પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ આડવાણી કહેતા રહ્યા છે તેમ ભાજપનું કોંગ્રેસીકરણ જોવા મળે છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાઓ ક્યારે ઘરવાપસી કરે એ કહેવાય નહીં. હવે તો કર્ણાટક, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં તો જૂના સંઘી-જનસંઘી એવા વરિષ્ઠ ભાજપી નેતાઓ કોંગ્રેસ ભણી વળવા માંડ્યા છે એટલે દિલ્હીશ્વરની ચિંતા વધવી સ્વાભાવિક છે.
વડાપ્રધાન મ.પ્ર.માં વ્યસ્ત
રાજ્ય અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે. ડબલ એન્જિનની સરકાર હોવા છતાં હિંસક અથડામણો રોકવામાં સફળતા મળી નથી. કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ મણિપુરની મુલાકાતે જઈ આવ્યા, દિલ્હીમાં પણ એમણે બેઠકો બોલાવી, લશ્કર ખડકી દેવામાં આવ્યું છે છતાં હિંસક અથડામણો રોકાવાનું નામ લેતી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા-ઈજિપ્તના પ્રવાસે જાય એ પહેલાં અને પછી પણ મણિપુર વિશે રહસ્યમય મૌન સેવી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અનેક અવરોધની વચ્ચે પણ મણિપુરની ૨૯-30 જૂનની બે દિવસની મુલાકાતે જઈને રાહતછાવણીઓની મુલાકાત લેવા ઉપરાંત શાંતિની અપીલ કરતા રહ્યા. એમણે પોતે રાજકારણ ખેલવા આવ્યા નહીં હોવાનું ભારપૂર્વક સ્પષ્ટ કર્યું હતું. રાજ્યપાલ અનસૂયા ઉઈકેને મળીને પણ તેમણે અસરગ્રસ્તોને રાહતછાવણીઓમાં જરૂરી સુવિધા મળે એ માટે રજૂઆત કરી. સિવિલ સોસાયટીના લોકોને પણ એ મળ્યા. એ પછી મણિપુરના મુખ્યમંત્રી એન.બિરેન સિંહે રાજનામું આપવા સંદર્ભે નાટકીય ઘટનાક્રમ આદર્યો. પક્ષમાં એમના વિરોધી રાજીનામું માંગે છે. એ રાજીનામું આપવા તૈયાર પણ થયા.એમ છતાં, એમના સમર્થકોના આગ્રહથી રાજીનામું આપવાનું માંડી વાળ્યું. રાજ્યપાલ ઉઈકેએ 30 જૂને શાંતિની અપીલ કરી છે, પરંતુ દિલ્હીથી આ દિશામાં સર્વોચ્ચ થકી હજુ મૂકપ્રેક્ષકની ભૂમિકા બધાને માટે અકળામણ સર્જે છે. વડાપ્રધાન અમેરિકાના પ્રવાસે જતાં પહેલાં પોતાના પક્ષના મણિપુરી ધારાસભ્યોને મુલાકાત આપતા નથી અને પાછા ફરીને મધ્યપ્રદેશના પ્રવાસે જઈને ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલાં આ વર્ષે આવી રહેલી વિધાનસભા ચૂંટણીમાં કર્ણાટક જેવી નાલેશી વહોરવી ના પડે એટલા માટે ભોપાલ અને શહડોલમાં જાહેર સભાઓ યોજીને વિધાનસભાની ચૂંટણી સાથે જ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીનો ય એજન્ડા ગોઠવી રહ્યા છે.
નેતાજી બોઝ અને મણિપુર
વર્ષ ૧૯૪૪માં નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજ (આઈએનએ) બર્મા (અત્યારનું મ્યાનમાર) સરહદેથી બ્રિટિશ લશ્કરી દળો સામે લડતાં લડતાં મણિપુરના અત્યારના બિષ્ણુપુર જિલ્લાના મોઈરંગ ખાતે પહોંચી કર્નલ શૌકત હયાત મલિકે ભારતનો ધ્વજ ફરકાવ્યો હતો. ઇમ્ફાલમાં આજે પણ નેતાજીનું સંગ્રહાલય છે. આ ગૌરવવંતા ઇતિહાસની આ ભૂમિમાં અત્યારે જે ચાલી રહ્યું છે એ નેતાજીના આત્માને કણસાવે એવું છે. નેતાજીએ તમામ ધર્મોના સાથીઓને સામેલ કરીને અંગ્રેજો સામે જયારે જંગ છેડ્યો ત્યારે જાપાને એમને સમર્થન આપ્યું હતું, પરંતુ પાછળથી જાપાની લશ્કરે સહયોગ આપવાને બદલે પરત જવાના આદેશનું પાલન કરવાનું હતું ત્યારે પણ નેતાજીએ ટાંચાં સાધનો અને ખુમારીવાળા સ્વાતંત્ર્ય સૈનિકોના ટેકે લડવાનું ચાલુ રાખ્યું હતું. આંદામાન-નિકોબાર પર પણ એમણે કબજો મેળવ્યો હતો, પરંતુ ભારતીય ગદ્દારોના ટેકે બ્રિટિશ લશ્કર નેતાજીની દિલ્હી તરફની કૂચને વિફળ બનાવી હતી. ૭૯ વર્ષ પછી નેતાજીનું સ્મરણ કરાય છે, એમના જન્મદિવસને મનાવાય છે, એમની પ્રતિમાઓ સ્થાપિત થાય છે; પરંતુ નેતાજી બોઝની ફિલસૂફીને આચરણમાં લાવવાને બદલે કમનસીબે રાજકીય લાભ ખાટવા માટે જાતિઓ અને ધર્મો વચ્ચે વિખવાદો પેદા કરીને ય મતનાં તરભાણાં ભરવાના દાવપેચ ખેલાય છે.
ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૧ જુલાઈ,૨૦૨૩)

Friday 30 June 2023

Indians Giving up Indian Nationality

 

દાયકામાં વર્ષ ૨૦૨૨માં સૌથી વધુ ભારતીયોએ નાગરિકતા છોડી

અતીતથી આજ : ડૉ.હરિ દેસાઈ

·         છેલ્લાં ૧૨ વર્ષમાં નાગરિકતા છોડવાનું પ્રમાણ વધતું ચાલ્યું છે  

·         એક જ વર્ષમાં ૨૨૫,૬૨૦ નાગરિકોએ ભારતીયતા ત્યાગી દીધી

·         બે કરોડ ઘૂસણખોરોમાંથી દાયકામાં માંડ ૩૦,૦૦૦ ડિપોર્ટ કરાયા  

Dr.Hari Desai writes weekly column for Gujarat Guardian Daily (Surat) and Sardar Gurjarari Daily (Anand).

છેલ્લાં ૧૨ વર્ષમાં વર્ષ ૨૦૨૨ દરમિયાન વર્ષ ૨૦૨૨ માં ભારતીય નાગરિકતા છોડીને કરોડો રૂપિયાના રોકાણ સાથે વિદેશી નાગરિકતા મેળવનારાઓની સંખ્યા સૌથી  વધુ નોંધાઈ છે. ભારતમાં ધંધા માટેની અસુરક્ષા અનુભવતા હજારો ગુજરાતીઓ સહિતના દેશના નાગરિકો પોતાની માતૃભૂમિ સાથેનો સંબંધ તોડી રહ્યા છે.વર્ષ ૨૦૧૧થી ૨૦૧૯ દરમિયાન ભારતીય નાગરિકતા છોડનારાઓની સંખ્યા ૧૨૦,૦૦૦ અને ૧૪૪,૦૦૦ વચ્ચે રહેતી હતી. ૨૦૨૦માં કોવીદના કારણે આ આંકડો ૮૫,૨૫૬ હતો. વર્ષ ૨૦૨૧માં એ વધીને ૧૬૩,૩૭૦ થયો અને વર્ષ ૨૦૨૨માં તો નવો જ વિક્રમ સ્થપાયો..  ભારતીયો નાગરિકતા છોડીને ૧૩૫ દેશોની નાગરિકતા સ્વીકારે છે અને સાથે જ ત્યાં કરોડો રૂપિયાનું રોકાણ પણ કરે છે. આ કોઈ કલ્પનાના ઘોડા દોડાવવાની વાત નથી પરંતુ વિદેશ મંત્રી અને ગુજરાતના સાંસદ એસ.જયશંકરે ફેબ્રુઆરી, ૨૦૨૩માં આમ આદમી પાર્ટીના નારાયણ દસ ગુપ્તાના પ્રશ્નના ઉત્તરમાં રાજ્યસભામાં આપેલી આંકડાકીય વિગતો દેશની ગંભીર સ્થિતિનો અણસાર આપે છે.  એ પહેલાં લોકસભામાં કેન્દ્રના ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદંબરમના ભારતીયો મોટાપાયે નાગરિકતા છોડી વિદેશી નાગરિકતા અપનાવી રહ્યા હોવાના પ્રશ્નના ઉત્તરમાં આપેલી માહિતીએ સૌને ચોંકાવી દીધા છે: માત્ર પાંચ વર્ષમાં જ ૬.૭૬ લાખ ભારતીય નાગરિકોએ નાગરિકતા છોડી છે. સત્તાવાર રીતે કેન્દ્ર સરકારે આપેલા આ આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૧૫થી લઈને સતત દર વર્ષે દોઢ લાખ જેટલા લોકો ભારતીય નાગરિકતા છોડીને વિદેશી નાગરિકતા લઈને ત્યાં સ્થાયી  થઇ રહ્યા છે. જાણવા મળ્યું હતું કે અમદાવાદના ઓછામાં ઓછા ૨,૦૦૦ સમૃદ્ધ પરિવારો એટલે કે જેમને કરોડપતિ ગણાવી શકાય એવા લોકો  ભારતમાં પોતાના વેપારધંધાને સંકેલી લઈને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવા માટે સંબંધિત કન્સલ્ટન્સી એજન્સી પાસે ફાઈલો જમા કરાવી વર્ક પરમિટની પ્રતીક્ષામાં છે. વાત માન્યામાં આવતી નહોતી, પણ વિદેશ મંત્રી જયશંકર  અને  કેન્દ્રના ગૃહ રાજ્યમંત્રી રાયે સંસદગૃહમાં માહિતી આપી એ પછીના અમારા સંશોધને આ વાત માત્ર ગંભીર જ નહીં, ભારતને માટે સંકટ સમાન હોવાનાં એંધાણ અપાનારી હોવાનું જરૂર અનુભવાયું. બ્રેઈન ડ્રેઈનને ઉલટી દિશામાં વાળવાના હાકલાદેકારા થઇ રહ્યા હોય અને રિવર્સ બ્રેઈન ડ્રેઈન શરૂ થવાના દાવા મોટા ઉપાડે થઇ રહ્યા હોય ત્યારે દર વર્ષે લાખો ભારતીય નાગરિકો પ્રાણપ્યારી માતૃભૂમિની નાગરિકતા છોડી રહ્યા વિશે  માત્ર સમાજોએ જ નહીં, સરકારોએ પણ ચિંતા કરવાની જરૂર છે.  સાગમટે પરિવાર પોતાના ધંધા અન્ય દેશમાં ખસેડવા માંગે છે એટલું જ નહીં, નવી પેઢી પણ પોતે વિદેશમાં જઈને સ્થાયી થવા ઈચ્છુક હોવાની બાબત પણ અમારા સંશોધનમાં બહાર આવી હતી. રાજકીય સ્થિરતા હોય ત્યાં ધંધો કરવાની મજા રહે એવું મનાતું હોવા છતાં વર્તમાનમાં રાજકીય સ્થિરતાનો  માહોલ હોવા છતાં વેપારધંધામાં અનિશ્ચિતતા ઘણાને જામેલા ધંધાને સંકેલી લઈને વિદેશમાં અને ખાસ કરીને ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ કે અમેરિકામાં પોતાના વેપારધંધા સ્થળાંતરિત કરવા પ્રેરે છે. સંયોગ જુઓ કે છેલ્લાં પાંચ વર્ષમાં આ વલણ સવિશેષ જોવા મળે છે.

ભારતીયતાનું આકર્ષણ ઘટ્યું

કેન્દ્રના સત્તાવાર આંકડા મુજબ, વર્ષ ૨૦૧૫માં ૧૪૧,૬૫૬  ભારતીય નાગરિકોએ વિદેશી નાગરિકતા અપનાવી.વર્ષ ૨૦૧૬માં ૧૪૪,૯૪૨  ભારતીય નાગરિકોએ નાગરિકતા છોડી હતી. વર્ષ ૨૦૧૭માં ૧૨૭,૯૦૫ તથા  વર્ષ ૨૦૧૮માં આ આંકડો ૧૨૫,૧૩૦ હતો અને  વર્ષ ૨૦૧૯માં ૧૩૬,૪૪૧ હતો. આની સામે ભારતીય નાગરિકતા લેનારાઓના આંકડા જોવામાં આવે તો એ નહીંવત છે. વર્ષ ૨૦૧૫માં ૧૫,૪૭૦ (મોટાભાગના બાંગલાદેશી નાગરિકોને તેમના પ્રદેશ – એન્કલેવના સાટાને કારણે- ભારતમાં સમાવાતાં), ૨૦૧૬માં ૧,૧૦૬ વિદેશીઓને ભારતીય નાગરિકતા અપાઈ. વર્ષ ૨૦૧૭માં ૮૧૭ તથા ૨૦૧૮માં ૬૨૮ તથા વર્ષ ૨૦૧૯માં ૯૮૭ વિદેશી નાગરિકોને ભારતીય નાગરિકતા અપાઈ હતી. છેલ્લા એકાદ દાયકામાં માત્ર ૨૧,૪૦૮ વિદેશીઓને ભારતીય નાગરિકતા અપાઈ હતી. આમાંના મોટા ભાગના શરણાર્થી કે વિદેશમાં ધાર્મિક કનડગતનો ભોગ બનેલા હતા. વર્ષ ૧૯૬૪થી ૨૦૦૮ દરમિયાન ૪.૬૧ લાખ ભારતીય મૂળના તમિળોને અને ૧૯૬૨થી ૧૯૭૮ દરમિયાન બર્મામાં વસતા ભારતીય મૂળના બે લાખ બર્મીઝ લોકોને ત્રાસને કારણે ભારત આવવું પડ્યું અને એમને નાગરિકતા અપાઈ હતી. હજુ તમિળનાડુમાં ૯૫,૦૦૦ શ્રીલંકન શરણાર્થીઓ નાગરિકતા ઝંખે છે. પાકિસ્તાન કે બાંગલાદેશ કે પછી અફઘાનિસ્તાનથી બહુ મોટી સંખ્યામાં ભારત ભાગી આવેલા લોકોને હજુ ભારતીય નાગરિકતા મળી નથી. જોકે કેન્દ્ર સરકારે ડિસેમ્બર ૨૦૧૯માં આપેલા આંકડાઓ મુજબ, વર્તમાન કેન્દ્ર સરકારે છ વર્ષમાં પાકિસ્તાન, બાંગલાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા ૪,૦૦૦ વિદેશીઓને નાગરિકતા આપી છે, જેમાં મુસ્લિમોનો પણ સમાવેશ છે. જોકે કેન્દ્ર સરકાર કહે છે કે ધાર્મિક યાદી રખાતી નથી. ભારતમાં બે કરોડ જેટલા બાંગલાદેશી ઘૂસણખોરો વસતા હોવાનું કોંગ્રેસના વડપણવાળી નરસિંહરાવ સરકાર કે ડૉ.મનમોહનસિંહ સરકારે જ નહીં, ભાજપના નેતાઓ અને વડાપ્રધાનો અટલ બિહારી વાજપેયી તથા નરેન્દ્ર મોદીની સરકારે સંસદમાં જણાવ્યું છે. છેલ્લે ૨૦૧૬માં મોદી સરકારના ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજીજુએ પણ દેશમાં બે કરોડ બાંગલાદેશી ઘૂસણખોરો હોવાનો આંકડો સંસદમાં આપ્યો હતો. આવા ઘૂસણખોરોને પાછા તગેડવા (ડિપોર્ટ) કરવાનો મુદ્દો ભાજપની નેતાગીરી જોરશોરથી ઉઠાવે છે, પરંતુ આવા ઘૂસણખોરોને પાછા તગેડવા અંગેનો એનો ટ્રેક રેકોર્ડ સાવ જ નબળો હોવાનું મોદી સરકારે જ ગૃહમાં રજૂ કરેલા  સત્તાવાર આંકડા સાબિત કરે છે. વર્તમાન કેન્દ્ર સરકારે માંડ ૩૦,૦૦૦ બાંગલાદેશી ઘૂસણખોરોને પાછા ધકેલ્યાનો આંકડો આપ્યો હતો. વળી, બાંગલાદેશની સરકારે તો હવે કહેવા માંડ્યું છે કે અમારા કોઈ નાગરિક ગેરકાયદે ભારતમાં રહેતા જ નથી. ડૉ.મનમોહનસિંહ સરકારે  વર્ષ ૨૦૦૯માં  ૧૦,૬૦૨ તથા ૨૦૧૦માં ૬,૨૯૦ અને વર્ષ ૨૦૧૧માં ૬,૭૬૧ બાંગલાદેશી ઘૂસણખોરોને પાછા તગેડ્યા હતા.

બેવડી નાગરિકતા અમાન્ય

બેવડી નાગરિકતાનો અમલ ભારત સરકાર કરતી નથી. તાજેતરમાં જ કેન્દ્રના ગૃહ રાજ્ય મંત્રી રાયે સંસદમાં  આ બાબતમાં સ્પષ્ટતા કરી હતી કે સરકાર ડ્યુઅલ સિટીઝનશિપ અંગે કોઈ દરખાસ્ત પર વિચારણા નથી કરી રહી.   એટલે કોઈ દેશના નાગરિકે  ભારતની નાગરિકતા લેવી હોય તો એણે અન્ય દેશની નાગરિકતા  છોડવી પડે. પાકિસ્તાની ગાયક અદનાન સામીએ ભારતીય નાગરિકતા લેવા માટે પોતાના દેશની નાગરિકતા છોડવી પડી હતી. કોંગ્રેસનાં અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી રાજીવ ગાંધીને પરણ્યાં ત્યારે એ ઇટાલિયન નાગરિકતા ધરાવતાં હતાં, પણ પાછળથી એમણે ભારતીય નાગરિકતા લેવા માટે ઇટાલિયન નાગરિકતા છોડવી પડી હતી. ભારતથી વિદેશમાં જઈને વસવાટ કરનારા ઘણા ભારતીય નાગરિકતા જાળવે છે. જેમકે હમણાં સ્વર્ગવાસી થયેલા અમેરિકામાં ફ્રેન્ડસ ઓફ ઓવરસીસ બીજેપીના સંસ્થાપક અધ્યક્ષ ડૉ. મુકુંદ મોદીએ પોતે ભારતીય નાગરિકતા જાળવી હતી, પણ એમનાં મૂળ ભારતીય એવાં પત્ની ડૉ.કોકિલા મોદી અમેરિકી નાગરિકતા ધરાવતાં હતાં. ગુજરાત સરકારનાં મહેમાન તરીકે એનઆરજી ભવનમાં તેમણે બંનેએ પોતાની અલગ નાગરિકતાની નોંધ રજિસ્ટરમાં કરી હતી. નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન વસે છે અમેરિકામાં, પણ ભારતીય નાગરિકતા ધરાવે છે. શિકાગો નિવાસી ટેકનોક્રેટ સેમ પિત્રોડાએ અમેરિકી નાગરિકતા છોડીને ભારતીય નાગરિકતા મેળવી હતી.

ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યૂઝીલેન્ડ  

ક્યારેક ગુનેગારોને બ્રિટિશ સત્તાવાળાઓ ઓસ્ટ્રેલિયા ભણી જહાજોમાં ભરીને પાઠવતા હતા. ગુનાખોર લોકોની આ ભોમકા આજે વિશ્વના સજ્જનોને મીઠો આવકારો આપે છે. એના એક વડાપ્રધાન કેવિન રૂડ તો પોતાના પૂર્વજ અહીં ગુનેગાર તરીકે પાઠવાયાના મુદ્દે ગર્વ લેતા રહ્યા છે. અત્યારે સુસંસ્કૃત ગણાતા ઓસ્ટ્રેલિયામાં પ્રજા ઓછી છે અને વર્ષ ૨૦૧૨માં રંગભેદી રમખાણો સર્જાયાના અપવાદને બાદ કરતાં શાંતિથી અને  સુખે જીવી શકાય એવી આ ભોમકા રોકાણને આવકારે છે. ઓસ્ટ્રેલિયામાં એસબીએસ રેડિયો સાથે જોડાયેલાં રહેલાં અને હવે મુક્ત પત્રકાર  હરિતા મહેતા કહે છે કે ભારતના લોકો માટે અહીંનું વાતાવરણ લગભગ ભારત જેવું હોવાને કારણે ફાવે તેવું છે, કામ કરવાની અને વિકાસ કરવાની મોકળાશ છે. શાંતિની જિંદગી છે. અહીં આવી વસનારાઓમાં  ભારતીયો ત્રીજા ક્રમે આવે છે. કચ્છના સાંસદ રહેલા ડૉ. મહીપતરાય મહેતાનાં પૌત્રી હરિતાનો અંદાજ છે કે ઓસ્ટ્રેલિયાની ૨૬,૩૭૮,૧૮૨  જેટલી કુલ વસ્તીમાં ૮ લાખ  જેટલા હિંદીભાષી ભારતીય મૂળના લોકો છે. ગુજરાતીઓની સંખ્યા ૮૧,૩૩૪ આસપાસ ગણી શકાય. એ કહે છે કે છેલ્લાં ત્રણ વર્ષથી લોકો ઓસ્ટ્રેલિયા કરતાં કેનેડા ભણી વધુ  વળ્યાનું લાગે છે. અહીં મુસ્લિમો અને હિંદુઓની વસ્તી ઓછી હોવા છતાં એમની વચ્ચે દુનિયાભરમાં જે વાતાવરણ છે એ ખટાશ અહીં પણ જરૂર જોવા મળે છે. મહદઅંશે ખ્રિસ્તી વસ્તી ધરાવતા ઓસ્ટ્રેલિયાની વસ્તીમાં ધર્મ ભણી ઉદાસીનતા એની વસ્તી ગણતરીમાં ઝગારા મારે છે.

અમેરિકામાં શિફ્ટ થવાનું આકર્ષણ

ભારતમાંથી વિદેશ ભણવા કે કમાવા જવાનું આકર્ષણ તો ઘણીવાર ગેરકાયદે વિદેશ જઈને વસવાટ કરવાનું નિમિત્ત પણ બને છે. અમેરિકામાં વસતાં લગભગ અડધોઅડધ ભારતીય ગેરકાયદે એ દેશમાં ઘૂસ્યા કે વસતાં હોવાનો અંદાજ છે. જોકે ભારતીય નાગરિકતા છોડીને સાડા ત્રણ કરોડ રૂપિયાથી લઈને સાત કરોડ રૂપિયાનું રોકાણ ઓસ્ટ્રેલિયામાં વેપારધંધામાં તબક્કાવાર કરવા ઈચ્છુકોને તો ઓસ્ટ્રેલિયા આવકારે છે. સુરતના કાપડના મોટા વેપારધંધાને બંધ કરીને કે ભાવનગરના ૧૭ ટોચના ડોકટરો અહીં કોર્પોરેટ હોસ્પિટલો ધરાવતા હોવા છતાં તેમના દીકરા કે દીકરી બધાં વિદેશમાં જ સ્થાયી થવાનું પસંદ કરતાં હોય તો આપણી રાજકીય શાસન વ્યવસ્થામાં કંઈક ગડબડ હોવાનું લાગ્યા વિના રહેતું નથી. ઓસ્ટ્રેલિયા કે કેનેડા જનારા ભારતીયો અંતે તો અમેરિકા ભણી મીટ માંડીને બેઠા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. જોકે ભારતીયો નાગરિકતા છોડીને અને પોતાના કરોડો રૂપિયા સાથે વિદેશમાં જઈને રોકાણ કરીને વિદેશી નાગરિકતા મેળવવા ઉત્સુક હોય ત્યારે એની સમીક્ષા સત્વરે થવી ઘટે.

ઈ-મેઈલ: haridesai@gmail.com    (લખ્યા તારીખ: ૨૬ જૂન,૨૦૨૩)   

 

Wednesday 14 June 2023

Campaign against Indian PM on Foreign Land by Rahul Gandhi and Jansangh-BJP Leaders

                   વિદેશમાં મોદીની ટીકા ભારતદ્રોહ તો ઇન્દિરા સામેની જનસંઘી લડત?

અતીતથી આજ :ડૉ.હરિ દેસાઈ

·         રાહુલ ગાંધીનાં યુકે કે યુએસએમાં તાજાં ઉચ્ચારણોથી ભાજપને અકળામણ

·         ઈમરજન્સીમાં બ્રિટનમાં ડૉ.સ્વામી અને મકરંદ દેસાઈએ ઝુંબેશ ચલાવીતી

·         મુસ્લિમવિરોધી પત્રિકાઓ અને સંદેશાઓ સામે ચૂંટણી પંચ સાવ મૂકપ્રેક્ષક

Dr.Hari Desai writes weekly column for Gujarat Guardian Daily(Surat) and Sardar Gurjari Daily(Anand).

આજે ૧૨ જૂને જયારે અમે કટાર લખી રહ્યા છીએ ત્યારે રાષ્ટ્રનાયક સરદાર પટેલના નામની માળા જપવાનું રાજકારણ ખેલાનારાઓમાંના મોટા ભાગના પણ વિસરી ગયા છે કે ૧૨ જૂન ૧૯૨૮ના  બારડોલી સત્યાગ્રહનો નિર્ણાયક દિવસબારડોલી દિવસછે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અનન્ય સાથી બેરિસ્ટર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપવાનું નિમિત્ત બન્યો હતો આ સત્યાગ્રહ. એ લડતે બ્રિટિશ શાસનને પણ ખેડૂતોની ન્યાયી માંગણીઓ સ્વીકારવાની ફરજ પાડી હતી. સત્તારોહણ માટે કોઈપણ સીડી કામ આવે એનો ઉપયોગ કરીને ભૂલી જવાનો જમાનો છે. જે લોકો અતીતના સહારે રાજકારણ ખેલતા રહ્યા છે એમને તો બરાબર લાગુ પડે છે.આજકાલ દેશ અને વિદેશમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એમ.ફિલ. થયેલા ભારતીય લોકસભાના “ડિસક્વોલિફાઈડ” એમ.પી. રાહુલ ગાંધીની ખૂબ ચર્ચા છે. એમનાં નિવેદનો અને વ્યક્તિગત જીવન તેમ જ એમણે ના કરેલાં નિવેદનો પણ વોટ્સએપ યુનિવર્સિટીમાં ખૂબ ચગાવવામાં આવે છે. સત્તારૂઢ ભાજપના નેતાઓને રાહુલવિરોધી નિવેદનો કરવા માટે સરપાવ મળતો હોય એવો માહોલ હોવાને કારણે એ મુદ્દે જાણે કે રીતસર સ્પર્ધા કે ચડસાચડસી ચાલી રહી છે. રાહુલને એમની યુનિવર્સિટી કેમ્બ્રિજમાં ભાષણ કરવા માટે બોલાવ્યા ત્યારથી લઈને હમણાં અમેરિકી યુનિવર્સિટી સ્ટેનફર્ડમાં વ્યાખ્યાન આપવા માટે તેડાવ્યા ત્યારે તેમણે કરેલાં અને નહીં કરેલાં નિવેદનોને વિકૃત કરીને જૂઠાણાં ફેલાવનારી પેલી વોટ્સએપ યુનિવર્સિટીમાં ખૂબ ચલાવાતાં રહ્યાં. હિમાચલ પ્રદેશ પછી કર્ણાટકમાં  ભાજપ કનેથી કોંગ્રેસે સત્તા છીનવી લીધી અને હવે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પણ કોંગ્રેસ ફરી સત્તામાં આવે તો લોકસભાની ચૂંટણીમાં ભાજપની શી વલે થાય એનો સન્નિપાત એની નેતાગીરીમાં વર્તાય છે. રાહુલ બધાનું ટાર્ગેટ છે. રાહુલનો પિતરાઈ ફિરોઝવરુણ ગાંધી ભાજપનો સાંસદ છે છતાં એ પરિવારવાદમાં ના ગણાય,પણ રાહુલ ગાંધી પરિવારવાદનું પ્રમાણ લેખવામાં આવે એવાં ભાજપી ગણિત મંડાય છે. સદગત વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીના આ બંને પૌત્રોમાં ફિરોઝવરુણ  હિંદુ લેખાય અને રાહુલને મુસ્લિમ કે ખ્રિસ્તી ગણાવવામાં આવે ત્યારે બુદ્ધિનું દેવાળું કાઢવામાં આવતું હોય એવું વર્તાય છે. ઓછામાં પૂરું, દેશ-વિદેશમાં જૂઠાણાં ફેલાવનારી પેલી વોટ્સએપ યુનિવર્સિટી ભારતના મુસ્લિમો વિરુદ્ધ અને રાહુલને મુસ્લિમ ગણાવવા સહિતનો અપપ્રચાર કરે છે છતાં કમ સે કમ ભારતમાં સરકાર કે  ચૂંટણી પંચ ભાગ્યેજ કોઈ પગલાં લે છે.  

મોદીની ટીકા ના થાય !

ભાજપની નેતાગીરી અને ભાજપીસેનાને એવું પઢાવવામાં આવતું લાગે છે કે વિદેશની ધરતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા એ ભારત વિરુદ્ધનું કૃત્ય ગણાય. મોદી તો અવતારી પુરુષ અને એમની સરકારની ટીકા તે વળી થતી હશે? હકીકતમાં દેશની સુપ્રીમ કોર્ટ વડાપ્રધાન કે તેમની સરકારની ટીકાને દેશદ્રોહ માનતી નથી. ભક્તો તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને પણ ટ્રોલ કરવામાં પાછા પડતા નથી. જયારે મોદી સરકારના કાયદામંત્રી પણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો વિશે અણછાજતી ટિપ્પણો કરતા હોય ત્યારે એમના કાર્યકરોને તો વારે જ કોણ? સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચેના શીતયુદ્ધને શાંત પાડવા માટે મોદીએ કાયદામંત્રી બદલી નાંખવા પડ્યા. આમ છતાં, અવતારી પુરુષ લેખતા મહાનુભાવનો કરિશ્મા કર્ણાટકમાં ઓસરી ગયો અને રાહુલ ગાંધીની પદયાત્રા ફળી એ પછી તો ઘણાને સ્વપ્નમાં પણ રાહુલ જ ડોકાયા કરે છે. કોંગ્રેસના નેતાઓને તોડીને ભાજપમાં લાવવાનું ઓપરેશન લોટસ હવે ઉલટી દિશા પકડી રહ્યું છે. ભાજપના સંઘનિષ્ઠ નેતાઓ કોંગ્રેસમાં જોડાવા માંડ્યા છે. એટલે સન્નિપાત વધવો સ્વાભાવિક છે. અપવાદ ગુજરાત જ છે. કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ તો મોદીને ભારત ગણાવવા માંડ્યા છે ત્યારે કોંગ્રેસના ઇન્દિરાયુગના અધ્યક્ષ દેવકાંત બરુઆનું સ્મરણ થવું સ્વાભાવિક છે. બરુઆએ “ઇન્દિરા ઈઝ ઇન્ડિયા એન્ડ ઇન્ડિયા ઈઝ ઇન્દિરા”નો રાગ આલાપવાનો ચાલુ કર્યો ત્યારે કોંગ્રેસ અને ઇન્દિરા બંનેનો પરાજય થયો હતો ! જે ઈમરજન્સી અંગે મોદી છાસવારે કોંગ્રેસ અને ઇન્દિરા ગાંધીની ટીકા કરે છે એ જ માર્ગે એ પોતે આગળ વધી રહ્યાનું તો સદગત ભાજપી નેતા અને મોદીના પુરોગામી મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ કહેતા રહ્યા હતા. એમણે મોદીના શાસનમાં “અઘોષિત ઈમરજન્સી” જેવો શબ્દપ્રયોગ કર્યો હતો.

ઈમરજન્સીમાં સંઘ-જનસંઘ

વિદેશની ધરતી પર કોંગ્રેસી શાસનની ટીકા કરવાનું સૌભાગ્ય તો વર્તમાન વડાપ્રધાન મોદીને, કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીને વિદેશી ધરતી પર ભાજપી શાસનની ટીકા કરવાનો અવસર મળ્યો, એ પહેલાં મળેલું છે. મોદી કદાચ એ વિસરી જતા હશે કે ઈમર્જન્સીમાં એમની ભૂમિકા જનસંઘના સાંસદ ડૉ.સુબ્રમણિયન સ્વામીને એરપોર્ટ પર તેડવા જવા અને ભાવનગર કોઈકને મળવા લઇ જવાની સેવા બજાવવા જેવી હોવાનું ડૉ.સ્વામી પણ નોંધતા રહ્યા છે. ડૉ.સ્વામી એ વેળા ઈમરજન્સી વિરોધી ચળવળના વરિષ્ઠ પ્રચારક માધવરાવ મૂળેપ્રેરિત કામગીરીના હીરો હતા. દેશમાં અને વિદેશમાં ઇન્દિરા ગાંધીના એ ૧૯૭૫-૭૭ના ઈમરજન્સી કાળ સામેના જંગમાં એ અગ્રણી ભૂમિકા નિભાવનાર હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઈમર્જન્સીમાં ભૂમિકા અંગે વર્ષ ૨૦૦૦માં ડૉ.સ્વામીએ ચેન્નઈના “ધ હિંદુ”અને “ફ્રન્ટલાઈન”માં થોડા વિવાદાસ્પદ લેખો પણ લખ્યા હતા, પરંતુ એ વેળા એ ભાજપમાં નહોતા. અત્યારે એ ભાજપમાં છે છતાં મોદી શાસનના ટીકાકાર રહ્યા છે. ઘણા કહે છે કે મોદીએ એમને મંત્રી ના બનાવ્યા એટલે એ નારાજ છે, પરંતુ ડૉ.સ્વામી તો અગાઉ બબ્બે વાર કેન્દ્રમાં મંત્રી કે મંત્રી સમકક્ષ હોદ્દે રહી ચૂક્યા છે. સંઘની  ઈમર્જન્સીમાં ભૂમિકા અંગે સંઘનિષ્ઠ પ્રકાશનગૃહ સુરુચિ પ્રકાશને ૧૯૯૦માં ૭૦૦ પાનાંનો હિંદીમાં એક દળદારગ્રંથ “આપતકાલીન સંઘર્ષ-ગાથા” (સંપાદક: પ્ર.ગ.સહસ્રબુદ્ધે, માણિકચન્દ્ર વાજપેયી) પ્રકાશિત કર્યો હતો. આ ગ્રંથમાં ડૉ.સ્વામી તથા ગુજરાતના મકરંદ દેસાઈ સહિતના સંઘ-જનસંઘના કાર્યકરો-નેતાઓ અને સંઘના પ્રચારકોએ વિદેશની ધરતી પર ઇન્દિરા ગાંધીના તાનાશાહી શાસન સામે લડત ચલાવ્યાનું એક અલાયદું પ્રકરણ છે. એમાં ડૉ.સ્વામીનાં જન્મે પારસી પત્ની રોક્સાના (રક્ષણા) સ્વામી પણ વિદેશની ધરતી પરની આ લડતમાં સક્રિય હોવાની વાત વિગતે રજૂ થઈ છે. ડૉ.સ્વામી એ વેળા રાજ્યસભામાં જનસંઘના સભ્ય હતા અને નાટકીય રીતે એ પ્રગટીને અલોપ થઈ ગયાની રસપ્રદ કહાણી પણ એમાં છે. ગુજરાત સહિતના જે આગેવાનો ઈમરજન્સી સામે દેશમાં પણ લડત ચલાવતા રહ્યા અને ભૂગર્ભમાં પણ લડત ચલાવનારા હતા એની નામાવલિ અને નોંધો એમાં છે. ઈમરજન્સી વિરુદ્ધ  મોટી ભૂમિકા ભજવ્યાના દાવા કરનારા કેટલાકનાં નામ એમાં ભાગ્યે જ જોવા મળે છે. સંઘ-જનસંઘ-ભાજપ માટે આ ગ્રંથ અધિકૃત ગણાય. એનો અર્થ એ થયો કે સંઘ-જનસંઘ-ભાજપના નેતાઓ વિદેશની ધરતી પર ભારત સરકારની ટીકા કરે તો એ રાષ્ટ્રપ્રેમ અને કોંગ્રેસના નેતાઓ એવું કરે તો એ ભારતદ્રોહ. વાહ રે, કેવાં બેવડાં ધોરણ!

-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૧૨ જૂન,૨૦૨૩)